મનોરમ્ય ઈન્ડોનેશિયાઈ ટાપુ બાલીના હોટ સ્પોટ્સ અને મજેદાર નાઈટ લાઈફ

જાહ્નવી પી. પાલ

આ મનોરમ્ય ઇન્ડોનેશિયાઈ ટાપુ બાલી પર આનંદ અને આરામની શોધમાં આવેલા લોકોનો વૈવિધ્યપૂર્ણ મેળાવડો જામે છે. એક તરફ અહીં સુંદર મંદિરો આવેલાં છે અને બીજી તરફ તમને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓથી ધબકતી રાત્રિઓ જોવા મળે છે. એે આ નાનકડા ટાપુની સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાઓ વિશે ઘણી વાતો કહી જાય છે. આરામદાયક રજાઓ ગાળવા માટે ઊમટી પડતા દુનિયાભરના પ્રવાસીઓને અહીં પર્યટન માટે અકલ્પ્ય સુવિધાઓ અને તકો મળી રહે છે. ખરેખર તો એમણે બાલીને એવી રીતે વિકસાવ્યું છે કે એ સહેલાણીઓ માટે અત્યંત સાનુકૂળ છે. તમે ખડકો અથવા દરિયાની વચ્ચે આવેલાં મંદિરોની મુલાકાત લો અથવા અહીંની વિસ્મયકારક ગલીઓમાં ખરીદી કરવા જાઓ, આ પર્યટકો માટે એટલી સુગમ્ય જગ્યા છે કે તમે વારંવાર અહીં પાછા ખેંચાઈ આવશો.

હું આ વર્ષે જુલાઈમાં આ રમણીય ટાપુની મુલાકાતે ગઈ ત્યારે જેવું વિમાન નીચે ઊતરવા માંડ્યું, હું મંત્રમુગ્ધ થઈ ગઈ. ઊતરવાની શરૂઆત કરીએ ત્યારે બારીમાંથી બહાર નજર નાખતાં જ દૂર-દૂર સુધી ફેલાયેલો દરિયો નજરે પડે છે. બાલીના લોકોની આતિથ્યભાવના અને ઉષ્માભર્યા સ્વભાવનો પરિચય તમને ઊતરતાંવેંત જ મળવાનું શરૂ થઈ જાય. તેમની નમ્રતા અને તેમના મૈત્રીપૂર્ણ અભિગમે મારો ત્યાંના રોકાણ માટેનો મિજાજ ખુશનુમા બનાવી દીધો.

બાલી આરામનો પર્યાય છે અને દરેક સાંજ એક નવો અનુભવ લાવે છે. મસ્તમજાનાં પીણાંઓ, સુંદર સંગીત અને વિશ્વના દરેક ખૂણાની સ્વાદિષ્ટ વાનગીઓ અહીંની ખાસિયત છે. મસ્તી અને જલસાવાળી રાતની શરૂઆત કરવાનો ઉત્તમ રસ્તો એક સારા સ્પામાં પગનો આરામદાયક મસાજ કરાવવાનો છે અને મોટા ભાગના સ્પા રાતે 11 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. રસ્તાની બાજુએ આવેલા ઘણા મસાજ સલૂન વાજબી ભાવે સારો મસાજ કરી આપે છે. હું તો દરરોજ સાંજે પગ અને વાંસાના સરસ મસાજની ભલામણ કરું છું, કારણ કે એ થકવી નાખનારા દિવસનો બધો ભાર ઉતારી દે છે અને ડાન્સ-ફ્લોર પર મોડી રાત સુધી થિરકવા માટેની તાજગી પૂરી પાડે છે.

ત્યાંની મનોરંજક રાત્રિઓનો મારો પહેલો અનુભવ સેમિન્યાક ખાતે પોટેટો હેડ નામની બીચ ક્લબમાં થયો. મનોરંજન માટેનાં વિશ્વસ્તરીય સ્થળોની જ્યાં હારમાળા છે એવું આ દરિયાકિનારાનું માતબર, વૈશ્વિક ગામ બેશક સેમિન્યાકમાં હળવાશ અનુભવવા માટેની સૌથી ધબકતી જગ્યાઓમાંની એક છે. ડ્રાઇવ-વેના છેડા પરથી તમને બીચ ક્લબનું આધુનિક શૈલીનું સ્થાપત્ય દેખાશે. ખાસ કરીને એની જૂનાં અને ઘસાયેલાં સાગનાં લાકડાંની બનેલી બારીના કમાડની ભાતવાળી એની લાક્ષણિક ઉન્નત ઇમારત.

આ ટાપુ પર અત્યંત મનોરમ્ય સૂર્યાસ્ત જોવા મળતો હોય છે જેથી પૂલ પાસેનું ટેબલ કે ફ્લૅટ બેડ મળી જાય એ માટે સાંજે ચાર વાગ્યાથી જ બીચ ક્લબ ભરાવા માંડે છે. હું સાંજે પાંચ વાગ્યે ત્યાં દાખલ થઈ ત્યારે મને વેઇટિંગ લિસ્ટમાં 147મો નંબર મળ્યો હતો! જ્યાં સુધી તમને તમારું ટેબલ ન મળે, તમે ઇન્ફિનિટી પૂલમાં તરવાનો આનંદ લઈ શકો અથવા બારમાં બેસી અહીંનાં અનેક પ્રખ્યાત કૉકટેલ પીણાંઓમાંથી તમારી પસંદગીના પીણાંની લિજ્જત માણી શકો. જો તમે ચાહો તો દરિયાકિનારે ટહેલી પણ શકો કે પછી રેતી પર બેસીને સૂરજ ઢળવાની રાહ જોઈ શકો. તમે પૂલના કિનારે તમારા માટે એક ફ્લૅટ બેડ પણ નોંધાવી શકો છો અને એના પર આરામ કરતાં-કરતાં આ થિરકતા બારના માહોલનો આનંદ માણી શકો છો. જેવો સૂર્યાસ્ત થાય છે, દરેક ટેબલ અને ડેક ચૅર પાસે મીણબત્તીઓ સળગાવવામાં આવે છે જે એક અલૌકિક અનુભૂતિ કરાવે છે.

બીચ-ફ્રન્ટ બાર અને 500 વર્ગમીટરની સપાટ લૉન જેના પડખે ઇન્ફિનિટી પૂલ અને બાળકો માટે પણ એક નાનો પૂલ છે એ પર્યટકો અને સ્થાનિકો બન્નેમાં ખૂબ લોકપ્રિય છે. પૂલથી થોડાં પગથિયાં નીચે ઊતરતાં જ તમારાં પગલાં રેતાળ દરિયાકિનારા પર પડે છે.

જો તમને ભૂખ લાગી હોય તો તમે પાસ્તા અને પીત્ઝા અથવા ઘર જેવી જ ઇન્ડોનેશિયન શૈલીની વાનગીઓ અજમાવી શકો. બર્ફીલા માર્ગરિટાની લહેજત અગાધ સાગર પર પડતાં સૂરજનાં છેલ્લાં કિરણો જોતાં-જોતાં તમે આ આહ્લાદક જગ્યાએ આરામ કરી રહ્યા હો એનાથી વધુ સારી ક્યારેય ન માણી શકાય.

બાલીમાં ઠેર-ઠેર તમને બિન્ટાંગ નામે ઓળખાતા સ્થાનિક પીણા તરીકેનો-પુરસ્કાર વિજેતા બિયરનો સ્વાદ માણવા મળશે. એ અનેક સ્વાદમાં ઉપલબ્ધ હોય છે અને એ એટલો સરળતાથી મળે છે કે ઘણી વાર તો એ પાણી કરતાં પણ સસ્તો પડે છે!

સૂરજ જેવો પશ્ચિમી કાંઠે અસ્ત થાય છે એમ બાલીની મનોરંજક રાત્રિઓ ધીમે-ધીમે રંગ પકડે છે, જ્યાં કુટા, સેમિયાન્ક અને લેગેઇન રાત્રિના અંધારામાં થનગનતા મનોરંજનને એના લાક્ષણિક રૂપમાં લાવે છે. આ બાલીના ત્રણ મુખ્ય વિસ્તારો છે, જ્યાં પર્યટકો તેમની પસંદગીના આધારે ઊમટી પડે છે.

બાલી ઘણા લાંબા સમયથી ક્લબિંગ અને મોડી રાતના મનોરંજનનું કેન્દ્ર છે. લગભગ અડધી સદી પહેલાં આ ટાપુ હિપ્પીઓ અને સર્ફ કરવાવાળાઓ માટે એક માનીતું સ્થાન હતું અને સમય જતાં એના મુક્ત વિચારોવાળી અને અપનાવી લેવાની ભાવનાવાળી સંસ્કૃતિએ એને પાર્ટીથી ધમધમતી જગ્યામાં પરિવર્તિત કરી દીધું છે. એ ઑસ્ટ્રેલિયા, જપાન, સિંગાપોરથી ઘણું નજીક છે અને આ દેશોથી આવતા મુલાકાતીઓના સતત પ્રવાહે બાલીને રાત્રિના મનોરંજન માટેનું એક વિશ્વવિખ્યાત કેન્દ્ર બનાવી દીધું છે.

બાલીના રાત્રિના મનોરંજનનો ફાયદો એ છે કે તમે એને તમારા સમય અને પસંદની અનુકૂળતાએ માણી શકો છો. બાલીએ શરૂ કરવાના અને બંધ કરવાના સમય વિશે કોઈ પાબંદી રાખી નથી, જેથી ક્લબ અને ડિસ્કો મોડે સુધી ચાલુ રહી શકે છે. ઘણી વખત તો સંગીત સૂર્યોદય સુધી ચાલતું રહે છે. જોકે પાર્ટીનો ખરો માહોલ અને મસ્તી મધરાત પછી જામે છે. બહાર નીકળી પડવાનું ઘણું જલદી શરૂ થઈ જાય છે, કારણ કે ઘણી રેસ્ટોરાં, બાર અને ક્લબમાં હૅપી અવર્સની સગવડ હોય છે અને સાંજના સમયનાં પીણાંઓથી રોજિંદો સમય પસાર કરવાનું ઘણું સામાન્ય છે, ભલેને એ સેમિન્યાકના દરિયાકિનારે વૈભવી લાઉન્જમાં હોય કે પછી કુટામાં લહેરોને અડીને મૂકેલા બાંકડાઓ પર બેસીને હોય.

બાલીની મનોરંજક રાત્રિઓ વૈવિધ્યપૂર્ણ વિકલ્પો આપે છે છતાં અમુક પ્રકારના સહેલાણીઓ, ક્લબ અને સંગીત અમુક ચોક્કસ વિસ્તારોમાં જ વધારે જોવા મળે છે.

કુટા જુવાન અને મસ્તીખોર પર્યટકોને ખેંચી લાવે છે, કારણ કે તેની પાસે મેગા ક્લબ, ખૂબ જ સસ્તાં પીણાંઓ છે; જ્યારે સેમિન્યાક સામાન્ય રીતે ફૅશનેબલ અને વધુ અનુભવી ક્લબના શોખીનોને આકર્ષે છે.

તો બીજે દિવસે અમે નીકળી પડ્યા બીજા એક બાર અને રેસ્ટોરાંને અજમાવવા જે એના કૉકટેલ અને સ્વાદિષ્ટ મેક્સિકન વાનગીઓ બન્ને માટે જાણીતું છે. મોટેલ મેક્સિકોલા એક રંગીન અને આધુનિક મેક્સિકન બાર અને રેસ્ટોરાં છે. સેમિન્યાકમાં જાણીતા જાલન પેટિટેન્ગેટની ગલી જાલન કાયુજતીમાં આવેલું છે. તેઓ અનેક પ્રકારના ટોસ્ટાડસ, ટેકોસ અને સેવિએચ (સી-ફૂડ) માટે પ્રખ્યાત છે. અમે પગ થિરકતા કરી દે એવું જીવંત લૅટિન સંગીત સાંભળતાં-સાંભળતાં અને સાંજની મજા માણી રહેલા અનેક ખુશ ચહેરાઓની વચ્ચે ચાલ્યા. ઉપરના માળે આરામથી બેસવાની વ્યવસ્થા છે જ્યાં તમે એક આરામદાયક જગ્યા પસંદ કરી, બેસી અને નીચે આંગણાનાં દૃશ્યોનો આનંદ ઉઠાવી શકો છો.

ઉપયોગી માહિતી: ટેબલ અગાઉથી નોંધાવી રાખો, કારણ કે આ જગ્યા પર્યટકોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આગળથી નોંધાવ્યા વિના ટેબલ મળે એની આશા રાખવી ખોટી છે.

રૉક બાર

એમ કહેવાય છે કે રૉક બાર તમને વિશ્વના 10 સર્વોત્તમ સૂર્યાસ્તોમાંના એકનો અનુભવ કરાવે છે અને ઘણા પર્યટકો બાલી ફક્ત રૉક બારનો આનંદ માણવા જ આવતા હોય છે. એકાકી એવા ચૂનાના ખડકો પર સ્થિત રૉક બાર તમને દરિયાનું વિશાળ દૃશ્યફલક જોવાની તક આપે છે.

પોતાનાં ખાસ ઓળખરૂપ કૉકટેલ ધરાવતા અને સૂર્યાસ્ત જોવા માટેના સૌથી અગ્રગણ્ય એવા આ બારના પરિસરમાં જ રહેતા સંગીત-નિર્દેશક અને વિશ્વસ્તરીય આંતરરાષ્ટ્રીય ડીજેની ટીમ હંમેશાં હાજર હોય છે જે સૂર્યાસ્તના સમય માટે માહોલ જમાવી દેતી હોય છે. આ ખુશનુમા માહોલનો અનુભવ લેવા આતુર એવી હું, તેમની સલાહ અનુસરીને દરિયાકિનારે જગ્યા મેળવવા સાંજે 4.30 વાગ્યે ત્યાં પહોંચી ગઈ. અમે ત્યાં દાખલ થયા ત્યારે લોકો પહેલેથી જ પોતાની પસંદગીના ટેબલ પર  ગોઠવાઈ ગયા હતા. સદ્ભાગ્યે વરસાદની શક્યતા નહોતી અને સૂરજ ખુલ્લો હતો. વેઇટ્રેસ અમને એક ઊંચા માળે અમારા ટેબલ પાસે દોરી ગઈ જ્યાંથી દરિયાને લગભગ 180 અંશે જોઈ શકાતો હતો. તડકો ઉગ્ર હોવાથી તેમણે અમને છત્રીઓ આપી જેથી અમે સૂરજના સીધા તડકાથી બચવા છત્રી નીચે સંતાઈ ગયા. બરાબર ગોઠવાઈને અમે એમનાં નાવીન્યપૂર્ણ કૉકટેલ મગાવ્યાં. જમણી બાજુએ અમે જ્યાં ઊતર્યા હતા એ હવાઈપટ્ટી દેખાતી હતી.

ચાલો હવે હું તમને એક અલગ જ પ્રકારના બારની સફરે લઈ જાઉં. રૉક બાર ઓછામાં ઓછી વસ્તુઓના ઉપયોગવાળી ડિઝાઇન ધરાવે છે, જેમાં નૈસર્ગિક પાયા પર ખુલ્લા આકાશ નીચે એક સળંગ ફ્લક છે. બારના પરિસર આસપાસની રોશની અને સૂર્યાસ્તના રંગો દરિયામાં તરતી માછીમારોની હોડીઓનાં પરંપરાગત ફાનસો સાથે મળીને બારના નાટ્યાત્મક આકર્ષણમાં વધારો કરે છે.

રૉક બાર પહોંચવાનો પોતાનો જ એક અનોખો અનુભવ છે. એની અંદર આયના નામનો રિસૉર્ટ છે અને એના પ્રવેશદ્વારથી લીલીછમ લૉન પર ચાલતાં જ તમને નીચે ઊતરવાના બે રસ્તા નજરે પડશે. પહેલો ‘મુશ્કેલ માર્ગ’ છે જે આગળ વધારેલી સીડીઓ થકી તમને નીચે ‘કિસ્ક બાર ઍન્ડ ગ્રિલ’ લઈ જાય છે, જે સૂકાં તણખલાંના છાપરા હેઠળ રેતીમાં ગોઠવેલા ટેબલ પર ઉમદા સી-ફૂડ માટેની રેસ્ટોરાં છે. રૉક બારમાં જ આગળ લટાર મારતાં તમે આયનાના તરણકુંડની ફરતે ખડકના પાયા પાસેના કૉઝવે પાસે પહોંચશો. પ્રવેશનો બીજો રસ્તો એક એકદમ સરળ વિકલ્પ છે, જેમાં દોરડાંઓની મદદથી નીચે પહોંચી જવાનું છે. જોકે કતારો અપેક્ષિત છે, ખાસ કરીને સૂર્યાસ્તના સમય કરતાં થોડી જ વાર પહેલાં. કતારોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. આમાંથી એક કે જે ‘ઝડપી લેન’ છે એને હોટેલના મહેમાનો માટે આરક્ષિત રાખવામાં છે – એ આયનામાં રહેવાના ફાયદાઓમાંનો એક છે. જો તમે તૈયાર હો, તો અમે કઠિન માર્ગ અપનાવવાની ભલામણ કરીશું, કારણ કે ઢાળ ઊતરતી વખતે ઘણી એવી જગ્યાઓ છે જે તમને સાગરના ફ્લક અને ક્ષિતિજ, દરિયાકિનારો અને ખડકાળ ટેકરીઓ અને સૌથી ખાસ રૉક બારનાં યાદગાર દૃશ્યોને કૅમેરામાં કેદ કરી લેવા માટેની તક પૂરી પાડશે. મોજાંઓથી 14 મીટર ઊંચી જગ્યાએ ગોઠવાયેલો રૉક બાર ઉપર ખુલ્લા આકાશ અને પૃષ્ઠ ભૂમિમાં હિંદ મહાસાગરવાળું એક આકર્ષણનાં કેન્દ્ર સમાન છે. કિનારાની સાથે-સાથે વિસ્તરેલી મુખ્ય શિલાની બન્ને બાજુ પરના લાકડાના ડેકવાળા ભાગો નજારો જોવાના વધારાના પૉઇન્ટ પૂરા પાડે છે, જેમાંના એક પર પ્રવેશવાનો રસ્તો એક કુદરતી ગુફામાંથી થઈને જાય છે. બારના કર્મચારીઓ અને તેમની ઓળખરૂપ બની ગયેલા સુઘડ, કાળા પરિધાનમાં સજ્જ સુંદર વેઇટ્રેસોની ટીમ ઝડપી અને મોહક હોય છે.

નીચલા હૉલમાં ઘણાં ગોળ ટેબલો છે અને આઠ પગથિયાં ચડતાં તમે મુખ્ય બારમાં પહોંચો છે જેને કાચની દીવાલોથી પહોળો બનાવાયો છે.

જેમ-જેમ સૂર્યાસ્તનો મનોમોહક સમય નજીક આવતો ગયો તડકાની ઉગ્રતા ઓછી થતી ગઈ અને અમે અમારી છત્રીઓ પાછી આપી દીધી. ડીજેમાંથી નીકળીને વહેતું સંગીત નાટ્યાત્મક વાતાવરણ ઊભું કરી રહ્યું હતું. થોડી જ વારમાં સૂરજ ઢળવા માંડ્યો અને આકાશ ભાતભાતના રંગોથી છવાઈ ગયું. જેવી આ જાદુઈ ઘટના પૂરી થઈ, લોકો નીચે લઈ જનારી કેબલ કારના સ્ટેશન પર કતારબંધ થવા માંડ્યા. અમે એવા લોકો માટે જગ્યા કરી આપી જે લોકો ટેબલ મેળવવા જેટલા ભાગ્યશાળી નહોતા. મારે અહીં માનવું રહ્યું કે આ મેં આજ સુધીમાં મુલાકાત લીધેલી જગ્યાઓમાંની સૌથી નામાંક્તિ ગણાતી જગ્યા છે.

ઉપયોગી માહિતી: જો તમે રૉક બાર પર સૂર્યાસ્ત જોવા માગતા હો તો તમારે રૉક બાર મોડામાં મોડું સાંજે 4.30 વાગ્યે પહોંચી જ જવું જોઈએ.

અમારા રોકાણના ચોથા દિવસે અમે સેમિન્યાક કાયુ આયા રોડ આવેલા ‘લા ફાવેલા’ બાર અને રેસ્ટોરાં નામના બીજા એક રોચક રાત્રિના મનોરંજન-સ્થળ પર જવાનું પસંદ કર્યું. 2013માં શરૂ થયા બાદ એ એની જૂના ઢબની શૈલીને કારણે ઘણું જ લોકપ્રિય થયું છે. એ જ નામના રિયોના શહેરી દૃશ્યાવલી પરથી પ્રેરિત થયલું હોવાથી એનું નામ પણ એના પરથી પડ્યું છે જે બપોરના અને સાંજના ભોજન માટે ખુલ્લું હોય છે, પરંતુ મોટા ભાગના પર્યટકો મોડેથી આવીને અહીંના શાંત વાતાવરણમાં મોડે સુધી બેસતા હોય છે. ભારે સજાવટવાળા ભોજનખંડો અને આરામદાયક ખૂણાઓ કે જેમને દરેકને પ્રાચીન સ્થાપત્ય અને માલિકના અંગત સંગ્રહમાંના કળાના નમૂનાઓ થકી અપ્રતિમ લાગતા હોય છે. આ જગ્યા વિશ્રાંતિ આપનારી છે અને અહીંનું સંગીત પણ સરસ છે. તમે આરામ કરતાં-કરતાં બન્નેનો આનંદ માણી શકો છો.

પહેલાં જણાવ્યા મુજબ બાલીની બે આકર્ષક અને વિરોધાભાસી બાજુઓ છે – રાત્રિનું મનોરંજન અને એના પબ અને બાર તથા નૈસર્ગિક વાતાવરણમાં આવેલાં મંદિરો. આવા જ એક મંદિરમાં મોડી સાંજે જતી વખતે અમને એક અલગ જ પ્રકારના મોડી સાંજના મનોરંજનની ઝલક જોવા મળી. ખડક પર આવેલું ઉલુવાટૂ મંદિર પોતાની રીતે અનોખું છે. ઉલુવાટૂ અને  બુકીટ, જે બાલીના દક્ષિણ તરફે આવેલા ચૂના-પથ્થરના ખડકોથી બનેલા દ્વીપકલ્પો છે એ અહીંનાં પ્રમુખ આકર્ષણો છે. એમાં ટાપુનાં સૌથી નામાંકિત મંદિરોમાંના એક મંદિર અને ભવ્ય સમુદ્રતટ જે સર્ફિંગ રમત માટેની વિશ્વસ્તરીય જગ્યા તરીકે વખાણાઈ છે એનો સમાવેશ થાય છે. એ બાલીના દરિયામાંનાં મુખ્ય મંદિરોમાંનું એક છે અને એના ભવ્ય સ્થાનને કારણે ન ચૂકવા જેવું છે.

મંદિરની બિલકુલ બાજુમાં એક ખુલ્લું ઍમ્ફીથિયેટર છે જ્યાં રોજ સાંજે કોઈ પણ હિસાબે ન ચૂકવા જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ થતો હોય છે. સૂર્યાસ્ત થાય ત્યારે કલાકારો તેમનાં પરંપરાગત પરિધાનોમાં સજ્જ થઈને તમને રામાયણની વાર્તાઓમાં તરબોળ કરે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાદ્યયંત્રોની ગેરહાજરી કેહચાક નૃત્યને અનુપમ બનાવે છે અને માત્ર પુરુષ નૃત્યકારો દ્વારા ગવાતું પોલીરિધમિક ગાન જ્યારે કોરસમાં પરિણમે છે ત્યારે ‘કેટ-જાક’જેવો ધ્વનિ પેદા કરે છે, જેના પરથી આ નૃત્યનું નામ પડ્યું છે. સાંજના સમયે ખડક પરનું મંદિર અને ડૂબતો સૂરજ કેહચાક નૃત્ય માટે એક અદ્ભુત પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. જોકે અહીં વાંદરાઓથી સાવધાન રહેવું પડે છે.

ઉપર મુજબના રાત્રિબજારમાં ખરીદી ઉપરાંત રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા અને દરિયાકિનારે મજેદાર ઇન્ડોનેશિયન રાત્રિના ભોજનનો આનંદ માણવો એ પણ અદ્ભુત રાત્રિ-મનોરંજનની પ્રવૃત્તિઓ છે. જ્વલ્લે જ ઘટતા અમુક કિસ્સાઓ સિવાય બાલીમાં ગુનાખોરીનો દર ઘણો નીચો છે અને અહીં તમે પોતાને સુરક્ષિત અનુભવી શકો છો.

દિવસ હોય કે રાત, બાલી બન્નેમાં તમને મંત્રમુગ્ધ કરી દે છે. યુવાનો અને વયસ્કો બધા માટે આ એક ખાસ પર્યટનસ્થળ છે. તમે વારંવાર અહી ંખેંચાઈ આવશો.

બાલીમાં દરરોજલાખોરૂપિયાનો ખર્ચ!

બાલીમાં થતા ખર્ચ તરફ એક નજર કરીએ તો મેં મારી બાલીની બિઝનેસ ક્લાસની રિટર્ન ટિકિટ 65,00,000 રૂપિયામાં બુક કરેલી. તો બિનટેંગ બિયરનો ખર્ચો થયો 18,000 રૂપિયા. સારા બારમાં એક્ઝોટિક કોકટેલના 2,00,000 રૂપિયા થયા તો ફૂટ સ્પાનો 60,000નો ખર્ચ થયો. આ તો ઠીક ઉલુવાટૂ બેલે પીત્ઝા ડાન્સની ટિકિટ 1,00,000 રૂપિયાની અને ફેન્સી રેસ્ટોરાંમાં પીત્ઝાનો 1,40,000નો ખર્ચ થયો, જ્યાં મિડિયમ બજેટનો એક પીત્ઝા 60,000નો થાય! તો વળી, ફરવા માટેની ટેક્સી (ઈનોવા)નો રોજિંદો ખર્ચ હતો 8,00,000 રૂપિયા.

તમે બિલિવ નહીં કરો પણ ત્યાં અમારા દસ લોકોનો ખાવા-પીવા અને ટ્રાવેલિંગનો રોજનો એક કરોડ રૂપિયાનો ખર્ચ હતો!

જોકે તમારું બ્લડ પ્રેશર વધી જાય એ પહેલા તમને જણાવી દઉં કે ભારતના એક રૂપિયા બરાબર બાલીના 208 રૂપિયા થાય! એટલે જો ઉપર ગણાવેલા ખર્ચને ભારતીય ચલણ મુજબ ગણીએ તો બિયરના થાય 86 રૂપિયા, બેસ્ટ કોકટેલના થાય 900 રૂપિયા અને બિઝનેસ ક્લાસની રિટર્ન ટિકિટ અમને ફક્ત 35,000 રૂપિયામાં પડી.

તો બેલે ડાન્સના 500 રૂપિયા થયા અને અમે ત્યાંની બેસ્ટ જગ્યાએ પીત્ઝાની જયાફત ઉડાવી માત્ર 400 રૂપિયામાં. વળી, બાલીમાં ફરવા માટે પ્રાઈવેટ ટેક્સી પણ આપણા ખીસ્સાને પરવડે એવા 3,800 રૂપિયા પ્રતિદિનના રેન્ટ પર મળી રહે છે. એટલે ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. આ મજાના આઈલેન્ડ પર ફરતી વખતે ખર્ચની ઝાઝી ચિંતા કરવી નહીં અને માત્ર ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિને માણતા રહેવું.

 

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.