‘કામ કરતાં-કરતાં જ મરવાનું છે તો મોટાં કામ કરીને જ મરીએને!’ જયંતીલાલ ગડા

બૉલીવુડના પાવરફુલ ગુજરાતી બિઝનેસ ટાઇકૂનની એક્સક્લુઝિવ મુલાકાત

By- મનીષા શાહ

મુંબઈના પૉશ એરિયા ગણાતા અંધેરીના લિન્ક રોડ પરની એક બહુમાળી ઇમારતના અગિયારમે માળે આવેલી ફિલ્મ નિર્માણગૃહ ‘પેન’ની અતિભવ્ય ઑફિસ જોઈને ‘કૉકટેલ ઝિંદગી’ના ફોટોગ્રાફર રાકેશ દવેના મોઢામાંથી શબ્દો સરી પડે છે: ‘આટલી સરસ ઑફિસ મેં બે દાયકાની કરીઅરમાં બૉલીવુડમાં ક્યાંય જોઈ નથી. અહીં તો શૂટિંગ કરી શકાય!’ આ ઑફિસની ભવ્યતા, ઇન્ટિરિયર અને આધુનિક ગૅજેટ્સ-સુવિધાઓથી તદ્દન વિરોધાભાસી અને એકદમ સરળ વ્યક્તિત્વ છે ‘પેન’ના માલિક જયંતીલાલ ગડાનું.

સફળતા, સિદ્ધિ અને આંબેલી ઊંચાઈની સરખામણીએ જયંતીભાઈ એકદમ સરળ અને સીધાસાદા માણસ છે. તેમના વ્યક્તિત્વ, વાતચીત કે વર્તનમાં લેશમાત્ર અભિમાન કે ભાર વર્તાતા નથી. સાથોસાથ ધંધાની વાતમાં જરાય ખોટેખોટા તણાઈ ન જવાની સહજ મક્કમતા પણ ખરી. આજે 40 હજાર સ્ક્વેર ફૂટની ત્રણ આલાગ્રાન્ડ ઑફિસ અને સેંકડો લોકોનો સ્ટાફ અને સતત કામમાં ગળાડૂબ રહેતા હોવા છતાં કાયમ રિલેક્સ રહેતા જયંતીભાઈનો જન્મ 1962ની 31 માર્ચે કચ્છ-વાગડના લાકડિયા ગામે થયો હતો. તેઓ માંડ બે વર્ષના થયા ત્યાં પિતા વેરશી ખેતશી ગડા મુંબઈ આવી ગયા. ગડા પરિવાર મુંબઈના કુર્લા વિસ્તારમાં રહેવા માંડ્યો.

જયંતીભાઈના જીવનમાં ‘સી’નું મહત્ત્વ બહુ રહ્યું છે. કૉન્ફિડન્સ, કટલરી, સિનેમા, કરોડ અને હવે કૉર્પોરેટ. એ કઈ રીતે? જયંતીભાઈના જ શબ્દોમાં: ‘મેં ગુજરાતી મીડિયમમાં એકથી ચાર ધોરણ સુધી કુર્લાની મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ ઘાટકોપરની ગુરુકુળ હાઈ સ્કૂલમાં મૅટ્રિક સુધી ભણ્યો. મને ટેક્નિકલ વિષયમાં વધુ રસ. ગણિત અને ઇંગ્લિશ મારી નબળી કડી. મને મૅટ્રિકમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો. જોકે 65 ટકા માર્ક્સ છતાં ભણવામાં બહુ રસ નહોતો. સાથોસાથ મારા મોટા ભાઈ કાંતિભાઈને આગળ ભણવાની બહુ ઇચ્છા. એ જ સમયે બાપુજીને ભાડે ચડાવેલી એક દુકાન પાછી મળવાની હતી. એટલે કે ભાડૂત દુકાન છોડીને જઈ રહ્યો હતો. આ નવી દુકાન સંભાળવા ઘરના એક માણસની જરૂર ઊભી થઈ. મેં હરખભેર જવાબદારી સંભાળવાની તૈયારી બતાવી. એ વખતે બાપુજીની કુલ ત્રણ દુકાન હતી. કરિયાણાની, કટલરીની અને કપડાંની. મેં કટલરીની દુકાન પર પસંદગી ઉતારી. કુર્લાની એ દુકાન ત્રણ વર્ષ ચલાવી.

તો કટલરીનોસીકઈ રીતે સિનેમાનોસીબની ગયો? અમે પૂછીએ છીએ.

મેં કુર્લાની દુકાનમાં જ 1988માં વિડિયો લાઇબ્રેરી શરૂ કરી. વિડિયો કૅસેટનું દસ રૂપિયા ભાડું લેતો હતો. કદાચ મારું મગજ વધુ પડતું ચાલતું હતું. મેં કાલિનાના એક ફાઇનૅન્સર પાસેથી સારી એવી મોટી લોન લીધી. પૈસા લઈને ઘરે ગયો તો બાપાએ મોઢા પર કહી દીધું કે આ લોન તારી કાબેલિયત કે તારા નામને લીધે નથી મળી, પણ મારા નામ અને મારી શાખને પ્રતાપે મળી છે. હું એ રકમ લઈને તરત જ ફાયનૅન્સર પાસે ગયો અને પૈસા એમ કહીને પાછા આપી દીધા કે આ તો મારા બાપાને નામે આપ્યા છે એટલે મને ન ખપે. તે ભાઈએ મને સમજાવ્યો કે મેં તને જોઈને, તારા કામને જોઈને આ લોન આપી છે, તારા પર વિશ્વાસ છે. મેં તેને સાફ શબ્દોમાં કહ્યું કે આ વાત તમે ફોન કરીને મારા બાપાને કહી દો. તે માણસે ફોન કર્યા બાદ મેં એ પૈસા રાખી લીધા. હકીકતમાં એ મારી અસલી શરૂઆત હતી.

શરૂઆત કેવી રહી?

એકદમ સુપરહિટ. મેં લૅમિંગ્ટન રોડ પર 5000 સ્ક્વૅર ફૂટની દુકાન લીધી. ત્યાંથી વિડિયો કેસેટ સપ્લાયનું હોલસેલનું કામકાજ શરૂ કર્યું. હું વીડિયોના કોપીરાઇટ ઓનર પાસેથી કોપી લઈને ભારતભરના વીડિયો લાઇબ્રેરીવાળાને માલ સપ્લાય કરતો. આજે મૉલમાં ટ્રૉલી ભલે દેખાતી, પણ મારી દુકાનમાં એ સમયે ગ્રાહકો ટ્રૉલી લઈને વિડિયો કૅસેટની ખરીદી કરતા હતા. આ કામમાં ‘ટાઇમ’વાળા ધીરુભાઈ શાહને મેં ગુરુ માન્યા. તેમની પાસેથી ઘણું શીખ્યો. વિડિયો લાઇબ્રેરીથી હોલસેલ, હોલસેલથી કૉપીરાઇટ અને કૉપીરાઇટથી કૅસેટ મૅન્યુફૅક્ચરિંગ સુધીની મજલ મેં કાપી. મેં પોતાની બ્રૅન્ડ બનાવી: પૉપ્યુલર એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક. પહેલી ફિલ્મના વિડિયો રાઇટ્સ ખરીદ્યા. એ ફિલ્મ હતી: ‘જબ જબ ફુલ ખિલે’. આજે ભલે એ સુપરહિટ ફિલ્મ જૂની લાગે, પણ એ સમયે હજી વિડિયો રાઇટ્સ વેચાવાની શરૂઆત જ થઈ હતી. એ સમયની એક સમસ્યા યાદ આવતાં હજી હસી પડાય છે. હું ઉંમરમાં ખૂબ નાનો એટલે વિડિયો રાઇટ્સ ખરીદવા જાઉં તો ફિલ્મ-પ્રોડ્યુસર જરાય ગંભીરતાથી ન લે. એટલે મોટા દેખાવા માટે મેં ચશ્માં પહેરવાનું શરૂ કર્યું હતું. મારી દુકાન એ સમયે એશિયાની સૌથી મોટી વિડિયો લાઇબ્રેરી હતી.

સંઘર્ષ બહુ જલદી પૂરો થઈ ગયો?

ના. હકીકતમાં તો આને હું એ સમયને સંઘર્ષની શરૂઆત કહીશ. હકીકતમાં એ બહુ મોટું કામ હતું જે મારી સમજ, તાકાત અને ગણતરી બહારનું હતું. હિન્દુસ્તાન ખૂબ મોટું હતું જેનો મોટો ભાગ મેં જોયો નહોતો, પણ મારી વિડિયો કૅસેટ્સ ખૂણેખૂણે પહોંચતી હતી. મારી કૅસેટ્સની ધૂમ ડિમાન્ડ, એટલી જ સપ્લાય. ફોન પર ઑર્ડર આવે અને અમે બંડલ બાંધી-બાંધીને માલ મોકલી દઈએ. હકીકતમાં એકલે હાથે બધું સંભાળવાનું મુશ્કેલ હતું. માલ મોકલતો રહું, પણ પેમેન્ટ ન મળે. 1989-90માં એકાદ કરોડનું નુકસાન કર્યું. નાદારી નોંધાવવાની નોબત આવી ગઈ હતી. મોટી દુકાન વેચીને હું નાની દુકાનમાં જતો રહ્યો, 5000 સ્ક્વેર ફૂટમાંથી 90 સ્ક્વેર ફૂટની દુકાનમાં!

ફરી ખરાબ તબક્કો આવી ગયો!

કદાચ સારું થયું. ત્યાર બાદ મારે પાછા વળીને જોવું પડ્યું નથી. હવે ધંધાની ઘણી ગડ બેસી ગઈ હતી. અહીંથી મેં ખારમાં ઑફિસ લીધી, 500 સ્ક્વેર ફૂટની. ફરી કૉપીરાઇટ્સ ખરીદવાનું શરૂ કરી દીધું. આ વખતે કામકાજ એટલું વ્યવસ્થિત રીતે સંભાળ્યું કે ફિલ્મઉદ્યોગમાં દોસ્તી વધવા માંડી. મારો વ્યવહાર ખૂબ સારો, ચોખ્ખો અને પારદર્શક એટલે ગાડી વ્યવસ્થિત દોડવા માંડી.

તમારી કરીઅરનું સૌથી મહત્ત્વનું પાસું એટલે ઝી ટીવી સાથેનો સંબંધ. ઝી ટીવીના સુભાષચંદ્ર ગોયલ સાથે સંબંધ કેવી રીતે બંધાયો?

1992માં ઝી ટીવી, 1995માં સોની, પછી સહારા, સ્ટાર…’ આ બધી ટીવી-ચૅનલોને હું જ ફિલ્મ સપ્લાય કરતો હતો. 2003માં સુભાષજીના ધ્યાનમાં એક વાત આવી કે મેં 1992થી 2003માં સપ્લાય કરેલી બધી ફિલ્મોની ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ-લોકપ્રિયતા) ઘણી સારી હતી. ઘણી વખત અમુક કારણોસર અમે ભાગીદારીમાં ટીવી પર ફિલ્મ રિલીઝ કરતા. આમાં બન્યું એવું કે સુભાષજીએ સલાહ આપી કે તું પણ ત્રણ અક્ષરમાં નામ રાખ એટલે લોગો મોટો અને વ્યવસ્થિત દેખાય. ત્યારે એક મિત્રે સૂચવ્યું કે  popular entertainment networkનું  ‘પેન’ કરી નાંખ. ‘પેન’ની ફિલ્મોની ધૂમ ટીઆરપી જોઈને તેમણે મને બોલાવ્યો. મને ખરીદવાનું કે નોકરીએ રાખવાનું તો શક્ય નહોતું. એટલે એક્સક્લુઝિવ એજન્સી આપી દીધી. 2004થી ઝી સિનેમા માટે ફિલ્મોની ખરીદી, વેચાણ અને સંચાલન અમે શરૂ કરી દીધું. અમારા સહિયારા પ્રયાસથી 2004થી 2016 વચ્ચે દુનિયાભરમાં ઝીની આઠ સિનેમા ચૅનલ ચાલવા માંડી.

સંતાનો મોટાં થયા બાદ તમારી સાથે જોડાવા આવી ગયાં હશેને?

સૌપ્રથમ મારી દીકરી ભાવિતા મારી સાથે જોડાઈ. તેણે ઍનિમેશન ફિલ્મોનો વિભાગ સંભાળી લીધો. ઍનિમેશન ફિલ્મ ‘મહાભારત’ની રિલીઝમાં વાહ વાહ થઈ ત્યાં મારા ભત્રીજા કુશલ ગડાએ ‘પેન’ માટે સુજોય ઘોષની ‘કહાની’ બનાવી. આ ફિલ્મે સફળતાના અને ઍવૉર્ડના વિક્રમો રચ્યા. ત્યાર બાદ મારો મોટો દીકરો ધવલ ગડા બોર્ડ પર આવ્યો અને તેણે ‘ઇશક’ બનાવી. 2015માં નાનો દીકરો અક્ષય ગડા અમારી સાથે જોડાયો. તેને ડિજિટલમાં જવું હતું. તે બહુ જલદી બે ઍપ લૉન્ચ કરવાનો છે: ‘બૉલીવુડ ટાઇમ્સ’ અને ‘પ્લે માય મૂવી!’

બધું બહુ સરસ ગોઠવાઈ રહ્યું હતું

હા, એટલે જ મને થયું કે હવે હું રિટાયર થઈ જાઉં. બાવનમા વર્ષે મેં ઝીવાળાને વિનંતી કરી કે હવે મને મુક્ત કરો, નહીં તો મારા બાળકોની કરીઅર પર ધ્યાન નહીં આપી શકાય. હું દુવિધામાં હતો કે કમાણી મહત્ત્વની કે પરિવાર? અને કોઈએ ક્યાંય કરી કે વિચારી ન હોય એવી એક નાનકડી ઇવેન્ટ કરી. 2015માં  મેં દીકરા ધવલ ગડાને મારી ખુરશી આપી દીધી. ત્યાર બાદ મેં ખૂબ રજાઓ માણી. 16 મહિનાની હૉલિડેમાં આખી દુનિયામાં ફર્યો: અમેરિકા, યુરોપ, બ્રિટન અને લગભગ આખું ભારત. જોકે એક વાત સમજાઈ ગઈ કે કામ વગર જીવવું મુશ્કેલ છે!

અચ્છા? અને યંગ જનરેશને તમારી કંપનીને કેવી રીતે સંભાળી?

મારા દીકરાએ નાની ઉંમરમાં ઉત્સાહને લીધે ઘણા બધા ફિલ્મ-પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી. બે ટીવી-સિરિયલ શરૂ થઈ ગઈ: ‘ઉડાન’ અને ‘નામકરણ’. મારા સમયમાં અમે માત્ર હિન્દી ફિલ્મો કરતા હતા; પણ નવી પેઢીએ તામિલ, તેલુગુ અને ક્ધનડ પ્રોજેક્ટ્સમાં હાથ નાખ્યા. ધવલ થોડો મૂંઝાયો હતો. તેણે મને રિક્વેસ્ટ કરી કે તમે પાછા આવી જાઓ, મારાથી બધું સંભાળાતું નથી. એટલે 2016ના એપ્રિલમાં હું રિટાયરમેન્ટમાંથી પણ રિટાયર થઈ ગયો!

બીજી ઇનિંગ્સમાં કોઈ ખાસ ધ્યેય?

વિચાર્યું કે કામ કરતાં-કરતાં મરવાનું છે તો મોટાં કામો કરીને જ મરીએ! મોટા દીકરા ધવલ અને ભત્રીજા કુશલે ટીવી, નાના દીકરા અક્ષય અને ભાણિયાએ ડિજિટલ ઍપ અને મેં ફિલ્મોનું કામકાજ વહેંચી લીધું. અમે સાથે હોવા છતાં જુદાં-જુદાં કામ કરીએ છીએ. દીકરી ભાવિતા પણ જમાઈ ડૉક્ટર નિનાલ શાહ સાથે સેટલ થઈ ગઈ છે. આટલું બધું કામ કોઈ પ્રોપ્રાઇટરી ફર્મે કર્યું હોય એવો આ એક માત્ર કેસ છે.

પરંતુ હવે તો આપની કંપની કૉર્પોરેટ બનવાની દિશામાં આગળ વધી રહી છેને.

હા, આ માટે વ્યવસ્થિત તૈયારી સાથે અમે આવવાના છીએ. અમારી કંપનીમાં જાણીતા ફિલ્મસર્જક અને અભિનેતા સતીશ કૌશિક તથા લેખક-ગીતકાર જાવેદ અખ્તર ડિરેક્ટર તરીકે જોડાયા છે. આ સાથે ઘણી ભવ્ય યોજનાઓ પણ વિચારાઈ રહી છે.

લાંબી મજલની કોઈ ખાસ વાત?

મેં ઝી ટીવીના સુભાષજી સાથે ત્રણ હજાર કરોડનું કામ કર્યું. પછી મારાં અંગત કારણોસર છૂટો થયો, પણ આજેય સુભાષજી સાથે ખૂબ જ સુમેળભર્યા સંબંધ છે. આજેય ‘પેન’ની બધી ફિલ્મોના સૅટેલાઇટ રાઇટ્સ ઝી ટીવી જ ખરીદી લે છે. આને હું મારી અસલ મૂડી અને કમાણી સમજું છું.

ઈવન સ્કાય હેઝ નો લિમિટ!

જયંતભાઈ ગડાની બિઝનેસ-સેન્સ અને ‘પેન’ ની ટીમ માટે કહી શકાય કે ઈવન સ્કાય હેઝ નૉ લિમિટ. આ શબ્દોમાં અતિશયોક્તિ લાગતી હોય તો જાણીએ ‘પેન’ની ગઈ કાલ, આજ અને આવતી કાલની કેટલીક વાતો

જયંતીભાઈએ ફિલ્મઉદ્યોગનાં વિવિધિ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કર્યું છે. મૂવી પ્રોડક્શન હોય કે એક્વિઝિશન હોય, ફિલ્મના રાઇટ્સનું વેચાણ હોય કે થિયેટર અને સૅટેલાઇટ ડિસ્ટ્રિબ્યુશન હોય, મૂવી માર્કેટિંગ હોય કે કૉપી રાઇટ્સનો મામલો હોય, રૉયલ્ટી હોય કે ઍડ્વર્ટાઇઝિંગ અને કન્સલ્ટન્સી હોય કે રાઇટ્સની ખરીદી હોય; તેમણે પોતાની વ્યાપારી કોઠાસૂઝ અને કુનેહથી એક-એક બાબતને સમજી છે, અનુભવી છે અને સફળતાપૂર્વક હાથ ધરી છે.

ફિલ્મને કળાને બદલે માત્ર મનોરંજન અને વેપાર માનવાની સમજ વર્ષોથી જયંતીભાઈમાં નજરોનજર જોઈ છે. આજે આટલાં વર્ષેય બૉલીવુડમાં ઘણા તેમની બિઝનેસ કરવાની રીત અને તર્ક સમજી શકતા નથી; પરંતુ આ કચ્છી માડુ પોતાની તાકાત, ગણતરી, સમજ અને કુનેહના જોરે સતત આગળ વધી રહ્યો છે. બૉલીવુડનાં મસમોટાં અને નામાંકિત લોકો સાથે પ્રોજેક્ટસ કરે છે એટલું જ કે એનાથી પણ વધુ કામકાજ જયંતીભાઈ કરે છે, તેમનો પરિવાર કરે છે. આના મૂળમાં શુદ્ધ વેપાર-બુદ્ધિ, કુનેહ, કાબેલિયત અને સાહસિક્તા છે.

‘પેન’ હાલ અગિયારેક ફિલ્મ-પ્રોજેક્ટ્સ પર સક્રિય છે. બૉલીવુડમાં કોઈ એકસાથે આટલીબધી ફિલ્મો બનાવતું હોવાનું ધ્યાનમાં નથી. આમાં ‘અ વેડનસ ડે’ અને ‘બેબી’વાળા નીરજ પાંડેની ‘ઐય્યારી’ (સિદ્ધાર્થ મલ્હોત્રા, મનોજ બાજપાઈ), નવનીત સિંહ દિગ્દર્શિત ‘યમલા પગલા દીવાના થ્રી’ (દેઓલ ત્રિપુટી), ઇન્દ્રકુમારની હિટ ફિલ્મ ‘ધમાલ’નો આગામી ઇન્સ્ટૉલમેન્ટ ‘ટોટલ ધમાલ થ્રી’ (અજય દેવગન, અનિલ કપૂર), સુજોય ઘોષની ‘કહાની થ્રી’ (વિદ્યા બાલન), વિપુલ શાહની ‘કમાન્ડો થ્રી’ (વિદ્યુત જામવાલ), કે. રવિચંદ્રનની ‘એસ થ્રી’ (‘પેન’ની સુપરહિટ તામિલ ફિલ્મની હિન્દી આવૃત્તિ સની દેઓલ સાથે) અને ઈ. નિવાસની ‘ગુમનામ-ધ ગેમ અનનોન’ છે. આ ઉપરાંત બે ગુજરાતી ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ગુજ્જુભાઈ ટૂ’ અને લતેશ શાહની ‘ચિત્કાર’ (સુજાતા મહેતા) તથા બે તામિલ ફિલ્મ પણ ખરી.

આની સાથોસાથ જયંતીભાઈએ ભૂતકાળમાં સુપરહિટ નીવડેલી હિન્દી ફિલ્મો ‘આખરી રાસ્તા’, ‘અંધા કાનૂન’, ‘ચાલબાઝ’, ‘એક હી ભૂલ’, ‘જૉન જાની જનાર્દન’, ‘સંસાર’, ‘માંગ ભરો સજના’, ‘કહાની’ અને ‘નાયક રિટર્ન્સ’ની મૂળ પ્રાદેશિક ફિલ્મના હિન્દી રીમેકના રાઇટ્સ ખરીદી લીધા છે. આમાંથી કેટલીક ફિલ્મો ચોક્કસ સ્ટાર સાથે જ બનાવવાની જયંતીભાઈની નેમ છે. આમાંના અમુક સબ્જેક્ટને મૉડર્ન સ્વરૂપે રજૂ કરવાનું લેખનકાર્ય ચાલી રહ્યું છે.

જયંતીભાઈએ ‘પેન’ના બૅનર હેઠળ ટેલિવિઝન ક્ષેત્રે પણ સારી એવી સફળતા મેળવી છે. તેમની બે હિટ સિરિયલ ‘ઉડાન’ અને ‘નામકરણ’ લાંબા સમયથી ચાલી રહી છે. આ સિવાય તેમના નિર્માણગૃહે ‘દિલ કી બાતેં દિલ હી જાને’ અને ‘રિશ્તોં કા સૌદાગર – બાઝીગર’ પણ બનાવી છે.

2006થી 2010ના તબક્કામાં તેમણે ‘મહાભારત’, ‘કૃષ્ણા’, ‘રાવણ’, ‘ગણેશ’ અને ‘ઘટોત્કચ’ જેવી ઍનિમેશન ફિલ્મ પર હાથ અજમાવ્યો હતો. ‘શોલે’ને થ્રી-ડીના ફૉર્મેટ અસરથી રજૂ કરવાનો પ્રયોગ પણ કરી જોયો.

જયંતીભાઈ હવે પરંપરાગતની સાથોસાથ મૉડર્ન પ્લૅટફૉર્મ પર પણ પગરણ માંડી રહ્યા છે. તેઓ બૉલીવુડ સંબંધી બે ઍપ્લિકેશન બહુ જલદી લાવી રહ્યા છે. આ બન્ને ઍપનું કામકાજ બન્ને દીકરા સંભાળશે. ‘બૉલીવુડ ટાઇમ્સ’ એટલે ‘બીટી’ એક મોબાઇલ ઍપ ઉપરાંત વેબસાઇટ અને સોશિયલ મીડિયા હશે. ફિલ્મના પ્રમોશન માટેના આ પ્લૅટફૉર્મ પર ટિકિટના બુકિંગની પણ વ્યવસ્થા હશે. ફિલ્મોની માહિતી, ટ્રેલર, સમાચાર, ગૉસિપ ટ્રિવિયા અને ટ્રેન્ડિંગ નાઉ જેવા વિભાગો પણ ખરા જ.

બીજી ઍપ છે ‘પ્લે માય મૂવી’. આ ડિજિટલ પ્લૅટફૉર્મ ઑનલાઇન વિડિયો-ઑન-ડિમાન્ડની સેવા પૂરી પાડશે. આ એપ થકી સબ્સક્રાઇબર્સ હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી અને ભોજપુરી ઉપરાંત પરદેશી ભાષાની ફિલ્મો પણ આંગળીનું ટેરવું દબાવીને જોઈ શકશે.

દૂરદર્શન અને સૅટેલાઇટ ચૅનલની દુનિયામાં ઘણા સફળ પ્રયોગો અને વિક્રમ નોંધાવનારા જ્યંતીભાઈ પોતાની ત્રણ નવી ચૅનલ લાવી રહ્યા છે. આમાં પહેલી ચૅનલ હશે બોલીવુડ ટાઈમ્સ ન્યુઝ એટલે કે બીટી ન્યુઝ. બૉલીવુડ ટાઇમ્સ ન્યુઝમાં બૉલીવુડના ન્યુઝ, ગૉસિપ, કરન્ટ સબ્જેક્ટ્સ હશે. જોકે જયંતીભાઈનો દાવો છે કે બોલ્ડનેસ અને એક્સક્લુઝિવનેસ આ ચૅનલની હાઇલાઇટ બની રહેશે. બીજી ચૅનલ હશે ‘આઇ લવ’. યસ, એમાં બૉલીવુડની ફિલ્મોમાં ઝિલાયેલા પ્રેમના વિવિધ રંગ, સ્વરૂપ અને પ્રકાશને એકસાથે પેશ કરાશે. એમાં 60, 70 અને 80ના દાયકાનાં યાદગાર પ્રેમગીતો બતાવાશે. આ લાગે છે એટલું આસાન નથી. વિચારપૂર્વક ગીતોની પસંદગી કરવી, એના રાઇટ્સ ખરીદવા, પછી એના વિઝ્યુઅલ અને સાઉન્ડ રીસ્ટોર કરવાનુ કામ ખર્ચાળ અને સમય માગી લે એવું છે; પણ લેટેસ્ટ ટેકનૉલૉજીમાં રીમાસ્ટર કર્યા સિવાય સમય સાથે તાલ મેળવવાનું મુશ્કેલ હોવાનું જયંતીભાઈ અને તેમની ટીમ સુપેરે જાણે છે. ત્રીજી ચૅનલ એટલે ‘એમ ટ્યુન્સ.’ આ માર્કેટ ગજવતી ચૅનલ તેમણે ખરીદી લીધી છે, પણ હવે એમાં સુધારાવધારા થઈ રહ્યા છે. આ ચૅનલનું એકમાત્ર ધ્યેય લેટેસ્ટ સુમધુર બૉલીવુડ ગીત-સંગીતથી દર્શકોના કાન-આંખ તરબતર કરવાનો છે.

બૉલીવુડમાં ગુજરાતી પ્રજાનું ખૂબ નોંધપાત્ર પ્રદાન છે. એનો ઇતિહાસ લખાશે ત્યારે જયંતીલાલ ગડા વિશે ઘણું લખાશેને? અમે પૂછીએ છીએ.

જયંતીભાઈ એકદમ સરળતા-સહજતાથી કહે છે, ‘છોડો એ બધુ. હું તો વેપાર કરું છું!’

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.