કોઈ વાતની ઇનસિક્યૉરિટી નથી લાગતી: આશા પારેખ

જાહ્નવી પી. પાલ

જે રીતે રાજેન્દ્રકુમાર સિલ્વર જ્યુબિલી ઍક્ટર તરીકે ઓળખાતા હતા એ જ રીતે ઘણી વાર આશા પારેખનો ઉલ્લેખ પણ જ્યુબિલી ઍક્ટ્રેસ તરીકે થતો હતો કારણ કે તેમની મોટાભાગની ફિલ્મો બૉક્સ-ઑફિસ પર અત્યંત સફળ રહી હતી.આશાજીએ તેમના સમયના લગભગ બધા જ ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું. શમ્મી કપૂરથી લઈને જૉય મુખરજી, દેવ આનંદ, ધર્મેન્દ્ર, સુનીલ દત્ત, રાજેશ ખન્ના, જિતેન્દ્ર, શશી કપૂર અને મનોજકુમાર જેવા સફળ સ્ટાર્સ સાથે આશાજીએ ફિલ્મો કરી હતી.

‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘તીસરી મંઝિલ’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’ જેવી નાસિર હુસેન સાથે કરેલી તેમની બધી જ ફિલ્મો ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો સાબિત થઈ હતી. આશાજીની કરીઅર લગભગ પાંચ દાયકા જેટલી લાંબી રહી છે; જેમાં ફિલ્મોની સાથે-સાથે ડાન્સ-શોઝ, ડિરેક્શન, ટીવી-શોઝ પ્રોડક્શન અને ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન જેવા અલગ-અલગ ક્ષેત્રે આશાજી કામ કરતાં રહ્યાં છે.

આ પદ્મશ્રી અભિનેત્રીએ થોડા સમય પહેલાં જ તેમની બાયોગ્રાફી રિલીઝ કરી હતી. ખાલિદ મોહમ્મદ સાથે તેમણે લખેલા આ પુસ્તકમાં તેમની કરીઅરથી લઈને ફિલ્મમેકર નાસિર હુસેન સાથેના રોમૅન્સની પણ તેમણે વાતો કરી છે.ડિપ્રેશન સાથેની તેમની લડતની તેમ જ સેન્સર બોર્ડના ચીફ તરીકેના સમયગાળાની સાથે જ બીજી ઘણી વાતો વિશે પણ આશાજીએ તેમના આ પુસ્તકમાં લખ્યું છે.

સાંતાક્રુઝસ્થિત તેમના સી-ફેસિંગ ઘરમાં અમે બેઠા છીએ અને 74 વર્ષનાં આ લેજન્ડરી ઍક્ટ્રેસ ‘કૉકટેલ ઝિંદગી’ સાથે ખુલ્લા મને વાતો કરતાં-કરતાં અનેક યાદો વાગોળે છે. ઓવર ટુ આશાજી:

શરૂઆતના સમયનું રિજેક્શન

મને ફિલ્મ ‘ગુંજ ઊઠી શહનાઈ’ માટે સાઈન કરવામાં આવી હતી. મેં એ ફિલ્મ માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. એ સમયે મારી ઉંમર માત્ર 16 વર્ષની હતી, પરંતુ શૂટિંગના બે જ દિવસ બાદ મને ના કહી દેવામાં આવી કારણ કે ફિલ્મના ડિરેક્ટરને લાગતું હતું કે આ ફિલ્મ માટે હું રાઇટ ચૉઇસ નથી. મારી જગ્યાએ બીજી ઍક્ટ્રેસને સાઇન કરવામાં આવી. આ વાતથી હું ખૂબ અપસેટ થઈ ગઈ હતી, પરંતુ મારું નસીબ સારું હતું કે ત્યાર પછીના આઠ જ દિવસમાં મને બીજી એક ફિલ્મની ઑફર આવી. મેં એ વાતને સકારાત્મક દૃષ્ટિએ લીધી અને વિચાર્યું કે કદાચ મારા નસીબમાં આથીયે કંઈક મોટું અને કંઈક બહેતર લખાયું હશે. પ્રોડ્યુસર શશધર મુખરજી અને દિગ્દર્શક નાસિર હુસેને મને ફિલ્મ ‘દિલ દે કે દેખો’માં શમ્મી કપૂરસાહેબની સામે કાસ્ટ કરી. એક નાની ફેલ્યર તમને રોકી શકતી નથી. આથી જ હું દરેક કલાકારને કહું છું કે જો તમે હાર્ડ વર્ક કરતા રહો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખો તો તમે વહેલા-મોડા તમારી મંઝિલે પહોંચી જ શકો છો. કોને ખબર હતી કે એક ટેલિવિઝન આર્ટિસ્ટ શાહરુખ ખાન એક દિવસ ઇન્ડસ્ટ્રીનો સૌથી સફળ કલાકાર બનશે? એવું જ એક બીજા ઍક્ટર સાથે પણ બન્યું છે જેણે પોતાની કરીઅરની શરૂઆત ટેલિવિઝનના નાના પડદેથી કરી હતી- સુશાંતસિંહ રાજપૂત.

હવેના સમયમાં દરેક વ્યક્તિને બધું જ ફટાફટ જોઈએ છે. મને તેમને જોઈને દુ:ખ થાય છે અને જે રીતે તેઓ કામ કરે છે એ જોઈ હું અપસેટ થઈ જાઉં છું. તેમણે થોડા રિલૅક્સ અને સ્લો ડાઉન થવું જોઈએ એવું મને લાગે છે. તમે આખોય સમય રેસમાં દોડતા ન જ રહી શકો. એક સમયે એક જ ફિલ્મ કરવાની આદત તેમણે રાખવી જોઈએ. જોકે મેં અનેક વાર એક જ સમયે એક કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ મેં ક્યારેય સ્ટ્રેસ ફીલ નથી કર્યું કારણ કે હું સવારે 9.30થી 6.00 વાગ્યાની શિફ્ટમાં જ કામ કરતી હતી. કદાચ આજના જમાનામાં હું મિસફિટ સાબિત થાઉં એમ બને, કારણ કે હું આટલું બધું પ્રેશર લેવા ટેવાયેલી નથી.

હાયર એજ્યુકેશન પૂર્ણ ન કરી શકી

હું આઇએએસ ઑફિસર બનવા માગતી હતી અથવા તો ડૉક્ટર બનવા ઇચ્છતી હતી, પરંતુ એ શક્ય ન બન્યું. મારે મારું ભણતર વચ્ચેથી જ છોડવું પડ્યું, કારણ કે મને કામ માટેની ખૂબબધી ઑફર્સ આવવા માંડી હતી અને પછી તો મારું કામ જ મારી પ્રાયોરિટી બની ગઈ. હા, ઘણી વાર મને એ વાતનો અફસોસ પણ થાય છે કે હું મારી ટીનેજ લાઇફ એન્જૉય ન કરી શકી, પરંતુ તેની બીજી બાજુ એ પણ છે કે મેં મારું કામ ખૂબ જ એન્જૉય કર્યું છે અને નાની ઉંમરમાં જ હું સફળતાનો આનંદ ભોગવી શકી.

માત્ર મારા નામે જ ફિલ્મો વેચાઈ જતી હતી

હા, એક એવો સમય પણ હતો જ્યારે ડિરેક્ટર્સ તેમની ફિલ્મોમાં પહેલાં મને સાઇન કરતા હતા અને ત્યાર બાદ હીરોની પસંદગી થતી હતી. એ એવો સમય હતો જ્યારે માત્ર મારા નામે ફિલ્મો વેચાઈ જતી હતી.ડિસ્ટ્રિબ્યુટર્સ મારા નામ પર પૈસા ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર થઈ જતા. એ સમય એવો સમય હતો જ્યારે મારી સામે હીરો તરીકે કયો કલાકાર હશે એ મારી પસંદગી પર નિર્ભર હતું.મને આ સમયે એક કિસ્સો યાદ આવે છે જ્યારે દેવેન વર્માએ મને ફિલ્મ ‘નાદાન’ માટે સાઇન કરી હતી. તેમણે મારી સામે નવીન નિશ્ર્ચલને સાઇન કર્યા હતા. હું એ સમયે ધર્મેન્દ્ર સાથે કામ કરી રહી હતી અને મેં તેમને રેકમેન્ડ કર્યું કે ધર્મેન્દ્રને લીડ મેલ કૅરૅક્ટરમાં લેવા જોઈએ. ફિલ્મ તો મારા નામને કારણે પહેલેથી જ વેચાઈ ચૂકી હતી, પરંતુ દેવેન નવીનને પહેલેથી જ સાઇન કરી ચૂક્યા હતા આથી તેઓ મૂંઝવણમાં મૂકાઈ ગયા. તો તેઓ ધર્મેન્દ્ર પાસે ગયા અને તેમનેે કહ્યું કે તમે જાતે જ ફિલ્મ માટે ના કહી દો તો મારી મુશ્કેલી દૂર થઈ જાય. જોકે પછી મેં પણ ચૂપચાપ આ વાત સ્વીકારી લીધી.

શરૂઆતમાં માત્ર ગ્લૅમરસ રોલ કર્યા હતા

મેં એક ગ્લૅમરગર્લ તરીકે શરૂઆત કરી. મારી ફિલ્મોનું સારું સંગીત મને ખૂબ મદદરૂપ સાબિત થયું. મારા ક્રિટિક્સને લાગતું હતું કે હું ક્યારેય સિરિયસ રોલ નહીં કરી શકું. જોકે ‘દો બદન’ બાદ તેમની આ માન્યતા બદલાઈ ગઈ. મેં ત્યાર પછીના થોડા જ સમયમાં સિરિયસ ફિલ્મો પણ કરવા માંડી જેમ કે ‘મૈં તુલસી તેરે આંગન કી’, ‘ચિરાગ’, ‘કટી પતંગ’ – જેણે મને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવોર્ડ પણ અપાવ્યો.

ફિલ્મોમાં હિરોઈનોસાથેની હરીફાઈ અંગે

જી હા, આ ઇન્ડસ્ટ્રીમાં હરીફાઈ ખૂબ જ છે, પરંતુ ઍટ ધ એન્ડ ઑફ ધ ડે અમે બધાં એકબીજાના ખૂબ સારા મિત્રો છીએ. વહીદા, હેલન, નંદા, સાધના, સાયરા આ બધા જ મારા ખૂબ સારા મિત્રો હતા. ઇન ફૅક્ટ અમે હજીયે ખૂબ સારા મિત્રો છીએ અને અમે બધા જ એકબીજાને ઘણીવાર મળતા પણ રહીએ છીએ. મને એ વાતનું દુ:ખ છે કે નંદા અને સાધના હવે આપણી વચ્ચે નથી રહ્યાં.

ગુજરાતી ફિલ્મોમાં તેમનો કાર્યકાળ

જ્યારે હું મારી ફિલ્મી કરીઅરની પીક પર હતી, 1963માં, ત્યારે મને ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ની ઑફર આવી હતી અને એ સિવાય પણ બીજી બે ગુજરાતી ફિલ્મોની ઑફર મળી હતી. મેં એ ત્રણેય ગુજરાતી ફિલ્મો કરી અને ‘અખંડ સૌભાગ્યવતી’ માટે મને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવોર્ડ પણ મળ્યો.જોકે ત્યાર બાદ મેં ગુજરાતી ફિલ્મો સ્વીકારવી બંધ કરી દીધી, કારણ કે શુદ્ધ ગુજરાતી બોલીમાં ડાયલૉગ બોલવાનું મારા માટે અઘરું થઈ રહ્યું હતું. હું એક પારસી હાઈસ્કૂલમાં ભણી હતી અને તેથી હું જ્યારે પણ ગુજરાતી બોલતી ત્યારે એમાં પારસી લહેકોે આવી જતો હતો. મને આ કહેતાં પણ સંકોચ થાય છે, પણ મારો ઉછેર એ રીતના ગુજરાતી કલ્ચરમાં થયો જ નહોતો.ખૂબ લાંબા સમય બાદ ઇલા આરબ મહેતાએ મને ગુજરાતી સાહિત્યમાં ઇન્ટ્રોડ્યુસ કરી. આ એ સમયની વાત છે જ્યારે મેં મારી ગુજરાતી ટીવી-સિરિયલ ‘જ્યોતિ’ ડિરેક્ટ કરવાની શરૂઆત કરી હતી, જે ખૂબ સફળ ટેલિવિઝન શ્રેણી સાબિત થઈ હતી.

નાના પડદા તરફ પ્રયાણ

હવે એ સમય આવ્યો હતો જ્યારે મને ખાસ કોઈ ફિલ્મોમાં લીડ રોલની ઑફર નહોતી આવી રહી અને ભાભી કે માના રોલ વધુ મળી રહ્યા હતા. મારી કરીઅરમાં આ એક અકળાવનારો સમય હતો. સ્વાભાવિક છે કે એક અભિનેત્રી તરીકે મારા માટે આ પરિસ્થિતિ કોઈ રીતે સંતોષકારક નહોતી અને હવે સમય થઈ ચૂક્યો હતો કે હું કોઈ બીજા બહેતર વિકલ્પ માટે વિચાર કરું. મને યાદ છે એ કિસ્સો, જ્યારે પરેશ દરૂએ (કૉસ્ચ્યુમ-ડિઝાઇનર લીના દરૂના પતિ અને સેટ- ડિઝાઇનર) મને એક ફિલ્મના સેટ પર કોઈક સાઈડ કૅરૅટરના રોલ માટે શૂટિંગ કરતી જોઈ અને તેમણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે હું આ પ્રકારના રોલ શા માટે કરી રહી છું. તેમણે મને કહ્યું હતું કે આ સેટ અને આ શૂટિંગ હવે મારે છોડી દેવું જોઈએ અને નાના પડદે કંઈક કરવા તરફ વિચારવું જોઈએ. તેમની આ વાત મને ખૂબ અસર કરી ગઈ અને મેં નાના પડદા તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું.

હું હંમેશાં એવું માનતી આવી છું કે જે કામ તમે કરી રહ્યા હો એ જો એન્જૉય ન કરી શકતા હો તો તમે એટલા હોશિયાર તો હોવા જ જોઈએ કે બીજા બહેતર વિકલ્પ વિશે વિચાર કરી શકો. આથી જ મેં ટીવી-સિરિયલ્સ વિશે વિચાર કર્યો. ત્યાર બાદ ‘જ્યોતિ’ની સફળતાએ મને એ વિશ્વાસ અપાવ્યો કે મારે ટેલિવિઝન ક્ષેત્રે હજી કંઈક વધુ કરવું જોઈએ. મેં ટીવી-શોઝ પ્રોડ્યુસ કરવા માંડ્યા: ‘પલાશ કે ફૂલ’, ‘બાજે પાયલ’, ‘કોરા કાગઝ’ અને‘દાલ મેં કાલા’.

એકલતા અને ડિપ્રેશનનો સમયગાળો

મારી મા જે મારી કરોડરજ્જુ સમાન હતી તેનું મૃત્યુ થઈ ગયું. હું તેની સાથે ખૂબ અટૅચ્ડ હતી. મારી મા મારી જિંદગીમાં ડ્રાઇવિંગ ફોર્સ હતી. હું મારાં મા-બાપનું એકમાત્ર સંતાન હોવાને કારણે મારી માતાના ચાલ્યા જવાથી હું સાવ એકલી થઈ ગઈ હતી અને મારી આસપાસ જાણે શૂન્યાવકાશ સર્જાઈ ગયો હતો. છતાં મેં જેમ-તેમ કરીને મારી ઍન્ગ્ઝાયટી પર વિજય મેળવ્યો. જોકે, ત્યાર બાદ ડિપ્રેશન મારા પર હાવી થઈ ગયું.મારી કરીઅરમાં હું એ સમયે પીક પર હતી, પરંતુ એમ છતાં અંદરથી હું સાવ એકલી હતી. મારા આ કઠિન સમય દરમિયાન મારા મિત્રો સતત મારા પડખે ઊભા રહ્યા. ડૉક્ટર રેખા તથા અશોક હાટોલકર હરપળ મારી સાથે રહ્યાં અને મને સાઇકિયાટ્રિક મદદ પણ પૂરી પાડી. મારું મેડિકેશન સ્ટાર્ટ કરવામાં આવ્યું. એ સમયે મારે મારી જાત સાથે ખૂબ સ્ટ્રગલનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ધીમે-ધીમે હું એમાંથી બહાર આવવા માંડી. ઇન ફૅક્ટ મારે અહીં ઉમેરવું જોઈએ કે વહીદાજી એ સમય દરમિયાન એક પિલર ઑફ સ્ટ્રેન્ગ્થ તરીકે મારી સાથે ઊભાં રહ્યાં હતાં. મને યાદ છે કે મેં તેમને એક વાર કહ્યું હતું કે હું મારી આ બાલ્કનીમાંથી પડત્ાું મૂકવા માગું છું અને તેમણે મારી સાથે વાત કરવી શરૂ કરી, મને સલાહ આપી અને મને એવા વિચારોમાંથી બહાર કાઢી હતી. એક ઍક્ટરને તેના ફૅન્સ તરફથી ખૂબ પ્રેમ મળતો હોય છે; પરંતુ છતાં એ ઍક્ટરને ઘણી વાર એકલતા ઘેરી વળતી હોય છે, ઊંચાઈએ પહોંચ્યા બાદ ટોચ પરની જગ્યા માત્ર એક વ્યક્તિ જ ઊભી રહી શકે એટલી હોય છે અને તેથી તે એકલી પડી જતી હોય છે.

શમ્મી કપૂર સાથેની સ્પેશિયલ રિલેશનશિપ

શમ્મીજી અને ગીતાજીએ મને હંમેશાં તેમના બાળક તરીકે જ ટ્રીટ કરી છે અને તેમની સાથેના હૂંફાળા સંબંધોને કારણે હું શમ્મીજીને હંમેશાં શમ્મી ચાચા અને નીલાજીને (શમ્મીજીની સેક્ધડ વાઇફને) ચાચી કહીને બોલાવતી. અરે, એક વખત તો એવું પણ બન્યું હતું કે મારો મેકઅપમૅન આવ્યો નહોતો ત્યારે ગીતાજીએ મને મેકઅપ કરાવવામાં મદદ કરી હતી. એ દિવસોમાં કલાકારોને સતત એટલી જાહોજલાલી મળતી નહોતી કે મેકઅપ-આર્ટિસ્ટ, હેરડ્રેસર્સ, સ્ટાઇલિસ્ટ્સ, પીઆરઓ, મૅનેજર વગેરેની આખી ટીમ તેમની સાથે એક સેટથી બીજા સેટ પર હાજર રહેતી હોય. હાલના સમયમાં કલાકારોને જે સપોર્ટ સ્ટાફની સુવિધા મળે છે એ જોઈને મને ઘણીવાર નવાઈ લાગે છે. મને સમજાતું નથી કે કેટલાક કલાકારોના માથા પર ગણતરીના વાળ હોવા છતાં તેમને હેરડ્રેસરની શા માટે જરૂરિયાત રહે છે?

શમ્મીજી મારા માટે એટલા પ્રોટેક્ટિવ હતા કે તેઓ મને ઘણી વાર કોઈ સાથે વાત કરવાની પરવાનગી નહોતા આપતા. મારે કોને મળવું જોઈએ અને કોની સાથે વાત કરવી જોઈએ એ બાબતે તેઓ ખૂબ પર્ટિક્યુલર હતા. આજે પણ હું તેમની સેક્ધડ વાઇફ નીલાજી સાથે આ જ રીતની રિલેશનશિપ જાળવી રાખી શકી છું.
તેમના મૃત્યુ સમયે હું ખૂબ દુ:ખી થઈ ગઈ હતી. જોકે તેમની લાંબી બીમારી અને ડાયાલિસિસને કારણે તેમણે ખૂબ ભોગવવું પડ્યું, પરંતુ જ્યારે તેઓ આ દુનિયા છોડીને ગયા ત્યારે મને લાગ્યું કે જાણે મારી અંદરથી કંઈક વિખૂટું પડી ગયું.

જીવનનો સૌથી શ્રેષ્ઠ તબક્કો

જ્યારે હું ફિલ્મો કરી રહી હતી ત્યારે પણ મેં સ્ટેજ-શોઝ કરવા બંધ નહોતા કર્યા. ફિલ્મોની સાથે-સાથે જ હું સ્ટેજ- શોઝ પણ કરતી રહેતી હતી. મારા ચૌલાદેવી અને અનારકલી જેવા ડાન્સ-શોઝ એટલા પોપ્યુલર હતા કે એ શોઝની ટિકિટ્સ બ્લૅકમાં વેચાતી હતી. મને એે સમયે એ વાતનો ખૂબ આનંદ હતો, કારણ કે સામાન્યરીતે સ્ટેજ-શોઝ ક્રાઉડને આટલા મોટા પ્રમાણમાં આકર્ષી શકતા નથી. ટિકિટ્સ ખરીદવા માટે માણસો રીતસર થિયેટરની બહાર લાઇનમાં ઊભા રહેતા હતા. એ તબક્કો મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ સમય હતો. આ જ સમય દરિમયાન હું મારી ઍક્ટિંગ-કરીઅરમાં પણ ટોચ પર હતી.

જીવનનોસૌથી ખરાબ તબક્કો…

આ બાબત વિશે વાત કરવી હમણાં પણ એટલી જ અઘરી છે. આ એ સમય હતો જ્યારે મને કૅરૅક્ટર રોલ્સ ઑફર થવા માંડ્યા હતા. પરંતુ આર્થિક પરિસ્થિતિઓને કારણે મારે કામ કરતા રહેવું પડે તેમ હતું અને આ ખૂબ અકળાવનારી પરિસ્થિતિ હતી. એ સમયના કલાકારો એટલું બિઝનેસ ઓરિયેન્ટેડ નહોતા વિચારતા જેટલું આજકાલના કલાકારો વિચારે છે. મને મારા ફાઇનૅન્શિયલ્સ કઈ રીતે હૅન્ડલ કરવા એ વાતની સૂઝ નહોતી. મારા પિતાની તબિયત બગડી અને એને કારણે થઈ રહેલા ખર્ચને કારણે મને મારો બંગલો છોડી ઍપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જવાની ફરજ પડી.

અપરિણીત રહેવા વિશે

હવે મને એ માટે કોઈ રિગ્રેટ નથી કે હું સિંગલ છું. હમણાંના સમયમાં લગ્નસંબંધો જે તૂટી રહ્યા છે એ જોતાં મને ખુશી છે કે હું અપરિણીત છું, મારા વિશ્વની હું જ માલિક છું. હું એ બધું જ કરી શકું છું જે હું કરવા માગતી હોઉં. હા, હું એ કબૂલ કરું છું કે મારાં માતા-પિતાએ મારા માટે સારો જીવનસાથી શોધવાના પ્રયત્ન કર્યા જ હતા, પરંતુ કમનસીબે એ શક્ય બન્યું નહીં.

નાસિર હુસેન સાથેના રોમૅન્સ વિશે

નાસિરસાહેબ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને મેં પ્રેમ કર્યો હતો, પરંતુ મેં તેમની સાથે લગ્ન ન કર્યાં કારણ કે હું તેમને પોતાની ફૅમિલીથી અલગ કરવા નહોતી માગતી. મેં ક્યારેય એક હોમબ્રેકર બનવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો. હું કોઈનું ઘર ભાંગવા માગતી નહોતી. ઇન ફૅક્ટ મારે કહેવું જોઈએ કે મારી અને તેમની ફૅમિલી વચ્ચે ક્યારેક કોઈ કડવાશ સર્જાઈ નથી કે રહી નથી.

હીરો તેમનાથી ગભરાતા હતા એ વિશે

હા, એ વાત સાચી કે મેં જે-જે હીરો સાથે કામ કર્યું હતું એમાંના મોટા ભાગના હીરો મારાથી ગભરાતા હતા. ઈવન આજે મને લાગે છે કે હું પુરુષોને ધમકાવતી રહેતી હતી. જોકે મને લાગે છે કે એ સમયે પુરુષો મારાથી દૂર રહેતા એની પાછળ ગભરાટ નહીં પરંતુ મારા માટેનો આદર હતો. કંઈક એવી જ પરિસ્થિતિ વહીદાજી માટે પણ હતી એમ કહી શકાય. હું શમ્મી કપૂર સાથે ખૂબ ક્લોઝ હતી. જ્યારે-જ્યારે મેં તેમની સાથે કામ કર્યું હતું એ સમય પણ મેં ખૂબ એન્જૉય કર્યો હતો, કારણ કે અમે ક્લીગ કરતાં મિત્રો વધુ હતાં.

સેન્સર બોર્ડના ચીફ તરીકેનો કાર્યકાળ (1998-2001)

મેં એ સમયગાળો ખૂબ એન્જૉય કર્યો છે. જોકે કેટલીક મુશ્કેલીનો તો એ સમયે પણ સામનો કરવો જ પડ્યો હતો. ‘ફાયર’, ‘ઝખ્મ’, ‘એલિઝાબેથ’ જેવી ફિલ્મોને સેન્સર કરવાનો નિર્ણય લેવો એ ખરેખર મારા માટે એક મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ હું એમ કરી શકી. આ સમય દરમિયાન હું ઘણું નવી શીખી પણ છું અને હા, હું એ દૃઢપણે માનું છું કે આપણા દેશમાં વધુ સેન્સરશિપની જરૂર છે જ, ખાસ કરીને બી અને સી ગ્રેડની ફિલ્મો માટે.

આશા પારેખ હૉસ્પિટલ સાથેનું ઇન્વૉલ્વમેન્ટ

એ હૉસ્પિટલ મારા માટે એક મિશન સમાન હતી. એની સાથે મારું નામ જોડાયું હતું એથી નહીં, પરંતુ મારી ફરજની દૃષ્ટિએ કહું છું. એથી જ હું એના મેઇન્ટેનન્સ અને ડેવલપમેન્ટથી લઈને નવા વૉર્ડ બનાવવા સુધીના દરેક કામ પર ધ્યાન આપતી રહેતી હતી. કમનસીબે કેટલાક પ્રૉબ્લેમ્સને કારણે એ હૉસ્પિટલ લગભગ બંધ થઈ ગઈ, જે મિસમૅનેજમેન્ટનું પરિણામ હતું. એ મારી જિંદગીના એક મહત્ત્વના ચૅપ્ટરનો દુ:ખદ અંત હતો.

જિંદગીમાં દિલગીરીની લાગણી વિશે

જ્યારે હું 35 વર્ષની હતી ત્યારે હું એક બાળક દત્તક લેવા માગતી હતી.મારાં માતા-પિતા પણ એ માટે રાજી થઈ ગયાં હતાં. એક સોશિયલ વેલ્ફેરમાં મેં એક બાળકને જોયું હતું જે કદાચ બે જ વર્ષનું હતું, મને તેની સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો. મેં તેને દત્તક લઈ જ લીધું હતું એમ કહો તો પણ ચાલે, પરંતુ છેલ્લી ઘડીએ મને ના કહી દેવામાં આવી કારણ કે તે બાળકની મેડિકલ કન્ડિશન એવી હતી કે તે વધુ સમય જીવી શકે એમ નહોતું. મારું દિલ ભાંગી ગયું. મને એટલું દુ:ખ થયું હતું કે ત્યાર પછી ફરી ક્યારેય હું એવું કંઈક કરવાનો વિચાર સુદ્ધાં નથી કરી શકી. જોકે એ સમયે મારી માની પણ તબિયત ઠીક રહેતી નહોતી અને હું નહોતી ચાહતી કે તેણે પોતાની નાદુરસ્ત તબિયત સાથે બાળકની પણ કાળજી લેવી પડે.

હા, બીજી એક વાતનું દુ:ખ એ પણ છે કે કેટલાંક કારણોને લીધે હું એવી કેટલીક ફિલ્મો ન કરી શકી જે ડેસ્પરેટલી કરવા માગતી હતી. મને અફસોસ છે એ વાતનો. બીજો અફસોસ એ વાતનો પણ છે કે મેં જે ડાન્સિંગ સ્કૂલ શરૂ કરી હતી ‘કારા ભવન’ એ ચાલુ ન રાખી શકી. ડાન્સ હંમેશાં મારો પહેલો પ્રેમ રહ્યો છે અને મારું સપનું હતું કે મારી

એક ડાન્સિંગ સ્કૂલ હોય, પરંતુ…

મા-બાપનું મૃત્યુ એ પણ મારા માટે એક મોટી ખોટ છે. હવેના છોકરાઓ તેમનાં મા-બાપને ઘરડાંઘરમાં મૂકી આવે છે; જ્યારે મા-બાપની પૂજા કરવી જોઈએ, તેમને માન આપવું જોઈએ.તેઓ જ છે જે આપણને આ વિશ્વમાં લાવ્યા છે.

ઇનસિક્યૉરિટી

હું જ્યારે ડિપ્રેશનમાં હતી ત્યારે જ મને ઇનસિક્યૉરિટીનો ડર લાગ્યો હતો. મને એ વાતનો સતત ડર રહેતો હતો કે હું જે રીતે જીવી છું, જે રીતે મોટી થઈ છું એ લાઇફસ્ટાઇલ જાળવી રાખી શકીશ કે નહીં અને મેં એ બાબતનું હંમેશાં ધ્યાન રાખ્યું છે. જોકે હવે મને કોઈ બાબતની ઇનસિક્યૉરિટી નથી લાગતી.

રાજકીય મહત્ત્વાકાંક્ષા

મેં રાજકારણ વિશે ક્યારેય વિચાર નથી કર્યો, કારણ કે મને ગેમ રમતાં નથી આવડતું.

No Comments Yet

Comments are closed

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.