માણસ હાર ન સ્વીકારે ત્યાં સુધી રસ્તો મળી જ રહેતો હોય છે

સાડા છ દાયકા અગાઉની વાત છે. પ્રકાશ પિક્ચર્સ નામની એક ફિલ્મ નિર્માણ કંપનીનો બહુ ખરાબ સમય આવ્યો. એ કંપની પર દેવું થઈ ગયું અને કંપની સંકેલી લેવી પડે એવી નોબત આવી ગઈ. એ કંપનીના માલિકો શંકર ભટ્ટ અને વિજય ભટ્ટ હતા.

પ્રકાશ પિક્ચર્સ કંપનીના ખરાબ દિવસો આવ્યા એ પહેલા એ કંપનીએ ઝળહળતી સફળતાના દિવસો જોયા હતા. દેશની અત્યંત સફળ ફિલ્મ કંપનીઓમાં એ કંપનીનો સમાવેશ થતો હતો. છેક મૂંગી ફિલ્મોના સમયથી એ કંપની ફિલ્મ બનાવતી હતી. એ સમયના નામાંકિત કલાકારો એ કંપનીની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા. 

ગૌરવવંતો ઈતિહાસ ધરાવતી ફિલ્મ નિર્માણ કંપની ડૂબી જાય એવી સ્થિતિ ઊભી થઈ ત્યારે શંકર ભટ્ટ અને વિજય ભટ્ટ ચિંતિત બની ગયા, પણ તેમણે હાર માની લેવાને બદલે એક ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો. એ ફિલ્મ ચાલી જાય તો કંપની બચી જાય અને ફરી તેના સારા દિવસો પાછા આવી શકે એવા આશાવાદ સાથે તેમણે એ નિશ્ચય કર્યો. તેમણે મહામહેનતે થોડા પૈસા એકઠા કરીને ફિલ્મ બનાવવાનું નક્કી તો કર્યું, પણ તેમની પાસે જે રકમ હતી એમાં કોઈ જાણીતા કલાકારો લેવાનું અસંભવ હતું. તેમની ઈચ્છા એ વખતના ટોચના કલાકારો દિલીપકુમારને હીરો તરીકે લઈને ફિલ્મ બનાવવાની હતી, પણ એ વખતે દિલીપકુમાર જેટલી રકમ અભિનય માટે લેતા હતા એટલું તો તેમની પાસે ફિલ્મ માટે પણ બજેટ નહોતું, એટલે તેમને હીરો બનાવવાની ઈચ્છા શંકર ભટ્ટ અને વિજય ભટ્ટે દબાવી દેવી પડી.

છેવટે કોઈ નવા કે એકદમ ઓછા જાણીતા હીરોને લઈને જિંદગીના જુગાર સમી એ ફિલ્મ બનાવવાનું તેમણે નક્કી કરવું પડ્યું. એ વખતે કોઈ જેનો ભાવ નહોતું પૂછતું એવા ભારત ભૂષણને હીરો તરીકે લઈને એમણે ફિલ્મ બનાવી. ભારત ભૂષણ એકાદ દાયકાથી હીરો તરીકે સ્થાપિત થવા મથામણ કરી રહ્યા હતા, પણ તેમને સફળતા મળી રહી નહોતી. 

એ ફિલ્મ બનીને રિલીઝ થઈ એ સાથે હિટ સાબિત થઈ ગઈ. શંકર ભટ્ટ અને વિજય ભટ્ટની ડૂબી રહેલી ફિલ્મ નિર્માણ કંપની પ્રકાશ પિક્ચર્સને એ ફિલ્મને કારણે નવજીવન મળી ગયું. અને એ ફિલ્મથી ભારત ભૂષણનો સિતારો પણ ચમકી ગયો.

એ ફિલ્મ હતી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માઈલસ્ટોન સમી બૈજુ બાવરા’. જેનાં ગીતો આજે પણ લોકો ભૂલ્યા નથી. 

શંકર ભટ્ટ અને વિજય ભટ્ટે હાર માની લીધી હોત તો પ્રકાશ પિક્ચર્સ કંપની સંકેલાઈ ગઈ હોત અને બૈજુ બાવરાજેવી અદ્ભુત ફિલ્મ ન બની હોત.

વિકટ સંજોગોમાં મુકાયેલો માણસ જ્યાં સુધી હાર ન માની લે ત્યાં સુધી તેને રસ્તો મળી જ રહેતો હોય છે.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.