ધી વિન્ટર ડિઝાયર ઈન આર્જેન્ટિના

By આકૃતિ શેટા

દુનિયાના છેવાડાઓ સુધી પહોંચવું, ખંડોના સીમાડાઓ ઓળંગવા, મહાસાગરોને પાર કરવા અને ક્ષિતિજોને આંબવી… આ બધું મને હંમેશાં રોમાંચક અને પ્રેરણાદાયી લાગે છે. આ કારણે જ હું સતત પ્રવાસો કરતી રહું છું અને સતત કશુંક પામવાની મથામણ કરતી રહું છું! કદી ન જોયેલી જગ્યાઓ ખેડવાની, અવનવાં સપનાં જોવાની અને કંઈક નવું ખોળી કાઢવાની મારી આ ઝંખના મને સતત ક્યાંક ને ક્યાંક લઈ જાય છે. આ વખતે મારી એ ઝંખના મને સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંમિશ્રણ ધરાવતા દેશ આર્જેન્ટિના સુધી દોરી ગઈ. આ દેશમાં વિશિષ્ટ આબોહવા તેમજ વિવિધ ભૌગોલિક પરિબળો ઉપરાંત લોકો અને સંસ્કૃતિ એમ દરેક રીતની પુષ્કળ વિવિધતાઓ સમાયેલી છે. મકરવૃત્તથી લઈને ઍન્ટાર્કટિકાના છેડા સુધી વિસ્તરેલું આર્જેન્ટિના મન મોહી લેતા પ્રદેશો અને ભૂભાગોના આશ્ચર્યચકિત કરનારા વૈવિધ્યથી ભરેલું છે. એની નૈસર્ગિક ભેટો જ નહીં, એની સંસ્કૃતિ પણ એના મુખ્ય આકર્ષણોમાંનું એક છે. એનાં સ્થાપત્ય, જીવનશૈલી અને ભાષામાં યુરોપીય શાસનના સમયની અસર હજી પણ દેખાય છે.

ઐતિહાસિક રીતે આર્જેન્ટિનાને એનું નામ ચાંદીના લૅટિન શબ્દ આર્જેન્ટમ પરથી મળ્યું છે, જે પહેલાંના સમયમાં અહીં પુષ્કળ માત્રામાં મળી આવતી હતી. આર્જેન્ટિના હજી પણ કીમતી ખનીજો, પાળતુ પ્રાણીઓ અને અનાજના અગત્યના સ્રોત તરીકે જાણીતું છે. આ કારણે એક સમયે આર્જેન્ટિના વિશ્વના સૌથી ધનાઢ્ય દેશોમાંનો એક ગણાતો હતો. ભૌગોલિક રીતે આ દેશ 5121 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો છે અને એનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. એની રાજધાની આ ત્રિકોણાકારની ટોચ પર છે. આ દેશની ફરતે ચિલી, બોલિવિયા, પેરુગ્વે, બ્રાઝિલ, ઉરુગ્વે જેવા દેશો અને ઍટલાન્ટિક સમુદ્ર છે. આર્જેન્ટિનાના ભૌગોલિક કદને કારણે અહીંની આબોહવામાં વૈવિધ્ય જોવા મળે છે. ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમય દક્ષિણ આર્જેન્ટિનાની મુલાકાત લેવા માટે સૌથી અનુકૂળ સમય છે. તો રાજધાની બુએનસ આઇરિસનું વાતાવરણ જુલાઇથી ઑગસ્ટ સુધી ખુશનુમા હોય છે. વળી મેન્ડોઝાની ખીણોમાંના દ્રાક્ષના બગીચા માર્ચથી મે દરમિયાન સોનેરી અને તામ્ર ચળકાટ ધરાવતા થઈ જતા હોય છે. આ દેશમાં હરવા-ફરવા માટે ખૂબ જ સરળતા હોય છે.અમે ડિસેમ્બર મહિનામાં આર્જેન્ટિના ફરવાનું નક્કી કર્યું હતું.

અમે પહેલીવાર આર્જેન્ટિનાની મુલાકાત લેવા જઈ રહ્યા હતા એટલે અમે લગભગ બધી જ જોવા જેવી જગ્યાઓને આવરી લેવાનું નક્કી કર્યું; જેમાં રાજધાની બુએનસ આઇરિસ, વિશાળ ઇગ્વાઝુ ધોધ, દ્રાક્ષના બગીચાઓ, એન્ડીસ પર્વતમાળા, દક્ષિણ પેટાગોનિયાનાં બર્ફીલા મેદાનો અને અને હિમનદીઓનો સમાવેશ થતો હતો. અમારા માટે આ અત્યંત યાદગાર સફર રહી હતી. તમને પણ આ દેશની સફર કરવાની મજા પડશે જ. તો આ રહ્યા અમારી આર્જેન્ટિનાની ટ્રિપના સૌથી યાદગાર અનુભવો.

પેરિતો મોરેનો ગ્લૅસિયર (હિમનદી)

પાર્ક નેકોનલ લોસ ગ્લૅસિયરનું મુખ્ય આકર્ષણ એવું પેરિતો મોરેનો ગ્લૅસિયર આર્જેન્ટિનાનાં સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. આ હિમક્ષેત્ર 30 કિલોમીટર લાંબું, 5 કિલોમીટર પહોળું અને 60 મીટર ઊંચું છે; પરંતુ જે વાત એને વિશ્વના અન્ય ગ્લૅસિયર્સથી અનોખું બનાવે છે તે એ છે કેએ 2 મીટર પ્રતિ દિવસ જેટલી આગળ વધે છે, જેને લીધે બરફના મોટા ટુકડા આર્જેન્ટિના તળાવમાં પડે છે અને હિમશિલાઓમાં પરિવર્તીત થાય છે. અમે ભાગ્યશાળી હતા કે અમે બરફના એક મોટા ચોસલાને ગ્લૅસિયરમાંથી છૂટું પડીને નીચે તળાવમાં ખાબકતું જોયું. એ દરમિયાન મચેલા જબરદસ્ત ખળભળાટ અને પ્રચંડ નાદને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.

આ ઉપરાંત ત્યાંનો વૉકવે તમને અનેક માણવા જેવાંસ્થળોની મુલાકાત કરાવે છે. વૉકવે તમને ગ્લૅસિયર અને તળાવની એક્દમ નજીક જવાનો મોકો પણ આપે છે, જ્યાં તમે ગ્લૅસિયરની વિશાળતાને મન ભરીને માણી શકો. અમારી ટ્રિપને વધુ રોમાંચક બનાવવા માટે અમે હિમશિલાઓની વચ્ચેથી હોડીમાં બેસીને પસાર થયેલા. અમે ગ્લૅસિયરની એટલા નજીક ગયેલા કે ત્યાં અમે બરફ તૂટવાનો અવાજ પણ સાંભળી શકતા હતા. આ ઉપરાંત નૅશનલ પાર્કની ઉપર હવામાં ચક્કર મારવાં, ગ્લૅસિયરમાં ચાલવું કે ગ્લૅસિયર પર હાઇકિંગ કરવું જેવી ઍક્સાઇટિંગ પ્રવૃત્તિઓ પેરિતો મોરેનો ગ્લૅસિયરના અનુભવને યાદગાર બનાવી દે છે.

ટિએરા ડેલ ફુએગો

શું દુનિયાના દક્ષિણ છેવાડા સુધી પહોંચવાનો વિચાર માત્ર તમને રોમાંચિત નથી કરી દેતો? અને એ પણ ત્યારે જ્યારે આગળ માત્ર ઍન્ટાર્કટિકા જ છે? અમે જ્યારે દુનિયાના દક્ષિણછેડા પર આવેલા શહેર ઉસ્વાઇયા આવી પહોંચ્યા ત્યારે અમારી  મનોસ્થિતિ પણ કંઈક આવી જ હતી. બરફાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલા અને મનોહર સમુદ્ર ધરાવાતા ઉસ્વાઇયાએ છેલ્લા એક દાયકા દરમિયાન સહેલાણીઓમાં ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે. દર વર્ષે સહેલાણીઓ આ શહેરમાં ફિશિંગ અને સેઇલિંગ ઉપરાંત શિયાળુ રમતો રમવા માટે આવતા હોય છે. આ ઉપરાંત ટેઇરા ડેલ ફુએગો નૅશનલ પાર્કમાં પર્વતારોહણ અને ટ્રેકિંગ માટે પણ લોકો આવતા હોય છે, જેમાંના કેટલાક તો ઍન્ટાર્કટિકામાં એક્સપિડિશનમાટે ઊમટી પડે છે. તમે પણ ત્યાં જાઓ તો દિવસના સમયમાં બીગલ ખાડીમાંથી પસાર થતી ક્રૂઝમાં ઉસ્વાઇયાના મનોરમ્ય દરિયાકિનારા અને સ્થાનિક દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો લહાવો લેવાનું ચૂકતા નહીં.

ઇગ્વાઝુ ધોધ

ઇગ્વાઝુ વિશ્વના સૌથી વિશાળ ધોધમાંનો એક છે.એની ગણના દુનિયાના બેનમૂન કુદરતી નજારાઓમાં થાય છે. અમને ઇગ્વાઝુની વિશાળતા વિશે આછો ખ્યાલ હતો, પરંતુ એને નજરે જોયો ત્યારે અમે ચકિત રહી ગયા! તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે ઇગ્વાઝુ એક નહીં, બે નહીં પણ એકસાથે 275 ધોધનો સમૂહ છે. પાણીનો અવિરત પ્રવાહ, ઇન્દ્રધનુષની રચના, ઘનઘોર જંગલની ચાડી ખાતી ગંધ, ગર્જનાનો ધ્વનિ અને ઉષ્ણકટિબંધનાં પંખીઓનો કલબલાટ… આ બધાના સમન્વયથી જે માહોલ સર્જાય એ અનુભૂતિને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. એ અનુભવ તો જાતે કરીએ તો જ સમજાય!

આ ધોધ ઇગ્વાઝુ નૅશનલ પાર્કમાં ઇગ્વાઝુ નદી પર આવેલો છે, જે બ્રાઝિલ અને આર્જેન્ટિનાની સરહદ પર છે. ધોધનો 80 ટકા ભાગ આર્જેન્ટિનામાં છે, જ્યારે 20 ટકા ભાગ બ્રાઝિલની હદમાં છે. જંગલમાંનાં પક્ષીઓને નિહાળતા અમે ધોધની સામેની બાજુએ રાખેલા પ્લૅટફૉર્મ પર ઊભા રહ્યા. ધોધરૂપે વહેતું, અમારા પગ નીચે દેખાતું પાણી ધ્યાનાકર્ષક હતું. આ ધોધનો મધ્યનો અને સૌથી ઊંચો પૉઇન્ટ ‘ડેવિલ્સ થ્રોટ’ તરીકે ઓળખાય છે. અહીંની સ્પીડ-બોટ સફારી તમને ધોધની બરાબર નીચે લઈ જાય છે તો હેલિકૉપ્ટરની સવારી તમને ધોધના ઉદ્ભવસ્થાન પાસે લઈ જાય છે. આ ધોધ ખરેખર કુદરતની સૌથી યાદગાર અજાયબીઓ પૈકી એક છે.

મજેદાર હકીકત: આ ધોધ નાયગ્રા કરતાં કદમાં ત્રણગણો મોટો છે.

 

બુએનસ આઇરિસ

વિશાળ જગ્યામાં પથરાયેલી આર્જેન્ટિનાની રાજધાની ‘દક્ષિણ અમેરિકાનું પૅરિસ’તરીકે ઓળખાય  છે. બુએનસ આઇરિસ સ્વાદિષ્ટ વાનગીઓ, ધબકતા માહોલ, અર્વાચીન અને યુરોપિયન સમયનાં મકાનો, ફૅશનપ્રિય લોકો, સુંદર સંગીત, ટૅન્ગો ડાન્સરો, ફૂટબૉલના ચાહકો અને ધબકતી રાત્રિઓનું શહેર છે.

16મી સદીમાં સોના અને ચાંદીના બંદર તરીકે સ્થપાયેલા આ શહેરનું નામ દરિયા પરથી આવતા ઠંડા પવનો પરથી પડ્યું હતું. સ્પૅનિશ વસાહતીઓએ તેમની આવડતથી આર્જેન્ટિનાને વિશ્વનો સૌથી ધનાઢ્ય દેશ બનાવ્યો છે. જોકે એ પછી આ શહેરના નસીબનું પાનું પલટાયું હતું.એમ છતાં અહીંના સ્થાપત્યનો વૈભવ હજી પણ એવો ને એવો છે. અમારી મુલાકાત દરમિયાન અમારા એક મિત્ર જેવિયરે અમને શહેરમાં ભ્રમણ કરાવ્યું અને પ્લાઝા ડી માયો, ઑપેરા હાઉસ, કાસા રોસાડા, એેવેનીડા 9 જુલિયો ઍવન્યુ, ટીએટ્રો કોલન વગેરે વિશે અમને વિગતે વાત કરી. પછી અમે લા બોકાની કૅફેની આસપાસ લટાર મારી અને રેકોલિટા કબ્રસ્તાનની આસપાસ ફર્યા, જ્યાં શહેરની જાણીતી તેમજ ધનાઢ્ય વ્યક્તિઓને દફનાવાય છે! આ કબ્રસ્તાન ખરેખર અદ્ભુત છે, કારણ કે દરેક કબર કળાનો એક નમૂનો છે.

લા બોકા અને સાન ટેલ્મો

આ વિસ્તારમાં આનંદની ગજબની લહેર છે, જ્યાં બધી જ બાબતોમાં તમને યુરોપની છાપ દેખાશે. જેમ કે અહીંની ઇમારતો ફ્રેન્ચ શૈલીની છે, લોકો સ્પૅનિશ ભાષા બોલે છે, પણ એમાં ઇટલીની નાપોલી છાંટ અનુભવાય છે. લા બોકાની પ્રખ્યાત એલ કમીનોટો સ્ટ્રીટ્સ રંગબેરંગી ઘરો, પથ્થરની ફર્શવાળી ગલીઓ, પેઇન્ટિંગ્સ વેચતા સ્થાનિક કલાકારો, ફૂટબૉલના દીવાનાઓ અને ટૅન્ગોના તાલથી ભરચક હોય છે. અહીં સહેલાણીઓ ખુલ્લી કૅફેમાં કૉફીની ચુસકીઓ ભરતાં-ભરતાં ટૅન્ગોની મજા પણ માણી શકે છે. આ કલાપ્રેમી વિસ્તાર દક્ષિણ અમેરિકન જીવનશૈલી અને ઇતિહાસથી ધબકે છે. અહીંના દંતકથારૂપ બની ગયેલા ‘બોકા જુનિઅર સૉકર સ્ટેડિયમ’ અને મ્યુઝિયમની મુલાકાત લેવાનું બિલકુલ ચૂકતા નહીં. સાન ટેલ્મોની ગલીઓમાં ભમતાં-ભમતાં ત્યાંનાં યુરોપિયન ઢબનાં મકાનોની દુકાનોમાંથી યાદગીરી માટે હાથબનાવટની વસ્તુઓ, ટૅન્ગોની ભાતવાળાં ઍન્ટિક્સ અને સંગ્રહ કરવા જેવી ચીજો ખરીદજો.

ટૅન્ગો ડાન્સ

જ્યારે આર્જેન્ટિના આવો ત્યારે ત્યાંનો ટૅન્ગો ડાન્સ માણવાનું ચૂકતા નહીં. તરવરાટભર્યા ટૅન્ગોનું ઉદ્ભવસ્થાન બુએનસ આઇરિસનું બંદર હતું. ટૅન્ગો વિશે મજાની વાત એ છે કેએનું લોકો સાથેનું સાંસ્કૃતિક બંધન હજી પણ જળવાઈ રહ્યું છે. ઉંમરલાયક વ્યક્તિ હોય કે યુવાનો હોય, બધા જએના તન્મય કરી દેતા સંગીત સાથે તાલ મિલાવવાનું પસંદ કરે છે. ટૅન્ગોની મજા માણવા માટે એ નૃત્ય શીખવું અત્યંત જરૂરી છે. સ્થાનિક ટૅન્ગો ક્લબ અને હોલમાં ફી વિના પણ ટૅન્ગો શીખવવામાં આવે છે. અમારા પ્રવાસ દરમિયાન અમે પણ એક ક્લબમાં ટૅન્ગો શીખવા માટે ક્લાસિસ કર્યા અને આ ડાન્સ કરીને રોમાંચક પળોનો આનંદ માણ્યો. અહીં પ્રોફેશનલ કલાકારો દ્વારા અદ્ભુત નૃત્યપ્રદર્શન પણ થાય છે. અહીંના સ્થાનિક લોકો પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવવામાં અત્યંત ગર્વ અનુભવે છે.

મેન્ડોઝા

ઍન્ડીઝની તળેટીમાં ગોઠવાયેલા આ શહેરને મજાકમાં આર્જેન્ટિનાના વાઇન કૅપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઍન્ડીઝ પર્વતમાળાનાં રમણીય દૃશ્યો અને વાઇનરીઝ (વાઇન બનાવવાની જગ્યા)નો લાભ લેવા માટે લોકો મેન્ડોઝા પ્રદેશની ખાસ મુલાકાત લેતા હોય છે. આ સ્થળ વર્લ્ડબેસ્ટ હોટેલ્સ, રિસૉર્ટ્સ, પહાડી વિસ્તારની સાહસિક પ્રવૃત્તિઓ, લિજ્જતદાર વાનગીઓ અને અનેક વાઇનની મજા માણવા માટે બેસ્ટ છે. મલ્બેક અહીંનો સૌથી શ્રેષ્ઠ વાઇન છે અને જો તમે વાઇનના શોખીન હો તો તમે મલ્બેકનો એક ગ્લાસ માણ્યા વિના આર્જેન્ટિનાથી પાછા જઈ જ ન શકો. આ ઍન્ડિયન શહેર આર્જેન્ટિનાની શ્રેષ્ઠ રસમો વિશે પણ આપણને માહિતગાર કરે છે.

ફૂડ

એવું કહેવાય છે કે આર્જેન્ટિનામાં મળતું માંસ વિશ્વમાં  શ્રેષ્ઠ છે. ‘અસાદો’ એમની વાનગીઓમાં શિરમોર છે.એને ગ્રિલ પર કે પારિલ્લા નામે ઓળખાતા ખુલ્લા દેવતા પર પકાવાય છે. આર્જેન્ટિનાના લોકોનો આહાર માટેનો પ્રેમ બધે નજરે ચડે છે. કોઈ પણ નાનીએવી બેકરી કે કૅફે અથવા રેસ્ટરાંમાં જાઓ તો ત્યાં તમને સરસ ભોજન મળશે. અહીં તમે પીઝાનું આર્જેન્ટાઇન સંસ્કરણ પણ અજમાવી શકો, જેમાં જાડો બેઝ અને ભરપૂર ચીઝ હોય છે! જો તમે શાકાહારી હો તો તમે ચીઝ, મશરૂમ અને શાકભાજી ભરેલા વેજ એમ્પાન્ડાસ અજમાવી શકો. આર્જેન્ટિનાના લોકો જેના દીવાના છે એ ડલ્સિ ડ લેકની લિજ્જત માણજો, તમને એમાં બિસ્કિટ, આઇસક્રીમ, કૉફી, કેક એમ બધા જ પ્રકારની મીઠી વાનગીઓ મળી રહેશે. અને હા, ‘માતેહ’  ચાખવાનું તો ચૂકતા જ નહીં! એ એક પ્રકારની કડક ચા છે, જેને એક વિશિષ્ટ આકારના તૂંબડામાંથી પીવાની હોય છે. આર્જેન્ટિનાના લોકો એને સામાજિક પ્રસંગોએ પરંપરાગત રીતે પીએ છે અને એના સોગંદ પણ ખાય છે!

માર્ટી રુબિન કહે છે ‘Travel doesn’t become adventure until you leave yourself behind’. અમારી આર્જેન્ટિનાની ટ્રિપ આવો જ એક રોમાંચક અનુભવ બની રહ્યો એ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આ દેશના ઐશ્ચર્યને એક જ મુલાકાતથી ન્યાય આપી શકાય નહીં અને એટલે જ અમે અમારી સાથે આર્જેન્ટિનાના અઢળક ફોટોગ્રાફ લઈ આવ્યા.

પાર્ક નેકોનલ લોસ ગ્લૅસિયરનું મુખ્ય આકર્ષણ એવું પેરિતો મોરેનો ગ્લૅસિયર આર્જેન્ટિનાનાં સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. આ હિમક્ષેત્ર 30 કિલોમીટર લાંબું, 5 કિલોમીટર પહોળું અને 60 મીટર ઊંચું છે; પરંતુ જે વાત એને વિશ્વના અન્ય ગ્લૅસિયર્સથી અનોખું બનાવે છે તે એ છે કે એ 2 મીટર પ્રતિ દિવસ જેટલી આગળ વધે છે, જેને લીધે બરફના મોટા ટુકડા આર્જેન્ટિના તળાવમાં પડે છે અને હિમશિલાઓમાં પરિવર્તીત થાય છે.

વૉકવે તમને અનેક માણવા જેવાં સ્થળોની મુલાકાત કરાવે છે. વૉકવે તમને ગ્લૅસિયર અને તળાવની એક્દમ નજીક જવાનો મોકો પણ આપે છે, જ્યાં તમે ગ્લૅસિયરની વિશાળતાને મન ભરીને માણી શકો. અમારી ટ્રિપને વધુ રોમાંચક બનાવવા માટે અમે હિમશિલાઓની વચ્ચેથી હોડીમાં બેસીને પસાર થયેલા. અમે ગ્લૅસિયરની એટલા નજીક ગયેલા કે ત્યાં અમે બરફ તૂટવાનો અવાજ પણ સાંભળી શકતા હતા.

ઇગ્વાઝુની વિશાળતા વિશે આછો ખ્યાલ હતો, પરંતુ એને નજરે જોયો ત્યારે અમે ચકિત રહી ગયા! તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે ઇગ્વાઝુ એક નહીં, બે નહીં પણ એકસાથે 275 ધોધનો સમૂહ છે. પાણીનો અવિરત પ્રવાહ, ઇન્દ્રધનુષની રચના, ઘનઘોર જંગલની ચાડી ખાતી ગંધ, ગર્જનાનો ધ્વનિ અને ઉષ્ણકટિબંધનાં પંખીઓનો કલબલાટ… આ બધાના સમન્વયથી જે માહોલ સર્જાય એ અનુભૂતિને શબ્દોમાં વર્ણવી શકાય નહીં

આર્જેન્ટિનાના લોકો જેના દીવાના છે એ ડલ્સિ ડ લેકની લિજ્જત માણજો, તમને એમાં બિસ્કિટ, આઇસક્રીમ, કૉફી, કેક એમ બધા જ પ્રકારની મીઠી વાનગીઓ મળી રહેશે. અને હા, ‘માતેહ’  ચાખવાનું તો ચૂકતા જ નહીં! એ એક પ્રકારની કડક ચા છે, જેને એક વિશિષ્ટ આકારના તૂંબડામાંથી પીવાની હોય છે. આર્જેન્ટિનાના લોકો એને સામાજિક પ્રસંગોએ પરંપરાગત રીતે પીએ છે અને એના સોગંદ પણ ખાય છે!

 

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.