થવું હતું ફાસ્ટ બોલર, બન્યા હાસ્યકલાકાર અને જીવે છે શિક્ષક તરીકે!

જ્યોતિ ઉનડકટ

‘સાહેબ, મારા બાળકને ત્રણ સ્કૂલવાળાઓએ ઍડ્મિશન આપવાની ના પાડી દીધી છે. તમે તેને તમારી સ્કૂલમાં પ્રવેશ આપશો?’

સ્કૂલના સંચાલક સામે એક યુવાન વયની ઉંમરના વાલી રીતસર કરગરી રહ્યા હતા.

‘તમારું બાળક ક્યાં છે?’

‘સ્કૂલની બહાર બેઠું છે, સ્કૂલથી તેને એટલી નફરત થઈ ગઈ છે કે તે સ્કૂલની અંદર પગ મૂકવા પણ નથી ઇચ્છતું.’

મા-બાપની આંખોનો ભય વાંચીને સામેની ખુરશી પર બેઠેલા તે સંચાલક આગળ કોઈ વાત સાંભળવાને બદલે સીધા બહાર ગયા. સ્કૂલનો સિક્યૉરિટી ગાર્ડ બેઠો હતો તેની બાજુના બાંકડે તે બાળક બેઠું હતું.

તે બાળકે આ સંચાલક આવ્યા છે અને તેની પાસે બેઠા એ વાતની દરકાર સુદ્ધાંન કરી. પેલા સંચાલકે તેની સાથે વાત શરૂ કરી કે ‘તારે નથી ભણવુંને? અહીં તને કોઈ નહીં ભણાવે.કોઈ તને કોઈ દિવસ લેસનનું નહીં પૂછે.તારે જે કરવું હોય એ કરવાની છૂટ. બસ, તને અહીંથી છૂટવાના સમયે જ બહાર જવા મળશે. તારે જે ખાવું હોય એ અહીં મગાવી દઈશ. તારે પીત્ઝા ખાવા હોય તો પીત્ઝા અને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી હોય તો એ પણ મગાવી આપીશ.’

તે બાળકે સામે આવેલા માણસ સામે જોયું અને એટલું જ પૂછ્યું, ‘હાચ્ચે લેસન નહીં કરાવો?’

‘હા, હા, પાકે પાયે નહીં કરાવું. બોલ હવે આવવું છે?’

પેલા બાળકે હા પાડી.

સંચાલકે કહ્યું, ‘ચાલ, તો દે તાળી…’

સીધી છ મહિના પછીના ઍન્યુઅલ ફંક્શનના દિવસની વાત કરીએ.

સ્ટેજ પરથી ગળગળા અવાજ સાથે વાત કહેવાનું શરૂ થયું, ‘અમે તો માની જ લીધું હતું કે આ સંતાન હવે અમારી વચ્ચે નહીં રહે. તેણે એક નહીં બે-બે વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. નવ વર્ષનું અમારું સંતાન જિંદગીથી હાથ ધોઈ બેઠું હતું. એકનું એક સંતાન આમ આટલી કુમળી વયે પોતાની જિંદગીથી થાકી જાય એ તો કેમ સહન થાય. અમે અહીં સાંઈરામ દવે પાસે આવ્યાં. અમને એક નવી દિશા મળી.અમને પણ જીવવાની એક આશા મળી છે. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમનો આભાર માનીએ એટલો ઓછો છે કે અમારું સંતાન અમારી સાથે જીવે છે. તેની જિંદગીમાં શ્ર્વાસ નથી ચાલતા, ધબકાર ચાલે છે.’

બસ, આનાથી વધારે તો મા-બાપ કંઈ બોલી ન શક્યાં અને ઑડિયન્સમાં થોડી સેક્ધડ માટે એક સન્નાટો છવાઈ ગયો. પછી તે મા-બાપની હિંમતને અને સ્કૂલના સંચાલકોને વાલીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં.

આ પ્રસંગ યાદ કરીને આજે પણ એ સંચાલકની આંખો ભીની થયા વગર નથી રહેતી. જી હા, વિખ્યાત હાસ્યકલાકાર, લેખક, કવિ અને જીવંત વ્યક્તિત્વ એવા પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવેની સફર વિશે ‘કૉકટેલ ઝિંદગી’ના આ અંકમાં વાત કરવી છે. અનેક લોકોની જિંદગીમાં હાસ્ય ફેલાવવું, કુમળી વયનાં હજારો બાળકોને સારા નાગરિક બનવાની તાલીમ આપવી એ કંઈ નાનીસૂની વાત નથી. અમરનગર જેવા નાનકડા ગામડામાં બાળપણ અને ગોંડલમાં ઉછેર તથા હવે કર્મભૂમિ બનાવી છે રાજકોટ શહેરને એવા પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવેની સફરજાણવા જેવી છે.

પ્રશાંત દવે નામ જાણીતું નથી લાગતુંને?

ઓકે, હવે લખું કે સાંઈરામ દવે.

તો તરત જ એક ચહેરો આંખો સામે ઊભરી આવશે. હવે, આ આપણો સાંઈરામ.

પ્રશાંત નામ સાંઈરામ કેવી રીતે બન્યું? આ હાસ્યકલાકાર એક સ્કૂલ પણ ચલાવે છે? તે લેખક પણ છે.સંયુક્ત કુટુંબની ભાવનાને આ માણસ જીવે છે. આ અને આવાં અનેક રહસ્યો આ કલાકાર અને ઉમદા વ્યક્તિત્વ સાથે જોડાયેલાં છે. ડોંગરેજી મહારાજની ફિલસૂફીની જેમ આ માણસ પોતાના ભાઈમાં ભગવાન જુએ છે એવું લખું તો વધુ પડતું નથી. અમારી મુલાકાત તેમની નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમની ઑફિસમાં શરૂ થઈ. તરત જ તેમનો નાનોભાઈ અમિત આવ્યો. સાંઈરામે પરિચય કરાવ્યો કે આ મારો મહાદેવ દેસાઈ છે. હું ક્યાં જવાનો છું. કયા શહેરમાં કાર્યક્રમ છે એ મનેખબર નથી હોતી.બધી જ અમિતને ખબર હોય છે. ભાઈની નાનામાં નાની ચીજ, જરૂરિયાત કે ભાઈનું બોલાયેલું વાક્ય અમિત માટે બહુ જ મહત્ત્વનું છે. નાનો ભાઈ કિશન પણ જિંદગીની ફિલોસૉફીની વાતો કરીને ભાઈની ક્રીએટિવિટીને ધબકતી રાખે છે. પિતા વિષ્ણુપ્રસાદ તો દીકરાને રાહ બતાવવામાં કે સાથે ચાલવામાં આજે પણ પાછીપાની નથી કરતા. દરેક વ્યક્તિ આ પરિવારમાં એક સહિયારી જિંદગી જીવે છે.

ભારતમાં વસતો કોઈ પણ ગુજરાતી સાંઈરામ દવેના નામથી પરિચિત ન હોય એવું ભાગ્યે જ બને. વિદેશમાં પણ સાંઈરામ દવેના હાસ્યની ગુંજ ફેલાયેલી છે. અસ્ખલિત અને શબ્દોની રમત સાથે શીરાની જેમ ગળે ઊતરી જાય એવું ગુજરાતી બોલતા સાંઈરામનું સપનું હતું કે એક સ્કૂલ બનાવવી છે. પોતે કમાયેલા રૂપિયા એ સપનું સાકાર કરવા માટે પૂરતા નહોતા. આ સપનું અધરું રહી જશે એવી પીડા તેમને કોરી ખાતી હતી. એવામાં તેમના મિત્ર નીતિન માલદેને ખબર પડી કે ભાઈબંધે ખુલ્લી આંખે એક સપનું જોયું છે. નાઇરોબીસ્થિત તે મિત્રએ કહ્યું, તમતમારે આગળ વધો, હું તમારી સાથે છું. પોતાના મનમાં રહેલી સ્કૂલની થીમ અને કાચાપાકા વિચારને તેમણે નાનાભાઈઓ સાથે શૅર કર્યો. હિન્દુ કાઉન્સિલ ઑફ કેન્યાના ચૅરમેન અને મિત્ર નીતિન માલદેના સાથથી 2015ની સાલમાં નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ શરૂ થઈ. અહીં ભણતા બાળકને હવનમાં શ્ર્લોક બોલતાં પણ આવડે અને એપીજે અબ્દુલ કલામના વિચારોને વ્યક્ત કરતાં પણ આવડે છે. અહીંની અંગ્રેજી માધ્યમની સ્કૂલનો વિદ્યાર્થી મહાભારત-ભગવદ્ગીતાના શ્ર્લોક પણ બોલી જાણે છે અને દેશ-વિદેશની વાતો પણ ડિસ્કસ કરી શકે છે. સ્કૂલનો વિદ્યાર્થી ઘરેથી નીકળે ત્યારે માતા-પિતાને વંદન કરીને સ્કૂલે આવે એવું શિક્ષણ આપવાનો અહીં પ્રયાસ થાય છે.

એકબાજુ લોકોને ખડખડાટ હસાવવું અને બીજી બાજુ સ્કૂલ ચલાવવી આ બન્ને રોલ સાંઈરામ દવે બહુ સહજતાથી જીવી જાણે છે. સૌરાષ્ટ્રના જેતપુર નજીકના અમરનગરમાં તેમનો ઉછેર થયો. મમ્મી સરોજબહેન અને પપ્પા વિષ્ણુભાઈ અમરનગરની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં. બાળકોના અભ્યાસ માટે આ યુગલ જતે દહાડે ગોંડલ શિફ્ટ થઈ ગયું. વિષ્ણુભાઈ આકાશવાણી રેડિયોના ભજનિક હતા. તેમની ઇચ્છા દીકરા પ્રશાંતને ભજનિક બનાવવાની જ હતી;પણ સરોજબહેનની ઇચ્છા તેને બહુ ભણાવીને નોકરી કરાવવાની હતી, જ્યારે પ્રશાંત દવેને ખુદને ક્રિકેટર થવું હતું.

પ્રશાંતભાઈ કહે છે, ‘હું નાનો હતો ત્યારથી મનમાં એક જ સપનું જીવતો હતો, ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર થવાનું. ક્રિકેટમાં મારો આદર્શ વસીમ અકરમ. સત્તર સ્ટેપની બોલિંગ પણ મને આવડી ગઈ હતી. એકદમ ક્રેઝી થઈને ક્રિકેટ રમતો.આ પાગલપનમાં ખાવું, પીવું ભૂલી જતો. એક વખત તો પપ્પાએ મને બૅટે-બૅટે માર્યો હતો. છતાં ક્રિકેટની દીવાનગી ઊતરી નહીં. પપ્પાએ મને ભજનિક બનાવવાની પૂરી તૈયારી કરી લીધી હતી. હું હજુ સાત વર્ષનો હતો ત્યારે 1983ની સાલમાં પપ્પાએ મારા માટે મહિને બસો રૂપિયા આપીને એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક રાખેલા. દુર્લભભાઈ મને સંગીત શીખવવા આવતા. હું રૂમમાં બેસીને સંગીત શીખતો હોઉં અને બારીમાંથી મારી ક્રિકેટટીમના મિત્રો મારું ટ્યુશન પૂરું થવાની રાહ જોતા હોય, કેમ કે બૅટ-દડો મારી પાસે જ હોય. મારાં મમ્મી-પપ્પા શિક્ષક એટલે અમુક લક્ઝરી મને આસાનીથી મળી જતી.મારો જીવ તો ક્રિકેટમાં જ હોય. વળી મને ઘડિયા ન આવડતા. સંગીત ફરજિયાત શીખવાનું હતું. આનો તોડ પપ્પાએ એ કાઢ્યો કે હું રાગ શીખું એમાં જ ઘડિયા પાકા કરતો. માલકૌંસ, ભૂપાલી, સારંગ આવા કુલ બાર રાગો મને આ ઘડિયા પાકા કરતાં-કરતાં જ આવડ્યા છે.’

આ વાત પૂરી થઈ કે તેમણે ત્રણ એકાનો પાડો રાગમાં ગાઈને બતાવ્યો. પ્રાથમિક સ્કૂલમાં ભણતા હતા એ દિવસોમાં જનાનકડા પ્રશાંતે દૂરદર્શન માટે અમરનગરની સ્કૂલના ચોગાનમાં લીમડાના ઝાડની નીચે બેસીને સાત ભજનો ગાયાં હતાં. પિતાએ તો ત્યારથી જતેનામાં એક ભજનિકને જોવાનું શરૂ કરી દીધું હતું. સંગીતના અભ્યાસની સાથોસાથ ભણતર પણ જરૂરી હતું. એટલે તેમને સ્વામીનારાયણ ગુરુકુળમાં ભણવા મોકલી દેવાયા. રાજકોટ અને ગોંડલના ગુરુકુળના અભ્યાસ દરમિયાન ક્રિકેટ અને સંગીત બન્ને છૂટી ગયાં.

દસમા ધોરણ પછી રાજકોટની સરકારી પૉલિટેક્નિક કૉલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. કૉલેજના એ દિવસોમાં એક-બે નહીં, પૂરા બાવીસ અલગ-અલગ અવાજ કાઢીને પ્રશાંત દવે મિમિક્રી કરી શકતા. તેઓ કહે છે, ‘કૉલેજમાં ફિશ પૉન્ડની રમતમાં સૌથી વધુ ક્રીએટિવિટી મારી કમેન્ટ્સમાં જ દેખાતી. છોકરીઓ પરની મારી કમેન્ટમાં છોકરીઓ જબહુ તાળીઓ પાડતી, કેમ કે મારી વાતમાં નિર્મલ આનંદ અને નિર્દોષ મસ્તી રહેતાં. ત્યારે એવું થયું કે મને થોડુંઘણું લખતાં પણ આવડે છે. ત્યારે રૅપ સૉન્ગચાલતાં. એ રૅપસૉન્ગ પણ હું બહુ આસાનીથી ગાઈ શકતો. રાજકોટના અભ્યાસ દરમિયાન કાંતિભાઈ સોનછાત્રા પાસે હું પિયાનો વગાડતા શીખ્યો. કૉલેજના એ મસ્તીના દિવસોમાં હું અમિતાભ બચ્ચન, દેવ આનંદ, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિંહા જેવા હીરો અને કૉમેડિયનોની ભરપૂર નકલ ઉતારતો. મિત્રો તાળીઓથી દાદ દેતા. એક વખત એમ જ મજાક-મજાકમાં મેં અમિતાભ બચ્ચનના અવાજમાં કોઈ વાત કહી એટલે મારા એક મિત્રએ તરત જ કહ્યું કે યાર તું તો અદ્દલ બચ્ચન જેવો જ અવાજ કાઢે છે. મને માન્યામાં ન આવ્યું. પછી તેણે કૅસેટ રેકૉર્ડરમાં મારો અવાજ રેકૉર્ડ કર્યો અને મને સંભળાવ્યું.મને તેની વાત સાચી લાગી. એ પછી એક મિત્રએ ટકોર કરી કે દોસ્ત, તને આટલું બધું યાદ કેવી રીતે રહે છે?બસ, આ બે ટકોરથી મને થયું કે મને કોઈ કુદરતી બક્ષિસ મળી છે. એ પછી મેં મારી જાતને થોડી-થોડી તૈયાર કરવા માંડી.’

આ બાજુ શિક્ષક અને ભજનિક પિતા દીકરાને ભજનિક બનાવવા માગતા હતા, પણ માતા તો તેના એન્જિનિયર દીકરા માટે સપનાં જોઈ રહી હતી. પ્રશાંતભાઈને વાપીમાં એક જગ્યાએ નોકરી પર હાજર થવાનું હતું. એ નોકરી પર હાજર થવાના થોડાક કલાકો પહેલાં જ પિતાએ ત્રણેય દીકરા અને પત્નીને સંબોધીને કહ્યું કે ‘હું ન હોઉં ત્યારે આ તબલાં-પેટીને ચોકમાં લઈ જજો અને બાળી મૂકજો.મારો વારસો જાળવવાળું હવે કોઈ નથી. પ્રશાંત, તારા પર મને આશા હતી, પણ તું તો તારી મમ્મીનું સપનું જીવવાનો છે એટલે હવે કોઈ મારું સપનું પૂરું નથી કરવાનું.મને તારા પર આશા હતી કે તું એક દિવસ ભજનિક બનીશ પણ…’

પિતાની આંખનું આ દર્દ નવાસવા એન્જિનિયર બનેલા પ્રશાંતથી ન જોવાયું. તેમણે મમ્મી પાસે થોડો સમય માગ્યો. પપ્પાની ઇચ્છાથી પીટીસી ભણ્યા અને પછી ગાયકીની દુનિયા માટે પોતાની જાતને તૈયાર કરવા માંડી. પીટીસીના અભ્યાસ દરમિયાન જ તેમણે પોતાની આ કળા પ્રદર્શિત કરવા માંડી હતી.વાત એમ હતી કેતેમની કૉલેજના મિત્રો કોઈ ગુજરી ગયું હોય તેમના ઘરે જઈને વાત કરે કે ‘અમારો એક દોસ્તાર બહુ સરસ ભજન ગાય છે. અમે ભજન ગાવાનો કોઈ ચાર્જ નહીં લઈએ. પેટી-વાજાં લઈને સફેદ ઝભ્ભામાં અમારો ભાઈબંધ આવી જશે.બસ, તમારે એક ઠાકર થાળ કરી દેવાનો. મતલબ કે થાળીમાં જે રૂપિયા આવે એ અમને આપી દેવાના.’ આમ ને આમ અમરેલીમાં ભજનસંધ્યાનાં અને શોકસભાનાં નિમંત્રણો મળવા લાગ્યાં. મૂળ તો ગાંઠિયા અને ચાનો વેત થઈ જાય એટલી રકમ આવે એટલે બધા દોસ્તારો ખુશ. કોઈ વાર પૈસા વધે તો મિત્રનાં પુસ્તકો પણ આવે, કોઈનો નાઇટ ડ્રેસ પણ આવે. ટૂંકમાં, મિત્રોની જરૂરિયાતો આ રૂપિયાની આવકમાં પૂરી થતી. મૂળ તો એ બધાનો ગાંઠિયાપ્રેમ આ બધું કરાવતો.

સાંઈરામ કહે છે, ‘ભજનો ગાતી વખતે મેં નક્કી કર્યું કે મારે ફકત ભજનિક નથી થવું. મારે તો લોકસાહિત્યમાં આગળ વધવું છે. પપ્પાને જ્યારે પહેલીવાર આ વાત કહી ત્યારે તેમણે કહ્યું કે સ્ટેજ પરથી હજારોની મેદની વચ્ચે લોકસાહિત્ય પીરસવું એ કંઈ ખાવાના ખેલ નથી. અહીં કેટલાક લોકોનું વર્ચસ્વ છે. એ લોકોની સામે પોતાનું સ્થાન બનાવવું એ નાનીસૂની ચૅલેન્જ નથી. જોકે મારા પર તો લોકસાહિત્યમાં જ આગળ વધવાનું ભૂત સવાર થઈ ગયું હતું. મારી એક ડાયરી હોય કે મારો થેલો હોય; હું ગમે ત્યાં હોઉં દુહા, છંદ, લોકગીતો, લોકસાહિત્યની તમામ કૃતિઓ સાથે અને સામે જ રાખતો. મારાં મારી જાત સાથેનાં અનુષ્ઠાન શરૂ થઈ ગયાં. દિવસ-રાત એક જ લગન હતી કે આ બધું મારે ગળે ઉતારવું છે, સમજવું છે અને લોકો સુધી પહોંચાડવું છે. ટૉઇલેટની દીવાલો પર, મારા ઓશીકાની નીચે, મારી ડાયરીમાં તમામેતમામ જગ્યાઓએ રોજેરોજ હું દુહા, લોકસાહિત્ય, ગરબા, ભજન અને અવનવી વાતો લખીને રાખતો અને પાકું કરતો. શરૂઆતના ગાળામાં તો સ્ટેજ પરથી દુહા લલકારતો અને એકાદ ભૂલ જતી રહે તો ઑડિયન્સ મને સુધારતું.’

તેઓ એક દુ:ખ વ્યક્ત કરે છે કે, ‘હવે એવું ઑડિયન્સ નથી રહ્યું કે કંઈ ભૂલ જાય તો ટપારે. દિવસે ને દિવસે લોકસાહિત્ય તરફ યુવાન લોકો આવતા ઓછા થઈ રહ્યા છે. જો વીસ વર્ષથી નીચેનાં યુવક-યુવતીઓ લોકસાહિત્ય માટે આવે તો હું તેમના સુધી લોકસાહિત્ય પહોંચે એ માટે કંઈ પણ કરવા તૈયાર છું.’

પછી તેઓ વાતનો દોર સાંધી લેતાં કહે છે, ‘1994ની સાલમાં હું પોતે બહુ અવઢવમાં જીવતો હતો. કોઈ દિશા ન હોય એવું લાગતું હતું. એ દિવસોમાં જો મારા પિતાએ મને ન સંભાળ્યો હોત તો કદાચ પ્રશાંત આજે સાંઈરામ ન હોત. શરૂઆતના દિવસોમાં એવું બનતું કે મોંઘું પઠાણી પહેરીને, સૌથી સરસ તૈયાર થઈને હું કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા ગયો હોઉં. આગળ એવડી મોટી ફોજ હોય કેઆખી રાત બેસું તો પણ સવાર સુધી વારો જ ન આવે. વહેલી સવારે બસમાં બેસીને ઘરે પહોચું એટલે પપ્પા ઊઠી જગયા હોય. મને આંખોથી જ પૂછે. હું કહું કે મારો વારો જ ન આવ્યો. પપ્પા તરત જ કહે, તને જ નહીં આવડતું હોય એટલે તો તારો વારો ન આવ્યો. પછી કહેતા, તું તારી જાતને એવી તૈયાર કર કે લોકો તને શોધતા તારી પાસે આવે. કેટલી બધી વાર તો એવું થયું કે પપ્પા સ્ટેજ પરથી એવું ઍનાઉન્સ કરે કે હવે આપની સમક્ષ રજૂ કરું છું એક નવો ઊગતો કલાકાર પ્રશાંત. ન મારી સરનેમ બોલે ન તેમનું નામ મારી પાછળ બોલે. વળી કેટલી બધી વાર તો પપ્પા મને આવડતાં હોય એ વીસેવીસ જોક્સ પોતે કહી દેતા. પછી મને સીધો સ્ટેજપર ધરી દે. શરૂઆતના ગાળામાં તો હું બહુ રડતો. મને પપ્પા પર ગુસ્સો પણ આવતો કે તે આવું કેમ કરે છે? પછી પપ્પાએ કહ્યું કે તું વધુ વાંચ, નવું શોધ અને તારી મૌલિક વાત લોકો સુધી પહોંચાડ. બસ, એ વાત મને આજેય એવીને એવી યાદ છે. મારી મૌલિક્તા મને મારા ડીએનએમાં મળી છે. પપ્પાએ કહેલું કે બી ઓરિજિનલ. તારી અંદર જે છે એને લોકો સુધી પહોંચાડ, કૃત્રિમતા કોઈને ગમતી નથી, કુદરતી રીતે જે સૂઝે એ જ બહાર નીકળવું જોઈએ.’

‘પપ્પા એક સફળ માળી હતા.તેમને ખબર હતી કે આ ટાઇટૅનિક સાથે કોઈ હિમશિલાને મારે ટકરાવા નથી દેવાની. એ માળીને ખબર હતી કે જો વિષ્ણુપ્રસાદના દીકરા તરીકે મને તે ઑડિયન્સ સામે મૂકે તો તેમનું ઑડિયન્સ મને સ્વીકારી જ લેવાનું છે, પણ તો મારી ભૂલો કોઈ દિવસ બહાર ન આવત. આજે પણ પપ્પા ઑડિયન્સમાં બેઠા હોય ને આખા ઑડિયન્સે મારી વાહવાહ કરી હોય તો પણ પપ્પા ઘરે આવતાં કહી દે કે આટઆટલી જગ્યાઓએ તેં ભૂલ કરી હતી. આજે પણ તે મારા આદર્શ, મારા ગુરુ અને મારા શિક્ષક છે. પપ્પા પાસે અઢી હજાર ભજનોનો ખજાનો છે. તે પોતે બહુ ઊંચા દરજ્જાના કલાકાર છે, પણ તેે મારા માટે બહુ હેરાન થયા છે. મને યાદ છે, શરૂઆતના દિવસોમાં મારો એક નાનકડો કાર્યક્રમ હોયને તો પણ ગોંડલથી એસટી બસમાં બેસીને પ્રેસનોટ આપવા જતા. પોતાના હાથે પ્રેસનોટ લખે અને પછી રાજકોટમાં સાઇકલ પર એક પ્રેસથી બીજા પ્રેસ જઈને કહેતા મારા દીકરાનો પ્રોગ્રામ છે, જરા મૅટર આવે તો જોજોને સાહેબ. મારી અંદરના સર્જકને મારા પપ્પાએ ધબકતો રાખ્યો છે. લોકસાહિત્યમાં મારે જવું છે એવી વાત કહી ત્યારે તેમણે કહેલું કે વર્બલ ઍક્ટ પર આગળ વધવું એ આત્મહત્યા સમાન છે. ગાયકીમાં હજુ પણ ભૂલ ચાલી જાય, પણ લોકસાહિત્યમાં ભૂલ ન ચાલે. સૌરાષ્ટ્રમાં પ્રજાને પણ લોકસાહિત્ય મોઢે હોય છે એટલે સમજી-વિચારીને આગળ વધજે. મારું નામ પણતેમનું જ આપેલું છે. એક કાર્યક્રમમાં મુંબઈ ગયેલા. ત્યાં સાંઈરામ ઐયર નામના ગાયકનોપર્ફોર્મન્સ તેમને બહુ ગમી ગયો. એટલે તેમણે મને નવું નામ આપ્યું સાંઈરામ. આજે હાલત એ છે કે પત્ની દીપાલી એક જ મને પ્રશાંત કહીને સંબોધે છે, બાકી બધાની જીભે સાંઈરામ નામ ચડી ગયું છે.

એક સમયે ઠાકર થાળના રૂપિયા ફક્ત મિત્રો માટે કમાતા, શરૂઆતના ગાળામાં 251 રૂપિયામાં કાર્યક્રમો કરતા સાંઈરામ આજે બહુ આગળ વધી ગયા છે પણ તેમના પગ ઘરતી પર જ છે. અભિમાન તેમને અડ્યું નથી. આજે તેમના 51 રેકૉર્ડેડ આલબમ છે અને દસ બુક્સ આવી ગઈ છે. સૌથી પહેલી કૅસેટ ‘જલારામ દર્શન’ અને પછી ‘હાસ્યની હાટડી’. આ બે કેસેટ બહાર પડી, પણ કોઈએ ખાસ નોંધ ન લીધી. એ પછી કૅસેટ આવી ‘ચમન બનેગા કરોડપતિ.’ 2001ના સાલમાં આ કૅસેટ આવી એ પછી લોકોએ નોંધ લીધી કે આ ‘ચમન બનેગા કરોડપતિ’વાળા સાંઈરામ છે. હકીકતે ‘ચમન બનેગા કરોડપતિ’ એક મૌલિક સ્ક્રિપ્ટ જ છે.

સાંઈરામ કહે છે, ‘સદ્નસીબે મને મિત્રો બહુ સારા મળ્યા છે. મને મારી સાથે બાળમંદિરમાં ભણતા ઘણા મિત્રોનાં નામ અને અટક યાદ છે. વળી હું જ્યાં કાર્યક્રમો કરવા જાઉં છું એ લોકો મારા કાર્યક્રમના ઑર્ગેનાઇઝર નહીં પણ મારા મિત્ર-સ્નેહી બની જાય છે. નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમમાં નીતિન માલદેનું નામ મેં તમને કહ્યું એ પણ એક સમયે મારા ઑર્ગેનાઇઝર જ હતા. એ સંબંધ મિત્રતા બાદ અહીં આ નવા કૉન્સેપ્ટની સ્કૂલ ખોલવા સુધી પહોંચ્યો. કોઈપણ માણસ એમ જ સફળ નથી થતો હોતો.તેના પરિવારજનો અને મિત્રો પણ તેની એ સફરમાં સાથે હોય છે. ખાસ મિત્રોમાં તો રાજકોટ જિલ્લા સ્કાઉટ ઍન્ડ ગાઇડના કમિશનર મનીષ મહેતા અને ગોંડલના મિત્ર અતુલ પંડ્યાને ગણું છું. અતુલ વગર મારી ક્રીએટિવિટીને આટલી પાંખો ન આવી હોત. અતુલ સાથે હું ઘણીવાર પાંચ-સાત કલાક બેસું તો નવા કાર્યક્રમ માટેનો એક-બે કલાકનો મસાલો તૈયાર થઈ જાય. કોઈ વિચારને હું વ્યક્ત કરું તો અતુલ એને પૂરો કરે. કોઈ વિચાર અતુલ કહે તો હું એને આગળ વધારું.કલ્પના-ફૅન્ટસી અને કૉમેડી આલબમનો મસાલો મારી અને અતુલની જોડીમાંથી આવે છે.મારા નાનાભાઈ અમિતને હું એમ જ મારો મહાદેવ દેસાઈ નથી કહેતો. તે મારા બ્રૅન્ડિંગથી માંડીને મારા કામને લગતી, ક્રીએટિવિટીને લગતી તમામેતમામ ચીજોનું ધ્યાન રાખે છે. કું એક માત્ર એવો કલાકાર છું જેની વેબસાઇટ પર જઈને તમે બુકિંગ કરી શકો. રિપ્લાયમાં તમને ચાલીસ મુદ્દાનીઈ-મેઇલ મળી જાય. એમાં સ્ટેજ કેવું હોવું જોઈએ ત્યાંથી માંડીને મને ચા ક્યા-ક્યા સમયે અને કેવી જોઈએ એ વિગતો પણ આવી જાય.’

સાંઈરામ કહે છે, ‘મારી સ્કૂલમાં મારે ધરતી પર સ્વર્ગ તૈયાર કરવું છે. સ્કૂલનાં બાળકો સાથે હું રમું છું, તેમની સાથે વાતો કરું છું. જ્યારે એ લોકો સાથે હોઉં છું ત્યારે સૌથી વધુ ખુશ હોઉં છું. આજે પણ સ્કૂલમાં કલાસરૂમમાં જઈને ભણાવું છું. કેજીમાં ભણતું બાળક મારા ખોળામાં બેસીને મને એવું કહી શકે કે ‘એ દાઢી કાલે તો છેને રવિવાર હતોને તો અમે ડોસા ખાધો બોલ!’ મારે આ નિખાલસતા બાળકોમાં જોઈએ છે. એ માટે હું માહોલ તૈયાર કરું છું. હું જ્યારે વિદ્યાસહાયક તરીકે ગોંડલના ભગવતી પરામાં આવેલી શાળા-નંબર પાંચમાં પહેલા ધોરણનાં બાળકોને ભણાવતો ત્યારે મને વિચાર આવતો કે આ બાળકો માના ખોળામાંથી સીધાં મારી પાસે આવ્યાં છે,તેમના પ્રત્યે મારી જવાબદારી વધુ છે. શરૂઆતના દિવસોમાં તો એક છોકરું રડે એટલે એક-એક કરીને આખો ક્લાસ રોવા માંડે. એ બધાંયને છાનાં રાખવાનાં અને ભણાવવાનું. કેટલીયે વાર તો છોકરા મારા ખોળામાં સૂઈ જતા. મારા ક્લાસનાં બાળકોને હું માથું ઓળી દેતો, ડ્રેસ સરખા કરી દેતો, તેમનું મોઢું સાફ કરી દેતો.બાળક સાથે હૃદયથી બંધાવાની વેળાએ હું તેમની સાથે હતો. બસ, કાર્યક્રમો કરતી વખતે કદાચ આ વર્ગખંડ થોડો મોટો થઈ જતો હોય એવું લાગે છે.’

સાંઈરામ પોતાના સપનાની વાત કરતાં કહે છે, ‘બાળગીતો અને બાળવાર્તા જે ભુલાઈ રહ્યાંછે એ મારે ફરી જીવતાં કરવાં છે. મા-બાપને પાંચ વાર્તા કહેતાં નથી આવડતું અને બાળકોને મા-બાપ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણવા મોકલી દે છે. હું હાલરડાં અને બાળવાર્તાઓ લખીને લોકો સુધી પહોંચાડવા માગું છું. હાલરડાંની વાત આવે ત્યારે મારે કહેવું પડે છે કે આપણે શિવાજીના હાલરડાથી વધારે આગળ નથી ગયા. મારે હાલરડાં લખીને લોકો સુધી પહોંચતાં કરવાં છે. બાળકો બાળગીતો અને હાલરડાં સાંભળીને મોટાં થવાં જોઈએ તે હવે મોબાઇલ રમીને મોટાં થઈ રહ્યાં છે. એક જુદી જમાનસિકતા સાથે બાળકોનો ઉછેર થઈ રહ્યો છે. તમે ચેલૈયાનું હાલરડું ગાઓ અને એમાં ચેલૈયો જીવતો થાય તો ટીકા કરો છો અને ‘બાલવીર’ સિરિયલમાં કંઈ પણ બને તો તમને કંઈ અજુગતું નથી લાગતું. આ માનસિકતા મારે દૂર કરવી છે. હું થોડુંકેય અજવાળું કરી શકું તો મને ગૌરવ થશે. તમે ટાઇગરને બચાવો તો પર્યાવરણવાદી થઈ જાઓ, પણ ક્રિસમસ ટ્રી વાવો ત્યારે તમે ગ્લોબલ થઈ જાઓ છો. અને તુલસીના છોડને રિસ્પેક્ટ કરો તો તમે કટ્ટર હિન્દુ? કું કટ્ટર હિન્દુ નથી, હું ટટ્ટાર હિન્દુ છું.ભારતની પ્રજાનું અસ્તિત્વ બહુ જૂનું છે. જ્યારે કોઈ નહોતું ત્યારે આપણે હતા. કપાળના ચાંદલાથી માંડીને દરેકેદરેક વાત પાછળ એક લૉજિક છે. આપણો દેશ ઉપનિષદોની વાતોને ક્વોટ કરીને આગળ આવ્યો છે. આપણી પ્રજા કૃષ્ણ અને રામના સમ ખાય છે. આ આપણી સંસ્કૃતિ છે એ મારે જિવાડવી છે. મારી સ્કૂલમાં આવતું બાળક તુલસીને રિસ્પેક્ટ કરે એવું તેને તૈયાર કરવું છે.ક્રિસમસ ટ્રી સામે મને વાંધો નથી, તુલસીનો છોડ કાઢીને તમે ક્રિસમસ ટ્રી વાવો એની સામે મને વાંધો છે. આપણારૂટ તુલસીના છોડ સાથે જોડાયેલા છે એ વાતને ન ભૂલવી જોઈએ. અમારી સ્કૂલનાં બાળકો સૂર્યને અર્ધ્યં આપે એવું અમે શીખવીએ છીએ, પંચતત્ત્વના શ્ર્લોક બોલીને અમે યજ્ઞ કરીએ છીએ. મારી સ્કૂલનો નચિકેતા તેનાં મા-બાપને આદર આપે એવો હોવો જોઈએ. મારી સ્કૂલનાં બાળકોના ચહેરા મારે ખીલેલા જોઈએ છે. મારી સ્કૂલની દીકરીઓને હું વૅલેન્ટાઇન્સ ડેના દિવસે એવું કહું છું કે પાંચ વર્ષ ભણતરને આપી દો, બાકી બધું થઈ રહેશે. મા-બાપ અને બાળકોનું ક્મ્યુનિકેશન ધટી રહ્યું છે. હું એ બન્ને વચ્ચેનો બ્રિજ બનવા માગું છું. ફિલ્મી હીરોને જોઈને પ્રેમની વ્યાખ્યાઓ બાંધી લેતી દીકરીઓને અને દીકરાઓને હું કહું છું કેતેને તો એ નકલી પ્રેમ કરવાના રૂપિયા મળે છે. તે તમારો રોલમૉડલ ન હોઈ શકે. તમારો રોલમૉડલ રામ હોવો જોઈએ, રણવીરસિંહ નહીં.તમારો આદર્શ સક્સેસફુલ સચિન તેન્ડુલકર હોવો જોઈએ. આજની જનરેશનને આ સચ્ચાઈ આપીશું તો દેશ આગળ આવશે. મારા હાથમાં આવતીકાલનું ભારત છે. એને બહુ સશક્ત ધડવું છે.’

સાંઈરામની સ્કૂલમાં બેલ નથી વાગતો. બેલના બદલે અહીં બિથોવનનું મ્યુઝિક વાગે, તો કોઈ વાર લૅટિન ગિટારિસ્ટની ફેમસ ટ્યુન વાગે, કોઈવાર વિશ્ર્વના બેસ્ટ તબલાંપ્લેયરનો એક સરસ મજાનો પીસ વગાડવામાં આવે. આમ વિશ્ર્વના સંગીત સાથે બાળકોનો નાતો જળવાઈ રહે છે. પોતાની સ્કૂલનાં બાળકો માટે તેમણે ખાસ બાળગીતો લખ્યાં છે.દરેક બાળવાર્તા તેઓ ખુદ તૈયાર કરે છે. તેઓ પોતે લખેલાં બાળગીતો દેશના અલગ-અલગ પ્રાંતના ગાયકો પાસે ગવડાવીને બહોળા ફલક સુધી પહોંચાડવા માગે છે. તેઓ કહે છે કે અંગ્રેજીના આક્રમણમાં આપણાં મૂળિયાંક્યાંક ખોવાઈ ગયા છે, બસ એને ફરી જોડવાની કોશિશ કરવી છે મારે.

ભુલાઈ જતાં બાળગીતો વણીને બાળક સશક્ત નાગરિક બને એ માટે સાંઈરામે સરસ બાળગીત લખ્યું છે:

એબીસીડી ઈએફજી

કચરા કહીં ન ફેંકેજી

એચઆઈજેકે એલએમએન

સભી બનેંગે જેન્ટલમેન

ઓપીક્યુઆરએસટીયુ

ચલો સજાયે ઇન્ડિયા ન્યુ

ડબલ્યુ એક્સ વાય ઝેડ

હિન્દ બનેગા સબકા હેડ

ગુજરાતી મહિનાઓનાં નામ સાથે પણ આવું એક બાળગીત તેમણે રચ્યું છે.હાસ્ય, કવિ, લેખક, સ્ટેેજ-આર્ટિસ્ટ, શિક્ષણ તથા ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય જેમને મોઢે છે એવા સાંઈરામ તથા તેમના પિતાને ગુજરાત સરકારે સાથે ગુજરાત ગૌરવ પુરસ્કારથી નવાજ્યા છે. એકસાથે 148 જ્ઞાતિનાં નામ, 104 ડુંગરનાં નામ, એંસી નદીઓ અને સાઠ સાડીઓનાં નામ તેમને કંઠે સાંભળવાં એક લહાવો છે. ગુજરાતની ગરિમાને વર્ણવતાં ગુજરાત ચાલીસા તથા ગુજરાતની ગૌરવગાથા કહેતાં 71થી વધુ ગીતોનું તેમણે સર્જન કર્યું છે. તેમાં ક્ધયાકેળવળી, એઇડ્સ અવેરનેસ, સ્ત્રીભૂ્રણહત્યા, પર્યાવરણ, નર્મદા જેવા વિષયો પર ગીતો લખ્યાં છે. તેમની ‘છે સ્વર્ગથીયે વહાલી…’ નામની કવિતાનો મહારાષ્ટ્રના બીજા ધોરણના પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. તેમણે ગુજરાતમાં એક હજારથીયે વધુ જાહેર કાર્યક્રમો અને અલગ-અલગ 27 દેશોમાં સોથી વધુ કાર્યક્રમો કરીને ગુજરાતી ભાષા, હાસ્ય, ચારણી સાહિત્ય અને લોકસાહિત્યને લાખો લોકો સુધી પહોંચતું કર્યું છે. સાંઈરામના ‘હસતા અક્ષર’, ‘અક્ષરની આંગળિયું ઝાલી’, ‘રંગ કસુંબલ ગુજરાતી’ એ ત્રણ કાવ્યસંગ્રહો અને હાસ્યલેખોમાં ‘અમથા અમથા કેમ ન હસીએ’, ‘સાંઈરામનો હાસ્યદરબાર’, ‘હાસ્યનો હાઇવે’, ‘સ્માઇલનું સુનામી’, ‘હું દુનિયાને હસાવું છું’,‘હસો નહીં તો મારા સમ’એ હાસ્યલેખોની શ્રેણીનાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. ‘મિડ-ડે’ અને ‘સંદેશ’ દૈનિકમાં તેમણે હાસ્યની કૉલમ લાંબા સમય સુધી લખી છે.

સાઈંરામ કહે છે, ‘મારા માટે જિંદગી એટલે ઉત્સવ. હું પળેપળ ચિક્કાર જીવું છું. ઉત્સવ મારી જાતિ અને આનંદમારું ગોત્ર છે.’

ભાગવત કથાકાર રમેશભાઈજી તેમનો પ્રેરણાસ્ત્રોત છે. મોરારીબાપુ તેમના દિલની નજીક છે. છેલ્લે સિક્કિમમાં મોરારીબાપુની કથા સમયે બાપુએ કહેલું કે કર્ણને આપણા તમામ સર્જકોએ બહુ અન્યાય કર્યો છે. ઑડિયન્સમાં બેઠેલાસાંઈરામનેથયું કે આ વાત મને જ કહેવામાં આવી છે. તેમણે એમાંથી કૃષ્ણ અને કર્ણ વચ્ચેનો બહુ જ સરસ વૉટ્સઍપ સંવાદ રચ્યો છે. કર્ણ પર બે પંક્તિઓ લખી છે:

તમે કહેતા નહીં કોઈને પરબારું,

કે સૂરજના સંતાને આયખામાં વેઠ્યું છે આખા જીવનનું અંધારું!

માના ધાવણની બે ઘૂંટ મને આપી નહીં

કેમ એને મા કહીને પોકારું?

જોકે તેઓ કહે છે કે કવિતા મારો પહેલો પ્રેમ છે અનેતેમણે લગભગ ત્રણ હજાર કવિતાઓ લખી છે. લેખના અંતમાં તેમની એક કવિતાને ટાંકીને સમાપન કરીએ:

યાદ તારી બહુ ડ્યુરેબલ છે,

આંસુઓ ક્યાં ટ્રાન્સફરેબલ હોય છે?

પ્રિયતમાના જખમ સઘળા પી શકે,

આશિકો હરદમ કેપેબલ હોય છે.

વીજળી આ ઇશ્કની જ્યારે વહે,

આખી એ ઘટના અનેબલ હોય છે.

એમને અંદાઝ હો શું આપણો?

વેદનાઓ ક્યાં વિઝિબલ હોય છે?

ભૂલથીયે પ્રેમ ભુલાતો નથી,

સંસ્મરણનાં ટાઇમટેબલ હોય છે!

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.