માણસે બીજાઓને મદદરૂપ બનવા તત્પર રહેવું જોઈએ

એક સરકારી કાર હરિયાણાના હિસાર શહેરથી પંચકૂલા શહેર તરફ જઈ રહી હતી. એ કારમાં એક યુવાન પ્રવાસ કરી રહ્યો હતો. રસ્તામાં એક જગ્યાએ યુવાને જોયું કે એક વાહન ગંભીર અકસ્માતનો ભોગ બન્યું હતું.

યુવાને તરત જ કાર અટકાવી. તે કારમાંથી બહાર નીકળ્યો અને અકસ્માતગ્રસ્ત વાહન પાસે ગયો. તેણે જોયું કે તે વાહનમાં ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયેલી પડી હતી. તે વ્યક્તિઓને તાત્કાલિક હૉસ્પિટલ ન પહોંચાડાય તો તેમના બચવાની શક્યતા નહોતી લાગતી એટલી ગંભીર ઈજાઓ તેમને થઈ હતી.

યુવાને તરત જ પોતાના મોબાઈલ ફોન પરથી સરકારી એમ્બ્યુલન્સ બોલાવવા માટે કોલ કર્યો. કોઈ જાડી ચામડીના ઓપરેટરે એ કોલ રિસિવ કર્યો. યુવાને કહ્યું કે હિસાર અને પંચકૂલા વચ્ચે એક ગંભીર અકસ્માત થયો છે અને ચાર વ્યક્તિઓની સ્થિતિ અત્યંત ગંભીર છે. તેણે કયા ચોક્કસ કયા સ્થળે અકસ્માત થયો છે એ વિશે સમજાવ્યું. ઓપરેટર ઠંડકથી તે યુવાનની વાત સાંભળી રહ્યો હતો. યુવાનની વાત પૂરી થઈ એ પછી તેણે નફ્ફટાઈથી કહ્યું કે તમને એમ લાગે છે કે ત્યાં એમ્બ્યુલન્સ ઊડીને આવશે? યુવાને તેને સમજાવવાની કોશિશ કરી પણ તે ઉદ્ધત ઓપરેટરે ફરી વાર કહ્યું કે એમ્બ્યુલન્સ ઊડીને ન આવી શકે!

યુવાન એક ક્ષણ માટે અકળાયો. પણ પછી તરત જ તેણે સ્વસ્થતા મેળવી લીધી. તેણે તેના ડ્રાઈવરની મદદથી પેલી ચાર વ્યક્તિઓને અકસ્માતનો ભોગ બનેલા વાહનમાંથી બહાર કાઢી અને એક ખાનગી વાહનચાલકની મદદ માગી. તેણે તે વ્યક્તિઓને નજીકની હૉસ્પિટલ સુધી પહોંચાડી. સમયસર સારવાર મળવાથી તે ચાર વ્યક્તિઓના જીવ બચી ગયા.

તે યુવાન એટલે સાધ્વી પર બળાત્કારના કેસમાં ખેપાની બાબા ગુરમીત રામ રહીમ સિંઘને કસૂરવાર ઠરાવનારા જજ જગદીપ સિંઘ.

જજ જગદીપ સિંઘ બીજા કેટલાય વાહનચાલકોની જેમ ત્યાંથી રવાના થઈ જઈ શક્યા હોત, પણ તેમણે એવું કરવાને બદલે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને મદદ પહોંચાડવાની કોશિશ કરી. અને જ્યારે સરકારી ઓપરેટરે ઉડાઉ જવાબ આપ્યો ત્યારે પોતાના સમયની પરવા કર્યા વિના ઘાયલ વ્યક્તિઓને જાતે હૉસ્પિટલ સુધી પહોંચાડીને તેમના જીવ બચાવ્યા.

માણસે બીજાઓને મદદરૂપ બનવા તત્પર રહેવું જોઈએ. મુસીબતમાં મુકાયેલી વ્યક્તિઓને મદદ કરવી એ ઉપરવાળાને ભજવા કરતા પણ ઉચ્ચ પ્રવૃત્તિ છે.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.