અજિતા ઈટાલિયાની સપનાંથી સ્પિતિ વેલી સુધીની સફર…

By ઉમા પરમાર

સ્ત્રી સામાન્ય પરિવારમાં જીવતી હોય કે રાજમહેલમાં મહાલતી હોય, પરંતુ તેના માટે સપનાં જોવાનું અને એ સપનાં સાકાર કરવાનું હંમેશાં મુશ્કેલ હોય છે. કારણ કે તેની ચાહત અને સગવડ હોવા છતાં તેની જવાબદારીઓ તેને દર વખતે દરેક કામ કરવાની પરવાનગી નથી આપતી. આ કારણે જ કેટલીય વાર એવી સ્થિતિ સર્જાય છે કે સ્ત્રીએ ક્યાં તો પરિવારની પસંદગી કરવી પડે અથવા પોતાનાં પૅશનની. પરંતુ કેટલીક મહિલાઓ એવી હોય કે પોતાના પરિવારની જવાબદારી પણ બખૂબી નિભાવે અને પોતાની પૅશનને વળગી રહીને પોતાના સપનાં પણ પૂરાં કરે. એવું જ એક નામ છે સુરતનાં અજિતા ઈટાલિયા, જેમણે માતા બન્યાં પછી હોટેલ મૅનેજમેન્ટનો કોર્સ કર્યો, ફૅશન ડિઝાઈનિંગ કર્યું, પોતાનું બુટિક શરૂ કર્યું અને સ્પિતિ વેલીમાં સાયકલિંગ પણ કર્યું. મૂળ ભાવનગરના પણ સુરત સ્થાયી થયેલા સફળ ઉદ્યોગપતિ અરવિંદ તેજાણીના દીકરી અજિતા વિશે આમ કોઈ એવું ધારી શકે કે લાડકોડ અને સમુદ્ધિ વચ્ચે અજિતાનું જીવન સરળ રહ્યું હશે પરંતુ તેમના જીવન અને તેમના પૅશનની કૉકટેલ વિશે જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે.

મારી ઇચ્છાનું આકાશ

હું મારા મમ્મી-પપ્પાનું એકમાત્ર સંતાન અને એ પણ દીકરી એટલે મારી જવાબદારીઓ અને સંઘર્ષ પહેલેથી જ વધારે. હું સમજણી થઈ ત્યારથી મારે મારી આગવી ઓળખ બનાવવી હતી. આમ તો નાનપણથી મને અવનવું કરવાની ઇચ્છા હતી. મારે સ્કેટિંગમાં કંઈક કરવું હતું તો ભારત નાટ્યમ અને ગરબામાં પણ કંઈક કરવું હતું. આ ઉપરાંત ફૅશન ડિઝાઈનિંગ અને પૅઇન્ટિંગ્સ પણ મારા રસના વિષયો રહ્યા છે. પરંતુ હું આમાંનું કશું જ ન કરી શકી. એટલે કે કોઈ એક જ ક્ષેત્રમાં વધુ ઊંડી ન ઉતરી શકી. અમે મુંબઈ રહેતા ત્યારે હું ભારતનાટ્યમ શીખતી હતી, પણ સુરત આવી ગયા પછી એ છૂટી ગયું. ત્યારે મારે મમ્મીને કહેવું હતું, ‘મમ્મી અહીં ફરીથી ક્લાસ જોઈન ન કરી શકાય?’ પણ, હું ન કહી શકી અને મમ્મીને પણ ન યાદ આવ્યું. એટલે મારી એ ઇચ્છા ત્યારે જ ધરબાઈ ગઈ.

એક સારા પૅઇન્ટર બનીને મારા પૅઇન્ટિંગ્સને એક અલગ ફલક પર લઈ જવાનું સપનું પણ મેં જોયેલું. પરંતુ, પછી સમજાયું કે બધાં સપના સાચાં થવા માટે નથી હોતા. વળી, મમ્મી-પપ્પાએ છોકરો જોઈને મને પરણાવી દેવાનું વિચાર્યું ત્યારે ખબર પડી કે મારી જિંદગીની જે ડિઝાઇન મેં બનાવી હતી એમાં આવો, અઢાર વર્ષે લગ્નનો પડાવ તો આવતો જ નહોતો! પણ મમ્મી-પપ્પાની વાત માનીને મેં જગદીશ સાથે લગ્ન કરી લીધાં. સપનાં મુજબ તો મારે કશુંક બનવું હતું, પરંતુ હું બની ગઈ ગૃહિણી.

ગૃહિણી બન્યા પછી…  

એક વાર તમે ગૃહસ્થી વસાવો પછી બીજું કંઈ કરવા માટે સમય જ ક્યાં બચે છે? શરૂ-શરૂમાં સમય ઝડપથી પસાર થાય, જાણે એને પાંખો ન લાગી હોય! પણ પછી સંતાનોનો જન્મ થાય ત્યારે તેમનો ઉછેર અને ઘર સંભાળવા જેવી બાબતોમાંથી તમે તમારા માટે સમય જ નથી કાઢી શકતાં. બારમા ધોરણના અભ્યાસ પછી મારે કમર્શિયલ આર્ટ લેવું હતું, છતાં ન લઈ શકી અને લગ્નને કારણે અભ્યાસ છોડી દેવો પડ્યો. ગમતું કામ ન કરવા મળ્યું એની સાથે ન ગમતી પળોની યાદી પણ લંબાતી ગઈ, પરંતુ હું ક્યારેય ફરિયાદ કરતા શીખી જ નથી. વળી, એની સામે વગર માગ્યે ઘણી ગમતી સરપ્રાઈઝિસ પણ જિંદગી મને આપી રહી હતી.

પપ્પાની પહેલેથી એવી ઇચ્છા હતી કે હું હોટેલ મૅનેજમેન્ટ કરું એટલે બે બાળકોના જન્મ પછી મેં એ કોર્સ પણ કર્યો. એ શીખવા જતી ત્યારે બન્ને બાળકો નાના હતાં અને મને ભણવાનું છોડ્યાને અગિયાર વર્ષ થઈ ગયા હતા.મને સહેજ સંકોચ થયેલો કે મારા જેવું ત્યાં કોઈ નહીં હોય. બધાને ત્યાં કેવું લાગશે? પણ,ત્યાં મારા જેવા બીજા પણ લોકો પણ હતા, જેમને જોઈને મારો આત્મવિશ્વાસ વધ્યો કે જીવનમાં કંઈક કરવું હોય તો એના માટે ઉંમરનું બહાનું ન કઢાય. કારણ કે ઉંમર ક્યારેય એમાં બાધારૂપ નથી બનતી. કોર્સ જરા જુદા પ્રકારનો હતો એટલે શરૂ શરૂમાં બધું સમજતા વાર લાગતી, પરંતુ પછી હું એમાં ગોઠવાવા માંડી. આ અભ્યાસને કારણે જ વધુ ન ભણી શકી એવો મારો જે ચચરાટ હતો એ પણ દૂર થયો. મને થયું કે સ્ત્રી પરણીને મા બને એટલે પોતે જ પોતાના વિશ્વને નાનું કરી દે છે. તેના માટે તેનો પતિ અને તેના બાળકો જ જાણે વિશ્વ બની જાય. પણ હું ખુશ છું કે મારો ફરી બહારની દુનિયા સાથે નાતો બંધાયો.

મારી પ્રેરણા

કહેવાય છે ને કે ‘ધેર ઈઝ અ વુમન બિહાઈન્ડ એવરી સકસેસફુલ મેન.’ એ જ રીતે મારા જીવનમાં પણ બે પુરુષો મહત્ત્વના રહ્યા છે. મારા પપ્પા અને મારા હસબન્ડ. જેમના વિના હું કંઈ જન કરી શકી હોત. તે બન્ને જ મારી સૌથી મોટી પ્રેરણા છે. તો સંતાનો આવ્યા પછી તેઓ પણ મને ઈન્સ્પાયર કરતા રહે છે. આ ઉપરાંત તમારી આસપાસના લોકો પણ તમને ક્યારેક અજાણતાં જ કંઈ કરી જવાની પ્રેરણા આપતાં હોય છે, જેની તમને પછીથી ખબર પડતી હોય છે.

એક વખત ‘રીઅલ’ ચેનલ પર નવો શો ‘સરકાર કી દુનિયા’ લૉન્ચ થવાનો હતો, એ શોમાં મારા પતિ જગદીશને તેમણે ભાગ લેવા આમંત્રણ આપ્યું. જગદીશે ચાર મહિના ત્યાં રહેવાનું હતું. એ પણ કોઈનાય સંપર્ક વિના. તે ગયા. મને એકલી મૂકીને. મને તેમના વિના ગમતું નહોતું. કે ન તો મારો સમય વીતતો હતો. થોડો સમય એમ જ સમય પસાર કર્યા પછી મેં એક નિર્ણય લીધો. વર્ષો પહેલાં મારે જે કરવું હતું અને સંજોગોને કારણે ન કરી શકી એ ફૅશન ડિઝાઈનિંગ શરૂ કર્યું. તમને માનશો નહીં, પરંતુ એ કામ કરતી વખતે મને જે આનંદ થયો એ અવર્ણનીય છે. આ તો ઠીક એ દરમિયાન એક ઍક્ઝિબિશન પણ કર્યું. સાવ નવો અને અનોખો અનુભવ! ત્યારે મને સમજાયું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ન નીકળવાની આપણી જીદ અથવા વૃત્તિને કારણે આપણે જીવનમાં અનેક અવનવા સાહસો અને અનુભવોથી દૂર રહીએ છીએ.

સ્પિતિ વેલી : જીવનનો એક નવો પડાવ

તમે જ્યારે એક સફળ માણસના સંતાન તરીકે જન્મ લો છો ત્યારે સહજપણે તમારા તરફની લોકોની અપેક્ષાઓ વધી જતી હોય છે. અનુ તેજાણીની એકમાત્ર દીકરી હોવું એટલે મારા માટે પણ કંઈક એવી જ સ્થિતિ હતી. મારા પપ્પાએ મને ક્યારેય શાબાશી આપી નથી. તેમને મારા પર પ્રાઉડ ખરું, પણ ક્યારેય સ્પષ્ટ શબ્દોમાં તેમની લાગણી વ્યક્ત ન કરે. એટલે જ મનમાં એક ઇચ્છા વર્ષોથી ધરબાયેલી કે પપ્પાને ખૂબ પ્રાઉડ થાય એવું કંઈક કરું. ફક્ત પપ્પા જ શું કામ? મારી મમ્મી અને મને ઓળખતાં તમામ લોકોને ગર્વ થાય એવું મારે કરવું હતું. જોકે મારે શું કરવું હતું એ કંઈ નક્કી નહોતું. પરંતુ મારા જીવનમાં સ્પિતિવેલી નામનો એક પડાવ આવ્યો અને મારા પર બધાને ગર્વ થયો.

એક્ચ્યુઅલી સ્પોર્ટ્સનું મારું કોઈ બેકગ્રાઉન્ડ છે જ નહીં. એટલે હું ક્યારેય આ બાબતે વિચારતી જ નહોતી. હા, જગદીશ અને મારો મોટો દીકરો યુગ બન્ને સારા સાઇકલિસ્ટ છે. એ બન્ને સાઇકલ માટે ઘણી વખત ટુરિંગ કરતા હોય છે. એકવાર તેમણે મને આવીને કહ્યું કે આ વખતે તેમણે મનાલીથી લેહ સાઇકલ પર જવાનું નક્કી કર્યું છે અને યુગ પણ એમાં ભાગ લેવાનો છે. આ સાંભળીને મારું ફર્સ્ટ રિએક્શન ના જ હતું. કારણ કે યુગ ત્યારે તેર જ વર્ષનો હતો અને એક મા તરીકે મને તેની ચિંતા થાય એ સ્વાભાવિક હતું. પણ પછી બધાએ મને ખૂબ સમજાવી કે અમે પૂરી ટીમ સાથે છીએ એટલે વાંધો નહીં આવે અને જગદીશ તો સાથે છે જ ને?

એ સમજાવટ દરમિયાન મને એકદમ થયું કે હું પણ સાથે જાઉં. પરંતુ ત્યારે બીજી કોઈ સ્ત્રી આવવા તૈયાર ન થઈ. એટલે ન જઈ શકી. વળી, દીકરાએ જ્યારે સાઇકલિંગ પૂરું કર્યું ત્યારે મને ઇચ્છા હતી કે હું ફિનિશ લાઇન પર ઊભી રહીને દીકરાને સરપ્રાઈઝ આપું. પણ એ ય ન બની શક્યું. જોકે તોય મારે માટે એ પણ અનહદ ખુશીની પળ હતી.કારણ કે, મારા દીકરા યુગનો વર્લ્ડ રેકૉર્ડ થયો હતો! કઈ મા આ સાંભળીને ખુશ ન થાય? મનાલીથી લેહ સુધી સાઇકલિંગ કરનાર યુગ ફક્ત ઇન્ડિયાનો જ નહીં, બલકે વર્લ્ડનો યંગેસ્ટ બોય હતો. અને આમ આ રેકોર્ડ કરનાર મારો દીકરો મારી પ્રેરણા બન્યો.

ત્યારે મનમાં એવો વિચાર આવેલો કે જે જગ્યાએ ફક્ત પુરુષો જ જતા હોય ત્યાં આપણે સાથે શું કામ નથી જઈ શકતા? શું સ્ત્રીઓ આવા સાહસ ન કરી શકે? વળી, યુગે ત્યાંથી આવ્યા પછી જે રીતે તેની રોમાંચકારી સફરની વાત કરી ત્યારે જ મેં ત્યાં જવાનું મનોમન નક્કી કરી લીધું હતું. ત્યારે એક વાત એ પણ નક્કી કરી કે દરેક જગ્યાએ સ્ત્રીઓની જ કંપની હોય એવું જરૂરી નથી. એટલે ભલે મારે એકલા જવું પડે, પણ હું જઈશ.

એવામાં એક દિવસ જગદીશે મને સ્પિતિ વેલી જવાની વાત કરી. આ વખતે પણ સાઇકલ ટ્રિપમાં બધા પુરુષો જ હતા. પરંતુ મેં નક્કી કર્યું કે એકલી તો એકલી, પણ હું જઈશ.

મને સાઇકલ ચલાવતા આવડતી નહોતી!

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ સ્પિતિ વેલીમાં સાઇકલિંગ માટે જવાનું નક્કી કર્યું એ ઘડી સુધી મને સાઇકલ આવડતી જ નહોતી! પરંતુ મનમાં કંઈક કરવાની ધગશ અને જુસ્સો હોય તો આપણે કંઈ પણ કરી શકીએ. આમેય મને હંમેશાં એવું લાગે છે કે આપણા માટે આ જિંદગી બહુ નાની છે. એટલે જીવનમાં જે કંઈ કરવાનું મન થાય એ કરી લેવું. અને એના માટે જે કંઈ શીખવા ઘટે એ શીખી લેવું.ફરી કહું છું કે જીવનનાં કોઈ પણ પડાવ પર આપણે કંઈ પણ કરી શકીએ છીએ. ઉંમર તો માત્ર બહાનું હોય છે.

એટલે સ્પિતિ વેલી જવાનું નક્કી કર્યા પછી જગદીશે મને સાઇકલ શીખવવાનું શરૂ કર્યું, જેમાં યુગ અને જગદીશ બન્નેએ મને ખૂબ સપોર્ટ કર્યો. થોડા જ દિવસોમાં હું માત્ર સાઇકલ શીખી જ નહીં, પરંતુ સાઇકલિંગમાં મહારત પણ મેળવી.

સાવ અજાણતા રેકૉર્ડ થયો

સ્પિતિ વેલીમાં સાઇકલિંગ કરવાનું નક્કી કર્યું ત્યારે મારા મનમાં માત્ર એટલું જ હતું કે હું ત્યાં જઈશ અને કંઈક નવો અનુભવ લઈશ. કંપની મળી રહે એ માટે એક-બે બહેનપણીઓને રિક્વેસ્ટ કરી જોઈ, પણ કોઈ આવવા તૈયાર ન થયું. જોકે આ વખતે એકલા તો એકલા, પણ જવું જ છે એવી ગાંઠ વાળેલી એટલે હું આખી ટીમ સાથે સફરે નીકળી પડી. ફિનિશ લાઇન પર પહોંચી ત્યારે મને ખબર પડી કે મેં રેકૉર્ડ કર્યો છે. આવું કરનારી હું પહેલી સ્ત્રી બની! શું હતો એ રેકૉર્ડ અને કેવી રહી એ સફર? એ વિશે આગળ વિગતે વાત કરું.

ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો

આવા ઍડવેન્ચર પર નીકળ્યા હોઈએ એટલે પડકારો તો સ્વાભાવિક જ આવે. મારી સફરમાંય એક નહીં, બે નહીં પણ ઘણી જગ્યાએ અડચણો આવી. સદ્ભાગ્યે કોઈ ઈન્જરી નહોતી થઈ. પરંતુ જે ટ્રેક નક્કી કર્યો હતો એ અત્યંત મુશ્કેલ હતો.મુખ્ય ઍડવેન્ચર એ હતું કે એ રૂટ પર કોઈ સાઇકલ સવાર પહેલાં ગયો જ નહોતો.

ધીમ-ધીમે સાઇકલિંગની શરૂઆત થઈ. રોજના 40થી 50 કિલોમીટર સાઇકલિંગ કરવાનું.એ પણ સીધા રસ્તે નહીં.ભયંકર ચઢાણ આવે, ઉબડ-ખાબડ રસ્તા આવે ને ક્યારેક તો માઈલો સુધી કોઈ માણસ ન દેખાય. બપોર થતાં સુધીમાં માથે જે રીતે તપતો સૂરજ આવી ચડે અને તેની તાપલીલા શરૂ કરે ત્યારે એમ થાય કે હું ક્યાં અહીં આવી ચઢી? કારણ કે આવી અગવડો જીવનમાં મેં કદી અનુભવી જ નહોતી.

ટીમમાં હું એકલી જ ફીમેલ અને એ જ સૌથી મોટી ચેલેન્જ. તમને કંઈ થાય તો કોઈને જ કહી ન શકો. હોટેલ શું રસ્તામાં ક્યાંય ઢંગનું વોશરૂમ પણ ન મળે. સ્ત્રીઓ માટે એ તો કેટલી મોટી સમસ્યા કહેવાય. આખો દિવસ સાઇકલિંગ કરતાં હોઈએ અને એ દરમિયાન ક્યાંય વોશરૂમ ન મળે! પરંતુ તમારે એડજસ્ટ કરવું પડે.

આ તો ઠીક રોજ સવારે કોઈ નવી જ ચેલેન્જ તમારી સામે આવીને ઊભી રહે. ક્યાં તો કોઈ ટેક્નિકલ માથાકૂટ હોય અથવા વેધર જીદે ચડ્યું હોય! મુશ્કેલીના એક પછી એક કોઠા ભેદીને તમારે તમારો રસ્તો કાઢવાનો. બીજી મોટી ચેલેન્જ ડસ્ટની. ડસ્ટની મને સખત એલર્જી. અને ત્યાં ધૂળ એટલી ઉડે કે એલર્જીના લીધે મારી તકલીફો શરૂ થઈ જાય.

એવામાં ત્રીજી તકલીફ શરૂ થઈ ઊંચાઈની. જેટલાં ઉપર જઈએ એટલી શ્વાસની તકલીફ વધતી જાય. ઓક્સિજન લેવલ ઓછું થાય એટલે તમારો સ્ટેમિના પણ ડાઉન થવા માંડે. આ કારણે સ્વભાવ ચીડિયો થઈ જાય. અને સૌથી વધુ તકલીફ તો એ કે આટલું બધું સાઇકલિંગ કરવા છતાં રાત્રે મને ઊંઘ ન આવે. ઉબડ-ખાબડ જમીન પર સાવા નાનાં ટેન્ટ્સ બાંધ્યા હોય અને એમાં પાતળું ગાદલું પાથર્યું હોય. એટલે કમર દુ:ખવા લાગે અને ઊંઘ ન આવે. ને ફરીબીજા દિવસે એટલું જ સાઇકલિંગ કરવાનું.

એક સ્ત્રી તરીકે આ બધું જ મારા માટે ચેલેન્જિંગ હતું. પણ એકવાર જાત સાથે પ્રોમિસ કરી દીધા પછી એને પાળી બતાવવું પણ જરૂરી હતું. તેથી હું હિંમત ન હારી. હસબન્ડનો સપોર્ટ સતત રહેતો. તેઓ ફાસ્ટેસ્ટ સાઇકલિસ્ટ છે, છતાં તેઓ મારી પાછળ જ સાઇકલ ચલાવે. જેથી મને કંઈ થાય તો તેઓ મને સંભાળી શકે.આખરે મેં હેમખેમ ચેલેન્જ પૂરી કરી અને હું બહાર નીકળી.

ત્યાં પહોંચી ત્યારે મને ખબર પડી કે હું દેશની પ્રથમ મહિલા છું, જેણે સાઇકલ દ્વારા સ્પિતિ વેલી સર કર્યું હોય! આંખોમાં ભીનાશ સાથે મેં મારી જ જાતનો ખભો થાબડી લીધો અને મનમાં જ કહી દીધું, ‘અજિતા, આઈ એમ પ્રાઉડ ઑફ યુ. યુ કેન ડુ એનીથિંગ.’

મારી આ સફળતાથી મારી નજીકના સૌ કોઈ ખુબ ખુશ થયાં. પરંતુ સૌથી વધુ આનંદ મને હતો કારણ કે આ રેકૉર્ડને કારણે હવે મારી એક આગવી ઓળખ બની હતી.

 

જ્યારે વડાપ્રધાને પીઠ થાબડી ત્યારે

મારા રેકૉર્ડ પછી જ્યારે વડાપ્રધાન સાથેની મુલાકાત નક્કી થઈ ત્યારે મને એવું લાગ્યું જાણે હવે મારી બધી જ ઇચ્છાઓ શમી ગઈ. હવે આના પછી જીવનમાં કંઈ કરવાનું બાકી જ નથી રહ્યું એવું લાગ્યું. મારી આ સફળતાને લીધે મારા આખા પરિવારને વડાપ્રધાનને મળવાની તક મળી રહી હતી.

મને તો એવું એક્સાઈટમેન્ટ હતું, જાણે હું સદીના મહાનાયકને મળવાની હોઉં. ઉપરથી હું શાંત હતી, પણ મારી અંદર વિચારોનું વંટોળ ધુમરાતું હતું. શું થશે? કેવી રીતે વાત થશે?હું તેમને પગે લાગીશ? કે માત્ર શેકહેન્ડ કરીશ?જેવા જાતજાતના સવાલો મનમાં ઊઠે અને શમે.પણ તેઓ તો દરવાજા પાસે જ ઊભા હતા.લગભગ પોણા કલાક સુધી તેમની સાથે વાત ચાલી. તેમણે મારા અનુભવો વિશેે પૂછ્યું અને મારા દીકરાઓ સાથે પણ વાત કરી. તેમને મળીને ખરેખર ભારતીય હોવાનો ગર્વ થયો.

પરિવાર સાથે અજિતા ઈટાલિયા

બુટિક અને પુસ્તક

પહેલાંથી મને એક બુટિક ખોલવાની ઇચ્છા હતી.શું કામ? મને હંમેશાં એવું લાગ્યું છે કે સ્ત્રી માટે સુંદર દેખાવું એ શોખ અને જરૂરત બન્ને છે. સ્ત્રી હંમેશાં તેની જાતને રિપ્રેઝન્ટ કરતી હોય છે. એ સાથે એ બાબતે પણ સ્પષ્ટ હતી કે માત્ર બ્રૅન્ડ્સ અથવા મોંઘા કપડા જ સ્ત્રીને ખૂબસૂરત બનાવે એવું નથી હોતું. અગત્યનું એ છે કે તમે શું પહેરો છો અને કઈ રીતે પહેરો છો. એટલે મેં નક્કી કર્યું કે ફૅશન વિશે હું જે જાણું છું એ લોકો સમક્ષ લાવું. અને બસ, શરૂ કર્યું ‘અજિલિયા’ નામનું બુટિક. પપ્પા-મમ્મીના આશીર્વાદ, મિત્ર જેવા પતિનાં સાથ અને મારી મહેનતને કારણે ‘અજિલિયા’ મારી બીજી ઓળખ બન્યું.

મને સપનાં જોવાનું જ નહીં, પરંતુ સાકાર કરવાનું પણ એટલું જ ગમે. એટલે જીવનમાં એક પછી એક સપનાં જોતી ગઈ અને સ્વજનોના સાથથી એ સપનાં સાકાર પણ કરતી ગઈ. થોડા સમય પહેલાં જ મેં એક નવું સપનું જોયેલું.મારે ડાયરી લખવી હતી. મેં લખી. ‘સિન્સયર્લી યોર્સ.’જે પછી પુસ્તકરૂપે લોકો સમક્ષ લાવી.

જીવનમાં ઘણું બધું તમને પ્રેરણા આપે છે. તો ક્યારેક તમે પણ કોઈની પ્રેરણા બનો છો.બસ, જિંદગી નાની છે અને દરેકે એને જીવતાં અને માણતાં શીખવી જોઈએ. પડકારો આવે તો તેનો સામનો કરવો જોઈએ. જે કરવાનું મન થાય તે મનભરી કરી લેવું જોઈએ. શી ખબર કોઈ રેકૉર્ડ આપણી રાહ જોઈને બેઠો હોય!

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.