ઓગણીસમી સદીની એક ભારતીય મહિલાના અકલ્પ્ય બલિદાનની રૂંવાડાં ઊભાં કરી દે એવી કથા!

ઘેટાંની જેમ જીવનભર માથું ઝુકાવીને મરી જનારા માણસો બીજાઓના જીવન માટે કંઈ પ્રદાન કરી જતા નથી, પણ નંગેલી જેવી વ્યક્તિઓ પોતાના જીવનનો ભોગ આપીને પણ સમાજમાં, સીસ્ટમમાં પરિવર્તન આણી જતી હોય છે.


ઓગણીસમી સદીના શરૂઆતના સમયની વાત છે. એ સમયમાં દક્ષિણ ભારતના ત્રાવણકોર રાજ્યમાં રાજા શ્રીમોલમ થિરુનલનું શાસન ચાલતું હતું. એ વખતે ત્રાવણકોર રાજ્યમાં જાતભાતના કર લદાયેલા હતા. કોઈએ ઘરેણાં પહેરવાં હોય તો કર ચૂકવવો પડતો, પુરુષોએ મૂછો રાખવી હોય તો કર ભરવો પડતો. આવા ચિત્રવિચિત્ર કરમાં એક એવા કરનો પણ સમાવેશ થતો હતો જેની કલ્પના પણ ન કરી શકાય. ત્રાવણકોરની દલિત જાતિની મહિલાઓએ પોતાનાં સ્તન ઢાંકવા માટે કર ચૂકવવો પડતો હતો! (એ કર પણ સ્તનોની સાઈઝ પ્રમાણે જુદો જુદો રહેતો હતો) એ જુલમી કાયદાને કારણે જે દલિત મહિલાઓએ પોતાનાં સ્તન છુપાવવાં હોય તેણે કર ચૂકવવાની તૈયારી રાખવી પડતી હતી. જોકે દલિત જાતિની મહિલાઓને પૂરતું ખાવાનું પણ ન મળી શકે એવી હાલત એ સમયમાં હતી એટલે દલિત જાતિની મહિલાઓએ પોતાનાં સ્તન ખુલ્લા રાખીને શરમજનક સ્થિતિમાં ફરવું પડતું હતું અથવા તો ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહેવું પડતું હતું.

દલિત મહિલાઓનાં સ્તન ઢાંકવા માટેનો એ કર ‘મુલક્કરમ’ તરીકે ઓળખાતો હતો. દલિત જાતિના લોકો પૈસા ન ચૂકવી શકતા એટલે દલિત મહિલાઓએ અપમાનજનક સ્થિતિમાં જીવન વીતાવવું પડતું હતું. દલિત જાતિના લોકોમાં એ જુલમી કર સામે આક્રોશ હતો, પણ કોઈ અવાજ ઉઠાવવાની હિંમત કરી શકતું નહોતું. જોકે નંગેલી નામની એક દલિત મહિલાએ એ અન્યાયી કર પદ્ધતિ સામે બળવો પોકાર્યો.

ત્રાવણકોરના ચેરથલા ગામમાં રહેતી નંગેલી ઈઝહાવા નામની દલિત જાતિની અત્યંત રૂપાળી યુવતી હતી. ઈઝહાવા સમાજમાં તે સૌથી વધુ સુંદર સ્ત્રી હતી, પણ સ્તન પરના કરને કારણે તેણે ઘરમાં જ પુરાઈ રહેવું પડતું હતું. નંગેલી પાંત્રીસ વર્ષની થઈ ત્યાં સુધી એ રીતે પોતાના જ ઘરમાં કેદીની જેમ જીવતી રહી, પણ પછી તેણે એ અન્યાયી કર સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું.

નંગેલીએ તેની પરિચિત દલિત મહિલાઓને કહ્યું કે આપણે આપણાં સ્તનો ઢાંકીને જાહેરમાં જવું જોઈએ અને એ રીતે આ અપમાનજનક કરનો વિરોધ કરવો જોઈએ. જોકે કોઈ મહિલાઓની હિંમત ન ચાલી. છેવટે નંગેલીએ એકલા હાથે આ લડાઈ ઉપાડવાનું નક્કી કર્યું. તેણે પોતાનાં સ્તનો ઢાંકીને બહાર નીકળવાનું શરૂ કરી દીધું.

નંગેલી પોતાનાં સ્તનો ઢાંકીને ફરે છે એ વાત દાવાનળની જેમ ફેલાઈ ગઈ. ત્રાવણકોર રાજ્યના, પ્રવથિયાર એટલે કે કર ઉઘરાવનારા અધિકારી સુધી પણ એ વાત પહોંચી ગઈ. એ અધિકારી નંગેલીના ઘરે મુલક્કરમ (સ્તન પરનો ટેક્સ) ઉઘરાવવા પહોંચી ગયો. એ વખતે ભયંકર અસ્પૃશ્યતા હતી એટલે કર ઉઘરાવનારો અધિકારી દલિત માણસો પાસેથી હાથોહાથ કરના પૈસા ના લેતો. દલિતોએ કેળના કે બીજા કોઈ વૃક્ષના મોટા પાંદડા પર કરની રકમ મૂકીને અધિકારીને આપવી પડતી હતી.

પેલો અધિકારી નંગેલી પાસેથી સ્તન ઢાંકવા માટેનો કર ઉઘરાવવા પહોંચ્યો અને તેના ઘરની બહાર ઊભો રહ્યો. દલિત કુટુંબના ઘરમાં પ્રવેશે તો તે અભડાઈ જાય એટલે એવા અધિકારીઓ દલિતોના ઘરમાં પ્રવેશ ના કરતા.

નંગેલી વૃક્ષના મોટા પાંદડા સાથે બહાર આવી એ સાથે પ્રવથિયાર એટલે કે કર ઉઘરાવનારો અધિકારી અને તમાશો જોવા એકઠા થયેલા લોકોની આંખો આશ્ચર્ય અને ભયથી ફાટી રહી. નંગેલી વૃક્ષના પાંદડા પર કરની રકમ નહીં, પણ પોતાના કાપેલા સ્તન લઈને બહાર આવી હતી! તે ખુદ્દાર અને બહાદુર યુવતીએ શરણે થઈ જવાને બદલે ઘરમાં જઈને ધારદાર શસ્ત્રથી પોતાનાં બંને સ્તન કાપી નાખ્યાં હતાં અને બહાર આવીને પેલા અધિકારીની સામે ધરી દીધાં હતાં.

નંગેલીના શરીરમાંથી ધડધડ લોહી વહી રહ્યું હતું. તેની છાતીમાંથી થોડી મિનિટોમાં એટલું લોહી વહી ગયું કે તે જમીન પર પટકાઈ પડી અને તેણે છેલ્લો શ્વાસ લઈ લીધો. ડઘાઈ ગયેલો પ્રવથિયાર ત્યાંથી ભાગી છૂટ્યો.

નંગેલીએ અન્યાયી કર સામે અવાજ ઉઠાવીને પોતાના જીવનનું બલિદાન આપ્યું એ વાત વાયુવેગે ચેરથલા ગામમાં ફેલાઈ ગઈ. થોડા કલાકોમાં તો એ વાત આજુબાજુનાં ગામડાંઓમાં પણ ફેલાઈ ગઈ. દલિતો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા. નંગેલીના અણધાર્યા પગલાંથી ખળભળાટ મચી ગયો અને એ સાંજે વધુ એક આઘાતજનક ઘટના બની.

નંગેલીએ પોતાનાં સ્તન કાપીને પ્રવથિયાર સામે ધરી દીધાં. એ જ દિવસની સાંજે તેની અંતિમવિધિ કરાઈ. તેની અંતિમયાત્રા નીકળી અને ચેરથલા ગામની બહારના સ્મશાનમાં નંગેલીના હતપ્રભ બની ગયેલા પતિએ નંગેલીની ચિતાને અગ્નિદાહ આપ્યો. નંગેલીની ચિતામાંથી વિકરાળ જ્વાળાઓ નીકળવા લાગી એ વખતે નંગેલીનો પતિ ચિરુકંદન સળગતી ચિતામાં કૂદી પડ્યો. એ વખતે પતિની પાછળ પત્ની સતી થાય એ નવીન નવાઈની વાત નહોતી, પણ કોઈ પતિ પત્નીની સાથે ચિતામાં કૂદીને જીવતેજીવ સળગી મર્યો હોય એવી એ પહેલી ઘટના હતી.

નંગેલી અને તેના પતિના જીવનના અકાળે અંતથી દલિત સમાજમાં ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો અને ત્રાવણકોરની દલિત પ્રજા બળવો પોકારે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ. એક ગામથી બીજે ગામ અને બીજેથી ત્રીજે ગામ એમ વાત ફેલાતી ગઈ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. એ વાત ત્રાવણકોરના રાજા શ્રીમોલમ થિરુનલ સુધી પહોંચી.

પરિસ્થિતિની ગંભીરતા સમજીને રાજા શ્રીમોલમ થિરુનલે બીજા જ દિવસે શાહી આદેશ બહાર પાડવો પડ્યો કે હવે પછી દલિત જાતિની મહિલાઓ તેમનાં સ્તનને ઢાંકી શકે છે અને એ માટે તેમણે કોઈ પણ પ્રકારનો કર નહીં ચૂકવવો પડે.

નંગેલીએ જ્યાં પોતાનાં સ્તન કાપીને અધિકારી સામે ધરી દીધાં હતાં એ જગ્યા ‘મુલાચી પરમ્બુ’ એટલે કે ‘સ્તનવાળી મહિલા’ની જગ્યા તરીકે જાણીતી બની ગઈ. સત્તાધીશોના ખાંધિયા જેવા ઈતિહાસકારોને એ ઘટના બહુ મહત્ત્વની ન જણાઈ, પણ એ વિસ્તારના સ્થાનિક નેતાઓ સી. કેશવન અને કે. આર. ગોવરી અમ્મોએ પોતાની આત્મકથાઓમાં નંગેલીના બલિદાનની વાત કરી હતી.

ઘેટાંની જેમ જીવનભર માથું ઝુકાવીને મરી જનારા માણસો બીજાઓના જીવન માટે કંઈ પ્રદાન કરી જતા નથી, પણ નંગેલી જેવી વ્યક્તિઓ પોતાના જીવનનો ભોગ આપીને પણ સમાજમાં, સીસ્ટમમાં પરિવર્તન આણી જતી હોય છે.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.