‘લગ્ન કરીશ તો કોઈ આર્ટિસ્ટ સાથે જ’

Cocktailzindagi Exclusive

By – કૃપા જાની-શાહ

‘ઊડી ઊડી જાય…’ અને ‘રામ ચાહે લીલા…’ દ્વારા શ્રોતાઓને પોતાના અવાજ પર ડોલાવનારી વર્સેટાઇલ સિંગર ભૂમિ ત્રિવેદી ‘કૉકટેલ ઝિંદગી’ સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં પોતાના જીવનના અપ્સ ઍન્ડ ડાઉન્સ, પરિવારના સપોર્ટ, પોતાની સક્સેસ-સ્ટ્રગલ, બૉલીવુડ-કરીઅર, ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા બદલાવ અને સપનાંના રાજકુમાર વિશે મોકળું મન કરીને વાત કરે છે. ઉલ્લેખનીય છે કે ભૂમિ આ વખતે સુરતની સૌથી મોટી નવરાત્રિ એટલે કે ‘જી-9 એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા સરસાણા એસી ડોમમાં યોજાતી નવરાત્રિમાં પર્ફોર્મ કરશે, જેમાં ‘કૉકટેલ ઝિંદગી’ મીડિયા પાર્ટનર છે.

મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડાને ‘રામ ચાહે લીલા…’ તો બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ‘ઊડી ઊડી જાય…’ ગીત દ્વારા પોતાની ધૂન પર નચાવનારી આપણી ગુજરાતી છોરી ભૂમિ ત્રિવેદી નિખાલસ, બિનધાસ્ત અને ટોટલી ડાઉન ટુ અર્થ છે. સોની ચૅનલના પૉપ્યુલર રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ-5’માં રનર-અપ બન્યા બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. બૉલીવુડ હોય કે દેશ-વિદેશના સ્ટેજ-શોઝ કે પછી નાના પડદાની વાત તે અત્યારે આ બધાં જ પ્લૅટફૉર્મ પર સતત કામમાં વ્યસ્ત છે. માત્ર 30 વર્ષની વયે તેનું શેડ્યુલ એટલું વ્યસ્ત હોય છે કે ઘણીવાર મહિનાઓ સુધી એક રજા માટે કે પરિવારને મળવા માટે તે તરસતી હોય છે. અત્યારે ફેસ્ટિવલ સીઝન શરૂ થઈ જતાં આ ઇન્ટરવ્યુ પણ તેની સતત વ્યસ્તતાને કારણે તબક્કાવાર લેવામાં આવ્યો છે. જોકે ઘણીવાર આ પ્રકારની અડચણોને કારણે તમને વ્યક્તિને વધુ નજીકથી જાણવાનો મોકો મળે છે અને અમારા કિસ્સામાં પણ એવું જ કાંઈક બન્યું.

બિઝીબી!

પોતાના વ્યસ્ત શેડ્યુલ અને હાથમાં રહેલા પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં ભૂમિ કહે છે, ‘સાચું કહું તો હાલ મને શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. તાજેતરમાં જન્માષ્ટમીના પ્રસંગે અંબાણી રેસિડેન્સ ‘ઍન્ટિલિયા’માં કૃષ્ણજન્મની જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મને કૃષ્ણભક્તિનાં ગીતો અને ભજનોની જમાવટ કરવાનો મોકો મળ્યો હતો તો છેલ્લા એક અઠવાડિયામાં બે ગુજરાતી ફિલ્મો માટે ગીતો રેકૉર્ડ કર્યાં. બૉલીવુડના કેટલાક પ્રોજેક્ટ્સ પર વાત ચાલી રહી છે, જે વિશે હાલ કાંઈ જણાવી શકું એમ નથી. ઉપરાંત મેં મરાઠી સહિત અનેક રીજનલ ફિલ્મો માટે સૉન્ગ રેકૉર્ડ કર્યાં છે તેમ જ ‘ઍન્કર’ બ્રૅન્ડ માટે મેં આઠ ભારતીય ભાષામાં જિંગલ્સ પણ રૅકૉર્ડ કરી. ટૂંક સમયમાં ઍન્ડ ટીવી પર પ્રસારિત થનારા બાળકોના સિન્ગિંગ રિયલિટી શો ‘લવ મી ઇન્ડિયા’માં હું 12 બાળકોના મેન્ટર તરીકે જોવા મળીશ. એમાં હિમેશ રેશમિયા, નેહા ભસિન અને ગુરુ રંધાવા મુખ્ય જજ તરીકે જોવા મળશે. આ સિવાય ‘દેવદાસ’ પર આધારિત એક મ્યુઝિકલ પ્લે બની રહ્યો છે, જેના ચંદ્રમુખીના પાત્ર માટે મેં ઠૂમરી-મુજરા ગાયાં છે. થોડા સમય પહેલાં મને સંગીતકાર સચિન-જિગર, સલીમ-સુલેમાન અને પ્રીતમદા સાથે વિશ્વનાં અનેક શહેરોમાં સ્ટેજ-શોઝ કરવાની તક મળી, જેનો અનુભવ યાદગાર રહ્યો. હું ભારત સરકારના સ્વચ્છતા અભિયાનને સપોર્ટ કરું છું તેમ જ અનેક એન.જી.ઓ. સાથે સંકળાયેલી છું. આ વર્ષે હું સુરતમાં નવરાત્રિમાં પર્ફોર્મ કરવાની છું. વધુમાં અમારું ફીલ્ડ ગ્લૅમરસ હોવાથી લુક્સ, મેક-અપ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. ઘણીવાર શેડ્યુલ એટલું ટાઇટ હોય છે કે માત્ર બે-ત્રણ કલાકની જ ઊંઘ મળે. દેશ-વિદેશની ટૂરને કારણે મમ્મી-પપ્પાને, પરિવારજનોને કે મિત્રોને દિવસો સુધી મળી શકાતું નથી. સતત ટ્રાવેલિંગને કારણે ખોરાક-પાણી બદલાય અને ઘણી વાર તબિયત પર એની અસર થાય. વળી ગળું ન બેસી જાય એનું તો સતત ધ્યાન રાખવું પડે. સાચું કહું તો કામમાંથી જે વધારાનો સમય મળે એ રિયાઝમાં કે પછી ગીતો લખવાની પ્રક્રિયામાં જાય. એમ છતાં મને જ્યારે સમય મળે ત્યારે વર્ષમાં હું 20 દિવસની એકસાથે રજા લઈ લઉં છું. આ સમય હું મારા પરિવાર સાથે ગાળું છું તેમ જ મારા શોખ પૂરા કરું છું અને ભરપૂર આરામ ફરમાવું છું. ભગવાનની મારા પર અસીમ કૃપા છે કે મને આટલી નાની વયે આ બધું જ કરવાની તક મળી રહી છે. આઇ ઍમ ગ્લૅડ કે મેં મારા શોખને પ્રોફેશનમાં તબદીલ કર્યો અને અત્યારે હું મારા માર્ગમાં આવી રહેલી દરેક ઑપોર્ચ્યુનિટીને એક્સપ્લોર અને એન્જૉય કરી રહી છું.’

 ત્રીજી ટ્રાયમાંઇન્ડિયન આઇડલમાં એન્ટ્રી મળી

પોતાની સંગીતમય સફર વિશે ભૂમિ કહે છે, ‘હું મ્યુઝિકલ ફૅમિલીમાંથી આવું છું. મારાં મમ્મી લોકગાયિકા છે અને બરોડામાં અનેક લાઇવ શો કરી ચૂક્યાં છે. પિતા રેલવેના અધિકારી હતા. તેમને પણ સંગીતનો જબરો શોખ છે અને તેઓ અનેક વાદ્યો વગાડે છે. તેથી તમે કહી શકો છો કે સંગીત મને વારસામાં મળ્યું છે. નાનપણથી જ મને ગીતો ગાવાનો ભારે શોખ. માત્ર બે વર્ષની વયે મેં ગાયનની શરૂઆત કરી દીધી હતી અને પરિવાર દ્વારા મારા શોખને પ્રોત્સાહન મળતાં 14 વર્ષની વયે બરોડાના જાણીતા સંગીતકાર મયંક પંડ્યા પાસે મેં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની 4 વર્ષની પદ્ધતિસર તાલીમ મેળવી. આ દરમિયાન મારી મમ્મી સાથે હું અનેક લાઇવ-શો પણ કરતી હતી. પહેલી વાર મેં ‘ઇન્ડિયન આઇડલ-3’ માટે ઑડિશન આપ્યું હતું. જોકે મને જૉન્ડિસ થઈ જતાં સેક્ધડ ઑડિશન માટે હું હાજર રહી શકી નહોતી. બીજી વાર ‘ઇન્ડિયન આઇડલ-4’ માટે પણ ઑડિશન આપ્યું હતું, પરંતુ મારાં આન્ટીનું અવસાન થતાં ફરીવાર અધવચ્ચે જ મારે ઑડિશન પડતાં મૂકવાં પડ્યાં હતાં. આખરે મેં ત્રીજી વાર ‘ઇન્ડિયન આઇડલ-5’ માટે ફરી ઑડિશન આપ્યું અને ટૉપ થ્રીમાં મારો સમાવેશ થયો હતો. મારા યુનિક અને હસ્કી વૉઇસને કારણે મને આગવી ઓળખ મળી અને લોકો મને જાણતા થયા. મારા મતે જો વ્યક્તિ સતત તેના લક્ષ તરફ આગળ વધતી રહે તો ભલભલા અવરોધોમાંથી પાર ઊતરીને તે પોતાની મંજિલ પામી શકે છે.’

ઇન્ડિયન આઇડલના અનુભવ વિશે

મારે મન‘ઇન્ડિયન આઇડલ’નું મહત્ત્વ અનેરું છે. આ શોએ મને ઘણું શીખવ્યું અને આપ્યું છે. આ શોએ મને અનેક મિત્રો ભેટ આપ્યા છે. મને મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીના અનેક માંધાતાઓ દ્વારા સંગીતની તાલીમ મળી અને જેમ ઝવેરી હીરાને ઓપ આપીને મઠારે એમ તેમણે મને મઠારી છે. એ શો માટે મેં અનેક જોનરનાં સૉન્ગ્સ પર પ્રૅક્ટિસ કરી અને આજે હું જે મુકામે પહોંચી છું એની પાછળ આ શોનો બહુ મોટો ફાળો છે. આગળ જણાવ્યું એમ બેવાર મેં આ શોમાંથી પીછેહઠ કરી હતી. એમ છતાં ત્રીજી વાર હું રનર-અપ બની. કદાચ આ જ મારી કિસ્મતમાં હતું. મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં સક્સેસ મેળવવા આજે સારો અવાજ જ નહીં, એક સિંગર દ્વારા સંપૂર્ણ એન્ટરટેઇનમેન્ટ પૅકેજ મળવું પણ અનિવાર્ય છે. ‘ઇન્ડિયન આઇડલ’ તેમના ક્ધટેસ્ટન્ટ્સને આ માટે સંપૂર્ણપણે તૈયાર કરે છે. આ શોએ મારા આંતરિક અને બાહ્ય બન્ને વ્યક્તિત્વને નિખારીને એક સિંગરને મળવી જોઈએ એવી ફેમ મને મેળવી આપી છે.

ઇન્ડિયન આઇડલબાદ

‘ઇન્ડિયન આઇડલ’ બાદ મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ કારણે શરૂ-શરૂમાં મને બધું નવું-નવું લાગી રહ્યું હતું. આ શોમાં જીત મેળવવા માટે પણ મારા મૂળ વતન બરોડાનો અનોખો સપોર્ટ મળ્યો હતો અને શોમાંથી બહાર આવ્યા બાદ મને દેશના ખૂણે-ખૂણેથી સ્ટેજ-શોની ઑફર્સ મળવા લાગી હતી. જોકે મારા અંગતજીવનમાં કોઈ બદલાવ આવ્યો નથી. હું આજે પણ મારા પરિવારના સંસ્કારો અને સાદગીથી રંગાયેલી છું.

પ્લેબૅક સિન્ગિંગ, વેન ડ્રીમ કમ ટ્રુ

મારો વૉઇસ ડિફરન્ટ હોવાથી મને સિલેક્ટેડ સૉન્ગ્સ ગાવા માટે જ તક મળે છે, પણ મારાં સૉન્ગ્સ હિટ થાય છે એ જ મારે મન સફળતા છે. અમે ગાયકો ફકીર જેવા હોઈએ છીએ. અમને હંમેશાં એક સુપરહિટ સૉન્ગની ચાહત હોય છે. આવાં સુપરહિટ સૉન્ગ્સ જ અમને લાઇવ શો અપાવે છે અને આવા શો જ અમારી કમાણીનું મુખ્ય સાધન હોય છે. નાનપણથી મારું એક જ સપનું હતું કે મારે સિંગર જ બનવું છે. આજે આ સપ્નું સાકાર થયું છે. હું હજારો-લાખો પ્રેક્ષકો સામે લાઇવશોમાં પર્ફોર્મ કરું છું. હું દરરોજ નવા લોકોને મળું છું. આ બધા સાથે મારું મ્યુઝિકલ કનેક્શન બને છે. સંગીતકારોને મળવા જાઉં ત્યારે પહેલાં અમે ગીત અને એના સંદર્ભની ટેક્નિકલિટી વિશે વાત કરીએ છીએ અને પછી જ સૉન્ગ રેકૉર્ડ કરીએ છીએ. આ પ્રોસેસમાં પણ ઘણું શીખવા મળે છે. સિન્ગિંગ હૉબી હોવાને કારણે જ સતત કલાકોના કલાકો સુધી રેકૉર્ડિગ કરવા છતાં હું ક્યારેય કંટાળતી નથી. મેં હિંદી, તામિલ, તેલુગુ, ક્ધનડ, પંજાબી, મરાઠી ફિલ્મોમાં સિન્ગિંગ કર્યું છે. જોકે મારા જીવનનો સૌથી મોટો બ્રેક એટલે ‘રામ-લીલા’!

અને હું સાતમા આસમાને હતી

મારા સંગીતકાર મિત્ર શૈલ હાડાજીએ મને ‘રામ-લીલા’ ફિલ્મના એક ગીત માટે કેટલીક ગુજરાતી પંક્તિઓ લખવા માટે આમંત્રણ આપ્યું હતું. આ સંદર્ભે અમે જ્યારે મળ્યાં ત્યારે તેમણે મને કહ્યું કે સંજયસર આ ગીત માટે થોડા અલગ અવાજની શોધમાં છે અને તારે એ માટે ઑડિશન આપવું જોઈએ. આ સૉન્ગ ખૂબ જ મુશ્કેલ હતું. વધુમાં જ્યારે હું ઑડિશન આપવા ગઈ ત્યારે મને સૂચન કરવામાં આવ્યું હતું કે ઉદિત નારાયણ કે કિશોરકુમારના અંદાજમાં મારે આ સૉન્ગ ગાવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક ફીમેલ સિંગર તરીકે મને આશાજી, લતાજી કે સુનિધિ ચૌહાણની સ્ટાઇલમાં ગીત ગાવાનું કહેવામાં આવ્યું હોત તો કંઈ સમજાત; પણ પુરુષની સ્ટાઇલમાં ફીમેલ સૉન્ગ અટેમ્પ્ટ કરવાની વાતે હું થોડી નર્વસ થઈ ગઈ હતી. એટલે મેં થોડીવાર વિચાર્યું અને પછી ગીત રેકૉર્ડ કર્યું તો સૌને મારો અવાજ પસંદ પડી ગયો. રેકૉર્ડિંગ વખતે મને ખ્યાલ પણ નહોતો કે આ ગીત કોના પર ફિલ્માવવામાં આવવાનું છે, પણ જ્યારે મને ખબર પડી કે પ્રિયંકા ચોપડા આ સૉન્ગ પર પર્ફોર્મ કરવાની છે ત્યારે મારા પગ જમીન પર રહ્યા નહોતા. હું ઊછળી પડી હતી. શૂટિંગ વખતે મને પ્રોડક્શન ટીમ દ્વારા સેટ પર બોલાવવામાં આવી હતી અને ત્યારે હું પહેલીવાર પ્રિયંકાને મળી હતી. સંજયસરે આ સમયે મારી પીઠ થાબડી હતી અને પ્રિયંકાએ કહ્યું હતું કે તેને મારો અવાજ ખૂબ જ પસંદ પડ્યો છે. આ ગીતે મને ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જ નહીં, ત્રણ ઍવોર્ડ્સ પણ મેળવી આપ્યા હતા.

રઈસમાં ડોલાવ્યો શાહરુખને

2017માં ભૂમિના ‘રઈસ’ ફિલ્મના બૉલીવુડ ગરબા સૉન્ગ ‘ઊડી ઊડી જાય…’એ ઑડિયન્સને જ નહીં, શાહરુખ ખાનને પણ ડોલાવ્યો હતો. આ સૉન્ગની વાત કરતાં ભૂમિ કહે છે, ‘2015ની વાત છે. રામ સંપતસરની ઑફિસમાંથી મને મળવા માટે બોલાવવામાં આવી હતી. હું તેમને મળવા ગઈ. તેમણે મને ‘ઊડી ઊડી…’ મારા પોતાના અંદાજમાં ગાવા કહ્યું. તેમને સૉન્ગ ખૂબ જ ગમ્યું અને તેમણે તરત જ ડિરેક્ટરને બોલાવીને સંભળાવ્યું અને ફિલ્મ માટે આ ગીત ફાઇનલ થઈ ગયું. પાછળથી મને ખબર પડી હતી કે આ ફિલ્મ શાહરુખ પર પિક્ચરાઇઝ્ડ થવાની છે અને એ સાંભળીને હું ઝૂમી ઊઠી હતી. ‘રઈસ’ હિટ ગઈ અને આ ગીત પણ પૉપ્યુલર થયું. ફિલ્મની સક્સેસ-પાર્ટીમાં શાહરુખે ખાસ મને કહ્યું હતું કે આ તેમની કરીઅરનું પહેલું ગરબા સૉન્ગ હતું અને તેમને તે ખૂબ જ ગમ્યું છે.’

સિન્ગિંગ સફરમાં આવ્યા ઘણા બમ્પર

‘ઇન્ડિયન આઇડલ’ બાદ લોકોને લાગતું હતું કે મને તરત જ ઘણાં બધાં સૉન્ગ્સ ઑફર થશે, પણ મને ખબર હતી કે આ કાંટાળો તાજ છે. મારે ધીરજ રાખવી પડશે અને અથાગ પરિશ્રમ માટે તૈયાર રહેવું પડશે. જોકે એ વાત પણ સાચી કે આ માધ્યમથી મને ઇન્ડસ્ટ્રીના નામાંકિત લોકોને મળવાનો મોકો મળ્યો. મને હજીપણ યાદ છે કે બિપાશા બાસુ અને પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે હું તેમનાં માટે ગીતો ગાઉં એવી તેમની ઇચ્છા છે. એમ છતાં મને ત્રણ વર્ષ સુધી કોઈ સૉન્ગ ઑફર થયું નહીં. જોકે જ્યારે ‘રામ-લીલા’ મળી ત્યારે હું સાતમા આસમાને હતી. મારા માટે આ મોટો બ્રેક હતો. ત્યારબાદ ફરી બીજું હિટ સૉન્ગ (‘રઈસ’નું ‘ઊડી ઊડી જાય…’) મળતાં બીજાં ત્રણ વર્ષ લાગ્યાં. કામ તો મળતું રહે પણ સિંગર માટે પ્લેબૅક સૉન્ગ્સ અનિવાર્ય છે. એક હિટ સૉન્ગ અમને ઘણા લાઇવ શો અપાવે છે. જો સૉન્ગ ન મળે તો લોકો ગાયકને ભૂલી જાય છે. ગાયક માટે લોકોનો પ્રેમ જ સૌથી મોટી મૂડી હોય છે. હું લકી છું કે મારાં માતા-પિતા હંમેશાં મારી સાથે હોય છે. દરેક પરિસ્થિતિમાં તેઓ મારો ઉત્સાહ વધારતાં હોવાથી હું પૉઝિટિવ રહું છું. જોકે ક્યારેક દુ:ખી પણ થઈ જાઉં છું, પણ ધૅટ્સ અ પાર્ટ ઑફ લાઇફ, રાઇટ? આર્ટિસ્ટનો આત્મા સરળતાથી સંતુષ્ટ થઈ શકે જ નહીં. અમે હંમેશાં લોકોને વધુ સારું આપવા માટે પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. હું હંમેશાં નવું કરવા તત્પર રહું છું. જોકે મેં ક્યારેય વિચાર્યું નહોતું એટલું મને મળ્યું છે. જીવનમાં મળનારા બધા જ લોકો મને કંઈક શીખ આપતા ગયા છે અને હું પોતે પણ અન્યોને અને સમાજને કંઈક પૉઝિટિવ આપવા જહેમત ઉઠાવું છું. હું ઇન્ડસ્ટ્રી પાસેથી કોઈ જ અપેક્ષા રાખતી નથી, કારણ કે હું મારા વિચારોને સીમિત કરવા માગતી નથી. હું વર્લ્ડ મ્યુઝિકને એક્સપ્લોર કરવા માગું છું. આજે સિંગર્સ માટે વિશ્વના ખૂણે-ખૂણે તકો ઉપલબ્ધ છે. જીવન આપણને કયા માર્ગ તરફ દોરી જાય છે એની કોને ખબર હોય છે? સિંગરની લાઇફ ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. હું પોતે જ પોતાની બૉસ પણ છું અને એમ્પ્લૉયી પણ. પરિવારજનો અને મિત્રો મને હંમેશાં ગાઇડ કરે છે, પણ ટ્રાવેલિંગ કે શોઝ જેવા પ્રોફેશનલ સ્થળે તેઓ મારી સાથે રહી શકે નહીં. એવા સમયે હું પોતે જ પોતાની બૉસ બનીને ક્યાં પૉઝ કે ફુલ સ્ટૉપ મૂકવું જોઈએ એની પોતાને સૂચના આપું છું અને ઘણીવાર ઍમ્પ્લૉયી બનીને પોતાના લક્ષ તરફ આગળ વધવા માટે વર્કોહૉલિક બની જાઉં છું.

રિયલ  V/S રીલ

હું ટીવીના પડદે જેવી દેખાઉં છું કે અંગત જીવનમાં જેવી છું એ બે વચ્ચે મારા ગ્લૅમરસ લુક સિવાય કોઈ અંતર નથી. રિયલ લાઇફમાં હું ખૂબ જ સિમ્પલ છું. હું આજે પણ સ્ટેજ પર જઈને નર્વસ થઈ જાઉં છું. એક કલાકાર માટે પોતાની ઓળખનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ ઓળખ જ તેને તેની કળા સાથે જોડે છે. હું આજથી 10 વર્ષ પહેલાં જેવી હતી એવી જ છું. નાના-મોટા સર્વ સાથે હું એકસમાન રહું છું. હું ખૂબ જ સારી શ્રોતા છું. દરેકની વાતો અને સૂચનો સાંભળવાં મને ગમે છે. નવા લોકોને મળવું મને ગમે છે. મને ટ્રાવેલિંગનો, એમાંય ખાસ કરીને ટ્રેકિંગનો ભારે શોખ છે. મને કુદરતના સાંનિધ્યમાં રમમાણ થવું ગમે છે. હું એક નંબરની ફૂડી છું. મને નિતનવી વાનગીઓ ખાવાનો ભારે શોખ છે. પાણીપૂરી મારી ફેવરિટ છે. હું જ્યારે પણ નવાં સ્થળોએ ટ્રાવેલ કરું છું ત્યારે ત્યાંના કલ્ચરને સમજવાનો પ્રયત્ન કરું છું. ત્યાંની લોકલ વાનગીઓ આરોગું છું. નૃત્ય પણ મારા રસનો વિષય રહ્યો છે.આ સિવાય મને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ક્રેઝ છે અને ગિટાર મને ઘણું પ્રિય છે. તો વાયોલિન, ફ્લુટ અને માઉથ ઑર્ગન પણ મને વગાડતાં આવડે છે. મને પુસ્તકો વસાવવાનો ભારે શોખ છે, પણ એક અંગત વાત કહું તો મને પુસ્તકો વાંચવાની ભારે આળસ આવે છે! આ ઉપરાંત જ્યારે પણ એક્સ્ટ્રા સમય મળે તો હું વર્લ્ડ મ્યુઝિક સાંભળવાની અને સમજવાની કોશિશ કરું છું. મને ડ્રાઇવિંગ કરવું પણ ગમે છે. મને સીધી વાત કરનારા લોકો પસંદ છે. હું લોકોને તેમની વેશભૂષાને બદલે તેમના સ્વભાવ અને વ્યક્તિત્વથી માપવાની કોશિશ કરું છું. મોહમ્મદ રફી, કિશોરકુમાર, આશાજી, લતાજી, સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણ, રેખા ભારદ્વાજ, શંકર મહાદેવન અને પેપોન મારા ફેવરિટ સિંગર્સ છે; જ્યારે સલીમ-સુલેમાન, સચિન-જિગર, બપ્પી લાહેરી, પ્રીતમદા અને સ્વર્ગસ્થ આદેશ શ્રીવાસ્તવ મારા પસંદીદા મ્યુઝિક-કમ્પોઝર છે.

હા, હું સિંગલ છું

પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે પુછાતાં ભૂમિ કહે છે, ‘સાચું કહું તો અત્યારે મને રિલેશનશિપ માટે ફુરસદ જ નથી. હું સિંગલ છું. મારા સદ્નસીબે મારા પરિવારજનો પણ મારા નિર્ણયને સપોર્ટ કરે છે અને લગ્ન માટે મારા પર કોઈ દબાણ કરતા નથી. જો મને યોગ્ય વ્યક્તિ મળશે તો હું લગ્ન કરી લઈશ.’ ફ્યુચર જીવનસાથીને લઈને પોતાની અપેક્ષાઓ વિશે જણાવતાં તે ઉમેરે છે, ‘મારે કોઈ આર્ટિસ્ટ સાથે જ લગ્ન કરવાં છે. અમારી વચ્ચે મ્યુઝિકલ કનેક્શન હોવું જોઈએ. અર્થાત્તે મારી કળાને સમજતો હોવો જોઈએ, કારણકે મને મારું કામ અને રોજિંદા જીવનની વાતો તેની સાથે ડિસ્કસ કરવી ગમશે. જો તે મારાથી વિરુદ્ધ સ્વભાવ અને પર્સનાલિટી ધરાવતો હોય તો વધુ સારું, કારણકે મને મારાથી જુદી વ્યક્તિને સમજવી અને તેનો દૃષ્ટિકોણ સમજવો ગમશે. તે સમજુ અને એજ્યુકેટેડ હોવો જોઈએ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો હોવો જોઈએ. હું ધર્મભેદ અને જાતિભેદમાં માનતી નથી, પરંતુ વ્યક્તિનું હૃદય શુદ્ધ હોવું જોઈએ.’

ગુજરાતી ફિલ્મોનો બદલાવથી ગુજરાતી તરીકે ગર્વ અનુભવું છું

‘તાજેતરમાં જ મેં ગુજરાતી ફિલ્મ ‘અરમાન’ માટે ગીતો રેકૉર્ડ કર્યાં હતાં. આ ગીતો પૈકીનું એક ‘આ દુનિયા…’ સૂફી ગીત હતું. ગુજરાતી ફિલ્મોમાં સ્ટોરી, સૉન્ગ-રાઇટિંગથી માંડીને સંગીત સહિત બધે જ હવાની નવી લહેર અનુભવાઈ રહી છે. નવી ટૅલન્ટને ચાન્સ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલો બદલાવ હકારાત્મક છે.’ એમ જણાવતાં તે ઉમેરે છે, ‘આપણી ગુજરાતી પ્રજા હંમેશાં બદલાવને આવકારતી આવી છે. ગુજરાતી ફિલ્મના મ્યુઝિકમાં અત્યારે પાર્થ ઠક્કર અને સચિન-જિગર ખૂબ જ એક્સપરિમેન્ટ કરી રહ્યા છે અને કર્ણપ્રિય મ્યુઝિક આપી રહ્યા છે. એક ગુજરાતી તરીકે હું આ નવીનતા પર ગર્વ અનુભવું છું. મારા મતે ઇન્ડસ્ટ્રીએ અત્યારે નવી ગુજરાતી ટૅલન્ટને પ્રમોટ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. બિનગુજરાતી ગાયકો અને ઍક્ટર્સ ગુજરાતી ફિલ્મોમાં ઉત્સાહથી કામ કરે છે, પણ ફિલ્મને પ્રમોટ કરવાની વાત આવે છે ત્યારે તેઓ થોડા પાછા પડી જાય છે. તેથી જે ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરવામાં આગવો રસ લે એવી ટૅલન્ટને યોગ્ય મોકો આપવો જોઈએ.’

સુરતમાંજી-9 એન્ટરટેઇનમેન્ટની નવરાત્રિ

‘આ વર્ષે સુરતમાં નવરાત્રિને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સ્કૂલો-કૉલેજોમાં નવરાત્રિનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેથી લોકો આ તહેવાર મન મૂકીને માણશે. ‘જી-9 એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા એશિયાના સૌથી મોટા સરસાણા એ.સી. ડોમમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું કેદાર ભગતના ગ્રુપ સાથે પર્ફોર્મ કરી રહી છું. ત્યાંનું લોકેશન ખૂબ જ સુંદર છે. ગયા વર્ષે મેં મુંબઈમાં જુહુની પ્રસિદ્ધ ‘કાર્નિવલ-નવરાત્રિ જલસો’માં પર્ફોર્મ કર્યું હતું. હું શુદ્ધ પારંપરિક ગરબાઓનો આગ્રહ રાખું છું. મને ગરબામાં બૉલીવુડનાં ગીતોનો ઉપયોગ કરવો પસંદ નથી. જોકે ચાહકોની ઇચ્છાને માન આપીને બે-ત્રણ ટકા જેટલાં હિન્દી ગીતોનો સમાવેશ કરું છું. આ વર્ષે પણ હું બે તાળી, ત્રણ તાળી, ડાકલા, દોઢિયું, લેઝિમ, ચલતી એમ ઘણા પ્રકારના ગરબા પીરસવાની કોશિશ કરીશ. ખાસ કરીને થોડા સમય પહેલાં અમદાવાદમાં યોજાયેલા ‘ગુજરાતી-જલસો’ કાર્યક્રમમાં મેં લખેલા અને પ્રેઝન્ટ કરેલા ગીત ‘શ્યામ તને શોધું…’ને હું નવરાત્રિમાં જરૂરથી સામેલ કરીશ. સૉન્ગ-સિલેક્શનની મારી સૂઝબૂઝ અને સુગમ સંગીતની મારી સમજને કારણે લોકો દૂર-દૂરથી મને સાંભળવા આવે છે. જોકે હું પોતે ફાલ્ગુની પાઠકની ફૅન છું.’

તે વધુમાં કહે છે, ‘આજે ગાયકો માટે લુક્સ અત્યંત જરૂરી છે. સ્ટેજ પર જ્યારે અમે પર્ફોર્મ કરતા હોઈએ ત્યારે લોકોનું ધ્યાન અમારા તરફ હોય છે. આવા લાઇવ શોની સફળતા અમને અન્ય તક અપાવે છે. બેસ્ટ દેખાવ સાથે અમારી પાસે કૉસ્ચ્યુમ્સની સેન્સ હોવી પણ જરૂરી છે. હું મોટેભાગે નવરાત્રિનું મારું વૉર્ડરોબ પોતે જ હૅન્ડલ કરતી હતી, પણ આ વર્ષે સુરતના બે ટોચના ડિઝાઇનર્સે આ મૅનેજ કર્યું છે. મેં પોતે પણ નવરાત્રિ માટે બે કૉસ્ચ્યુમ્સ તૈયાર કર્યા છે.’

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.