આશુતોષને હીરો બનવું હતું!

યસ. આશુતોષ ગોવારીકરની મહત્ત્વાકાંક્ષા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ હીરો બનવાની હતી અને એ માટે એ કૉલેજમાં ભણતો હતો ત્યારથી જ કોશિશ કરતો થઈ ગયો હતો. કૉલેજમાં એના મિત્રોને એ કહેતો પણ હતો કે આપણે તો હિન્દી ફિલ્મસના સ્ટાર બનવું છે.

આશુતોષ વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાં વિજ્ઞાન પ્રવાહમાં ભણતો હતો એ વખતે કૉલેજના નાટકોમાં ભાગ લેવાની તેણે શરૂઆત કરી હતી. નૌશિલ મહેતા પણ એ વખતે નાટકો તરફ વળ્યા હતા. નૌશિલ મહેતાએ ત્રણ દાયકા પહેલાં મીઠીબાઈ કૉલેજ વતી આંતર કૉલેજ નાટ્યસ્પર્ઘામાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. નૌશિલ મહેતા સિનિયર વિદ્યાર્થી હતા. એ વખતે મનોજ શાહ, નીરજ વોરા અને મિહિર ભૂતાની તેમની સાથે ઉઠબેસ હતી. એ ગ્રુપમાં આશુતોષ ગોવારીકરનો પણ સમાવેશ થયો.

નૌશિલ મહેતાએ આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં મનોજ શાહની સાથએ મીઠીબાઇ કૉલેજ વતી ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે એ નાટકમાં તેમણે આશુતોષ ગોવારીકરને રોલ આપ્યો હતો. ‘શશશ…’ (નાક પર આંગળી મૂકીને કોઈને ચૂપ રહેવા કહેતા હોય એવો સિસકારો) નામના એ નાટકમાં કોઈ સંવાદો નહોતા. નૌશિલ મહેતા અને મનોજ શાહના એ નાટકમાં જોકે પાછળથી બે-ચાર સંવાદો ઉમેરવામાં આવ્યા હતા, પણ એ સિવાય આખું નાટક સંવાદો વિનાનું જ હતું.

અત્યારે સફળ લેખકો તરીકે નામ કમાઇ ચૂકેલા નીરજ વોરા અને મિહિર ભૂતાએ પણ એ નાટકમાં ‘અભિનય’ કર્યો હતો. એ નાટકના સેટમાં  પ્રવેશદ્વાર દર્શાવાયો હતો. એ પ્રવેશદ્વાર પર ચોકી કરતા સંત્રી તરીકે હાથમાં ભાલા લઈને નીરજ વોરા અને મિહિર ભૂતા કશું બોલ્યા વિના ચૂપચાપ ઊભા રહ્યા હતા. મિહિર ભૂતા કશું બોલ્યા વિના ચૂપચાપ ઊભા રહ્યા હતા. મિહિર ભૂતા કહે છે કે, ‘આશુતોષ અમારાથી સિનિયર હતો પણ નૌશિલ મહેતા અને મનોજ શાહના નાટકને કારણે અમે નજીક આવ્યા હતા.’

એ દિવસોમાં આશુતોષ સુનીતાના (જે હવે આશુતોષની પત્ની છે) પ્રેમમાં હતો અને એ બન્ને કલાકો સુધી જૂહુના ‘ઓન ટોઝ’ રેસ્ટોરાંમાં બેસી રહેતા હતા. આશુતોષ પૈસાપાત્ર કુટુંબમાંથી આવતો હતો એટલે તેને કમાવાની ચિંતા નહોતી પણ એણે અભિનયની તક મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મીઠીબાઇ કૉલેજમાંથી બીએસસી કર્યા પછી આશુતોષે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો તથા ટીવી સિરિયલ સર્જકોની ઓફિસના આંટા મારવાનું શરૂ કર્યું હતું.

આશુતોષને શ્યામ બેનેગલની ‘ભારત એક ખોજ’ના કેટલાક એપિસોડ્માં અભિનય કરવાની તક મળી હતી. તો તેણે ‘મૈને પ્યાર કીયા’ ફેઇમ ભાગ્યશ્રીની સાથે ‘કચ્ચી ધૂપ’ સિરિયલમાં પણ અભિનય કર્યો હતો. કેતન મહેતાએ જ્યારે ‘હોલી’ ફિલ્મ બનાવી ત્યારે તેમણે આશુતોષને રોલ આપ્યો હતો. આશુતોષ એ ફિલ્મમાં મહત્ત્વનો રોલ કરવાનો હતો જ્યારે અત્યારનો સુપરસ્ટાર આમિર ખાન એમાં તદ્દન મામૂલી વિદ્યાર્થી તરીકે ચમક્યો હતો! કૉલેજ કેમ્પસમાં હિંસા પર બનેલી એ ફિલ્મ દરમિયાન આમિર ખાન અને આશુતોષ ગોવારીકર મિત્રો બન્યા હતા.

એ પછી શાહરુખ જ્યારે ‘સરકસ’ સિરિયલમાં અભિનય કરતો હતો ત્યારે આશુતોષ પણ એમાં કામ કરતો હતો એના કારણે શાહરુખ સાથે પણ એની દોસ્તી થઈ ગઈ હતી. આશુતોષે જ્યારે પહેલી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેની ઈચ્છા શાહરુખને હીરો તરીકે સાઈન કરવાની હતી, પણ એ દરમિયાન શાહરુખ બહુ મોટો સ્ટાર બની ગયો હતો એટલે આશુતોષના હાથમાં આવતો નહોતો.

બાય ધ વે, શાહરુખની ‘કભી હા કભી ના’ ફિલ્મમાં પણ આશુતોષ ગોવારીકરે અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં શાહરુખના ચાર-પાંચ દોસ્ત દર્શાવાયા હતા એમાંથી એક આશુતોષ ગોવારીકર હતો!

આશુતોષ ગોવારીકરને અભિનયના મેદાનમાં બહુ તક ન મળી એટલે છેવટે તેણે દિગ્દર્શક બનવાનું નક્કી કર્યું. આમિર અને શાહરુખ જેવા મિત્રો હોવા છતાં તેને કોઈ મોટો સ્ટાર ન મળ્યો એટલે છેવટે તેણે દીપક તિજોરીને સાઈન કરીને ‘પહેલા નશા’ ફિલ્મ બનાવી. એ ફિલ્મની હિરોઈન રવીના ટંડન અને પૂજા ભટ્ટ હતી. ફિલ્મ નીરજ વોરાએ લખી આપી હતી અને ડાયલોગ્સ સંજય છેલે લખ્યા હતા. ‘પહેલા નશા’ ફિલ્મ ચાલી નહીં એ પછી આમિર ખાન અને એની વહારે આવ્યો અને આશુતોષે આમિર ખાન-મમતા કુલકર્ણીને લીડ રોલમાં લઈને ‘બાઝી’ ફિલ્મ બનાવી. જોકે, એ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી.

છેવટે ‘લગાન’ ફિલ્મથી આશુતોષનું પત્તું ખૂલ્યું અને એ સફળ ડાયરેક્ટર તરીકે નામ કમાઈ શક્યો. બ્લોક બસ્ટર ‘લગાન’ બનતા અગાઉ જોકે એણે બહુ માથાકૂટ કરવી પડી હતી. આમિરે પહેલા તો એ સ્ક્રિપ્ટ ફાલ્તુ ગણાવીને ફગાવી દીધી હતી. પણ ત્રણ વાર એ સ્ક્રિપ્ટ રી રાઈટ કર્યા પછી આશુતોષ આમિર ખાનને ગમે એ સ્ક્રિપ્ટ ઊતારી શક્યો અને છેવટે આમિરે જાતે જ એ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને આશુતોષને એ ફિલ્મનો ડાયરેક્ટર બનાવ્યો. ‘લગાન’ પછી આશુતોષને આમિર સાથે ‘સ્વદેશ’ ફિલ્મ બનાવવી હતી પણ આમિરે ઘસીને ના પાડી દીધી એટલે આશુતોષે શાહરુખને લઈને એ ફિલ્મ બનાવી, પણ એ ફિલ્મ ફ્લોપ થઈ હતી.

(ક્રમશઃ)

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.