ઈતિ હાસ્ય ભવિષ્યમ્!

જાને ભી દો યારોં!

ઘણા માણસો અખબારોમાં દૈનિક કે સાપ્તાહિક રાશિ ભવિષ્ય નિયમિત રીતે વાંચતા હોય છે અને એમાં બહુ ભરોસો ન પડતો હોય એવા માણસોની નજર પણ ક્યારેક તો રાશિભવિષ્ય પર પડી જતી હોય છે અને તેઓ કુતૂહલવશ પોતાની રાશિ માટે શું લખ્યું છે એ વાંચી જતા હશે, પણ મોટે ભાગે રાશિભવિષ્યની કોલમ બહુ ગંભીર રીતે લખાતી હોય છે. એના કારણે ભાવિના ભેદ ઉજાગર કરતો એ વિભાગ બહુ ‘ડ્રાય’ બની રહે છે. પણ ભાવિની ખટમીઠ્ઠી વાતો અત્યંત હળવાશથી લોકો સામે મુકાય તો?

ધારો કે કોઇ હાસ્યલેખક જ્યોતિષવિદ્યા શીખીને હળવી શૈલીમાં દૈનિક કે સાપ્તાહિક રાશિભવિષ્ય લખે તો એ કોલમનું નામ ‘હાસ્ય ભવિષ્ય’ રાખવું પડે. મજેદાર રીતે ભાવિ ભાખતી એ કોલમ કેવી હોઇ શકે? લેટ્સ સી…

મેષ (અ,લ,ઈ):

કુંવારા (કે ફોર ધેટ મેટર, અપરિણીત) યુવક-યુવતીઓ માટે અત્યંત ઉત્તમ સપ્તાહ, આ સપ્તાહની શરૂઆત રોમેન્ટિક રીતે થશે. તમે તમારા મનગમતા પાત્રને પ્રપોઝ કરશો અને તે હોંશે હોંશે તમારો પ્રેમ કબૂલ કરશે. અથવા તો તમને ગમતી કોઇ વ્યક્તિ સમક્ષ તમે પ્રેમનો એકરાર નહીં કરી શકતા હો તો તે વ્યક્તિ સામે ચાલીને એવો એકરાર કરશે કે એ તમને પ્રેમ કરે છે. તમારું દિલ બાગબાગ થઈ ઊઠશે. જો કે યુવાનોને કહી દઇએ કે, તમારા માટે આર્થિક રીતે સાચવવા જેવું સપ્તાહ છે. કોઈ બ્યુટિફુલ યુવતીના પ્રેમમાં ગળાડૂબ બનીને તમે તેને મોટે ઉપાડે પોશ રેસ્ટોરાંમાં લંચ કે ડિનર માટે લઇ જશો. તમારું ધ્યાન ખાવામાં નહીં હોય (નૅચરલી, તમે પ્રિયતમાના રૂપાળા ચહેરાને તાકી રહ્યા હશો!) પણ પ્રેયસીને ખુશ કરવા માટે તમે જાતભાતની વાનગીઓ મગાવશો અને ઉપરથી આગ્રહ કરીને પ્રિયતમાને આઇસ્ક્રીમ ખવડાવશો. પ્રિયપાત્રના સાંનિધ્યમાં તમે સાતમા આસમાનમાં વિહરવાની અનુભૂતિ કરતા હશો, પણ જ્યારે વેઇટર તમારા હાથમાં બિલ પકડાવી દેશે ત્યારે તેનો આંકડો વાંચીને તમે વાસ્તવિકતાની ધરા પર આવી જશો અને એમાંય જ્યારે પાકિટ કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખશો ત્યારે પાતાળમાં પછડાયા હો એવી અનુભૂતિ કરશો, કારણ કે તમારા ખિસ્સા પર કોઈ ખિસ્સાકાતરુ કળા અજમાવી ગયો હશે!

વૃષભ (બ,વ,ઉ):

નવોદિત લેખકો કે કવિઓ માટે કલ્પનાતીત સપ્તાહ. ખોટા સિક્કાની જેમ ડઝનબંધ જગ્યાએથી સાભાર પરત થયેલી કૃતિ ટોચના મેગેઝિનમાં પ્રસિદ્ધ થશે અને કૃતિ છપાવવાના આશ્ચર્યાનંદની કળ હજી વળી નહીં હોય ત્યાં તો એક શુભ બપોરે તમારી કૃતિનો પુરસ્કાર તમને મની ઓર્ડરથી ઘરે બેઠા મળી જશે અને હર્ષાવેશમાં તમને મૂર્છા આવી જશે. ઘરના સૌ કોઈ ઘાંઘાવાંઘા થઇ જશે અને દોડાદોડી કરી ડૉક્ટરને બોલાવશે. ડૉક્ટર કહેશે કે, ચિંતા જેવું કંઇ નથી, વધુ પડતી ઉત્તેજનાથી આ ભાઈને મૂર્છા આવી ગઇ છે. ડૉક્ટર પાણી છાંટીને તમને હોશમાં આણી દેશે અને તમારી કેફિયત જાણીને મલકાતા-મલકાતા, ફી લઇને ચાલતા થશે. જો કે પુરસ્કાર પેટે આવેલી પચાસ રૂપિયાની રકમ સામે ડૉક્ટરને વિઝિટના અઢીસો રૂપિયા ગણી આપવા પડશે એટલે ઘરનાં આબાલવૃદ્ધ સૌ કોઇ તમારા પર મોટાં-મોટાં માછલાં ધોશે!

મિથુન (ક,છ,ઘ) :

આ સપ્તાહ મોટરબાઇકચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. એમાંય ‘ધૂમ’ ફિલ્મ પરથી પ્રેરણા લઇને મોટરબાઇક દોડાવતા જુવાનિયાઓ માટે તો આ સપ્તાહ બહુ તકલીફદાયક પુરવાર થઈ શકે છે. સવાર સવારમાં મોટરબાઈક લઇને ઘરેથી કોલેજ કે ઓફિસ ભણી જવા માટે નીકળશો અને મેઈન રોડ પર પહોંચશો ત્યારે બસ સ્ટોપ પર બસની રાહ જોઇ રહેલી કોલેજિયન રમણીઓને જોઇને તમારા હૃદયની ધડકન તેજ થઇ જશે અને તમારું દ્વિચક્રી વાહન પણ તમારા હ્રદયની સાથે તાલ મિલાવીને તેજ ગતિ ધારણ કરશે. એ જ વખતે અચાનક વચ્ચે દોડી આવેલા કૂતરાને જોઈને તમારે દ્વિચક્રીને જોરથી બ્રેક મારવી પડશે, પણ ગતિમાં અણધાર્યા વિરોધ માટે તમારું મગજ અને દ્વિચક્રી તૈયાર નહીં હોય એટલે રોડ ડિવાઇડર સાથે અથડાઈને દ્વિચક્રી પાછળ રહી જશે અને તમે આગળ નીકળી જશો. તમારી આંખો ખૂલશે ત્યારે ફાટેલું પેન્ટ, છોલાયેલા ઢીંચણ અને ભાંગેલા હાથ સાથે તમે હોસ્પિટલમાં હશો અને દ્વિચક્રીને હોશ આવશે ત્યારે તે ગેરેજમાં પડ્યું હશે!

કર્ક (ડ,હ) :

મહિલાઓ માટે બહુ પ્રોત્સાહક સપ્તાહ. આ રાશિની મહિલાઓની તેમની સોસાયટીના મહિલામંડળમાં સહાયક મંત્રી તરીકે અથવા પ્રચાર મંત્રી તરીકે નિમણૂક થવાની શક્યતા છે. આ ઉપરાંત આ રાશિની પાકશાસ્ત્રમાં પારંગત સન્નારીઓનું લાયન્સ, જાયન્ટ્સ કે રોટરી ક્લબની સ્થાનિક શાખા દ્વારા સન્માન થાય એવી શક્યતા તરફ પણ ગ્રહો નિર્દેશ કરે છે. પતિદેવ રૂપાળી પડોશણ જેટલો જ પ્રેમ તમારા પ્રત્યે દર્શાવશે અને આખા સપ્તાહમાં શ્વસુર પક્ષ તરફથી પિયર પક્ષ માટે એક પણ વાર મહેણું નહીં સાંભળવું પડે. સાસુજી તો તમારી સાથે એવો વ્યવહાર કરશે કે જાણે તમે બીજા કોઇ ગ્રહનાં નહીં પણ આ જ ગ્રહનાં પ્રાણી છો. અને ઘરમાં નણંદબા હશે તો તેમની જેમ જ તમારું શરીર પણ હાડચામમાંસનું બનેલું છે અને એ શરીરનેય થાક લાગી શકે એવું વિચારીને (જે તેમણે અગાઉ ક્યારેય વિચાર્યું નહીં હોય) આ સપ્તાહમાં એકાદ વાર તમને કહેશે કે, ‘લાવો ભાભી, હું વાસણ માંજી દઉં.’ આજે તો તમે ‘ક્યું કિ ભાભી ભી કભી નનંદ થી!’ સિરિયલ જુઓ!

સિંહ (મ,ટ):

બહુ આઘાતજનક સપ્તાહ સાબિત થઈ શકે છે. તમે ઘણા સમયથી જેની સામે જવાનું ટાળી રહ્યા હશો એ લેણદાર તમને અચાનક જ ભરબજારે ભટકાઈ જશે અને ઉશ્કેરાઈને એ તમને બોચીએથી પકડીને ઉઘરાણી કરશે. છેવટે પત્નીની સાડી લાવવા માટેના પૈસા તેને આપવા પડશે. ભાવિના અમુક ભેદ જાણવાની કળા ઉપરવાળો સૌ કોઇને આપતો જ હોય છે, એટલે ઘરે ગયા પછી શ્રીમતીજીની કોર્ટમાં તમારી શું હાલત થશે એ કહેવાની જરૂર નથી. લેણદારો જેની પાછળ નહીં પડ્યા હોય એવા સજ્જનો માટે પણ આ સપ્તાહમાં આઘાત-પ્રત્યાઘાતની પરંપરા સર્જાવાની છે. ઓફિસમાં (અને ગ્રહો વધુ કોપાયમાન હશે તો ગાર્ડન કે થિયેટરમાં) ચંચળ અને સ્વરૂપવાન સહકમર્ચારિણી સાથે તમારી મધમીઠી ગોઠડી ચાલી રહી હશે ત્યારે જ અચાનક તમારી અર્ધાંગિની અથવા તો ફિયાન્સી ત્યાં આવી ચડશે અને એ દ્રશ્ય જોઈને તેમને આઘાત લાગ્યા પછી તેમના પ્રત્યાઘાત શું હશે એ કહેવાની જરૂર નથી. અગાઉ અમે કહ્યું છે એમ, અમુક પ્રકારના ભાવિના ભેદ જાણવાની વિદ્યા ઉપરવાળાએ સૌ કોઇને આપી જ હોય છે, યુ.સી!

કન્યા (પ,ઠ,ણ):

આ સપ્તાહમાં સાચવવા જેવું ખરું. આ રાશિના ઘણા સજ્જનોને માટે ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ થશે. કેટલાક સજ્જનોનો તાંત્રિકો સાથે પનારો પડશે. દાખલા તરીકે તમે ભાડૂત સાથે મામૂલી ઝઘડાનો તમારી ફેવરમાં નિકાલ લાવવા માટે કાશીથી માત્ર ચાર દિવસ માટે તમારા શહેરમાં પધારેલા ‘સહસ્ત્ર સિદ્ધિપ્રાપ્ત’ બાબાનું શરણું લેશો. બાબા ખાસ વિધિ પેટે પાંચ હજાર, પાંચસો ને એકાવન રુપિયા પડાવી લેશે. બાબા તમારા જેવા કૈંકની વિધિ કરીને પાછા કાશી જવા રવાના થઈ જશે અને ભાડૂત સાથેનો મામલો વધુ ગૂંચવાઇ જશે ત્યારે તમને સમજાશે કે બાબાના તૂતમાં ફસાવા જતા તમારે પાંચ હજાર પાંચસો ને એકાવન રૂપિયાનું નાહી નાખવું પડ્યું છે!

તુલા (ર,ત) :

આ રાશિના વેપારી વર્ગ માટે આ સપ્તાહ ધંધામાં અભૂતપૂર્વ બરકત લાવનારું બની રહેશે. કૈંક કોઠાકબાડા કર્યા પછી પણ સફળતા અને પૈસો કદમ ચૂમતા આવશે. ‘નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ’ એ કહેવત તમને સાચા અર્થમાં અનુભવવા મળશે. સમાજમાં અને સગાં-વહાલાંઓમાં તમારો માનમોભો વધી જશે. તમને સામેથી આવતા જોઇને જે માણસો એવા ડરના માર્યા પોબારા ગણી જતા હશે કે હમણાં ખિસ્સામાંથી બસો-પાંચસો ઓછા થઈ જશે, એ જ માણસો તમને સલામ ઠોકતા આવશે અને જૂના સંબંધની દુહાઇ દઇને તમારી ખુશામત કરતા કરતા ધંધામાં ભાગીદારીની ઓફર કરશે. તમે મૂછમાં મલકાઇને આ સ્થિતિ માણી રહ્યા હશો. પણ તમારી પાસે અચાનક રૂપિયાનો ઢગલો થઇ ગયો હોવાની ખબર અંડરવલ્ડૅના ભાઈલોગ સુધી પહોંચી જશે એટલે તમારા માનમોભાની જેમ જ અંડરવલ્ડૅના ભાઈલોગનું તમારા તરફનું આકર્ષણ પણ વધી જશે અને એકાદ ‘ભાઈ’ને ખંડણી આપ્યા પછી બીજા ‘ભાઈઓ’ દ્વારા માગવામાં આવતી ખંડણીની રકમનો ગ્રાફ પણ સીધી લીટીની જેમ ઊંચે જશે!

વૃશ્ચિક (ન,ય):

આ રાશિધારીઓ માટે પારકી પંચાતને કારણે આ સપ્તાહમાં તકલીફ ઉદ્દભવી શકે. પ્રિય પાત્રો પ્રત્યેના પ્રેમને કારણે ઘર્ષણ થઇ શકે. પાડોશીના ઝઘડામાં માથું મારવા જતાં માથું ભાંગવાનો વખત આવી શકે. અથવા તો પ્રિય પાત્રો પ્રત્યેના પ્રેમને કારણે પંચાત કરવા જતા શારીરિક હાનિ અનુભવવી પડે. દીપિકા પદુકોણ નંબર વન છે કે કંગના રનૌતે તેનું સ્થાન પચાવી પાડ્યું છે એ મુદ્દે પાનના ગલ્લે ‘ગુટખાખાઉ યારો’ કે ‘માવાપ્રેમી મિત્રો’ સાથે ભારે વાદવિવાદ થશે. એ હોટ ડીબેટમાં દીપિકા વિષે ઘસાતું બોલવાની સાથે-સાથે તમે ‘ગુટખાખાઉ’ મિત્રને પણ છઠ્ઠી વિભક્તિથી ‘સન્માનિત’ કરી બેસશો. દીપિકાપ્રેમી ‘ગુટખાખાઉ’ યાર તમારા ગાલીપ્રદાનથી રોષે ભરાઈ જશે અને મારામારીની નોબત ઊભી થશે. અને એ પછી તમે ઘરે પહોંચશો એ અગાઉ જ ખાટસવાદિયા દોસ્તો તમારી ‘કંગનાપરસ્તી’ને કારણે થયેલી ધમાલની મસાલેદાર કથા તમારી પ્રેમિકા કે પત્ની સુધી પહોંચાડી દેશે!

ફરી એક વાર કહી દઈએ કે ઉપરવાળાએ અમુક પ્રકારના ભાવિના ભેદ જાણવાની ખૂબી બધાને આપી જ હોય છે. એટલે આગળ શું બનશે એ વિશે કંઇ કહેવાની જરૂર રહેતી નથી!

ધન (ભ,ધ,ફ,ઢ) :

સપ્તાહની શરૂઆતમાં જ અખબારમાં વાંચશો કે સ્વજનના સુખદ સમાચાર મળશે. તમે સારા-સારા વિચાર કરતા હશો ત્યારે જ તમારા સાઢુભાઈનો ફોન આવશે કે તેમના અને તમારા વઢકણાં સાસુ તેમના ઘરે કુલ સાડાબત્રીસ દિવસની મહેમાનગતિ માણીને તમારા ઘરે આવવા માટે નીકળી રહ્યાં છે. સાઢુભાઈ હોંશભેર કહી રહ્યા હશે કે તેઓ અત્યારે સાસુજીને રેલવે સ્ટેશન (યા તો બસ સ્ટેશન કે ઍરપોર્ટ) વળાવવા જઇ રહ્યા છે ત્યારે તમારું ગળું સુકાવા લાગશે અને આગળ સાંભળવાના હોશકોશ ગુમાવીને તમે તમારા શ્રીમતીજીને ફોન પકડાવી દેશો. કળ વળશે એટલે તમને યાદ આવશે કે આજે જ અખબારમાં વાંચ્યું હતું કે સ્વજનના સુખદ સમાચાર મળશે. સ્વજન યાને સાઢુભાઈ કહી રહ્યા હતા એ સમાચાર તેમના માટે ખરેખર સુખદ હતા, પણ સ્વજનના સુખદ સમાચાર તમારા માટે દુઃખદ હશે એવી કલ્પના ન હોવાથી તમે સાઢુભાઇને કારણ વિના મનોમન ચોપડાવશો!

મકર (ખ,જ) :

આ સપ્તાહમાં તમારા ગ્રહો એટલા પાવરફુલ છે કે આખા સપ્તાહ દરમિયાન ટીવી પર તમને એક પણ જાહેરખબર નહીં જોવા મળે. તમારે આખા સપ્તાહમાં ઇડિયટ બોક્સના સ્ક્રીન પર  ‘સાવ સાચા-પ્રતિષ્ઠિત’ રાજકારણીઓના મુખારવિંદનાં દર્શન નહીં કરવા પડે. એ તો છોડો, એકતા કપૂરની ‘કે ફોર કકળાટ’ બ્રાન્ડ સિરિયલો જોવામાંથી પણ તમને મુક્તિ મળી જશે. જો કે સાથે ‘રવીના ટંડનની ખોવાઈને પાછી મળી ગયેલી કૂતરીની પ્રસૂતિ થઇ’ કે ‘વાંદરું ખાડામાં પડી ગયું’ કે ‘રાખી સાવંતે મિકાને અને પછી મિકાએ રાખી સાવંતને તસતસતું ચુંબન ચોડી દીધું’ કે ‘કૂતરાનું મોં ગધેડાએ ચાટ્યું’ યા તો ‘કોઇ ઉદ્યોગપતિ, કોઈ બાવા-બાબા-બાપુ-મહારાજ-સ્વામી કે પેજ થ્રી સેલિબ્રિટીને ગેસ ટ્રબલ થઈ અથવા તો વાછૂટ થઈ’ એવા બ્રેકિંગ ન્યૂઝથી પણ તમારે વંચિત રહેવું પડશે. યસ બોસ, તમારા ગ્રહો પાવરફુલ છે એટલે આ સપ્તાહના પહેલા જ દિવસે તમારું ટીવી બગડી જશે અને આ સપ્તાહમાં રીપેર થઇને પાછું મળી જાય એવી શક્યતા નહિવત્ છે. એટલે આ બધાથી તમાને એક સપ્તાહ માટે છૂટ્કારો મળશે! સો એન્જોય!

કુંભ (ગ,સ,શ):

ભારત વર્ષમાં કોઇએ કદાપિ કલ્પના ન કરી હોય એવા સબળ યોગ આ રાશિના માણસો માટે આ સપ્તાહમાં જણાય છે. આ રાશિના માણસો બૅન્કમાં જશે તો બૅન્ક કર્મચારીઓ હસતા મોઢે તેમનુ કામ કરી આપશે. ટ્રેનમાં રિઝર્વેશન કરાવવું હશે અને પ્રવાસની તારીખ ત્રણ દિવસ છેટી હશે તો પણ આખા કુટુંબની કન્ફર્મ ટિકિટ મળી જશે. કોઇ ફ્રેન્ડ કે સગાં-વહાલાંઓને ઉછીના આપેલા પૈસા પાંચ-સાત વર્ષ પછી પણ પાછા નહીં મળ્યા હોય અને એ પૈસાના નામનું તમે નાહી નાખ્યું હશે, પણ આ સપ્તાહમાં એ ઊઘરાણી પાર પડવાની શક્યતા છે. આ રાશિના ટેલિફોનધારકો ઇન્કવાયરી માટેનો નંબર ઘુમાવશે તો પ્રથમ ટ્રાયમાં જ સામેની ઓપરેટરનો મીઠો મધુર અવાજ તેમના કાને અથડાશે. સરકારી કચેરીમાં કામ પડશે તો, સરકારી અધિકારીઓના ચહેરા પર એવા ભાવ જોવા મળશે કે તમે પણ માણસ જ છો અને આ દેશના જ નાગરિક છો. અને તમે તેના પિતાશ્રીનું કે તેની સાત પેઢીમાં કોઇનુંય ખૂન ન કર્યું હોય એ રીતે તે તમારી સાથે વર્તશે અને તમારું કામ અત્યંત વાજબી લાંચ લઈને, હસતા મોઢે કરી આપશે. કોઇ કારણથી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવાનું થશે તો પોલીસ અધિકારી એક પણ ગાળ દીધા વિના તમારી સાથે વાત કરશે અને તમારી ફરિયાદ પણ નોંધી લેશે અને ડ્યુટી પરનો પોલીસ અધિકારી તમે જે રકમ ખુશ થઇને આપશો એ ફૂલ નહીં તો ‘ફૂલની પાંખડી’ ગણીને લઈ લેશે!

મીન (દ,ચ,ઝ,થ):

પત્ની સામે કોઇ મુદ્દે ભારે ઊંડાણપૂર્વક ચર્ચા થવાના યોગ છે. એ ચર્ચા દરમિયાન તમારો કક્કો ખરો કરવા જતા ના થવાની થશે. સહધર્મચારિણીના દિમાગનો પારો સત્તરમા આસમાને પહોંચી જશે અને તેની સીધી અસરરૂપે છૂટેલા કોઇ પદાર્થથી તમારા કપાળમાં જમણી બાજુએ ઢીમણું ઉપડશે. વળતી જ ક્ષણે અગ્નિ કે પ્રુથ્વી મિસાઇલની જેમ છૂટેલી ચાની તપેલીની કિનારી તમારા ડાબા કાનને છરકો કરતી જશે અને અઠવાડિયા સુધી તમારે ઓફિસમાં એવું જુઠ્ઠાણું ચલાવવું પડશે કે, એ તો હું દાદર પરથી ગબડી પડ્યો હતો. જો કે તમારી વાત કોઇ માનશે નહીં. ભૂલી ગયા? ઓફિસમાં કામ કરતા પારેખ, પાટિલ કે પાટડિયાના આવા કોઇ ખુલાસા તમારા કે તમારા બીજા સાથી કર્મચારીઓના ગળે ઉતર્યા છે, કોઇ દિ’ ?

ઈતિ હાસ્ય ભવિષ્યમ્!

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.