દેવ આનંદ અને મુંબઈની લોકલ ટ્રેન

ફિલ્મ અભિનેતા બનવા ચાળીસના દાયકામાં છેક પંજાબથી મુંબઈ આવેલા દેવ આનંદ માટે મુંબઈની લોકલ ટ્રેન ઘણી લકી હતી એમ કહી શકાય. આમ તો આ જોગાનજોગ જ કહેવાય પરંતુ એમની આત્મકથા ‘રૉમેન્સિંગ વિથ લાઈફ’ વાંચતા વાંચતા સતત એવું લાગ્યા કર્યું કે, દેવ સાહેબના શરૂઆતના દિવસોમાં મુંબઈની લોકલ ટ્રેન તેમને માત્ર એક સબર્બથી બીજા સબર્બ જ નહીં પરંતુ એમને એમના લક્ષ્ય સુધી પણ લઈ ગઈ હતી. એવી જ એક લોકલની સફર દરમિયાન એમણે મુંબઈના કોઈક રેલવે સ્ટેશન પર અભિનેતા અશોક કુમારની નવી ફિલ્મનું મોટું પોસ્ટર લટકતુ જોયું. સ્ટેશન પર ઊભેલી ટ્રેન શરૂ થઈ અને એની સાથે એમના વિચારોની ગાડી પણ પૂરપાટ દોડવા માંડી. એક દિવસ આપણી કોઈ ફિલ્મનું પોસ્ટર પણ અહીં લટકતુ હશે એમ વિચાર્યું અને એમને અશોક કુમારે એમના શહેર લાહોરની લીધેલી એક મુલાકાત યાદ આવી ગઈ. અશોક કુમારની એક ઝલક પામવા દેવ સાહેબ કલાકો સુધી ભીડમાં અટવાયેલા એ પણ યાદ કર્યું. એવામાં એમનો એક મિત્ર હાંફતો એમની પાસે આવીને બેઠો. એણે દેવને જાણકારી આપી કે, પ્રભાત ફિલ્મ કંપની એમની નવી ફિલ્મ માટે આજકાલ એક યુવાન અભિનેતાની શોધ કરી રહી છે. મુસુરેકર નામના એ મિત્રએ દેવ આનંદને પહેલી તકે પ્રભાત ફિલ્મ કંપની જવાની સલાહ આપી.

દેવ સાહેબ બીજી સવારે જ ત્યાં પહોંચ્યા અને એમની પહેલી મુલાકાતમાં જ ફિલ્મના પ્રોડ્યુસર અને ત્યાર બાદ ડિરેક્ટર પી એલ. સંતોષીને એમની વાક્છટા અને કોન્ફિડન્સથી અભિભૂત કરી દીધા. જોકે ત્યારેય ફિલ્મોમાં સ્ક્રીન ટેસ્ટ લેવાનો રિવાજ તો હતો જ અને એ રિવાજ અત્યંત ચુસ્તપણે પળાતો પણ હતો. એટલે ફિલ્મના સ્ક્રીન ટેસ્ટ માટે એમને ફિલ્મના સેટ પર પુણે મોકલવામાં આવ્યા. એમનો સ્ક્રીન ટેસ્ટ લેવા માટે ડિરેક્ટર પી એલ. સંતોષી પોતે હાજર રહ્યા. દેવ આનંદે વર્ષો પહેલા ‘ઝુબેદા’ નામના એક નાટકમાં નાનકડી ભૂમિકા ભજવેલી એટલે ડિરેક્ટરે દેવ સાહેબને ‘ઝુબેદા’ની કેટલીક લાઈન્સ બોલવા કહ્યું. થોડી ક્ષણો માટે એમણે એ લાઈન્સ યાદ કરી અને તેમણે ડિરેક્ટરને કહ્યું, ‘હું તૈયાર છું.’ કેમેરામેન પણ તૈયાર હતો. ડિરેક્ટરે ‘રોલ’ કહેતા જ દેવ સાહેબ કોઈ પીઢ અભિનેતાની અદામાં ‘ઝુબેદા’ની લાઈન્સ બોલવા માંડ્યાં. ડિરેક્ટર કરતા કેમેરામેન દેવ સાહેબને જોઈને ઘેલો થઈ રહ્યો હતો. દેવ આનંદને ફિલ્મમાં લઈ લેવા માટે કેમેરામેને રીતસરનું લોબિઈંગ કર્યું અને કેમેરામેનનો ઉત્સાહ જોઈને ડિરેક્ટરે દેવ આનંદને ફિલ્મના લિડ રોલ માટે ફાઈનલ કર્યાં.

દેવ આનંદની એ પહેલી ફિલ્મ એટલે ‘હમ એક હૈ’, જેમાં વીતેલા જમાનાની ખ્યાતનામ અભિનેત્રી દુર્ગા ખોટે એમની માતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન દેવ સાહેબ એક મજેદાર માણસને મળે છે, જેમની સાથેની મુલાકાત વર્ષો સુધીની દોસ્તીમાં પરિણમે છે. ‘હમ એક હૈ’ના શૂટિંગ દરમિયાન દેવ સાહેબને ફિલ્મની અભિનેત્રી સાથે ખાસી એવી દોસ્તી થઈ જાય છે અને એ દોસ્તી સેક્સ સુધી વિસ્તરે છે. એવામાં એક દિવસ ફિલ્મની અભિનેત્રીનો જન્મ દિવસ આવે છે અને એના જન્મ દિવસની પાર્ટીમાં એ અભિનેત્રી દેવ સાહેબ આગળ એમના વોર્ડરોબનું સૌથી સુંદર શર્ટ પહેરીને આવવાની ફરમાઈશ કરે છે. અભિનેત્રીની વાત માનીને દેવ સાહેબ એમનું પ્રિય શર્ટ ગોતે છે પરંતુ એ શર્ટ એમને મળતું નથી. દેવ આનંદને જે શર્ટ મળે છે એ કોઈ ભળતાનું જ હોય છે. એમને ખબર પડે છે કે, ધોબી ભૂલમાં કોઈ બીજું શર્ટ પકડાવી ગયો છે. પણ પાર્ટીનો સમય થઈ ગયો હતો અને ભૂલમાં આવી ગયેલું પેલું શર્ટ પણ કંઈ કમ નહોતું એટલે એમણે તે શર્ટ પહેરી લીધું અને તેઓ ફિલ્મની લિડ એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યાં.

જે સ્થળે પાર્ટી હતી ત્યાં દેવ આનંદ પહોંચ્યાં ત્યારે એમને એમની જ ઉંમરનો એક યુવાન ભટકાયો. દેવને જોઈને યુવાન થોભ્યો અને એણે દેવને પૂછ્યું ‘તો આખરે તમે જ છો ફિલ્મના લિડ હીરો, જેમની સ્ટુડિયોમાં ભારે ચર્ચા થઈ રહી છે.’ એ યુવાન સાથેની વાતચીત દરમિયાન દેવ આનંદને જાણ થઈ કે, એ યુવાન તેમની ફિલ્મનો આસિસ્ટન્ટ ડિરેક્ટર છે. ટૂંકી વાતચીત કરીને એ યુવાન આગળ વધ્યો પણ કંઈક જોઈને એ અચાનક ઊભો રહી ગયો અને દેવ આનંદે પહેરેલા શર્ટ તરફ ધ્યાનથી જોવા માંડ્યો. પછી તો દેવ આનંદે પણ એ યુવાને પહેરેલા શર્ટ તરફ નજર કરી. પેલા યુવાને દેવને પૂછ્યું કે, ‘મને આ શર્ટ ગમ્યું, સુંદર શર્ટ છે.’ પેલા યુવાને પહેરેલા શર્ટ તરફ આંગળી ચીંધીને દેવ સાહેબે પણ એના શર્ટના વખાણ કર્યા. પેલા યુવાને કહ્યું, ‘આ શર્ટ તમે ક્યાંથી ખરીદ્યું?’ તો સામે દેવે એમને એ જ સવાલ પૂછ્યો, ‘પહેલા તમે મને કહો કે, આ શર્ટ કયાંથી લાવ્યા?’ પેલા યુવાને કહ્યું, ‘મેં તો ક્યાંકથી તફડાવ્યું છે એટલે જ આ શર્ટ આટલું સુંદર છે.’ તો દેવ સાહેબે કહ્યું, ‘મને પણ મારો ધોબી ભેટમાં આપી ગયો છે આ સુંદર શર્ટ.’

આટલી વાતચીત કરીને એ બંને યુવાનો ખડખડાટ હસી પડ્યાં અને એકબીજાને ભેટી પડ્યાં. એ દિવસે દેવ આનંદે જેમનું શર્ટ પહેરેલું એ યુવાન એટલે બીજું કોઈ નહીં પરંતુ પોતાની નોંધપાત્ર ફિલ્મો દ્વારા હિન્દી ફિલ્મો પર પોતાની અમિટ છાપ છોડનારા દિગ્દર્શક ગુરુ દત્ત હતા! એ દિવસ પછી દેવ આનંદ અને ગુરુદત્તની દોસ્તી પૂરબહારમાં ખીલી. દેવ આનંદ આત્મકથામાં લખે છે એમ તેઓ ‘ઈનસેપ્રેબલ’ હતા. મુંબઈમાં સાથે બેસીને કલાકો સુધી તેઓ વર્લ્ડ સિનેમાની ચર્ચા કરતા, વિવિધ વિદેશી ફિલ્મો જોતા અને એમની સર્જનાત્મકતાની ધાર ઘસે એવા પુસ્તકો અને મૅગેઝિન્સ વાંચીને એના પર ચર્ચા કરતા.

દેવ આનંદ અને લોકલ ટ્રેનનું કનેક્શન ફરી એક વાર જોઈએ. ‘હમ એક હૈ’ ફિલ્મનું શૂટિંગ પતાવીને દેવ અને ગુરુ દત્ત મુંબઈ આવી ગયેલા અને આગળ જણાવ્યું એમ કલાકો એકબીજાની સાથે વીતાવતા. એક દિવસ ગુરુ દત્ત અને દેવ આનંદ લોકલમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે ગુરુ દત્તની નજર રેલવે સ્ટેશનના એક પોસ્ટર પર પડી અને તેઓ જાણે ઝૂમી ઉઠ્યાં. ‘અરે આ તો તું છે. ‘હમ એક હૈ’ રિલીઝ થઈ રહી છે!’ આ ઘટના હતી વર્ષ 1946ની જ્યારે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા બાદ હિન્દી સિનેમામાં કામ કરતા મુખ્ય અભિનેતાઓને એમની ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે એની પણ ખબર સુદ્ધાં ન રહેતી! જ્યારે આજે શાહરૂખ ખાન કે સલમાન ખાન જેવા અભિનેતાઓ ફિલ્મોનું શૂટિંગ શરૂ થાય એ પહેલા જ ફિલ્મ આવતી ઈદે રિલીઝ થશે એવી જાહેરાતો કરી દેવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે. જોકે બદલાતા સમય સાથે સઘળુ બદલાય છે.

દેવ આનંદના જીવનની કથા વાંચીએ તો કોઈ પરીકથા વાંચતા હોઈએ એવું લાગે. એમાં આવતા પાત્રોએ દાયકાઓ સુધી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. એ પાત્રોને મળવા માટે કે એમની એક ઝલક મેળવવા માટે ભારત દેશના લોકોએ રીતસરના વલખા માર્યાં છે! પહેલી ફિલ્મ રિલીઝ થતાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દેવ આનંદનું ઠીક ઠીક નામ થયું. તેઓ નોંધે છે કે, એમને અન્ય ફિલ્મોની ઓફર્સ પણ આવવા માંડી. જોકે પોતાની આગામી ફિલ્મોને લઈને દેવ આનંદ ‘એક્સટ્રા ચૂઝી’ બન્યાં હતા. પ્રભાત ફિલ્મ કંપની સાથે કોન્ટ્રાક્ટ થયેલો એટલે એમણે પોતાની બીજી ફિલ્મ ‘આગે બઢો’ પણ પ્રભાત સાથે જ કરી. પણ હવે તેઓ કોઈ મોટા સ્ટુડિયો સાથે બિગ બજેટ ફિલ્મ કરવા ઈચ્છતા હતા.

હવે લોકલનો ત્રીજો કિસ્સો. એક દિવસ તેઓ લોકલમાં ટ્રાવેલ કરીને ક્યાંક જઈ રહ્યા હતા. એવામાં એમને ખ્યાતનામ ઉર્દૂ લેખક અને ફિલ્મ મેકર શાહિદ લતિફ અને એમના પત્ની ઈસ્મત ચુગતાઈ મળી ગયા. એ દરમિયાન શાહિદ લતિફે દેવ આનંદને તે સમયના ખ્યાતનામ સ્ટુડિયો ‘બોમ્બે ટોકિઝ’માં આવવા જણાવ્યું. બીજા દિવસે બોમ્બે ટોકિઝમાં એક પ્રોડ્યુસર એમની રાહ જોઈને બેઠા હતા. દેવ આનંદને એની ખબર ન હતી કે, બોમ્બે ટોકિઝમાં કોણ એમની રાહ જોઈ રહ્યું છે. રાહ જોનાર માણસ એક ખાસ વ્યક્તિ હતી. દેવ આનંદ પોતે પણ એ વ્યક્તિને મળવા કે એમની ઝલક મેળવવા માટે તળે ઉપર થતાં! પણ એમની સાથે આ રીતે મુલાકાત થશે એવી દેવને ખબર નહોતી. દેવ સાહેબ જ્યારે એમની કેબિનમાં પહોંચ્યાં ત્યારે એમનું હ્રદય થડકાર ચૂકી ગયું. સામે ખૂદ દાદામુની અશોક કુમાર બેઠા હતા! જે બોમ્બે ટોકિઝની ફિલ્મોમાં કામ મેળવવા માટે એ સમયના ખ્યાતનામ કલાકારો પડાપડી કરતા એ બોમ્બે ટોકિઝની એક ફિલ્મ માટે ખુદ અશોક કુમાર દેવ આનંદને પૂછી રહ્યા હતા. દેવ આનંદને લાગ્યું એ સપનું જોઈ રહ્યા છે. આમ તે કંઈ અશોક કુમાર જેવી હસ્તી સામે બેઠી હોય? અને એ હસ્તી સામે બેઠી હોય તો કંઈ એમને પોતાની આગામી ફિલ્મની ઓફર થોડી કરે?

પણ એ બધું વાસ્તવમાં બન્યું હતું. અશોક કુમારે જ્યારે દેવ આનંદને એમની ફી માટે પૂછ્યું તો દેવ આનંદ કહે છે કે, ‘તમે મને એક ઉત્તમ અભિનેતા તરીકે તૈયાર કરો એ જ મારી ફી! આનાથી વિશેષ મને કશું જ નથી જોઈતું.’ પોતાની કરોડોની ફી ઉપરાંત ફિલ્મના નફામાં ભાગ પડાવતા આજના કલાકારોમાં છે એવું કોઈ, જેને પોતાની ફીની રકમ કરતા પોતાના અભિનયની ચિંતા હોય? પરંતુ એ દેવ બાબુ હતાં તેઓ હિન્દી ફિલ્મોમાં માત્ર અભિનય કરવા આવેલા. ફેઈમ કે પૈસા માટે નહીં જ નહીં!

અશોક કુમારે પ્રોડ્યુસ કરેલી દેવ આનંદની ફિલ્મ હતી ‘જિદ્દી’. ઈસ્મત ચુગતાઈની નવલકથા પરથી તૈયાર થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન ઈસ્મત આપાના પતિ શાહિદ લતિફ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં તેમને હિન્દી ફિલ્મોના એ સમયના આગલી હરોળના કલાકારો સાથે કામ કરવાની તક મળી. જોકે આ ફિલ્મે દેવ આનંદને બીજા એક યારની ભેટ કરાવી આપી. એ યાર એટલે અશોક કુમારના નાના ભાઈ કિશોર કુમાર, જેઓ આ ફિલ્મથી પોતાની ગાયકીની શરૂઆત કરી રહ્યા હતા. કિશોર કુમારે હિન્દી ફિલ્મોમાં સૌથી પહેલું ગીત દેવ આનંદ માટે ગાયું હતું : ‘મરને કી દુઆએ ક્યું માંગુ, જીને કી તમન્ના ક્યું કરે?’

આ ફિલ્મથી જ કિશોર કુમાર અને દેવ આનંદ અત્યંત નિકટ આવી ગયેલા. કિશોર કુમારે તો ત્યાં સુધી જાહેરાત કરી દીધેલી કે, ‘હું માત્રને માત્ર દેવ આનંદ માટે જ ગીતો ગાઈશ.’ કિશોર કુમાર જ્યારે પણ દેવ માટે ગીત ગાતા ત્યારે એમને કહેતા કે, ‘તમે પડદા પર એને કઈ રીતે ભજવવાના છો? તમે ભજવશો એ જ લહેકાથી હું ગાઈશ.’ તો દેવ બાબુ કિશોર કુમારને કહે, ‘તમારે ગીત જેમ ગાવુ હોય એમ ગાઓ. તમે ગાશો એ પ્રમાણે હું સ્ક્રીન પર ભજવીશ!’ જોકે કિશોર કુમાર ઝાઝુ નથી જીવતા અને એક દિવસ અચાનક આ દુનિયામાંથી એક્સિટ લે છે. પોતાના મિત્રના અવસાનના સમાચાર સાંભળીને દેવ આનંદ મારતે ઘોડે કિશોર કુમારના ઘરે પહોંચે છે અને કિશોર કુમારના શબની બાજુમાં ઊભા રહીને કિશોરના ચહેરાને તાક્યા કરે છે. આત્મકથામાં દેવ આનંદ નોંધે છે કે, કિશોર કુમારના શબની બાજુમાં ઊભા ઊભા તેઓ એ બધા ગીતો યાદ કરે છે, જે ગીતો કિશોર કુમારે એમના માટે ગાયા હતા. મિત્રએ ખાસ એમના માટે ગાયેલા એ ગીતો રહી ગયા છે, પણ મિત્ર નથી રહ્યો. દેવ આનંદના ગળે ડૂમો બાઝે છે, પરંતુ એક સ્ટાર સામાન્ય લોકો સામે રડી નહીં શકે એની એમને પૂરી પ્રતીતિ હતી એટલે તેઓ પોતાના ઘર તરફ ગાડી હંકારી મૂકે છે. કાર ડ્રાઈવ કરતી વખતે રસ્તામાં દેવ આનંદ ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે અને કિશોર કુમારનું એક ગીત યાદ કરે છે,

‘જીવન કે સફર મૈં રાહી,
મિલતે હૈ બિછડ જાને કો
ઓર દે જાતે હૈ યાદે,
તન્હાઈ મૈં તડપાને કો.’

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.