આશુતોષે હોલિવુડમાં નસીબ અજમાવવાની કોશિશ કરી હતી

1983થી આશુતોષ ગોવારીકરે ફિલ્મોમાં હીરો બનવા માટે કોશિશ શરૂ કરી હતી પણ હીરો બનવાનું એનું સપનું અધૂરું જ રહ્યું. એને પહેલી તક હરિયાણાની એક ફિલ્મમાં મળી હતી એમાં એને નાનકડો રોલ મળ્યો હતો. એ ફિલ્મનું નામ ‘જીત’ હતું. એ પછી છેક અને કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં અભિનયની તક મળી. એ ફિલ્મમાં આશુતોષે રંજિત પ્રકાશ નામના વિદ્યાર્થીનો રોલ કર્યો હતો અને આમિર ખાને મદન શર્મા નામના વિદ્યાર્થીનો રોલ કર્યો હતો. એ ફિલ્મથી આશુતોષની આમિર ખાન સાથે અને ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ કપૂર સાથે દોસ્તી થઈ ગઈ. જોકે ‘હોલી’ ફિલ્મ વખતે આશુતોષ કે આમિરને કોઈ ઓળખતું નહોતું. એ ફિલ્મમાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, શ્રીરામ લાગુ, દીપ્તિ નવલ, મોહન ગોખલે, દીના પાઠક, કીટુ ગિડવાની અને રાજ ઝુત્સી જેવા કલાકારો હતા.

‘હોલી’ ફિલ્મથી આશુતોષને કોઈ ફાયદો ન થયો. આશુતોષ સમૃદ્ધ કુટુંબમાંથી આવતો હતો એટલે એને પૈસા કમાવવાની ચિંતા નહોતી પણ એને અભિનય ક્ષેત્રમાં સ્થાન જમાવવાની તક જોઈતી હતી એ માટે એણે સતત સંઘર્ષ ચાલુ રાખ્યો. 1986માં એને સંજય દત્ત અને કુમાર ગૌરવની ‘નામ’ ફિલ્મમાં સાઈન કરવામાં આવ્યો પણ એના ભાગે ટેક્સી ડ્રાઇવરનો નાનકડો રોલ આવ્યો હતો. હિન્દી ફિલ્મમાં તક મળી રહી નહોતી એટલે એણે ભાગ્યશ્રી જેમાં અભિનય કરતી હતી એ ‘કચ્ચી ધૂપ’ સિરિયલમાં મળ્યો એવો રોલ સ્વીકારી લીધો.

આ દરમિયાન એને એક અંગ્રેજી ફિલ્મમાં હીરો તરીકે ચમકવાની ઓફર મળી. અમિરકામાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ રાઠોડને ‘વેસ્ટ ઈઝ વેસ્ટ’ નામની ફિલ્મ બનાવવી હતી. એના માટે એને કોઈએ આશુતોષને હીરો તરીકે લેવાનું સૂચન કર્યું અને ડેવિડ રાઠોડે આશુતોષને સાઈન કરી લીધો. જિમ બ્લોક અને નેડ મિલરે લખેલી એ ફિલ્મમાં આશુતોષની સાથે હિરોઇન તરીકે હૈદી કાર્પેન્ટર હતી. એ ફિલ્મની સ્ટોરી એવી હતી કે વિક્રમ નામના એક યુવાન સાન ફ્રાન્સિસ્કો ભણવા જાય છે અને ત્યાંના એક કુટુંબ સ્પોન્સર કર્યો હોય છે. પણ વિક્રમ (આશુતોષ ગોવારીકર) જ્યારે સાન ફ્રાન્સિસ્કો પહોંચે છે ત્યારે પેલું કુટુંબ ત્યાંથી એને જાણ કર્યા વિના જ ભાગી ગયું હોય છે. અજાણ્યા દેશમાં અટવાઈ પડેલો વિક્રમ એક સડેલી હોટેલમાં આશરો લે છે. એની પાસે બહુ પૈસા પણ નથી. એને જ્યાં એડમિશન લેવાનું હતું એ કૉલેજમાં એડમિશન પણ મળતું નથી. થોડા દિવસોમાં વિક્રમ પાસે પૈસા ખતમ થવા આવે છે અને એ ક્યારેક જંકફૂડ ખાઈને અને ક્યારેક ભૂખ્યા પેટે સૂઈ રહે છે. આવી સ્થિતિમાં એનો સ્યુ (હૈદી કાર્પેન્ટર) નામની એક થિયેટર આર્ટિસ્ટ સાથે પરિચય થાય છે. સ્યુને વિક્રમ માટે લાગણી થાય છે અને એ વિક્રમને અમેરિકા છોડવું ન પડે એ માટે જાતભાતના તુક્કાઓ લગાવે છે. એ ક્યારેક વિક્રમને આઇડિયા આપે છે કે આપણે લૂંટ કરીને પૈસા મેળવીએ તો કયારેક વળી, વિક્રમને ડીપોર્ટ થતો બચાવવા (અમેરિકાથી જબરદસ્તી ભારત ભેગો કરવાની કાનૂની કાર્યવાહી) સગવડિયા લગ્ન કરવાનું વિચારે છે.

80 મિનિટની એ ફિલ્મને જોકે વિવેચકોએ બકવાસ ગણાવી હતી, પણ મુંબઈના અખબારોમાં એ ફિલ્મ વિશે છપાય એ માટે આશુતોષે દોડધામ કરી હતી. એ માટે તેણે જાતે પણ અખબારોની ઓફિસમાં ધક્કા ખાધા હતા. એ દિવસોમાં આશુતોષ ગોવારીકર અમારા ગાઢ મિત્ર અને સિનિયર પત્રકાર પ્રફુલ્લ શાહને ‘વેસ્ટ ઈઝ વેસ્ટ’ ફિલ્મના ફોટોગ્રાફ્સ આપવા જાતે ગયો હતો. પ્રફુલ્લ શાહ એ વખતે એક ગુજરાતી સાંધ્ય દૈનિકમાં ફરજ બજાવતા હતા.

આશુતોષ ગોવારીકરે જિંદગીમાં સૌપ્રથમ જે નાટકમાં અભિનય કર્યો એ ગુજરાતી નૌશિલ મહેતાનું નાટક હતું તો ‘વેસ્ટ ઇઝ બેસ્ટ’ ફિલ્મનું પણ ગુજરાતી કનેક્શન હતું. ‘વેસ્ટ ઇઝ વેસ્ટ’ના ડાયરેક્ટર ડેવિડ રાઠોડ એટલે ‘કંકુ’ ફિલ્મ બનાવનારા કાન્તિલાલ રાઠોડની બીજી પત્ની (જે અમિરકન હતી)નો પુત્ર! એ ફિલ્મમાં હીરો બન્યા પછી પણ આશુતોષને કોઈ ફાયદો થયો નહીં અને એનો સંઘર્ષ ચાલુ જ રહ્યો. આ દરમિયાન આશુતોષે શ્યામ બેનેગલની ટીવી સિરિઝ ‘ભારત એક ખોજ’માં રોલ મેળવ્યો પણ એમાં એનો મામૂલી રોલ હતો.

એ પછી 1989માં આશુતોષની અનેક ફિલ્મ્સ આવી. જોકે, એ બધામાં એનો નાનકડો રોલ હતો. ‘ગવાહી’, ‘કમલા કી મૌત’, ‘ગૂંજ’ અને ‘સલીમ લંગડે પે મત રો’ જેવી ફિલ્મોની સાથે 1989માં એણે ‘સરકસ’ સિરિયલમાં પણ અભિનય કર્યો. એ સિરિયલમાં મુખ્ય રોલ કરતા શાહરુખ ખાન સાથે એની દોસ્તી થઈ ગઈ. એ પછી પણ 11 વર્ષ સુધી આશુતોષ હીરો બનવા સંઘર્ષ કરતો રહ્યો. એણે 1991માં ‘ઇન્દ્રજિત’, 1992માં ‘જાનમ’ અને ‘ચમત્કાર’, 1993માં ‘કભી હાં કભી ના’, 1994માં ‘વઝીર’ (મરાઠી), 1998માં ‘સરકારનામા’ (મરાઠી) અને ‘વોહ’ જેવી ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા. 1994માં એને જૂના મિત્રો પ્રદીપ ઉપૂર (‘હોલી’ના પ્રોડ્યુસર) અને બી.પી. સિંઘે સીઆઈડી ટીવી સિરિયલમાં તક આપી. જોકે, એમાં પણ એનો મુખ્ય રોલ નહોતો. આ દરમિયાન 1995થી તેણે ડાયરેક્ટર તરીકે ફિલ્મ બનાવવા માંડી હતી. પણ છેક ‘લગાન’ ફિલ્મ શરૂ થઈ ત્યાં સુધી આશુતોષ સીઆઇડીમાં અભિનય કરતો હતો!

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.