જાર્વિસ: જે ઝકરબર્ગને આપે છે સર્વિસ!

રાજીવ પંડિત

ભારતમાં ધનાઢ્યો બહુ છે, પણ ટેક્નોક્રેટ ધનાઢ્યો નથી. આપણે ત્યાં જે ધનાઢ્યો છે એ બધા બીજાની શોધો પર ઉદ્યોગો ઊભા કરીને પૈસાની કમાણી કરનારા લોકો છે. દુનિયાના બીજા દેશોમાં અને ખાસ તો વિકસિત દેશોમાં સ્થિતિ અલગ છે. આ દેશોમાં ટેક્નોક્રેટ જ સૌથી મોટા ધનાઢ્યો છે. એને કારણે એ લોકોની લાઇફસ્ટાઇલ અલગ છે. એ લોકોનું બૌદ્ધિક સ્તર બીજા ધનિકો કરતાં અલગ છે. તેમના ટેસ્ટ બીજા ધનિકો કરતાં અલગ છે ને એને કારણે એ લોકો પોતાના અંગત જીવનમાં પણ એવી કમાલો કરતા રહે છે કે આફરીન થઈ જવાય.

ફેસબુક અને વૉટ્સઍપના માલિક માર્ક ઝકરબર્ગે આવી જ એક કમાલ કરી છે. ઝકરબર્ગ કૅલિફૉર્નિયાના પાલો આલ્ટોમાં રહે છે. ઝકરબર્ગનું મકાન લગભગ સવાસો વર્ષ જૂનું છે ને બહારથી અન્ય લોકોના ઘર જેવું જ લાગે. અમેરિકામાં મોટા ભાગના લોકો વુડન હાઉસ એટલે કે લાકડાનાં મકાનોમાં રહે છે. ધનિકો પોતાનાં મકાનો અલગ રીતે બનાવડાવે, પણ સામાન્ય લોકો લાકડાનાં મકાનોમાં જ રહેતા હોય છે. ઝકરબર્ગ પણ લાકડાના મકાનમાં રહે છે ને તેનું ઘર બહારથી કોઈ રીતે અલગ નથી લાગતું,

પરંતુ જેવા તમે મકાનની અંદર જાઓ ત્યારે, બલ્કે મકાનમાં પ્રવેશ કરો એ પહેલાં જ તમને અહેસાસ થાય કે આ ઘર બીજા લોકોનાં ઘરો કરતાં ઘણું અલગ છે અને આ એક ટેક્નોક્રેટનું ઘર છે.

ઝકરબર્ગના ઘરને બીજા ઘર કરતાં અલગ કોણ બનાવે છે?

‘જાર્વિસ’ એનું નામ છે ને આ ‘જાર્વિસ’ ઝકરબર્ગનો આસિસ્ટન્ટ છે.

જોકે આ આસિસ્ટન્ટ સામાન્ય આસિસ્ટન્ટ્સ કરતાં અલગ છે, કેમ કે એ કોઈ માણસ નથી પણ એક રોબોટ છે. વિજ્ઞાનની પરિભાષામાં જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય એ ધરાવતો આસિસ્ટન્ટ. આ આસિસ્ટન્ટ ટેક્સ્ટ અને વૉટ્સઍપ મેસેજથી અપાતા કમાન્ડ પર પણ કામ કરે છે ને વૉઇસ-કન્ટ્રોલથી પણ કામ કરે છે. દુનિયાભરમાં ‘જાર્વિસ’ એક જ છે એથી આ પ્રકારની સિસ્ટમથી ચાલતું ઘર પણ એક જ છે.

એવું જ હોયને યાર, આફ્ટરઑલ એ ઝકરબર્ગનો આસિસ્ટન્ટ છે!

***

વિશ્વભરમાં ધૂમ મચાવનારા કાર્ટૂન સુપરહીરોમાં એક ‘આયર્ન મૅન’ છે. વર્ષ 2008માં ‘આયર્ન મૅન’ સિરીઝની ત્રણ પૈકીની પહેલી ફિલ્મ આવી એ પહેલાંથી ‘આયર્ન મૅન’ કાર્ટૂન સિરીઝે ધૂમ મચાવી હતી. ટોની સ્ટાર્ક નામનો માસ્ટર એન્જિનિયર અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પાવર્ડ એક્સોસ્કેલેટોન બનાવે છે ને પછી ટેક્નૉલૉજીની મદદથી ‘આયર્ન મૅન’ બને છે. ટોની સ્ટાર્ક હોવર્ડ સ્ટાર્ક અને મારિયા સ્ટાર્કનો પુત્ર છે. ટોની 16 વર્ષનો હોય છે ત્યારે તેના પિતા ગુમ થઈ જાય છે. એ પાછી અદ્ભુત સ્ટોરી છે ને એ જાણવા ફિલ્મ જોવી પડે. અમેરિકા અને પશ્ચિમના લોકોને વિજ્ઞાનની કથાઓ બહુ ગમે છે તેથી ‘આયર્ન મૅન’ પણ સુપરહિટ સાબિત થયેલી.

‘આયર્ન મૅન’ સ્ટાન લી નામના લેખકના ભેજાની પેદાશ છે. લેરી લીબેર નામના સ્ક્રિપ્ટરાઇટરે એને વિકસાવ્યું ને ડૉન હેક તથા જૅક કર્બી નામના બે આર્ટિસ્ટે ડિઝાઇન કર્યું. માર્ચ 1963માં પહેલી વાર આ કૅરૅક્ટર મેદાનમાં આવ્યું ને આવતાં જ ધૂમ મચાવી દીધી. ‘આયર્ન મૅન’ સિરીઝની પહેલી ફિલ્મ તો છેક 2008માં આવી, પણ એ પહેલાં માર્વેલ કૉમિક્સ દ્વારા એની ઢગલાબંધ બુક્સ બહાર પાડીને કરોડોની રોકડી કરી લેવાયેલી ને ટીવીસિરિયલ પણ બની ગયેલી. 2008માં પહેલી ‘આયર્ન મૅન’ ફિલ્મ આવી એ પણ બહુ વખણાયેલી ને એણે 60 કરોડ ડૉલરનો ધીકતો ધંધો કરેલો. રૉબર્ટ ડાઉની જુનિયર ‘આયર્ન મૅન’ ફિલ્મથી સુપરસ્ટાર બની ગયેલો.

‘આયર્ન મૅન’ કૉમિક્સ અને ફિલ્મ બન્નેમાં ‘જાર્વિસ’નું પાત્ર છે. ‘આયર્ન મૅન’  કૉમિક્સમાં જાર્વિસ હોવર્ડ સ્ટાર્કનો વિશ્વાસુ સાથી અને બટલર છે. માણસોની જેમ જ કામ કરતા જાર્વિસ પાસે સુપર પાવર્સ નથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાર્વિસ જર્મની સામે લડવા ઘરેથી ભાગીને કૅનેડિયન રૉયલ ઍરફોર્સમાં જોડાયેલો ને પાઇલટ તરીકે કામ કરેલું. હાથોહાથની લડાઈમાં પાવરધો જાર્વિસ ત્રણ વર્ષ સુધી રૉયલ ઍરફોર્સમાં બૉક્સિંગ ચૅમ્પિયન રહ્યો હતો.

‘આયર્ન મૅન’ ફિલ્મમાં જાર્વિસ કૉમિક સિરીઝના જાર્વિસ કરતાં અલગ છે. ફિલ્મનો જાર્વિસ સ્ટાર્કની માલીબુ એસ્ટેટને સંભાળવાનું કામ મુખ્યત્વે કરે છે, પણ એ સિવાય સ્ટાર્કને બીજી ઘણી રીતે એ ઉપયોગી છે. આ જાર્વિસ અત્યાધુનિક રોબોટ છે જેનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે માણસે આપેલી કૃત્રિમ બુદ્ધિમત્તા છે. ‘જાર્વિસ’નું ફુલ ફૉર્મ છે: Just A Rather Very Intelligent System એટલે કે JARVIS. સ્ટાર્કના જીવનમાં જાર્વિસનું સ્થાન અનોખું છે. આ જાર્વિસ સ્ટાર્કની તાકાત છે અને સ્ટાર્ક જેના પર સંપૂર્ણ ભરોસો રાખી શકે એવો રોબોટ છે.

ઝકરબર્ગે પોતાના ઘર માટે બનાવેલો જાર્વિસ ‘આયર્ન મૅન’ ફિલ્મના જાર્વિસની નકલ તો ન કહેવાય, પણ એમાંથી પ્રેરણા લઈને બનાવેલી સિસ્ટમ ચોક્કસ કહી શકાય.

***

‘જાર્વિસ’ ઝકરબર્ગને ઘણાંબધાં કામોમાં મદદ કરે છે.

આપણે ઘરમાં જે કામ કરવામાં આંટાફેરા કરી-કરીને થાકી જઈએ એવાં બધાં કામ કરવાની જફા ઝકરબર્ગે કે તેની પત્ની પ્રિસિલા ચાને નથી કરવી પડતી. એ તો તમને ખ્યાલ હશે જ કે ઝકરબર્ગ પ્રિસિલા નામની ચાઇનીઝ છોકરી પર મોહી પડેલો ને તેને પરણ્યો છે. આમ ઘરમાં અમેરિકન ઝકરબર્ગ ને તેની ચાઇનીઝ પત્ની નિરાંતે બેસી રહે છે ને માથાફોડીનાં બધાં કામો ‘જાર્વિસ’ કરી નાખે છે.

ઝકરબર્ગના ઘરની બધી લાઇટ્સ ‘જાર્વિસ’ ઑન-ઑફ કરે છે. ઝકરબર્ગ કે તેની પત્ની પ્રિસિલા ચાન પોતાના આઇફોન પરથી ટેક્સ્ટ મેસેજ કે વૉટ્સઍપ મેસેજ મોકલે એ સાથે જ ‘જાર્વિસ’ તેમની સૂચના પ્રમાણે લાઇટ ઑન કે ઑફ કરી દે છે. માર્ક કે પ્રિસિલાની સૂચનાનો અમલ કરાયો છે એવો સામે મેસેજ પણ બીજી જ સેકન્ડે આવી જાય. ઘરમાં ટીવી, હીટર, મ્યુઝિક સિસ્ટમ સહિતનાં બધાં ઍપ્લાયન્સિસ ‘જાર્વિસ’ જ ચલાવે છે. એ સિવાય સીસીટીવી સિસ્ટમ, વૉર્નિંગ સિસ્ટમ વગેરે પણ ‘જાર્વિસ’ ચલાવે છે.

ઝકરબર્ગ પોતાના ઘરમાં 1950ના દાયકાનું ટોસ્ટર વાપરે છે. સામાન્ય રીતે બ્રેડને ટોસ્ટ કરવી હોય એટલે કે શેકવી હોય તો ટોસ્ટરને ચાલુ કરવું પડે ને પછી એમાં બ્રેડ દબાવીને નાખવી પડે. 1950ના દાયકાના ટોસ્ટરમાં એવી સવલત છે કે ટોસ્ટરને ચાલુ ન કરો તો પણ એમાં બ્રેડ નાખી શકાય. પછી સ્વિચ ઑન કરો એટલે બ્રેડ ટોસ્ટ થઈને બહાર આવે. આ ટોસ્ટર્સ પણ ‘જાર્વિસ’ ચલાવે છે. ઝકરબર્ગ પોતાના બેડરૂમમાંથી નીકળે એટલે મેસેજ કરે કે તરત ‘જાર્વિસ’ બ્રેડ ટોસ્ટરમાં નાખે ને ઝકરબર્ગ ટોસ્ટર પાસે પહોંચે ત્યાં સુધીમાં તો સ્વિચ દબાવી દીધી હોય. એટલે ટોસ્ટ તૈયાર ને સીધો ઝકરબર્ગના હાથમાં!

કોઈને સવાલ થશે કે ઝકરબર્ગ પોતે આ બધું કરે તો કેટલો ફરક પડે? બહુ ફરક ન પડે, પણ અસલી મજા કશું કર્યા વિના સીધો હાથમાં ટોસ્ટ આવે એની છે. ઝકરબર્ગ મોટો માણસ છે ને તેની પાસે આપણી જેમ નિરાંતે બ્રેડ પર પહેલાં માખણ લગાવવાનો ને પછી જામ લગાવીને ચગળી-ચગળીને નિરાંતે ખાવાનો સમય ન હોય અને હોય તો પણ એમાં તેને કંટાળો આવે એટલે આ સિસ્ટમ વિકસાવી. વડ્ડે સડ્ડે લોગ, વડ્ડી સડ્ડી બાતેં છે!

ઝકરબર્ગે પોતાના આસિસ્ટન્ટ ‘જાર્વિસ’માં એવી સિસ્ટમ ગોઠવી છે કે ‘જાર્વિસ’ તેના અવાજને તો ઓળખે જ છે, પણ તેની પત્ની પ્રિસિલાના અવાજને પણ ઓળખી લે છે. ઘરનાં કામો માટે આ બન્ને જ એને કમાન્ડ આદેશ આપે તેવા કમાન્ડ સેટ કરાયા છે. આ કમાન્ડમાં મ્યુઝિકનો પણ સમાવેશ થાય છે. ઝકરબર્ગ કે પ્રિસિલાને મ્યુઝિક સાંભળવાની ઇચ્છા થાય ને તેઓ આદેશ કરે એટલે તરત ‘જાર્વિસ’ પૂછે કે કેવું મ્યુઝિક સાંભળવું છે?

ઝકરબર્ગ કહે કે લાઇટ મ્યુઝિક. એટલે તરત જ ‘જાર્વિસ’ લાઇટ મ્યુઝિક વગાડવા માંડે. પછી ઝકરબર્ગ કે પ્રિસિલાને લાગે કે મૂડ નથી જામતો તો કહે કે ધૅટ્સ નૉટ લાઇટ, પ્લે સમથિંગ લાઇટ. એટલે ‘જાર્વિસ’ તરત ક્યા-ક્યા ઑપ્શન છે એ કહે. ઝકરબર્ગ કે પ્રિસિલા એમાંથી પસંદ કરે તો ઠીક, નહીંતર ‘જાર્વિસ’ તેમને વધારે લાઇટ લાગે એવું મ્યુઝિક વગાડવા માંડે.

ઝકરબર્ગ કે પ્રિસિલાને કોઈ મળવા આવ્યું હોય તો તેમને અંદર આવવા દેવા કે નહીં એ ‘જાર્વિસ’ તેમને પૂછે ને માર્ક કે પ્રિસિલાની મંજૂરી મળે પછી જ આવનારને પ્રવેશ મળે. ઝકરબર્ગે તેના ઘરના મુખ્ય દરવાજા પર કૅમેરા ગોઠવ્યા છે. સાથે-સાથે ફેશ્યલ રેકગ્નિશન ટેકનૉલૉજીનો પણ ઉપયોગ કર્યો છે. ઘરની બહાર કોઈ આવે કે તરત જ ‘જાર્વિસ’ તેની તસવીર સ્કૅન કરે અને એ તસવીર નામ સાથે મેળ ખાય છે કે નહીં એ ચેક કરે. આપણે આવનારી વ્યક્તિ કોણ છે એ નક્કી કરવું મુશ્કેલ હોય છે, પણ અમેરિકામાં લોકોનો ડેટાબેઝ તૈયાર હોય છે. તમે ચહેરો સ્કૅન કરીને એક બટન દબાવો એટલે તેની આખી કુંડળી મળી જાય.  ‘જાર્વિસ’ પહેલાં આ કુંડળી કાઢે ને બધો મેળ પડતો હોય તો પછી એ વિગતો માર્ક કે પ્રિસિલાના આઇફોન પર મોકલે. સાથે-સાથે પૂછે પણ ખરો કે ફલાણા ભાઈ કે ઢીંકણાં બહેન મળવા આવ્યાં છે તો અંદર આવવા દઉં કે બહારથી જ વિદાય કરી દઉં?

ઝકરબર્ગ કે પ્રિસિલા યસનો મેસેજ કરે તો દરવાજો ખૂલે, નહીંતર પ્રેમથી કહી દે કે સાહેબ કે મૅડમનો અત્યારે મળવાનો મૂડ નથી એટલે પછી મળશે, આવજો.

ઝકરબર્ગ પોતાની અપૉઇન્ટમેન્ટ્સનું લિસ્ટ ‘જાર્વિસ’ને ઍડ્વાન્સમાં મોકલી દે છે. એને કારણે આવનારી વ્યક્તિ એ જ છે કે નહીં એ ‘જાર્વિસ’ ઍડ્વાન્સમાં તપાસી લે ને એ વ્યક્તિને અંદર લઈને તરત ઝકરબર્ગને જાણ કરી દે છે.

આ તો થોડાક નમૂના રજૂ કર્યા, પણ એ સિવાય ‘જાર્વિસ’ બીજાં એવાં-એવાં કામ કરે છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ‘જાર્વિસ’ ટેમ્પરેચર કન્ટ્રોલ કરે છે. ઍપ્લાયન્સિસ અને સિક્યૉરિટીની વાત તો આપણે કરી, પણ નવા શબ્દો અને ક્ધસેપ્ટ પણ એ તરત શીખી લે છે તેમ જ એ અવાજ અને ચહેરાને પણ તરત ઓળખી લે છે.

ઝકરબર્ગ સામાન્ય રીતે રાઉન્ડ નેક ટી-શર્ટ અને જીન્સ પહેરે છે. ‘જાર્વિસ’ તેને માટે રોજ ટી-શર્ટ અને જીન્સ કાઢીને તૈયાર રાખે છે જેથી ઝકરબર્ગે વૉર્ડરોબમાં ફેંદાફેંદી ન કરવી પડે. ઝકરબર્ગનો મૂડ ઑફ હોય તો ‘જાર્વિસ’ તેને જોક પણ સંભળાવે છે ને ઇચ્છા થાય તો મૂવી પણ બતાવી દે છે. ઝકરબર્ગનો ટેસ્ટ શું છે એની એને પાકી ખબર છે ને એ પ્રમાણે એ ખાવાનું પણ બનાવી દે છે. ઝકરબર્ગને ઇચ્છા થાય તો ‘જાર્વિસ’ તેની સાથે વાતો પણ કરી લે છે.

અલબત્ત, આ વાતો કેવી હોય છે એ સાંભળીએ તો જ ખબર પડે.

***

ઝકરબર્ગે 2016માં પોતે કઈ રીતે ‘જાર્વિસ’નું સર્જન કર્યું એ વિશે લાંબીલચક પોસ્ટ લખેલી. સમય મળે ને ટેકનૉલૉજીમાં રસ હોય તો એ પોસ્ટ વાંચજો. બે નવી વાત જાણવા મળશે એની ગૅરન્ટી છે ને ઝકરબર્ગ કેવું ભેજું છે એ પણ ખબર પડશે. આપણાથી એ આખી પોસ્ટ તો અહીં મૂકી ન શકાય એટલે ઝકરબર્ગે શું લખેલું એની વાત ટૂંકાણમાં કરી લઈએ.

ઝકરબર્ગે 2004માં ફેસબુકની સ્થાપના કરી પછી એમાં કામ કરનારા દરેક કર્મચારીએ છ સપ્તાહ માટે બૂટકૅમ્પ નામના પ્રોગ્રામમાં ભાગ લેવો પડે છે. આ પ્રોગ્રામમાં ફેસબુકની આખી સિસ્ટમની જાણકારી તેમને અપાય છે. ઝકરબર્ગે કદી આ પ્રોગ્રામમાં ભાગ નથી લીધો, કેમ કે તે વહીવટી કામોમાં પડી ગયો. ઝકરબર્ગ સામાન્ય રીતે કોડ પણ નથી લખતો, પણ પછી અચાનક તેને ચાનક ચડી કે પોતાના અંગત ઉપયોગ માટે એવા કોડ લખવા જેની પ્રોડક્ટ જોઈને દુનિયા દંગ થઈ જાય. એટલે શું કરવું એ તે વિચારતો ગયો ને એમાંથી છેવટે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આસિસ્ટન્ટ બનાવવાનો વિચાર આવ્યો.

‘જાર્વિસ’ માટે તેણે સળંગ સો કલાક કામ કરીને કોડ લખ્યા. આ કોડ પોતાના ઘરને કમ્પ્યુટર વડે કન્ટ્રોલ કરી શકાય એ માટેના હતા. એ પછી તેણે પોતે ગમે ત્યાંથી પોતાના કમ્પ્યુટર સાથે વાત કરી શકે એવી સિસ્ટમ ગોઠવી. એમાં વિઝન અને ફેસ રેકગ્નિશન સિસ્ટમ ગોઠવી. ઝકરબર્ગની દીકરી મૅક્સ ક્યાં ફરે છે એનાથી શરૂઆત કરી ને પછી આખી સિક્યૉરિટી સિસ્ટમ ગોઠવી દીધી. પછી તેણે મેસેન્જર બોટની મદદથી પોતાના ફોન પરથી સૂચના આપી શકાય એવી સિસ્ટમ બનાવી. મેસેન્જર ઍપલ અને ઍન્ડ્રૉઇડ બન્ને પર કામ કરે છે તેથી ટેક્સ્ટ, વૉટ્સઍપ વગેરે બધું મોકલી શકાય.

આ રીતે ઝકરબર્ગનો ‘જાર્વિસ’ તૈયાર થયો.

***

‘જાર્વિસ’ આમ તો ઝકરબર્ગને અત્યંત મદદરૂપ છે, પણ ક્યારેક એ ઝઘડા પણ કરાવી દે છે.

ઘણી વાર એવું બને કે પ્રિસિલા કોઈ રૂમમાં હોય ને ઝકરબર્ગને ખબર ન હોય. એ રૂમની લાઇટ ચાલુ છે એમ માનીને ઝકરબર્ગ લાઇટ ઑફ કરવાનો આદેશ ફટકારે ને કહ્યાગરો ‘જાર્વિસ’ તરત લાઇટ ઑફ કરી દે. કોઈ વાર મ્યુઝિક વાગતું હોય ને ઝકરબર્ગને લાગે કે આ મ્યુઝિક બરાબર નથી તેથી એ બદલવા કહે. વાસ્તવમાં પ્રિસિલાએ જ એ મ્યુઝિક વગાડવા કહ્યું હોય!

પછી?

ધનાધની.

ઇન્ડિયન હોય કે ચાઇનીઝ હોય, વાઇફો (વાઇફનું ગુજરાતી બહુવચન) તો બધે સરખી જ હોયને યાર?

***

હૉલીવુડનો સુપરસ્ટાર રૉબર્ટ ડાઉની જુનિયર ‘આયર્ન મૅન’ સિરીઝની ફિલ્મોમાં ‘આયર્ન મૅન’ બન્યો છે. રૉબર્ટની ઇચ્છા હતી કે ઝકરબર્ગ પોતાના ઘરમાં ‘જાર્વિસ’ના અવાજ તરીકે પોતાને પસંદ કરે. ‘જાર્વિસ’ સિસ્ટમને મોટા ભાગના કમાન્ડ તો ટેક્સ્ટ મેસેજથી આપવાના હોય છે તેથી એમાં તો અવાજની જરૂર ન પડે, પણ કેટલીક વાતો એવી હોય છે જેના માટે ‘જાર્વિસ’ અને ઝકરબર્ગના પરિવાર વચ્ચે સંવાદ કરવો પડે. દાખલા તરીકે ઝકરબર્ગના પરિવારમાંથી કોઈને જોક સાંભળવાની ઇચ્છા થઈ ને ‘જાર્વિસ’ને ફરમાઇશ કરે તો એને માટે ‘જાર્વિસ’નો અવાજ જોઈએ. એ જ રીતે ઝકરબર્ગના પરિવારમાંથી કોઈને મ્યુઝિક સાંભળવાની ઇચ્છા થાય તો એના માટે પણ સંવાદ કરવો પડે. બહારથી કોઈ આવે ને તેને ઘરમાં આવવા દેવો કે નહીં એની મંજૂરી લેવા માટે પણ અવાજ જોઈએ અને આ અવાજ કોનો હોવો જોઈએ એ મામલે ઝકરબર્ગ પોતે મુંઝાયેલો હતો.

‘જાર્વિસ’ રોબોટિક સિસ્ટમ છે ને મોટા ભાગની રોબોટિક સિસ્ટમની જેમ એમાં પણ એક યુવતીનો મીઠડો અવાજ તો હતો જ, પણ ઝકરબર્ગને લાગતું હતું કે વાત કંઈ જામતી નથી ને જેવી દમદાર સિસ્ટમ બનાવી છે એવો દમદાર અવાજ નથી. આ કારણે એ પેલો મીઠડો અવાજ દૂર કરીને એવો અવાજ લાવવા માગતો હતો જેના કારણે ‘જાર્વિસ’નું વજન પડે ને એ અવાજ સાંભળીને ઘરવાળાને પણ મજા પડે.

આ મૂંઝવણ દૂર કરવા છેવટે ઝકરબર્ગ પોતાના ફૉલોઅર્સના શરણે ગયો. 2015ના ઑક્ટોબરમાં ઝકરબર્ગે ફેસબુક પર પોસ્ટ મૂકી કે પોતે પોતાના ઘરમાં ‘જાર્વિસ’ સિસ્ટમ લગાવવા માગે છે તો એના માટે કોનો અવાજ લેવો જોઈએ? એ વખતે ‘આયર્ન મૅન’ રૉબર્ટ ડાઉની જુનિયરે સામેથી ‘જાર્વિસ’નો અવાજ બનવા ઑફર કરી હતી. ડાઉનીની ઑફર હતી કે પોતે આ કામ દિલથી કરવા માગે છે, પણ એ માટે ‘આયર્ન મૅન’ સિરીઝની ફિલ્મોમાં ‘જાર્વિસ’નો અવાજ બનેલા પૉલ બેટ્ટનીને રકમ ચૂકવાય ને આ રકમ બેનેડિક્ટ કમ્બરબેચ કહે એ ઉદ્દેશ માટે ચૅરિટીમાં અપાય. ઝકરબર્ગને આ દરખાસ્ત સામે વાંધો નહોતો અને તે ડાઉની કહે એ રકમ ખર્ચવા તૈયાર હતો, પણ ઝકરબર્ગના ફૉલોઅર્સને ‘જાર્વિસ’ માટે ડાઉનીનો અવાજ નહોતો જોઈતો.

ઝકરબર્ગની પોસ્ટના જવાબમાં 50 હજાર કરતાં વધારે કૉમેન્ટ્સ આવી અને આ પૈકીની મોટા ભાગની કૉમેન્ટ્સમાં કોનો અવાજ હોવો જોઈએ એવું કહેવાયું હતું ખબર છે?

મૉર્ગન ફ્રીમૅનનો.

ઝકરબર્ગના ચાહકોનું માનવું હતું કે મીઠી ઘંટડી જેવા યુવતીના ટિપિકલ રોબોટિક અવાજને બદલે મૉર્ગન ફ્રીમૅનનો અવાજ ‘જાર્વિસ’ માટે હોવો જોઈએ.

મૉર્ગન ફ્રીમૅન 80 વર્ષનો છે પણ હજુય સક્રિય છે. હૉલીવુડમાં જેમને લિવિંગ લેજન્ડ કહી શકાય એવા ફ્રીમૅને એક-એકથી ચડે એવી યાદગાર ફિલ્મો આપી છે. આખી યાદી તો આપી ન શકાય, પણ ફ્રીમૅનનો તરત જ યાદ આવે એવો મજ્જાનો રોલ બ્રુસ વિલિસની અફલાતૂન ‘રેડ’ સિરીઝની બન્ને ફિલ્મોમાં હતો. એકદમ મસાલા ફિલ્મ, ટિપિકલ હૉલીવુડ સ્ટાઇલની ને એમાં બ્રુસ વિલિસ, જૉન મિલ્કોવિચ, મૅરી લુઈ પાર્કર અને ફ્રીમૅનની ચોકડીએ જે ધમાલ મચાવી છે એ જોઈને દિલ ખુશ થઈ જશે.

ફ્રીમૅને એ સિવાય ‘મિલ્યન ડૉલર બેબી’, ‘ડીપ ઇમ્પૅક્ટ’, ‘બ્રુસ અલમાઇટી’, ‘ડ્રાઇવિંગ મિસ ડેઇઝી’ જેવી કેટલીયે અફલાતૂન ફિલ્મોમાં કામ કર્યું છે. ‘મિલ્યન ડૉલર બેબી’ માટે ફ્રીમૅનને 2004માં ઑસ્કર ઍવોર્ડ મળેલો. એ સિવાય ચાર વાર તો તે ઑસ્કર ઍવોર્ડ માટે નૉમિનેટ થયો છે. આપણે ત્યાં ફિલ્મોના ઍવોર્ડ્સમાં રીતસર ધુપ્પલો ચાલે એવું ઑસ્કર ઍવોર્ડ્સમાં નથી હોતું. એ જોતાં ફ્રીમૅનની સિદ્ધિ મોટી છે એવું કહી શકાય. હૉલીવુડની કમાણીમાં ફ્રીમૅન હૅરિસન ફોર્ડ, બ્રુસ વિલિસ, સૅમ્યુઅલ એલ. જૅક્સન પછી ચોથા નંબરે છે. જેમને અંગ્રેજીમાં ટપ્પો ન પડતો હોય તે હિંદીમાં ડબ કરેલી ફિલ્મો જોશે ને તો પણ ફ્રીમૅન કેવો ઊંચા ગજાનો કલાકાર છે એ ખબર પડશે.

ફૉલોઅર્સની માગણી પછી ઝકરબર્ગે ફ્રીમૅનને ફોન કર્યો ને લોકોની શું ઇચ્છા છે એ એક વાક્યમાં કહી દીધું.

સામે ફ્રીમૅને પણ માત્ર બે શબ્દોમાં જવાબ આપી દીધો, ‘યા, શ્યૉર.’

પછી તો તરત જ ફ્રીમૅનના અવાજમાં વૉઇસ કમાન્ડ રેકૉર્ડ કરાયા.

ઝકરબર્ગના ઘરમાં હવે દરરોજ જાર્વિસના મોઢે ફ્રીમૅનનો અવાજ સાંભળવા મળે છે.

***

ઝકરબર્ગે ફેસબુક સાવ સસ્તામાં ઊભું કરેલું. કૉલેજમાં ભણતાં-ભણતાં મિત્રો એકબીજા સાથે બધું શૅર કરી શકે એ માટે તેણે ફેસબુક બનાવ્યું ને આજે ફેસબુક આખી દુનિયામાં સોશિયલ મીડિયાનો પર્યાય બની ગયું છે. દુનિયાની બીજી મોટી કંપનીઓ બનાવવા પાછળ કરોડોનાં આંધણ થયાં છે. બિલ ગેટ્સની માઇક્રોસૉફ્ટ કે સ્ટીવ જૉબ્સની ઍપલ પણ એમાંથી બાકાત નથી. ફેસબુક એમાં અપવાદ છે, કેમ કે બેઝિકલી ફેસબુક માઇક્રોસોફ્ટ કે ઍપલની જેમ કોઈ પ્રોડક્ટ વેચતી કંપની નથી, પણ આઇડિયા પર ઊભી થયેલી કંપની છે.

માર્ક ઝકરબર્ગે ‘જાર્વિસ’ પણ કોઈ રોકાણ વિના બનાવેલી સિસ્ટમ છે. માર્કે એની પાછળ સો કલાક આપ્યા પણ એ સિવાય તેનું બીજું કોઈ રોકાણ એમાં નથી. દુનિયામાં લોકો ભવ્ય ઘર બનાવવા માટે કરોડો ખર્ચી નાખતા હોય છે ત્યારે ઝકરબર્ગે પાઈ પણ ખર્ચ્યા વિના એવું ઘર બનાવ્યું જે દુનિયામાં બીજા કોઈ પાસે ન હોય. ઝકરબર્ગે કે તેની પત્નીએ એને ઑપરેટ કરવા માટે કોઈ નવું ઉપકરણ કે ડિવાઇસ પણ નથી લાવવાં પડ્યાં. એ બન્ને અને તેમના ઘરમાં કામ કરનારા માણસો પોતાના આઇફોન પરથી જ સૂચના આપીને ‘જાર્વિસ’ને ઑપરેટ કરી શકે છે.

આપણે રોજ ટીવીમાં એક આઇડિયા કઈ રીતે દુનિયા બદલી નાખે છે એની વાતો સાંભળ્યા કરીએ છીએ, પણ કશું બદલાયેલું જોતા નથી. જોકે ઝકરબર્ગના એક આઇડિયાએ પહેલાં દુનિયા બદલી ને હવે તેના નવા આઇડિયાએ તેના ઘરને બદલી નાખ્યું છે.

***

તમારા ઘરમાં પણ એક ‘જાર્વિસ’ હોય એવી ઇચ્છા છે?

આવી ઇચ્છા થાય તો એમાં કશું ખોટું નથી ને તમારાં નસીબ સારાં હશે તો ભવિષ્યમાં ઝકરબર્ગ ‘જાર્વિસ’ને બજારમાં મૂકે પણ ખરો. ઝકરબર્ગે પોતે આ વાત કરી છે. પશ્ર્ચિમમાં ટેકનોક્રૅટ્સ પોતાના આઇડિયામાંથી થોકબંધ માલ કઈ રીતે કમાવાય એમાં ઉસ્તાદ હોય છે ને ઝકરબર્ગ તો આમેય બધાંનો બાપ સાબિત થયો છે.

ઝકરબર્ગે પોતે કહ્યું છે કે મેં મારા અંગત ઉપયોગ માટે ‘જાર્વિસ’ બનાવ્યો, પણ હવે હું ‘જાર્વિસ’નું એવું વર્ઝન બનાવવા માગું છું જે બીજાને પણ ઉપયોગી થાય.

ટૂંકમાં, ‘જાર્વિસ’ના બીજા ભાઈ-ભાંડુ ગમે ત્યારે બજારમાં આવશે. તૈયાર રહેજો.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.