ફૅશનમાં હંમેશાં ફ્યુઝનનો દબદબો રહેશે: અર્ચના કોચર

શુભ મલ્હોત્રા

અર્ચના કોચરે ઘણી નાની ઉંમરે તેમની કરીઅરની શરૂઆત કરી. સ્વભાવે શાંત અને ડાઉન ટુ અર્થ અર્ચના ફૅશનના માધ્યમથી વ્યક્તિના જીવનમાં એક અનેરું તત્ત્વ ઍડ કરે છે અને વ્યક્તિને અનોખો નિખાર આપે છે. આ ફૅશન ડિઝાઈનર માને છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ ફૅશનથી નથી ઊભરતું, પરંતુ વ્યક્તિત્વથી ફૅશન ઊભરી આવે છે. તેમનાં માટે માત્ર ડિઝાઈનર કપડાં પહેરવાં એટલે જ ફૅશન નહીં. પર્સ, જ્વેલરી અને મેકઅપ જેવી બાબતોનો યોગ્ય સમન્વય પણ ફૅશનનું અભિન્ન અંગ છે. તેમના મતે ફૅશન વ્યક્તિને પર્સનાલિટી સ્ટેટમેન્ટ આપે છે. તેઓ એમ પણ માને છે કે ફૅશન એટલે વોર્ડરોબમાં ભેગી કરેલી મોંઘી અને અનેક વસ્તુઓ નહીં, પરંતુ એ તમામ વસ્તુઓનું યોગ્ય-જરૂરિયાત મુજબનું મિશ્રણ! ફૅશન ડિઝાઈનિંગ ઉપરાંત તેમનું બીજું તો કોઈ મોટું સપનું નથી, પરંતુ નાની નાની સેવાઓ દ્વારા બીજાના જીવનમાં ખુશીઓ વહેંચવાનું તેમને ગમે છે. આ ઉપરાંત તેઓ ગર્લ ચાઈલ્ડ ફાઉન્ડેશન સાથે ગુડવિલ ઍમ્બેસેડર તરીકે પણ જોડાયેલા છે. તેમણે ‘કૉકટેલ ઝિંદગી’ સાથે રસપ્રદ વાતો શૅર કરી.

ફૅશનની સૂઝ અને શરૂઆત

અર્ચના કોચર કહે છે, ફૅશન હંમેશાં મારી સાથે જોડાયેલી હતી. હું એવું માનતી હતી કે મારી આજુબાજુની બધી જ વસ્તુમાં ખૂબસૂરતી હોવી જોઈએ અને એની શરૂઆત સૌ પ્રથમ આપણા સુંદર દેખાવથી થાય. ફૅશન એ માત્ર બાહ્ય જ નહીં, પરંતુ આપણી આંતરિક અનુભૂતિ પણ છે. હું જ્યારે 16 વર્ષની હતી ત્યારે મારા ફ્રેન્ડ્સની મદદ લઈને મેં એક ઍક્ઝિબિશન કર્યું હતું. એ ખૂબ જ સારું રહ્યું હતું. જોકે ત્યારે ખબર નહોતી કે હું ફૅશન ડિઝાઈનિંગને મારી કરીઅર બનાવીશ. સાથે-સાથે એ ખબર પડતી ગઈ કે ફૅશન એટલે દુનિયામાં અને આપણી આજુબાજુ થઈ રહેલા બદલાવ. ત્યાર બાદ મેં ફૅશન ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કર્યો અને 20 વર્ષની ઉંમરથી મેં ફૅશન ડિઝાઈનિંગની શરૂઆત કરી.

મારી કરીઅરની શરૂઆત એક બ્રાઈડલ કલેક્શનથી થઈ. હું ખૂબ જ ડ્રિમી છું એટલે હું એવું માનતી હતી કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે. એમાંય ખાસ કરીનેછોકરીઓએ આ પ્રસંગમાં ખૂબ જ સુંદર દેખાવું હોય. એટલે આવા સ્પેશિયલ અને ખુશીના પ્રસંગમાં હું મારું કંઈક યોગદાન આપું અને એમાં વધુ ખુશી ઉમેરું એવી લાગણીથી બ્રાઈડલ કલેક્શન સાથે મેં કરીઅરની શરૂઆત કરી.

કામ કરવાની મારી સ્ટાઈલ

ફૅશન માત્ર કપડાં પહેરવાથી નથી બનતી. કપડાં પહેરવાં કરતા મહત્ત્વનું છે એ કપડાં જે તે વ્યકિતનાં વ્યક્તિત્વ અને તે વ્યક્તિના શરીરનાં બાંધાને અનુરૂપ હોય. કોઈ વ્યક્તિની હાઈટ નાની હોય તો ફૅશનના માધ્યમથી તેની હાઈટ કઈ રીતે વધુ બતાવી શકાય? અમે એવા ઘણા પહેરવેશ બનાવ્યા છે, જે વ્યકિત સહેજ જાડી હોય તો ટુ સાઈઝ પાતળી લાગે અને અત્યંત પાતળી હોય તો તેને ટુ સાઈઝ જાડી હોવાનો અનુભવ કરાવે છે. આફ્ટરઑલ ફૅશન એટલે જે તે વ્યક્તિની પ્રસ્તુતિ અને તેની લાગણી! અમે જ્યારે લોકો માટે ડિઝાઈન કરતા હોઈએ ત્યારે લોકોને શું જોઈએ એનો ખ્યાલ રાખીએ છીએ. અને તેના ક્ટ્સ, કલર અને બાંધા પર ધ્યાન આપીને તેના માટે ડિઝાઈન કરીએ છીએ.

શુભ મલ્હોત્રા અને અર્ચના કોચર

મારી આગવી સ્ટાઈલ

મારી ખુદની એક સ્ટાઈલ છે. મેં અલગ-અલગ અનુભવોમાંથી શીખીને મારી આગવી સ્ટાઈલ બનાવી છે. પછી તો એમાં જ અવનવા પ્રયોગો કરીને તેને ઇમ્પ્રુવ કરીને તેને વધુ સારી બનાવવાની કોશિશ કરીએ છીએ. એમાંય પાછું પર્ટિક્યુલર શોઝ માટે અને સ્ટાર્સ માટેની ડિઝાઈનના ઈન્સ્પિરેશન સોર્સ જુદા-જુદા હોય. જેમ કે હાલમાં ન્યુ યોર્ક ફૅશનવીક માટે અમે વારલી થીમ પર કામ કરી રહ્યા છીએ. તો આ માટે અમે કયા પ્રકારના કલર સાથે કામ કરવું એની તૈયારીઓ શરૂ કરી છે. આ માટે કપડાં પર અમે હેન્ડ પૅઇન્ટિંગ કરાવીશું અને એ હેન્ડ પૅઇન્ટિંગ વારલી આર્ટિસ્ટસ પાસે જ કરાવીશું. એવી જ રીતે જ્યારે સ્ટોરના કલેક્શન માટે ડિઝાઈન કરવાની હશે તો ત્યારે અમારા ઈન્સ્પિરેશન સોર્સ જુદા હશે. ત્યારે અમે લોકોને શું પસંદ છે એને ખાસ ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરીએ છીએ. આ ઉપરાંત અલગ-અલગ સિઝનમાં અમારી સ્ટાઈલ સાથે જે તે સિઝનમાં કયા બદલાવ લાવી શકાય એના પર રિસર્ચ કરીએ છીએ અને અમારા કામને વધુ સારું બનાવવાની કોશિશ કરીએ છીએ.

મારી પ્રેરણા

દુનિયાભરનું ટ્રાવેલિંગ અને ઈન્ડિયન હેરિટેજ મને સૌથી વધુ ઇન્સ્પાયર કરે. અલગ-અલગ જગ્યાના પ્રસંગો એના અનુભવની ઇમ્પ્રેશન્સને ધ્યાનમાં રાખીને એ અનુભવો કપડાંરૂપી કેનવાસ પર આર્ટ દ્વારા ક્રિએટ કરવાની મજા ખૂબ જ અલગ હોય છે.)  ઈન્ડિયન રોયલ હેરિટેજમાં અખૂટ ખજાનો ભર્યો છે.

આવનારા સમયની ફૅશન

ફૅશન એક અત્યંત મોટું પ્લૅટફોર્મ છે. એટલે આપણે કોઈ એક ચોક્કસ ફૅશન વિશે વાત ન કરી શકીએ. વળી ફૅશન વ્યક્તિ વ્યક્તિએ જુદી પડે. એટલે ક્યારેય એના વિશે કશું પ્રિડિક્ટ ન કરી શકાય. આજના યુગમાં જ્યારે બધી જ બાબતોમાં ગ્લોબલાઈઝેશન આવ્યું છે અને આપણે ગ્લોબલ સિટિઝન બન્યાં છીએ ત્યારે હાર્ડલી કોઈને માત્ર સાડી કે સલવાર અથવા કોઈ પણ પરંપરાગત કપડાંમાં રસ પડે. આજકાલ ફ્યુઝન ફૅશનનો ટ્રેન્ડવધુ જોવા મળે છે. ગાઉન સાથે સાડી કે ધોતી સાથે જેકેટ જેવા મિક્સમેચ ફ્યુઝનનો ટ્રેન્ડ વધુ જોવા મળે. લોકો પણ આ પ્રકારના ફ્યુઝનને ઘણું એન્જોય કરે છે. એટલે હું કહીશ કે આવનારા સમયની ચોક્કસ ફૅશન કઈ હશે એ વિશે કંઈ ધારી ન શકાય, પરંતુ ફ્યુઝનનો હંમેશાં દબદબો રહેશે એ બાબત નક્કી છે.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.