આસામની એક યુવતીનો પતિ કાયમ માટે ગુમ થઈ ગયો એ પછી…

વિકટ સંજોગોમાં ભાંગી ન પડનારાઓને રસ્તો મળી જ આવતો હોય છે.

આસામના ગુવાહાટી શહેરમાં રહેતી બીનિતા જૈનની જિંદગી 2003 સુધી સરસ રીતે વીતી રહી હતી. તે તેના પતિ અને બે બાળકો સાથે ખુશ હતી. તેનો પતિ નાનકડો બિઝનેસ ચલાવતો હતો.

પણ 2003માં એક દિવસ બીનિતાની જિંદગીમાં આઘાતજનક વળાંક આવી ગયો. તેનો પતિ ઘણી વાર બિઝનેસના કામ માટે આસામ આજુબાજુના રાજ્યોમાં જતો હતો. 2003માં તે આવી રીતે એક બિઝનેસ ટ્રિપ પર નીકળ્યો. એ પછી તે પાછો આવ્યો નહીં. બીનિતાનું જીવન વેરવિખેર થઈ ગયું. તેણે પોતાના પતિની મિસિંગ કમ્પ્લેઈન લખાવી, પણ પોલીસ તેને શોધી શકી નહીં.

થોડા સમય પછી બીનિતાને ખબર પડી કે આતંકવાદીઓએ તેના પતિનું અપહરણ કરી લીધું હતું. પતિના ગુમ થઈ જવાથી બીનિતા પર જાણે આભ ફાટી પડ્યું. એક બાજુ તેનો પતિ ગુમ થઈ ગયો હતો અને બીજી બાજુ તેના પર ઘર ચલાવવાની જવાબદારી આવી પડી હતી. તેનો દીકરો અગિયાર વર્ષનો હતો અને દીકરી છ વર્ષની હતી એટલે તેમને એકલા ઘરે મૂકીને બીનિતા નોકરી કરવા જઈ શકે એમ નહોતી.

બીનિતાએ પોતાના ઘરે વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું નક્કી કર્યું. તેણે તેના પરિચિતોને વાત કરી. તેને શરૂઆતમાં સાત વિદ્યાર્થીઓ મળ્યા. તેમને ટ્યુશન આપીને થોડી આવક થવા લાગી. એ પછી ધીમે ધીમે તેની પાસે ટ્યુશન માટે આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ. અને તેના કુટુંબનું ગુજરાન સરળતાથી ચાલવા લાગ્યું. હવે તો 125 વિદ્યાર્થીઓ તેની પાસે ટ્યુશન માટે આવે છે.

આ દરમિયાન બીનિતા તેના પતિની સતત રાહ જોતી રહી. તેનો પતિ ગુમ થયો એને 2010માં સાત વર્ષ પૂરા થઈ ગયા એટલે કાનૂન પ્રમાણે તેને મૃત જાહેર કરી દેવાયો. જોકે બીનિતાને હજી આશા છે કે તેનો પતિ એક દિવસ પાછો આવશે.

2 ઑક્ટોબર, 2018ના દિવસે બીનિતા અમિતાભ બચ્ચનના ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં સ્પર્ધક તરીકે આવી અને એક કરોડ રૂપિયા જીતી ગઈ. આ શોની 2018ની સિઝનમાં એક કરોડ રૂપિયા જીતનારી તે પ્રથમ વિજેતા બની. એ વખતે તેના જીવનની આ વાત બહાર આવી.

બીનિતા જૈને પુરવાર કરી દીધું છે કે વ્યક્તિ વિકટ સંજોગોમાં ભાંગી ન પડે તો રસ્તાઓ મળી જ આવતા હોય છે. પતિ ગુમ થઈ ગયો એ પછી જીવનથી હારી જવાને બદલે બીનિતાએ ઝઝૂમવાનું નક્કી કર્યું અને એ પછી તેના નોલેજ થકી તે કરોડપતિ પણ બની.

Photo courtesy: ‘Kaun Banega Crorepati’ TV show.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.