‘સફળતાનો શૉર્ટ કટ નથી હોતોઃ’ દિલીપ જોશી

રાજુ દવે

ભલભલા કલાકારોને જેમની ઈર્ષા આવી શકે એવી લોકપ્રિયતા દિલીપ જોશીને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલથી મળી છે. નાનપણથી નામદેવ લહુટેની થિયેટર ઍક્ટિવિટી સાથે સંકળાયા પછી ગુજરાતી રંગભૂમિના મહારથી કાંતિ મડિયા સાથે બૅકસ્ટેજ કરી, થિયેટરની રજેરજથી વાકેફ થઈ રંગભૂમિ પર અભિનય, દિગ્દર્શનમાં 42 વર્ષની અવિરત યાત્રા પછી ‘જેઠાલાલ’ની ભૂમિકા થકી દેશ-વિદેશમાં વિખ્યાત બનેલા દિલીપ જોશીએ ‘કૉકટેલ ઝિંદગી’ સાથેની ખાસ મુલાકાતમાં ખુલ્લા દિલે વાતો કરી છે.

બાળપણમાં નામદેવ લહુટે સાથે તમે થિયેટરની શરૂઆત કર્યા પછી થિયેટર પ્રત્યે ખરેખર સક્રિય થવાનું ક્યારે નક્કી કર્યું? થિયેટર કરાય અને આમ કરાય ક્યારે રિયલાઇઝ થયું?

 આમ તો એ જ સમયે એટલે કે નાનપણમાં જ્યારે નામદેવ લહુટેના ગ્રુપ સાથે શરૂઆત કરી ત્યારે જ અમારા ગ્રુપમાં નિયમ હતો કે તમે જ્યારે જે કૅરૅક્ટર કરતા હો એ વિશે પ્રશ્નો પૂછવાના. શું બોલો છો? શું કામ બોલો છો? કોની સાથે બોલો છો? આ પ્રશ્નો છો એટલે સમજાઈ જાય કે તમારુંકૅરૅક્ટર શું છે અને એ જ બધું નાનપણમાં નામદેવભાઈએ શીખવ્યું. એ સમયે જ નક્કી થયું હશે કે મારે થિયેટર જ કરવું.એ ટ્રેઇનિંગ દરમિયાન ભવાઈની પણ તાલીમ આપવામાં આવેલી. ત્રણેય માધ્યમ – થિયેટર, રેડિયો અને ટેલિવિઝનમાં પ્રોફેશનલી કેવી રીતે કામ કરવું એ તેઓ અમને સમજાવતા, શિખવાડતા. આ ત્રણેય માધ્યમોમાં નામદેવભાઈ નાટકો કરતા, બાળકો પાસે કરાવતા એટલે નાનપણથી જ આ ત્રણેય માધ્યમોમાં કેમ કામ કરવું એ શીખવા મળ્યું. થિયેટરની બેઝિક પા પા પગલી જેને કહી શકો એની ખૂબ સુંદર રીતે શરૂઆત થઈ. એ પછી કાંતિ મડિયા સાથે કામ કરવાની તક મળી.મડિયાસાહેબ સાથે નાટકની પાછળની જે ડિસિપ્લિન હોય એ બૅકસ્ટેજ કરતા શીખવા મળી. સાથે-સાથે ઇન્ટર-કૉલેજિયેટ કૉમ્પિટિશન થતી એમાં પણ ભાગ લેતો. જે સમજણ હતી, જે નવું સમજાતું એ તેની સાથે-સાથે કામ કરતો ગયો અને મને સુંદર પ્રતિભાવો મળતા થયા.

રંગભૂમિમાં કરીઅર બનાવવી એવું સમયે નક્કી કર્યું?

ના… એ સમયે માત્ર મજા આવતી હતી એટલે કામ કરતો. ત્યારે કોઈ સભાનતા નહોતી. પ્રોફેશન તરીકે આ જ કરવું છે એવો કોઈ વિચાર નહોતો કર્યો. એક પૅશન હતું. થિયેટર કરવાની મજા આવતી હતી એટલે કર્યા કરતો. મારા ઘરેથી બાપુજીનો સપોર્ટ પણ સારો હતો.કોઈનો વિરોધ નહોતો. કાંતિભાઈ સાથે 4થી 5 વર્ષ બૅકસ્ટેજ કર્યા પછી થતું કે કોઈ રોલ મળે તો મજા આવે. ઇન્ટર-કૉલેજિયેટમાં ‘બેસ્ટ ઍક્ટર’ના પ્રાઇઝ તો મળતાં જ. ‘પૃથ્વી થિયેટર’ માટે ‘ખેલૈયા’ નાટક માટે દર્શન જરીવાલાનું રિપ્લેસમેન્ટ કર્યું.એ પછી ‘તાથૈયા’ નાટક મહેન્દ્ર જોશી સાથે કર્યું. એ પછી કાંતિ મડિયા સાથે ‘તાક ધિના ધિન’ નાટક કર્યું. અવેતન રંગભૂમિ પર રોલ મળતા હતા, પણ કમર્શિયલ નાટકમાં રોલ નહોતા મળતા. એ સમયે ‘બોલ રાધા બોલ’ નાટકમાં મને દિન્યાર કૉન્ટ્રૅક્ટરે રોલ આપ્યો. દિન્યારભાઈનું જ પ્રોડક્શન હતું. કુમુદ બોલે અને દિન્યારભાઈ સાથે મેં એ નાટકમાં કામ કર્યું. એ મારું પહેલું કમર્શિયલ પ્લે કહી શકાય. એ નાટક પછી ફરી કાંતિભાઈ સાથે બૅકસ્ટેજ શરૂ થઈ ગયું. થોડા સમય પછી કમર્શિયલ નાટકોમાં મને એક ઍક્ટર તરીકે ‘સખા સહિયારા’ નાટક મળ્યું અને એ કામની નોંધ લેવાઈ. એ નાટક મેં સરિતા જોશી સાથે કર્યું. એ નાટકમાં સરિતાબહેન ઉપરાંત દીપ્તિ તલસાણિયા, રાજીવ મહેતા, હું અને સેજલ હતા. એ નાટકે મને કમર્શિયલ રંગભૂમિ પર પ્રસ્થાપિત કર્યો. એ પછી અલગ-અલગ નાટકો કર્યાં. આખરે 1990માં મેં નક્કી કર્યું કે હવે ઍક્ટિંગને જ કરીઅર બનાવવી છે. ફિલ્મ સિવાય એ સમયે બીજા કોઈ વિકલ્પ પણ નહોતા અને ફિલ્મમાં આપણે ચાલીએ નહીં એટલે ઘરને સપોર્ટ કરવા નાટકોમાં અભિનય કરવાનું નક્કી કર્યું. મારાં લગ્ન થઈ ગયાં હતાં અને તે સમયે આજના જેવું નહોતું. આજે નાટકના મહિને 20થી 22 શો મળે, પણ એ સમયે માંડ 7 કે 8 શો થતા અને જો 10 શો થાય તો આનંદ-આનંદ થઈ જતો.એ પછી ઝી ટીવી શરૂ થયું ત્યારે લાગ્યું કે હવે કદાચ કંઈક વધુ કામ થઈ શકશે, વધુ વળતર મળે એવું કરીશું. 1988માં મને ‘સખા સહિયારા’ નાટક પણ મળ્યું અને ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મ પણ મળી. એ પછી સૂરજ બડજાત્યા સાથે ‘હમ આપકે હૈં કૌન’ સામેથી મળી. એ દરમિયાન થોડી-થોડી સિરિયલો મળતી ગઈ. એક કામમાંથી બીજું અને બીજામાંથી ત્રીજું એમ કામ મળતાં ગયાં. એ વખતે આસિતભાઈ (પ્રોડ્યુસર આસિત મોદી)સાથે તેમની સિરિયલ ‘કભી યે, કભી વો’ કરી. દૂરદર્શન પર આવતી. એ સિરિયલના દિગ્દર્શક ગ્યાન સહાય સાથે કામ કર્યું એમાં મારી સાથે વિવેક વાસવાની હતા. એ વખતે વિવેકે એક ફિલ્મ બનાવી હતી ‘સર આંખોં પર’.એમાં મારો બહુ સારો રોલ હતો. જુનિયર આર્ટિસ્ટ પર ફિલ્મ બનેલી અને મને એ કરવાની ખૂબ મજા આવેલી, પણ એ ફિલ્મ રિલીઝ જન થઈ.

તમને મજા આવે એવું કામ કર્યા પછી ફિલ્મ રિલીઝ થાય ત્યારે કેવી લાગણી થાય?

તમારા કામથી તમને સંતોષ થયો હોય અને તમને ખાતરી હોય કે આ કામ પછી તમને ખૂબ કામ મળશે, પણ એવું થાય નહીં ત્યારે થોડો સમય ગ્લાનિનો અનુભવ થાય. મને પણ થયો હતો, પણ મન મનાવ્યું કે જેવી પ્રભુની ઇચ્છા. બચ્ચનસાહેબના પિતાજીની પંક્તિ છે, ‘મન કા હો તો અચ્છા, મન કા ના હો તો ઔર ભી અચ્છા’. આ પહેલાં પણ એકાદ-બે વાર એવા પ્રસંગોમાંથી પસાર થવાનું બન્યું હતું એટલે ઈશ્વર ઇચ્છા પર બધું છોડી દીધેલું. નાનુ-મોટું કામ ચાલ્યા કરતું. આશા પારેખ સાથે એક સિરિયલ કરી ‘દાલ મેં કાલા’ જેમાં નવીન નિશ્ચલ સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો. એ વખતે આસિતભાઈએ પોતાનું પ્રોડક્શન શરૂ કર્યું અને ‘હમ સબ એક હૈં’ સિરિયલ કરી. ત્યારપછી આસિતભાઈએ પોતાની દરેક સિરિયલમાં મને ચાન્સ આપ્યો છે. ‘સારથિ’ નામની તેમની સિરિયલમાં હું નહોતો. એ સિવાય તેમની બધી સિરિયલમાં મેં કામ કર્યું. એ વખતે ‘ચાર દિવસ પ્રેમના’ નામે નાટક કર્યું. સુરેશ રાજડાએ ડિરેક્ટ કરેલું. એ પછી સિદ્ધાર્થભાઈ સાથે ‘પતિ નામે પતંગિયું’ નામનું નાટક કર્યું. એ નાટક પરથી પછી ‘શ્રીમાન-શ્રીમતી’ નામની સિરિયલ બની. સિરિયલમાં રાકેશ બેદી જે રોલ કરતા એ રોલ નાટકમાં હું કરતો. એ પછી ‘કોઈ રમણીકને રોકો’ નાટકમાં જતીન કાણકિયા મુખ્ય રોલ કરવાના હતા, પણ દુર્ભાગ્યે તેઓ ન રહ્યા અને એ રોલ માટે મારો અપ્રોચ કરવામાં આવ્યો. જતીનભાઈ જે રોલ કરવાના હતા એ મારે કરવાનો આવ્યો.આમ તો બહુ અઘરું હતું, પણ બધાનો આગ્રહ હતો કે મારે કોશિશ કરવી.મેં મહેનત કરી. નાટક રજૂ થયું. સુપરહિટ ન ગયું, પણ ઠીક-ઠીક ચાલ્યું. એ સમયે સેક્ધડ લીડમાં લોકો મારા માટે વિચારતા. સિદ્ધાર્થભાઈ હોય, જતીનભાઈ હોય કે ટીકુભાઈ હોય; પણ સાથે હું હોઉં એવું લોકો વિચારતા. ‘કોઈ રમણીકને રોકો’માં મને લીડ રોલ કરવા મળ્યો એ પછી આવ્યું ‘જલસા કરો જયંતીલાલ’. એ નાટકમાં પણ મને લીડ રોલ મળ્યો. ‘કોઈ રમણીકને રોકો’ નાટક જોયા પછી સંજય ગોરડિયાને થયું હશે કે હું નાટકમાં લીડ કરીને મારા ખભે નાટક લઈ જઈ શકીશ. પછી તો બધા જાણે છે એમ ‘જલસા કરો જયંતીલાલ’ નાટક હિટ ગયું. ખૂબ ચાલ્યું, ખૂબ વખાણાયું.એ પછી ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’ નામનું નાટક કર્યું. એ નાટક પછી હેમલ ઠક્કર સાથે ‘બાપુ તમે કમાલ કરી’ નામનું નાટક કર્યું. એ નાટકને ઉમેશ શુક્લ ડિરેક્ટ કરવાના હતા, પણ તેમને પરેશભાઈ સાથે અમેરિકાની નાટકની ટૂરમાં જવાનું થયું. ત્યાં જવું પડે એમ હતું એટલે પછી હેમલભાઈએ નાટક ડિરેક્ટ કરવાની જવાબદારી મને સોંપી. ડરતાં-ડરતાં મેં સ્વીકાર્યું અને કર્યું. એ અનુભવ સરસ રહ્યો, નાટક ખૂબ ચાલ્યું. એ પછી ‘ડાહ્યાભાઈ દોઢડાહ્યા’ નામે નાટક કર્યું. મેં ડિરેક્ટ કર્યું અને એમાં ડબલ રોલ હતો. 2007માં એ નાટક બંધ થયું. 2008થી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ ચાલુ થઈ. ત્યાર પછી સિરિયલની વ્યસ્તતાને કારણે થિયેટર નથી કરી શક્યો.

મહેન્દ્ર જોશી સાથે તમે બે નાટકો કર્યાં ને?

ના, ત્રણ કર્યાં… ‘ખેલૈયા’, ‘તાથૈયા’ અને ત્રીજું નાટક કરેલું એ ખૂબ જ યાદ રહેશે. એ નાટકમાં હું અને ટીકુભાઈ હતા. દોઢ મહિનો રિહર્સલ કર્યા પછી નાટક ફ્લૉપ ગયેલું. 4 શોમાં જ નાટક બંધ થઈ ગયેલું. એ નાટક મહેન્દ્ર જોશીએ લખેલું. નાટક લખવાનો તેમનો મહાવરો નહોતો એટલે કદાચ લોકોને નાટક ઍબ્સર્ડ લાગ્યું હશે. નાટકનું નામ હતું ‘રૂપસુંદરી ઇચ્છાકુમારી’. નાટકનાં રિહર્સલ એનસીપીએમાં કરતા. રોજ સવારે 10થી સાંજે 6 સુધી અમે મહેનત કરતા. રિહર્સલની પ્રોસેસમાં બહુ મજા આવી, પણ નાટક ન ચાલ્યું. ‘તાથૈયા’ના ખાસ્સા શો થયેલા. મેં કમર્શિયલ થિયેટર દોઢ-બે વર્ષ માટે છોડી દીધેલું, કારણકે કંઈ થતું નહોતું. માત્ર કાંતિભાઈ સાથે સ્ટેજ-શો કરતો.એ સિવાય કંઈ નહોતું.હા, ‘ચિત્કાર’ નાટકમાં સંજયભાઈનું એક રિપ્લેસમેન્ટ હતું. છેલ્લે મહારાજનો રોલ હતો.લતેશભાઈએ કહ્યું કે સંજયભાઈ કરી શકે એવું નથી એટલે તું જરા સંભાળી આપ. મેં કહ્યું, ‘ભલે’. એ વખતે રાજશ્રી પ્રોડક્શનવાળા ‘પ્રતિઘાત’ નામની ફિલ્મ માટે સુજાતાબહેનને લીડ રોલમાં લેવા નાટક જોવા આવ્યા હતા. નાટકમાં તેમને મારું પાત્ર પણ ગમી ગયું એટલે ‘પ્રતિઘાત’ ફિલ્મમાં મને નાનકડો રોલ કરવા મળ્યો. ‘પ્રતિઘાત’માં એન.ચંદ્રા ડિરેક્ટર હતા અને સૂરજજી એ ફિલ્મમાં અસિસ્ટન્ટ હતા એટલે શૂટિંગ દરમિયાન અમે મિત્રો બન્યા અને તેમણે જ્યારે ‘મૈંને પ્યાર કિયા’ બનાવી ત્યારે મને સામેથી બોલાવ્યો. મલાડમાં એ સમયે કોઈ થિયેટર નહોતું એટલે દર વર્ષે એન.એલ. હાઈ સ્કૂલમાં નાટ્યોત્સવ થતા. કમર્શિયલ નાટકો ત્યાં ભજવાતાં. એન.એલ. હાઈ સ્કૂલમાં 3થી 4 દિવસ નવેમ્બર-ડિસેમ્બરમાં નાટ્યોત્સવ થતો.એમાં એક સાંજે ‘ચિત્કાર’નો શો હતો. મારી એન્ટ્રી તો મોડી હતી એટલે નાટક શરૂથઈ ગયેલું. હું આરામથી પહોંચ્યો અને જોયું તો મહેન્દ્ર જોશી મારી રાહ જોઈને ઊભા હતા. મને નવાઈ પણ લાગી અને આનંદ પણ થયો. મેં પૂછ્યું કે તમે અહીં? તો કહે, ‘તને જ મળવા આવ્યો છું.’ એ પછી તેમણે ‘તાથૈયા’ની વાત કરીને મને પૂછ્યું કે ‘તું કરીશ?’ હું તો આભો બની ગયો હતો.મહેન્દ્ર જોશી તમારી રાહ જુએ અને એ પણ તેમના નાટકમાં રોલ કરાવવા માટે…મેં કહ્યું, ‘ચોક્કસ કરીશ’. નાટક થયું અને સારું ચાલ્યું. એ નાટકમાં જેટલા લોકોએ કામ કર્યું એટલા બધા અત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં સારી રીતે એસ્ટાબ્લિશ થઈ ગયા છે. વિપુલ અમૃતલાલ શાહ, આતિશ કાપડિયા, દેવેન ભોજાણી, અનુરાગ પ્રપન્ન…બધાજ અત્યારે સરસ ગોઠવાઈ ગયા છે. ‘તાથૈયા’ની અમારી ટીમ સરસ હતી.નીરજ વોરા અને ઉત્તંકનું મ્યુઝિક હતું. લાઇવ મ્યુઝિક હતું. નાટકના આકર્ષણનું મુખ્ય પાસું એનો સેટ હતો. સુભાષ આશરે સેટ બનાવ્યો હતો. મહેન્દ્ર જોશીના ડિઝાઇન કરેલા સેટને સુભાષભાઈએ સરસ બનાવ્યો હતો. પૃથ્વીથિયેટરમાં એકપણ ખીલો માર્યા વગર ફક્ત નટ-બોલ્ટના આધારે આખો સેટ બનાવેલો. મુંબઈમાં જે માળા હોય એની ફીલ આપેલી.એમ કહોને કે માળો જઊભો કરેલો.દાદરા હતા અને દાદરા પર જોશીએ એટલી મૂવમેન્ટ સેટ કરેલી કે અમને મજા પડી જતી. નીચેથી લઈને ઉપરના કૅટ-વૉક સુધી સુંદર કોરિયોગ્રાફી કરેલી. અમે નાટકના શો દરમિયાન ધમાલ કરતા.

તમેતારક મેહતા…’માંજેઠાલાલનું પાત્ર ભજવીને મશહૂર થયા પછી તમારા કોઈ ચાહકે તમારા થિયેટરના કામને યાદ કર્યું હોય એવું બન્યું છે?  

હા. ક્યારેક હું નાટક જોવા જાઉં અને થિયેટરનું જે ઑડિયન્સ હોય એ મને કહે કે તમે પાછા ક્યારે નાટકોમાં આવશો? આવો, આવો,અમે તમને મિસ કરીએ છીએ. એટલે નાટકનો પ્રેક્ષક તમારા કામને કે તમને ક્યારેય નથી ભૂલતો. હું પણ થિયેટરને મિસ કરું છું, કારણકે 12 વર્ષની ઉંમરથી થિયેટર સાથે સંકળાયેલો છું. 1977-78થી 2007 સુધી મેં થિયેટર કર્યું છે. લગભગ 40 વર્ષ થિયેટરમાં કામ કર્યું. હું પ્રામાણિકપણે માનું છું કે આજે હું જે કંઈ છું એથિયેટરના કારણે છું. થિયેટરના કારણે જે પાકો બેઝ થયો એ જ અત્યારે ‘જેઠાલાલ’ના પાત્રમાં કામ લાગ્યો છે. ‘જેઠાલાલ’ના કૅરૅક્ટરમાં નાનું-નાનું જે કોતરકામ કરું છું એથિયેટરને જ આભારી છે. થિયેટરમાં દરેક શો પ્રયોગ જ છે અને દરેક પ્રયોગે તમે કંઈ ને કંઈ શીખતા જ હો છો. દરવખતે એકનું એક કરવાનું હોય એટલે તમે કે પ્રેક્ષક બોર ન થઈ જાઓ એ માટે દર પ્રયોગે તમે કંઈક નવું કરો છો. આ કર્યા કરવાથી તમને અનુભવ થાય છે કે આ ચાલશે અને આ નહીં ચાલે. થિયેટરનાં આટલાંવર્ષનો નિચોડ અહીં કામ લાવી રહ્યો છું. અહીં જે કરીએ છીએ એમાં 80થી 90 ટકા ખાતરી હોય જ કે આ વર્ક કરશે જ, કારણકે ડેઇલી કૉમેડીમાં ઇમ્પ્રોવાઇઝેશન અનિવાર્ય હોય છે. ભગવાનની કૃપા છે કે રોજ કંઈક નવું સૂઝી આવે છે અને આસિતભાઈ (‘તારક મેહતા…’ સિરિયલના પ્રોડ્યુસર) પણ લેખકો સાથે બેસીને સતત નવું વિચારતા હોય છે, તેમને ગાઇડ કરી પ્રોત્સાહિત કરતા હોય છે. આ નવ વર્ષના ગાળામાં, 2450 એપિસોડ પછી પણ પ્રેક્ષકોનો રસ જાળવવા સતત નવું-નવું કરતા રહે છે અને નવું લઈ આવે છે.

તમારા શબ્દોમાં સફળતાની વ્યાખ્યા શું છે?

આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આનું રીઍક્શન શું આવશે. મને લાગે છે કે જે કરો એ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરતા રહો તો પરિણામ સારું જ આવતું હોય છે. તમારું કાર્ય લોકોને ગમવા લાગે ત્યારે એવું અનુભવાય કે જે કર્યું એ લેખે લાગ્યું. એક ઍક્ટર તરીકે જ્યારે હું કોઈ પાત્ર ભજવું અને મારા દર્શકને જ્યારે એપાત્ર દેખાય ત્યારે દિલીપ જોશી નહીં પણ એ પાત્રમાં દર્શક ઓતપ્રોત થાય એ મારી ઍક્ટર તરીકેની સફળતા છે એમ હું ચોક્કસ માનું. એને મારી સફળતા માનું છું.

એવું બનતું હશેને કે વ્યક્તિ દિલીપ જોશી પર તેનું કૅરૅક્ટર કે પછી કૅરૅક્ટર પર દિલીપ જોશી હાવી થઈ જાય?

હા…એવું લગભગ દરેક કલાકાર સાથે વધતેઓછે અંશે બનતું હોય છે. આજે જુઓને મને લોકો ‘જેઠાલાલ’ તરીકે જ ઓળખે છે.બહુ ઓછાને મારું નામ ખબર હશે અને એ તો મને ગમતી વાત છે. આવું તો થાય જ.ભગવાનની કૃપાથી જે પાત્રો ભજવ્યાંએમાં મને સફળતા મળી છે અને એ પાત્રો લોકોને યાદ રહ્યાં છે. જ્યારે સિરિયલ ઑન ઍર હોય ત્યારે લોકો એકૅરૅક્ટરના નામથી તમને ઓળખે.

થિયેટરનાં આટલાં વર્ષોના અનુભવ પછી તમને ગમતા ડિરેક્ટર કોણ જેની સાથે તમારો રેપો થયો હોય, મજા આવી હોય?

થિયેટરનાં આટલાં વર્ષોના કામ દરમિયાન મારા બધાજડિરેક્ટરો સાથે મને કામ કરવાની મજા આવી છે, બધા પાસેથી હું થોડું-થોડું શીખ્યો છું. નામદેવ લહુટેએ મને નાટકની ગળથૂથી પીવડાવી, પા પા પગલી ભરતાં શીખવ્યું. કાંતિ મડિયાના નાટકોમાં બૅકસ્ટેજ કરીને હું ખૂબ શીખ્યો. હું ‘બાણશૈયા’માં બૅકસ્ટેજ કરતો, પણ એ નાટક જ્યારે ટેલિવિઝનમાં રજૂ થયું ત્યારે મૂળ નાટકમાં મહેશ દવે જે રોલ કરતા એ વૉર્ડબૉયનો રોલ મેં કર્યો, કારણકે મહેશ દવે અમેરિકા ગયેલા. કાંતિભાઈ સાથે જ્યારે મેં બૅકસ્ટેજની શરૂઆત કરી ત્યારે તો તેમનાથી ખૂબ ડર લાગતો, ખૂબ નાનો હતો હું…પણ ત્યાંથી ખૂબ શીખ્યો. ઇન્ટર-કૉલેજિયેટ વખતે રાજુ જોશી સાથે કામ કર્યું. પછી નીરજ વોરાના ડિરેક્શનમાં કામ કર્યું. મહેન્દ્ર જોશી, સરિતા જોશી, પરેશભાઈ… પરેશ રાવલે ‘કાયાકલ્પ’ નામના નાટકમાં મને ડિરેક્ટ કરેલો. બધા જડિરેક્ટરો પાસેથી શીખવા મળ્યું છે.

દિલીપભાઈ, હવે જે છોકરાછોકરીઓ ક્ષેત્રમાં આવ્યાં છે કે આવવા માગે છે તેમને તમે શું કહેશો?

અત્યારે જે પેઢી કામ કરી રહી છે અથવા જે નવોદિતો છે તેમને તરત લાઇમલાઇટમાં આવી જવું છે. મારું એવું માનવું છે અને મારો અનુભવ છે કે થિયેટરનો જો બેઝ હોય, તમે થિયેટર કર્યું હોય તો આ ફીલ્ડમાં તમે લાંબું રમી શકશો, કારણકે ટેલિવિઝન એ એટલી ફાસ્ટ ગેમ છે કે અહીં કોઈની પાસે ટાઇમ નથી. તમારે મર્યાદિત સમયમાં 110 ટકા પર્ફોર્મ કરવું પડે છે. ઘણીબધી વસ્તુઓને તમારે ખૂબ જ ઓછા સમયમાં કૅલ્કયુલેટ કરીને પર્ફોર્મ કરવું પડે છે. જો તમે થિયેટર કર્યું હોય, અનુભવ મેળવ્યો હોય તો તમે આ ક્ષેત્રમાં લાંબુંટકી શકો એવું મારું માનવું છે, કારણકે થિયેટર લાઇવ પર્ફોર્મન્સનું માધ્યમ છે, એ તમને અનેક રીતે ઘડે છે. હું તમને આ જ સિરિયલનો દાખલો આપું. ‘તારક મેહતાકા ઉલ્ટા ચશ્મા’માં ગુજરાતી થિયેટરના કેટલા આર્ટિસ્ટ છે. એ લોકોએ જે કૅરૅક્ટર કર્યાં એ કેટલાંસુપરહિટ થયાં છે. ‘દયા’ એટલે દિશા વાકાણી, ‘ચંપકલાલ’ – અમિત ભટ્ટ, ‘બાઘો’-તન્મય વેકરિયા, ‘પોપટલાલ’-શ્યામ પાઠક… ‘નટુકાકા’-ઘનશ્યામ નાયક….આ બધા જ ગુજરાતી થિયેટરમાંથી આવ્યાં છે અને સફળ થયાં છે. એટલે હું દૃઢપણે માનું છું કે થિયેટરનો બેઝ જરૂરી છે. માત્ર ટેલિવિઝન પર છવાઈ જવાની જે ઘેલછા છે એ બરાબર છે, પણ એ માટે પાયો મજબૂત હોય એ જરૂરી છે અને એથિયેટર કરવાથી જ શક્ય બને. થિયેટરની ટ્રેઇનિંગ મળ્યા પછી તમે એક કલાકાર તરીકે પ્રસ્થાપિત થઈ શકો. હું ટૂંકમાં કહું તો કોઈ પણ વસ્તુ માટે સક્સેસનો કોઈ શૉર્ટકટ નથી અને કદાચ તમે સફળ થઈ પણ ગયા તો એ પચાવી નહીં શકો અને જો દુ:ખના દહાડા જોયા જ ન હોય તો સુખ પચાવી ન શકાય. એની કિંમત તમને ન સમજાય. બગાસું ખાતાંજો પતાસું મોઢામાં આવી ગયું તો તમને એની મીઠાશ નહીં અનુભવાય. ‘નટુકાકા’ એટલે કે અમારા ઘનશ્યામભાઈ ઘણીવાર કહેતા હોય છે કે ‘64 વર્ષ સતત કામ કર્યા પછી, મહેનત કર્યા પછી તેમને આ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સફળતા મળી. મારી જ વાત કરું તો 2008 સુધી, એટલે કે લગભગ 42 વર્ષ સતત સ્ટ્રગલ કર્યા પછી મને આ સિરિયલ દ્વારા મારી કલાને દેખાડવાની તક મળી. મારે આ ક્ષેત્રમાં આવેલા અને આવવા ઇચ્છતા દરેક યંગસ્ટરને એ જ કહેવાનું છે કે સક્સેસનો કોઈ શૉર્ટકટ નથી. સાચા હૃદયથી કરેલી મહેનત કદી એળે જતી નથી. ઈમાનદારીથી કામ કરવું. અમારી આખી ટીમ સખત મહેનત કરે છે અને પછી જ તેમને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. કલાકારો, ટેક્નિશિયનો, લેખક, નિર્માતા બધા જ સખત મહેનત કર્યા પછી સફળ થયા છે. અમારી સિરિયલમાં ફિલ્મોનું પ્રમોશન કરવા જે મોટા-મોટા કલાકારો આવે છે તેઓ પણ ખૂબ મહેનત કરે છે. બચ્ચનસાહેબ પોતાની ફિલ્મ પ્રમોટ કરવા આવ્યા હતા. અમારે ત્યાં તેઓસાંજે 4 વાગ્યે આવવાના હતા, પણ કપિલ શર્માના શોમાં તેમને મોડું થયું. અમને થયું કે હવે તેઓ નહીં આવે, પણ બચ્ચનસાહેબ રાત્રે 9 વાગ્યે આવ્યા, સ્ક્રિપ્ટ જોઈ, વાંચી, સમજીને શૂટિંગ કર્યું. તેઓ રાત્રે અઢી વાગ્યા સુધી અમારા સેટ પર કામ કરતા રહ્યા. અઢી વાગ્યા પછી તેઓ ગયા. શાહરુખ ખાન પણ આવી ગયા છે. શાહરુખ સેટ પર આવી જાય પછી વૅનિટી વૅનમાં જવાનું નામ ન લે. સતત પાંચ કલાક કામ કરે અને સેટ પરથી નીકળતાં પહેલાં પણ પૂછી લે કે બધું બરાબર થયું છે ને! તેમની મેમરી પણ શાર્પ છે. તેમને તરત યાદ રહી જાય. બચ્ચનસાહેબ, શાહરુખ અને અન્ય સફળ વ્યક્તિઓને કામ કરતા જોઈને હું તો શીખ્યો છું કે મોટા કે મહાન અમસ્તા નથી થવાતું. હું હંમેશાં મારી આંખ અને કાન ખુલ્લાં રાખુ છું, કારણકે શીખવાનો કોઈ અંત નથી. હું હંમેશાં મને વિદ્યાર્થી સમજીને શીખતો જ રહું છું. જો આ ઍટિટયુડ હશે; મહેનત કરવાની, નિષ્ઠાપૂર્વક કામ કરવાની તૈયારી હશે તો ભગવાનના રાજમાં દેર છે, અંધેર નથી. આ મારો અનુભવ કહું છું.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.