ઈન્ડિયા: એશિયાઝ ડેડલીએસ્ટ કન્ટ્રી ફોર મીડિયા!

પૉઈન્ટ બ્લૅન્ક

આજે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે. આ નિમિત્તે જાણીએ કે પત્રકારોની સલામતીની દ્રષ્ટિએ ભારત કયા સ્થાન પર છે?  

બીબીસીના રિપોર્ટ પ્રમાણે 2018માં દુનિયામાં કુલ 95 પત્રકારોના મર્ડર થયા, એમાંથી 5 ભારતના હતા! પત્રકારોની સલામતીની દૃષ્ટિએ 2018માં ભારત 138મા નંબર પર હતું, પાકિસ્તાન કરતા માત્ર એક નંબર ઉપર!

 

તમને એમ કહેવાય કે એશિયામાં પત્રકારો માટે સૌથી જોખમી દેશ ભારત છે, તો એ વાત નવાઈજનક લાગે અને વધુ ફોડ પાડીને કહેવાય કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતમાં પત્રકારો પર વધુ ખતરો છે, તો આશ્ચર્ય સાથે આંચકો લાગે. ભારતમાં પણ બિહાર અને ઉત્તર પ્રદેશ પત્રકારો માટે સૌથી વધુ જોખમી રાજ્યો છે. 2018માં વિશ્વભરમાં કુલ 95 પત્રકારોની હત્યા થઈ હતી એ પૈકી પાંચ પત્રકારો ભારતના હતા!

આપણે છેલ્લા ચાર વર્ષના આંકડાઓ જોઈએ. 2015માં ‘રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ’ના વાર્ષિક અહેવાલમાં ભારતને એશિયાઝ ડેડલીએસ્ટ કન્ટ્રી ફોર મીડિયા તરીકે ગણાવાયું હતું. 2015માં પત્રકારોની હત્યાને મુદ્દે ભારત દુનિયાભરમાં ત્રીજા ક્રમ પર હતું. જ્યાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ ખોફ ફેલાવી રહ્યું હતું એવા ઈરાક અને સીરિયા પત્રકારોની હત્યાને મુદ્દે ભારતથી આગળના ક્રમે હતા. (પત્રકારોની હત્યાને મુદ્દે દુનિયાના અગ્રક્રમના અન્ય દેશોમાં ફ્રાન્સ, યમન, મેક્સિકો, સુદાન, ફિલિપાઇન્સ અને હોન્ડુરાસ હતા.

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2017માં 180 દેશોની યાદીમાં આશ્ચર્યજનક (અને વધુ તો આઘાતજનક રીતે) સલામતીની દૃષ્ટિએ ભારત 136મા નંબર પર હતું. 2016માં યાદીમાં ભારત 133મા નંબર પર હતું, પાકિસ્તાન 139મા નંબર પર હતું, શ્રીલંકા 141મા નંબર પર હતું, અફઘાનિસ્તાન 120મા નંબર પર હતું, બાંગ્લાદેશ 146મા નંબર પર હતું, નેપાળ 100મા નંબર પર હતું, ભૂતાન 84મા નંબર પર હતું અને ચીન 176મા નંબર પર હતું. યાદીમાં સૌથી છેલ્લા ત્રણ ક્રમ પર નોર્થ કોરિયા, એરિટ્રિયા અને તુર્કમેનિસ્તાન છે જ્યારે પ્રથમ ત્રણ ક્રમ પર નોર્વે, સ્વિડન અને ફિનલેન્ડ છે. આપણે ક્રમમાં ઉપર આવવાનું હોય એને બદલે આપણે નીચલા ક્રમે ધકેલાયા છીએ. (કમિટી ટુ પ્રોટેક્ટ જર્નલિસ્ટ્સ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ પ્રમાણે 1992થી અત્યાર સુધીમાં ભારતમાં કેટલાય પત્રકારોની હત્યા થઈ છે.)

આંકડાઓ બાજુએ મૂકીને આપણે થોડા કિસ્સાઓની વાત કરીએ. કોઈ પત્રકાર કોઈની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગે ત્યારે આંખમાંથી કણો કાઢવા જેટલી સહજતાથી તેનું ખૂન કરવાનો આદેશ છોડાતો હોય છે. 13 મે, 2016ના દિવસે ‘હિન્દુસ્તાન’ દૈનિકના પત્રકાર રાજદેવ રંજનની બિહારના સિવાન શહેરમાં ક્લોઝ રેન્જથી ગોળીઓ મારીને હત્યા કરાઈ હતી. મર્ડર કેસમાં પોલીસ-ગોળ ગોળ ફરતી હતી. પોલીસની ખોરી દાનત હતી મીડિયાને સમજાતું હતું એટલે મીડિયાએ દબાણ કર્યું. નાછૂટકે બિહાર સરકારે સીબીઆઈને મામલો સોંપવો પડ્યો.

પત્રકાર રાજદેવ રંજનની પત્ની આશાદેવીએ સીબીઆઈના અધિકારીઓને કહ્યું કે, મારા પતિને લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રિય જનતાદળ પક્ષના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય મોહમ્મદ શાહબુદ્દીને ધમકી આપી હતી. મારા પતિએ તેના શાર્પ શૂટર ચવન્ની સિંઘ વિરુદ્ધ લખ્યું હતું ત્યારે ચવન્ની સિંઘે પણ મારા પતિના અખબારની ઓફિસ સળગાવી દેવાની અને મારા પતિને મારી નાખવાની ધમકી આપી હતી. પછી મારા પતિએ મને કહ્યું હતું કે મોહમ્મદ શાહબુદ્દીને 23 વ્યક્તિઓનાં ખૂન કરવા માટે હિટ લિસ્ટ બનાવ્યું છે. એમાં મારું સાતમું નામ છે. લિસ્ટમાંથી આગળના માણસોનાં ખૂન થઈ ગયાં પછી પણ તેણે મને કહ્યું હતું કે આટલા માણસોનાં ખૂન થઈ ગયાં છે. શાહબુદ્દીને લિસ્ટ બનાવ્યું હતું અને લિસ્ટમાં મારા પતિનું નામ હતું પોલીસને પણ ખબર હતી.
રાજદેવ રંજન મર્ડર કેસમાં સીબીઆઈએ પાંચ કોન્ટ્રેક્ટ કિલર્સની ધરપકડ કરી હતી.

બિહારની જેમ ઉત્તરપ્રદેશ પણ પત્રકારો માટે બહુ જોખમી રાજ્ય છે. 13 ફેબ્રુઆરી, 2016ના દિવસે મોડી બપોરે ‘જનસંદેશ ટાઇમ્સ’ દૈનિકના બ્યૂરો ચીફ કરુણ મિશ્રા સુલતાનપુરમાં તેમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ત્રણ મોટરસાઇકલે આંતરી. મોટરસાઇકલસવારોએ તેમને ગોળીઓ મારીને તેમની હત્યા કરી નાખી. કરુણ મિશ્રાની હત્યાને કારણે ઊહાપોહ થયો એટલે ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જાવેદ અહમદને કેસની તપાસ માટે સ્પેશિયલ ટીમ્સ બનાવવાનો આદેશ આપવો પડ્યો.

ઉપરથી આદેશ આવ્યો એટલે પોલીસે ઝડપથી કેસ સોલ્વ કરીને હત્યારાઓને પકડી પાડ્યા. વખતે ખબર પડી કે હત્યારાઓને માઇનિંગ માફિયાઓએ કરુણ મિશ્રાની સુપારી આપી હતી. રાહુલસિંઘ અને પવનસિંઘ નામના માઇનિંગ માફિયા ઇલિગલ માઇનિંગ કરતા હતા. તેમની ગેરકાનૂની ખનન પ્રવૃત્તિ વિશે કરુણ મિશ્રા અવારનવાર અહેવાલો પ્રસિદ્ધ કરતા હતા એટલે રાહુલસિંઘ અને પવનસિંઘે મિશ્રાની સુપારી આપી દીધી હતી.
ઇલિગલ માઇનિંગ માફિયા સામે પડીને મધ્યપ્રદેશના પત્રકાર સંદીપ કોઠારીએ પણ બહુ આકરી કિંમત ચૂકવવી પડી હતી. ‘નઈ દુનિયા’ માટે રિપોર્ટિંગ કરનારા ફ્રીલાન્સ પત્રકાર સંદીપ કોઠારીના પિતા કરિયાણાના વેપારી છે. સંદીપે પહેલાં તેના ભાઈની સાથે ધંધો શરૂ કર્યો હતો, પણ પછી તેને પત્રકારત્વમાં રસ પડ્યો. તેણે પહેલાં ‘દેશબંધુ’ અને પછી ‘નઈ દુનિયા’માં નોકરી કરી અને ત્યારબાદ ફ્રીલાન્સિંગ શરૂ કર્યું. તેણે રેતી માફિયાઓ વિરુદ્ધ અહેવાલો લખવા માંડ્યા અને બીજી બાજુ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે પણ તે સક્રિય થયો. તેને પાઠ ભણાવવા માટે રેતી માફિયાઓએ તેની વિરુદ્ધ બકરાંઓની ચોરીથી માંડીને રેપ સુધીની ખોટી ફરિયાદો નોંધાવી. એવી અગિયાર ફરિયાદોમાં ક્યારેક તેની ધરપકડ પણ થઈ. જોકે, કોઈ કેસમાં તે ગુનેગાર સાબિત થયો. અનેક ખોટી ફરિયાદો છતાં સંદીપ ડર્યો નહીં ત્યારે તેને રેતી માફિયાઓએ ધમકી આપી. સંદીપે પોલીસને ફરિયાદ કરી કે મારા જીવને ખતરો છે, પણ પોલીસે તેની ફરિયાદને ગંભીરતાથી લીધી નહીં. 21 જૂન, 2015ના દિવસે સંદીપ એક મિત્રની સાથે મોટરસાઇકલ પર મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના ઉમરી ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા હુમલાખોરોએ તેની મોટરસાઇકલને ટક્કર મારી, બંને નીચે પછડાયા. સંદીપનો મિત્ર તો જીવ બચાવીને ભાગી છૂટ્યો, પણ હુમલાખોરોએ સંદીપને પકડી પાડ્યો. સંદીપનો દોસ્ત નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યો. તેણે ફરિયાદ કરી, પણ પોલીસ તરફથી ઠંડો રિસ્પોન્સ મળ્યો. તરફ હુમલાખોરોએ સંદીપ કોઠારીને જીવતો સળગાવી દીધો!

4 મે, 2015ના દિવસે ઉત્તરપ્રદેશની એક આંગણવાડી વર્કરે કોર્ટને કહ્યું કે ઉત્તરપ્રદેશના મિનિસ્ટર રામ મૂર્તિસિંઘ વર્મા અને તેના કેટલાક માણસોએ મારા પર બળાત્કાર કર્યો છે, પણ પોલીસ મારી ફરિયાદ લેવાની ના પાડે છે. બીજા બધા પત્રકારોએ સમાચાર દબાવી દીધા, પણ જગેન્દ્રસિંઘ નામના પત્રકારે તેના ફેસબુક પેજ પર સમાચાર પોસ્ટ કર્યા. તેણે 22 મેના દિવસે પોસ્ટ મૂકી અને પહેલી જૂને પોલીસ કર્મચારીઓ અને ગુંડાઓનું ટોળું તેના ઘરે ધસી ગયું. પોલીસવાળાઓએ અને ગુંડાઓએ તેના પર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવી દીધો.
છેલ્લે એક યુનિક કિસ્સા સાથે લેખ પૂરો કરીએ. 6 ડિસેમ્બર, 2013ના દિવસે છત્તીસગઢના બિજાપુર જિલ્લાના બાસાગુડામાં પત્રકાર સાઈ રેડ્ડીની હત્યા થઈ હતી. તેની હત્યાના થોડા સમય અગાઉ પોલીસે સાઈ રડ્ડીની ધરપકડ કરી હતી, કારણ કે પોલીસને શંકા હતી કે તે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવે છે અને તેની હત્યા કોણે કરી? માઓવાદીઓએ! શા માટે? કારણ કે તેમને શંકા હતી કે તે પોલીસ સાથે મળીને માઓવાદીઓને ખતમ કરવાની કોશિશ કરે છે!

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.