પાકિસ્તાનના ફરી વાર ભાગલા પડી શકે છે!

બલૂચિસ્તાનમાં ફરી એક વાર સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે ત્યારે બલૂચિસ્તાનના બર્નિંગ ઈશ્યુ વિશે ‘કૉકટેલ ઝિંદગી’ના વાચકો માટે ખાસ માહિતી.

છેલ્લા થોડા સમયમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બળવાખોરો દ્વારા અનેક ખોફનાક હુમલાઓ થયા છે. જ્યાં ચીન અબજો રુપિયાનું રોકાણ કરી રહ્યું છે એવા પોર્ટ સિટી (બંદર) ગ્વાદરની પોશ પર્લ કોન્ટિનેન્ટલ હોટેલમાં પાંચ દિવસ અગાઉ ખોફનાક હુમલો થયો એ પછી બલૂચિસ્તાન લિબરેશન આર્મી(બીએલએ)એ જવાબદારી સ્વીકારી કે એ હુમલો અમે કરાવ્યો છે. થોડા સમય અગાઉ બીએલએ દ્વારા પાકિસ્તાની આર્મીની એક બસ પર હુમલો થયો હતો, જેમાં પાકિસ્તાની નેવી, કોસ્ટ ગાર્ડ અને ઍર ફોર્સના એક ડઝન જવાનો કમોતે માર્યા ગયા હતા. ચીન અને પાકિસ્તાન જેને ભાગલાવાદી પરિબળો ગણાવે છે એવા બળવાખોરો પાકિસ્તાન સરકારની ઊંઘ હરામ કરી રહ્યા છે. અને સ્થિતિ એવી સર્જાઈ રહી છે કે પાકિસ્તાનના ફરી એક વાર ભાગલા પડી જાય! પાકિસ્તાનની સાથે ચીન માટે પણ આ માઠા સમાચાર છે કેમ કે ચીન પાકિસ્તાનમાં હજારો કરોડ રુપિયાના ખર્ચે ઈકોનોમિક કોરીડોર બનાવી રહ્યું છે એના હાર્ટ સમાન ગ્વાદર બંદર છે.

બલૂચિસ્તાનમાં અત્યારે શું સ્થિતિ છે અને શા કારણે છે એની સામાન્ય ભારતીય નાગરિકોને ખબર ન હોય એટલે વાચકો સામે આ માહિતી મૂકું છું.

બલૂચિસ્તાન ભૌગોલિક દૃષ્ટિએ પાકિસ્તાનના પ્રાંતોમાં સૌથી વિશાળ છે. બલૂચિસ્તાનના લોકોએ ક્યારેય પાકિસ્તાનને પોતાનો દેશ ગણ્યો નથી. બલૂચિસ્તાનમાં હિંસાખોરીની શરૂઆત પાકિસ્તાનની સ્થાપના વખતથી થઈ હતી. 11 ઓગસ્ટ, 1947ના દિવસે બલૂચિસ્તાન (એ વખતના કલાત રાજ્યના) ખાન અબ્દુલ સમદ ખાન અચકઝાઈએ બલૂચિસ્તાનને સ્વતંત્ર પ્રદેશ જાહેર કર્યો એથી ઉશ્કેરાઈને મહંમદ અલી ઝીણાએ તેમને ધમકાવીને પાકિસ્તાનમાં ભળી જવા મજબૂર કર્યા. સમદ ખાને સાત મહિના ઝીંક ઝીલી, પણ 27 માર્ચ, 1948ના ઝીણાએ બલૂચિસ્તાનમાં લશ્કર મોકલીને ધમકી આપી કે કલાતને પાકિસ્તાનમાં ભેળવી દેવાના કરાર પર સહી નહીં કરો તો તમારા ખાનદાન સાથે તમને સાફ કરી નખાશે. ખાને મજબૂરીથી કરાર પર સહી કરી, પણ બલૂચિસ્તાનની પ્રજાએ ત્યારથી આજ સુધી પાકિસ્તાનને પોતાનો દેશ માન્યો નથી. આજની તારીખે પણ બલોચ લોકો બલૂચિસ્તાનમાં અને વિશ્વમાં જ્યાં જ્યાં તેઓ વસે છે ત્યાં 11 ઓગસ્ટે બલૂચિસ્તાન સ્વાતંત્ર્ય દિન મનાવે છે.

પાકિસ્તાની લશ્કરના ઉપયોગથી ખાન અબ્દુલ સમદ ખાનને ધમકાવીને અને બળપ્રયોગ દ્વારા બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દેવાયું પછી બલૂચિસ્તાન (એ વખતના કલાત)ની વિધાનસભામાં બલોચ નેતાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. વખતે એક મોટા કબીલાના સરદાર જમાલીએ તો પહેલી પાકિસ્તાની સરકારને ખુલ્લી ધમકી આપી હતી. બલૂચિસ્તાનને પાકિસ્તાન સાથે જોરજુલમથી ભેળવી દેવાના પગલાની આકરી ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાન અને ઈરાનની જેમ અમારી પણ જુદી સંસ્કૃતિ છે. અમે ફક્ત મુસ્લિમ છીએ એટલે અમને જબરદસ્તીથી પાકિસ્તાનમાં સામેલ કરી દેવાયા હોય તો ઈરાન અને અફઘાનિસ્તાનને પણ પાકિસ્તાનમાં ભેળવી દોને! પાકિસ્તાન અમને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપશે તો અમે પાકિસ્તાન સાથે દોસ્તી નિભાવીશું. અમને પાકિસ્તાન સાથે બરાબરીનો સંબંધ ખપે છે, પાકિસ્તાન દાદાગીરીની ભાષા વાપરશે તો દરેક બલોચ પોતાના સ્વાતંત્ર્ય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેશે.

બલોચ નેતાઓ પાકિસ્તાની લશ્કરની તાકાત સામે મન મારીને પાકિસ્તાનમાં ભળી ગયા, પણ તેમણે પાકિસ્તાનને પોતાનો દેશ માન્યો નહોતો એટલે 1948માં બલોચ લોકોને ઉશ્કેરીને એમણે પહેલી વાર પાકિસ્તાની સરકાર સામે બળવો કર્યો, પણ પાકિસ્તાની લશ્કરે બળવો ડામી દીધો. પછી 1958 અને 1960માં બલોચ લોકોએ બળવાની કોશિશ કરી, પણ તેઓ લશ્કર સામે પાછા પડ્યા. ત્યારબાદ 1971માં ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ભાગલા પડાવીને બાંગ્લાદેશની રચના કરી પછી પાકિસ્તાનના ભાગલાથી બલોચ લોકોએ વળી એક વાર જોર કર્યું, પણ પાકિસ્તાની લશ્કરે એમને ઠમઠોરીને ચૂપ કરી દીધા.

1973થી 1998 દરમિયાન બલૂચિસ્તાન પ્રમાણમાં શાંત રહ્યું, પણ પરવેઝ મુશર્રફ સત્તા પર આવ્યા પછી ફરી હિંસા ભડકી ઊઠી હતી.  2005 સુધી મુશર્રફ અને બલોચ લોકોનો સંઘર્ષ ચાલુ રહ્યો હતો, પણ 2003થી બલોચ લોકોનું લશ્કર સાથેનું ઘર્ષણ વધી ગયું હતું. મુશર્રફ અને બલોચ લોકો વચ્ચે દુશ્મની વધે એવી ઘટના પાંચ જાન્યુઆરી, 2005ના દિવસે બની હતી. દિવસે બલોચ લીડર નવાબ બુગટીના કબીલાના વડામથક સૂઈમાં લશ્કર ઘૂસી ગયું અને લશ્કરી અધિકારીઓએ શાઝિયા ખાલિદ નામની મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો. સમાચાર બલૂચિસ્તાનમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. શાઝિયા ખાલિદ બલૂચિસ્તાનના સૂઈમાં આવેલા પાકિસ્તાન પેટ્રોલિયમમાં મેડિકલ ઓફિસર હતી. ઘટના બાદ બલોચ લોકો હિંસા પર ઊતરી આવ્યા. તેમણે રેલવે લાઇનો ઉડાવી દીધી, ગેસની પાઇપલાઇન્સ ફોડી નાખી અને અનેક જગ્યાએ પાવર ટ્રાન્સફોર્મર્સના ભુક્કા બોલાવી દીધા.

બીજી બાજુ મુશર્રફે લશ્કરને છૂટો દોર આપી દીધો. લશ્કર નિર્દયતાથી બલોચ લોકો પર તૂટી પડ્યું અને નવાબ બુગટીએ પણ તેમનો ભવ્ય બંગલો છોડીને ભાંભોર હિલની ગુફાઓમાં શરણ લેવું પડ્યું. પછી બલોચ લોકોએ પાકિસ્તાની સરકાર અને લશ્કર વિરુદ્ધ પ્રચંડ રેલી કાઢી, એના કારણે મુશર્રફે લશ્કરને પૂરી તાકાતથી બલોચ નેતાઓ અને બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના કાર્યકરો પર તૂટી પડવાનો આદેશ આપ્યો. સામે નવાબ બુગટીના માણસોએ 21 ઓગસ્ટ, 2006ના દિવસે મુશર્રફનું હેલિકોપ્ટર ફૂંકી મારવાનો પ્રયાસ કર્યો. મુશર્રફ તો બચી ગયા, પણ મુશર્રફે નવાબ બુગાટી જ્યાં છુપાયા હતા ભાંભર હિલ્સ પર ક્લસ્ટર બોમ્બિંગ અને મિસાઇલ એટેક કરાવીને નવાબ બુગટી અને તેમના અનેક સાથીદારોને મારી નાખ્યા. ત્યારબાદ ફરી એક વાર બલૂચિસ્તાન ભડકે બળ્યું હતું.

નવાબ અકબર બુગટીની હત્યા માટે મુશર્રફને સજા કરાવવા માટે બુગટીના દીકરા જમીલ બુગટીએ આતંકવાદ વિરોધી અદાલતમાં ફરિયાદ પણ કરી હતી. (એ અદાલતે જાન્યુઆરી 2016માં મુશર્રફને કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા.) મુશર્રફ સત્તા પરથી દૂર થયા પછી પણ બલૂચિસ્તાનની પ્રજા પર લશ્કરનું દમન ચાલુ રહ્યું છે. લશ્કર બલોચ નાગરિકોનાં ઘર સળગાવી દે કે ગમે ત્યારે કોઈ પણ બલોચ નાગરિકને ઘરમાંથી ઉઠાવી જાય એવા કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે. રીતે ગાયબ થતા મોટા ભાગના બલોચ નાગરિકો ફરી ક્યારેય જીવતા જોવા મળતા નથી એવી ફરિયાદો થતી રહે છે, પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભાગ્યે જોવા મળે છે.
બલોચ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ મીડિયા સામે ફરિયાદ કરતું રહે છે કે બલૂચિસ્તાનમાં લશ્કરના આતંક સામે તમે કેમ મૂંગા મરી રહ્યા છો? પાકિસ્તાની લશ્કર બલોચ લોકોને ઘરમાંથી કાઢીને મારે છે અને સ્ત્રીઓ કે બાળકોને પણ અત્યાચારનો ભોગ બનવું પડે છે એવી ફરિયાદ પણ બલોચ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન સતત કરતું રહે છે. જોકે, તેમનું અરણ્ય રુદન ઇન્ટરનેશનલ મીડિયાને કાને પડતું નથી.

2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યદિનના તેમના પ્રવચનમાં પાકિસ્તાન દ્વારા બલૂચિસ્તાનમાં દમનનો મુદ્દો ઉઠાવ્યો એના કારણે પાકિસ્તાની શાસકોને જાણે એકસામટા હજારો વીંછી કરડ્યા હોય એમ તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી (એ વખતે આપણે ત્યાં સલમાન ખુરશીદ જેવા કોંગ્રેસી નેતા અને કેટલાક સ્યુડો સેક્યુલર ગઠિયાઓને પણ બે-ચાર વીંછી કરડી ગયા હોય એમ તેઓ પણ મોદીના નિવેદનથી દુ:ખી થઈ ગયા હતા કે મોદીએ બેજવાબદારીભર્યું નિવેદન કરીને ભારતને નુકસાન પહોંચાડ્યું છે!). નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં કહ્યું હતું કે પાકિસ્તાન બલૂચિસ્તાનમાં જુલ્મ ગુજારી રહ્યું છે અને બલૂચિસ્તાનમાં મોટે પાયે માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે. કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘનને મુદ્દે દુનિયા ગજાવતા પાકિસ્તાનને મોદીના નિવેદનને કારણે મરચાં લાગ્યાં હતા અને પાકિસ્તાની નેતાઓ ધડાધડ નિવેદનો આપવા માંડ્યા હતા કે જોઈ લો ભારત બલૂચિસ્તાનમાં અશાંતિ ફેલાવી રહ્યું છે એનો પુરાવો ખુદ ભારતના વડાપ્રધાને આપી દીધો!

બલૂચિસ્તાનમાં ફરી એક વાર ભારે ઘર્ષણ શરૂ થયું છે એવા સમયમાં આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની યાદ આવી જાય છે. કદાચ ઈન્દિરા ગાંધી થોડાં વધુ વર્ષ જીવ્યાં હોત અને વડાપ્રધાનપદે રહ્યાં હોત તો પાકિસ્તાનના ફરી એક વાર ભાગલા પડી ગયા હોત અને બાંગ્લાદેશની જેમ બલૂચિસ્તાન નામનો વધુ એક દેશ અસ્તિત્વમાં આવી ગયો હોત!

 

 

 

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

2 Comments

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.