વાળની યોગ્ય માવજત માટે તેના વિશેની આ કેટલીક ગેરમાન્યતાઓ જાણવી જરૂરી

વાળની તંદુરસ્તી પાછળ અને વાળ સુંદર અને ચમકદાર દેખાય તે પાછળ આપણે ઘણો સમય અને પૈસા વાપરતાં હોઈએ છીએ. તેમ છતાં, કઈ હેર પ્રોડક્ટ્સ વાપરવી અને વાળની જાળવણી માટે શું તકેદારી રાખવી તે નક્કી કરવામાં આપણે કેટલીક વખત ગૂંચવણ અનુભવતાં હોઈએ છીએ. આવે વખતે, ગેરમાન્યતામાં ન દોરવાઈ જવાય, તે માટે અહીં વાળની કાળજી માટેની કેટલીક ટિપ્સ આપવામાં આવી છેઃ

ગેરમાન્યતાઃ વધુ પ્રમાણમાં વાળ ખરે તે અતિશય ચિંતાજનક બાબત છે

દરેક વ્યક્તિના રોજના આશરે 150-200 વાળ ખરતા હોય છે. જોકે, વસંત ઋતુ અને વર્ષા ઋતુ એમ વર્ષમાં બે વાર વાળ ‘ટેલોજિન’ નામના તબક્કામાંથી પસાર થાય છે. જે દરમિયાન વાળ ઊગવાની પ્રક્રિયા થંભી જાય છે. આથી જ આ સમય દરમિયાન વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે. તે પછી ફરી પાછા નવા વાળ ઊગે છે.
પણ જો, વર્ષમાં બે કરતાં વધુ વખત અને એક મહિના કરતાં વધુ સમય સુધી નોંધપાત્ર પ્રમાણમાં વાળ ખરે, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ગેરમાન્યતાઃ અમુક પ્રોડક્ટ્સ વાપરવાથી વાળ ઝડપથી ઊગે છે

એક વાત યાદ રાખો- વાળ વધવા પાછળ આનુવંશિક લક્ષણો જવાબદાર હોય છે. આથી, ગમે તેવી પાવરફૂલ હોર્મોનલ દવાઓ કે પ્રોડક્ટ્સ પણ વાળ ઊગવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકતી નથી. સામાન્યપણે દર મહિને એક સેમી જેટલા વાળ વધે છે.

ગેરમાન્યતાઃ શેમ્પૂ અને કન્ડિશનર આખા વાળમાં લગાવવા જોઈએ

શેમ્પૂ વાળની સાથે-સાથે સ્કાલ્પને સ્વચ્છ કરે છે, તેથી તેને વાળના મૂળ સુધી લગાવવું જોઈએ. જ્યારે કન્ડિશનર સ્કાલ્પમાં કે મૂળમાં નહીં, બલ્કે ફક્ત વાળમાં જ લગાવવું જોઈએ. વાળનાં મૂળ કુદરતી રીતે જ તંદુરસ્ત હોય છે અને ઝડપથી તૈલીય થઈ જાય છે, આથી, ત્યાં કન્ડિશનર લગાવવાની જરૂર નથી.

ગેરમાન્યતાઃ બ્લો ડ્રાયરથી વાળ ખરાબ થાય છે

હેર સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવામાં આવતો હોય, તેવા વાળ પર હેર ડ્રાયર અને હેર કર્લર્સની અવળી અસર થાય છે. આથી, જો તમે હેર ફોમ કે અન્ય થર્મલ પ્રોટેક્શન જેવી કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હો, તો જ હેર ડ્રાયર કે કર્લર્સનો ઉપયોગ કરવો હિતાવહ છે.

ગેરમાન્યતાઃ વાળને કાપ્યા પછી તે ઝડપથી વધે છે

વાળ મૂળમાંથી ઊગે છે, નહીં કે છેડાએથી. આથી, હેરકટને વાળના વધવા સાથે કોઈ નિસ્બત નથી.

ગેરમાન્યતાઃ બાળક એકાદ વર્ષનું થાય ત્યારે તેનું વાળ કાપવા જોઈએ કે મુંડન કરવું જોઈએ

નાના બાળકના વાળ પાંખા દેખાતા હોય છે અને કાપ્યા બાદ તે પુખ્ત વ્યક્તિ જેવા જાડા દેખાતા હોય છે. આથી આવી માન્યતા પ્રવર્તે છે. એ જ રીતે, વાળ વધવા એ આનુવંશિક લક્ષણ હોવાથી વાળના મુંડનને અને વાળના જથ્થાને પરસ્પર કોઈ સંબંધ નથી.

ગેરમાન્યતાઃ કેરેટિન સ્ટ્રેટનિંગ વાળ માટે સારો વિકલ્પ છે

આધુનિક સમયમાં કેરેટિન સ્ટ્રેટનિંગ માટેની બનાવટમાં સુધારો જરૂર થયો છે, તેમ છતાં તે વાળની રચનાને ભારે નુકસાન પહોંચાડે છે. આથી, કેરેટિન સ્ટ્રેટનિંગ એ વાળ સારા દેખાડવા માટેની કોસ્મેટિક પ્રક્રિયાથી વિશેષ કંઈ નથી.

ગેરમાન્યતાઃ કાયમ પોનીટેઇલ કે બન વાળવાથી વાળ ખરવાનું પ્રમાણ વધે છે

જો વાળને માથું દુખે એટલા ટાઇટ બાંધવામાં આવે, તો જ વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે. ઊલટું, યોગ્ય રીતે વાળેલી પોનીટેઇલ વાળનું રક્ષણ કરે છે.

ગેરમાન્યતાઃ ખોડો ચેપી છે

સિબેશસ ગ્લેન્ડ્ઝ વધુ પડતી સક્રિય થાય, ત્યારે ખોડાની સમસ્યા સર્જાતી હોય છે. આથી, ખોડો ચેપી નથી. પણ હા, અન્ય વ્યક્તિનો કાંસકો કે ટોપી વાપરતાં પહેલાં સ્વચ્છતાનું ધ્યાન જરૂર રાખવું જોઈએ.

સ્ત્રી અને પુરુષની વાળની રચના એકસમાન હોય છે. પણ હા, વાળને સાચવવાની બંનેની પદ્ધતિમાં તફાવત રહેલો છે. સ્ત્રીઓ વાળમાં અવનવી સ્ટાઇલ, કલર અને હેર સલૂનમાં અવનવા પ્રયોગો કરતી રહે છે, આથી તેમના વાળ પાતળા થઈ જાય છે. જ્યારે પુરુષો વાળની સ્ટાઇલ સાથે વધુ છેડછાડ કરતા નથી. આથી જ તેમના વાળ વધુ તંદુરસ્ત અને જાડા રહે છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.