હૂંફભર્યા શબ્દો અને ઉષ્માભર્યું વર્તન કોઈની જિંદગીમાં ચમત્કાર સર્જી શકે

એક એકલવાયો યુવાન એક સવારે જાગ્યો ત્યારે તેનું શરીર તાવથી ધખતું હતું. તેને થયું કે આજે ઘરે જ રહીને આરામ કરું, પણ તેને યાદ આવ્યું કે તે કામ પર નહીં જાય તો તેનો એક દિવસનો પગાર કપાઈ જશે. તેને પૈસાની સખત જરૂર હતી અને જુદા જુદા કારણથી તેણે ઘણી રજાઓ લઈ લીધી હતી.

થોડી વાર સુધી પડ્યા રહ્યા પછી તે અનિચ્છાએ પથારીમાંથી બેઠો થયો. તે પરાણે – પરાણે તૈયાર થયો. ઘરમાંથી નીકળતી વખતે તેના મનમાં અસંતોષની લાગણી જન્મી. તેણે એક નિસાસો નાખીને વિચાર્યું કે સાલી આ તે કોઈ જિંદગી છે? કોણ જાણે ક્યારે આ સંઘર્ષનો અંત આવશે?

તે પોતાની જૂની કાર લઈને ઑફિસે જવા રવાના થયો. તેની કારમાં પણ મરમ્મતની જરૂર હતી, પણ પૈસાના અભાવે તે કારનું સમારકામ પાછળ ઠેલતો જતો હતો.

તે ઑફિસમાં પહોંચ્યો એ વખતે રોજ કરતાં થોડું મોડું થઈ ગયું હતું. તેના બોસે તેને ઠપકો આપ્યો. તે ખુલાસો કરવા ગયો કે આજે મારી તબિયત બહુ ખરાબ છે એટલે મને ઑફિસ પહોંચતાં થોડું મોડું થઈ ગયું, પણ એ કંઈ બોલે એ પહેલાં જ તેના બોસે કટાક્ષમાં કહ્યું, ‘હવે એવું બહાનું ન કાઢતો કે મારી તબિયત ખરાબ હતી એટલે મોડું થઈ ગયું! કંઈ નવું બહાનું વિચારીને કહેજે!’

તે યુવાનને મનોમન બૉસ પર ભારે ગુસ્સો આવી ગયો, પણ તેણે પોતાની લાગણી ચહેરા પર ન દેખાઈ જાય એની કાળજી રાખવી પડી. તેને આ નોકરીની સખત જરૂર હતી.

જેમ તેમ ઑફિસમાં કામ કર્યા પછી તે ઘરે જવા નીકળ્યો. રસ્તામાં તેની કારના પાછળના, ડાબી બાજુના વ્હીલમાં પંક્ચર પડ્યું. તેણે અકળાઈને કાર રસ્તાને કિનારે ઊભી રાખી અને પોતાના નસીબને કોસતો – કોસતો નીચે ઊતર્યો. કારની ડિકી ખોલીને તેણે સ્પેર વ્હીલ બહાર કાઢ્યું તો સ્પેર વ્હીલમાં પણ હવા નહોતી!

તેની ધીરજનો અંત આવી ગયો. તેણે કારને જોરથી લાત મારી. કારને તો કંઈ ન થયું પણ તેના પગમાં વાગ્યું. તેણે પોતાના ગાલ પર લાફા માર્યા. તે સંપૂર્ણપણે હતાશ થઈ ગયો હતો. રસ્તા પર વાહનોની આવનજાવન ચાલુ હતી. તેણે થોડે દૂરથી એક વિશાળ ટ્રેલર આવતાં જોયું. તેણે નિશ્ચય કરી લીધો કે પોતે એ ટ્રેલર નીચે કચડાઈને જીવનનો અંત આણી દેશે. આવા જીવન કરતાં તો મરી જવું સારું.

તેણે પગલું ઉપાડ્યું. એ જ વખતે એક કાર તેની બાજુમાં આવીને ઊભી રહી. કાર ચલાવનારા માણસે તેને પોતાના ગાલ પર લાફા મારતો જોઈને કાર ઊભી રાખી દીધી હતી. તે કાર ચલાવી રહેલા પ્રભાવશાળી માણસે પૂછ્યું: ‘એની પ્રોબ્લેમ, યંગમેન?’ એ સાથે જ તેણે ડાબી બાજુનો દરવાજો ખોલીને તેને પોતાની કારમાં આવી જવા ઈશારો કર્યો. શૂન્યમનસ્ક બની ગયેલો યુવાન એ માણસની કારમાં બેસી ગયો. તેના હૂંફભર્યા વર્તન અને શબ્દોથી આત્મહત્યાનો નિશ્ચય કરી બેઠેલો યુવાન રડી પડ્યો. પછી તેણે બધી વાત કરી.

પેલા માણસે કહ્યું, ‘અરે ભલા માણસ! આટલી અમથી વાત માટે તું મૂંઝાઈ ગયો?’ તે માણસે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતાં કહ્યું, ‘તું કાલે કે જ્યારે પણ તારી તબિયત સારી થાય ત્યારે મારી ઑફિસમાં આવજે. હું તને સારી નોકરી અપાવીશ. એ પહેલાં અત્યારે આપણે કંઈક ગરમ-ગરમ ખાઈએ એટલે તને સારું લાગશે. એ પછી હું તને કોઈ ડૉક્ટર પાસે લઈ જઈશ.’

તે માણસના ઉષ્માભર્યા વર્તનથી આત્મહત્યાનો વિચાર કરી રહેલો યુવાન શાંત થઈ ગયો. એ બંને એક રેસ્ટૉરામાં ગયા. પેલા માણસે તેને શું ભાવે છે એ પૂછીને વેઈટરને ઓર્ડર આપ્યો. ખાતાં – ખાતાં પણ તેણે જીવનથી હતાશ થયેલા યુવાનની વાતો ધ્યાનપૂર્વક સાંભળી:

બંને રેસ્ટૉરામાંથી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં જીવનથી હતાશ થયેલો યુવાન ઉત્સાહ સાથે વાતો કરવા લાગ્યો હતો. તેનો તાવ ઊતરી ગયો હતો. પેલા કારવાળાએ આગ્રહ કર્યો પણ તેણે કહ્યું કે મને ખરેખર સારું લાગે છે એટલે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી.

પેલા માણસે તેને થોડા પૈસા આપ્યા અને ફરી યાદ કરાવ્યું કે કાલે મારી ઑફિસમાં આવીને મને મળજે, તારો પ્રોફાઈલ મને ઈ-મેઈલથી મોકલી આપજે.

જીવનથી ભાંગી પડેલા યુવાનમાં નવું જોમ આવી ગયું. તે બીજા દિવસે ઊઠ્યો ત્યારે તેનામાં નવા ઉત્સાહનો સંચાર થયો હોય એવું તેણે અનુભવ્યું. તે દરરોજ પોતાની ઑફિસે એક અજંપા સાથે જતો હતો. આજ ઑફિસ જવાને બદલે પેલા પ્રભાવશાળી માણસની ઑફિસે જવાનું હતું એટલે તેના મનમાં ઉમંગની લાગણી હતી. તે એ વાત પણ ભૂલી ગયો હતો કે તે કાલે પોતાની કાર ચાવી સાથે રસ્તા પર જ મૂકીને પેલા માણસની સાથે તેની કારમાં બેસી ગયો હતો અને પછી તે પ્રભાવશાળી માણસ જ તેને ઘરે છોડી ગયો હતો. તે યુવાન ઘરની બહાર નીકળ્યો એ વખતે તેને આશ્ચર્યનો સુખદ આંચકો લાગ્યો. તેની કાર તેના ઘરની બહાર ઊભી હતી અને એક માણસ તેની કારને અઢેલીને ઊભો હતો! તે માણસે તેને કહ્યું કે એને કારના વ્હીલના પંક્ચર સંધાવીને કાર તેના ઘરે પહોંચાડવાનો અને સવારે તેને ઑફિસમાં લઈ આવવાનો આદેશ મળ્યો હતો.

જીવનથી હારી ગયેલો માણસ વધુ પ્રફુલ્લિત થઈ ગયો. તે એ માણસની સાથે પેલા પ્રભાવશાળી માણસની ઑફિસે પહોંચ્યો ત્યારે આભો બની ગયો. એ પ્રભાવશાળી માણસ એક મોટી કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો. તેણે તેને આવકાર્યો અને પોતાની સામે બેસાડીને એક અપોઈન્ટમેન્ટ લેટર તેના તરફ સરકાવ્યો. એ માણસે કહ્યું કે તું ઈચ્છે ત્યારથી અહીં કામ શરૂ કરી શકે છે. તારે તારી કંપનીમાં નોટિસ આપવાની હોય તો તું એ ફોર્માલિટી પૂરી કરીને અહીં જોડાઈ શકે છે.

થોડા કલાકો પહેલાં જ આત્મહત્યાનો વિચાર કરી રહેલો યુવાન એ કંપનીના માલિકના પગમાં પડી ગયો. ચોવીસ કલાકમાં તેની જિંદગી બદલાઈ ગઈ હતી.

* * *

આ કથા એક સત્યઘટનામાં થોડા કલ્પનાના રંગો પૂરીને લખી છે.

બધા માણસો કંઈ પેલા મેનેજિંગ ડિરેક્ટરની જેમ આ રીતે નોકરીની ઑફર ન કરી શકે, પણ આપણે આપણી આજુબાજુમાં કોઈ માણસને જીવનથી હારી ગયેલો જોઈએ તો તેને હૂંફભર્યા શબ્દોથી સધિયારો તો આપી જ શકીએ ને? ધીરજપૂર્વક તેની વ્યથા તો સાંભળી જ શકીએને? કોશિશ કરી જોજો. તમારા હૂંફભર્યા શબ્દો કે ઉષ્માભર્યું વર્તન કોઈના જીવનમાં ચમત્કાર સર્જી શકે અથવા તો કોઈના જીવનનો અકાળે અંત અટકાવી શકવામાં તમે નિમિત્ત બની શકો.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.