કે. એલ. સહગલઃ કોઈ પ્રીત કી રીત બતા દે

આજે ગુગલ પર તમને જે ડુડલ દેખાય છે એ કે.એલ. સહગલનું ડુડલ છે એ તો સૌ જાણે છે, પરંતુ આજની પેઢી કુંદનલાલ સહગલના નામ સિવાય તેમના કામથી પરિચિત નહીં હોય. આ કારણે જ તમને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે લેજ્ન્ડ્સ થઈ ગયા છે એ બધા સહગલને પોતાના ગુરુ માનતા હતા અને પોતાની કારકિર્દીના સંઘર્ષ દરમિયાન સહગલને મળવાની કે તેમની એક ઝલક માત્ર પામવા મથામણ કરતા હતા. એ નામોમાં મુકેશ અને કિશોરકુમારથી લઈ લતા મંગેશકર સુધીની હસતીઓનો સમાવેશ થાય છે, જેઓ સહગલને મળવાની કે તેમની સાથે કામ કરવાની ઇચ્છા ધરાવતા હતા. આજથી ૧૧૪ વર્ષ પહેલા વર્ષ ૧૯૦૪માં જમ્મુના નવા શહેરમાં જન્મેલા સહગલે હિન્દી સિનેમામાં દમદાર અભિનય તો કર્યો જ હતો, પરંતુ તેમની ગાયકીને કારણે તેઓ વધુ લોકપ્રિય થયાં હતા અને આજે પણ એમની ગાયકીના ઉદાહરણ અપાય છે.

ધાર્મિક વૃત્તિ ધરાવતી તેમની માને કારણે સહગલને બાળપણથી સંગીતમાં રુચિ હતી. તેમની મા તેમને અનેક ધાર્મિક કાર્યક્રમોમાં સાથે લઈ જતી અને ભજનોમાં સહગલ પાસે ગીતો ગવડાવતી. મજાની વાત એ છે કે સહગલ બાળપણથી પોતાના શહેરમાં આવતી રામલીલામાં ભાગ લેતા અને હંમેશાં સીતાનું પાત્ર ભજવતા.

બાળપણમાં તેમણે સલમાન યુસુફ નામના સૂફી સંત પાસે સંગીતની તાલીમ પણ લીધી હતી. જોકે આર્થિક તંગીને કારણે ભણતર અને સંગીતની તાલીમ અધવચ્ચેથી છોડીને તેમણે નોકરીઓ કરવી પડી હતી. હિન્દી સિનેમામાં કામ શરૂ કરે એ પહેલા તેમણે રેલવેમાં ટાઈમ કીપરની અને એક ટાઈપરાઈટર મશીન બનાવતી કંપનીમાં સેલ્સમેનની નોકરીઓ કરી હતી.  પરંતુ ૧૯૩૦ના દાયકામાં તેમણે અભિનયથી ફિલ્મી દુનિયામાં પગલાં માંડ્યા અને પછી વાયા અભિનય તેઓ ગાયકીના બાદશાહ થઈ ગયા. સહગલ સાહેબે કઈ કઈ ફિલ્મોમાં  કામ કર્યું અને કેવા કેવા હીટ ગીતો ગાયા એ તો ગુગલ બાબા પણ આસાનીથી બતાવી દેશે, પરંતુ સહગલ સાહેબની ગીત ગાવાની સ્ટાઈલ અને તેમની દરિયાદિલી વિશેની કેટલીક વાતો ખાસ જાણવા જેવી છે.

જૂની પેઢી તો આ વાત જાણતી જ હશે,પરંતુ નવી પેઢીના સંગીતના ચાહકોને એ જાણીને આશ્ચર્ય થશે કે કે.એલ. સહગલ દારૂ પીધા વિના ક્યારેય ગીત રેકોર્ડ નહીં કરતા! આમ તો એમની ગાયકી માટે એમ પણ કહેવાતું કે તેઓ નાકમાંથી ગાતા એટલે તે સમયે ઘણા હીટ રહેલા, પરંતુ સહગલના પોતાના મનમાં એવી માન્યતા કે શરાબ પીધા વિના તેઓ બેસૂરુ ગાય છે! એવામાં એકવાર સંગીતકાર નૌશાદ સાથે એક ગીતનું રેકોર્ડિંગ હતું. નૌશાદ ત્યારે નવા નવા હતા અને સહગલ સાહેબથી ઘણાં જુનિયર હતા. એવામાં ‘શાહજહાં’ ફિલ્મના એક ગીતનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. સહગલ સાહેબ તો રાબેતા મુજબ શરાબ પીને રેકોર્ડ કરી રહ્યા હતા, પરંતુ નૌશાદને એમાં મજા નહોતી આવતી. એટલે તેમણે એવું નક્કી કર્યું કે હજુ થોડો રિયાઝ કરીએ અને આવતીકાલે રેકોર્ડિંગ કરીએ. બીજા દિવસે જ્યારે સહગલ સાહેબ સ્ટુડિયો પર આવ્યા ત્યારે તેમણે ગાવા પહેલા શરાબની તૈયારી કરવા માંડી, પરંતુ નૌશાદે તેમને કહ્યું કે આજે પીધા વિના ગીત રેકોર્ડ કરીએ. પહેલાં તો સહગલ સાહેબ નૌશાદની આ માગણી સાથે સહમત ન થયાં, પરંતુ નૌશાદે ગમે એમ કરીને તેમને મનાવી લીધા.

મજાની વાત એ હતી કે આગલા દિવસે જે ગીત રેકોર્ડ કરવા અનેક ટેક લેવા પડેલા એ ગીત તે દિવસે એક જ વારમાં ઓકે થઈ ગયું. સહગલ સાહેબે ગાયેલું એ ગીત હતું, ‘જબ દિલ હી ટૂટ ગયા, હમ જી કર ક્યા કરેંગે…’, જે આજે પણ ક્લાસિક ગીતોના ચાહકોનું અત્યંત પ્રિય ગીત છે. આનાથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે આ ગીત રેકોર્ડ થયા પછી સહગલ સાહેબે સ્ટુડિયોમાં જ કહ્યું હતું કે, મારું અવસાન થાય તો મારી અંતિમયાત્રામાં આ ગીત વગાડજો! અને આ ગીત રેકોર્ડ થયું એના બીજા જ વર્ષે એટલે કે વર્ષ ૧૯૪૭માં માત્ર ૪૨ વર્ષની ઉંમરે કે.એલ. સહગલ આપણી વચ્ચેથી વિદાય થયા હતા.

બીજો એક કિસ્સો એમની દરિયાદિલીનો. સહગલ જે સમયમાં જીવતા એ સમયમાં આજના મોંઘવારી નહોતી અને એક રૂપિયાની પણ ઘણી કિંમત હતી. એવા ટાઈમે પ્રાઇવેટ શૉ કરવાના સહગલ સાહેબ એક રાતના વીસ હજાર રૂપિયાની ફી લેતા! એ પરથી તમે એ એનુમાન લગાવી શકો છો કે સહગલનું એ સમય સ્ટારડમ કેવું હશે! એવામાં એક વખતે તેઓ એક બિઝનેસમેનને ત્યાં ગાવા જવાના હતા. પરંતુ એ જ દિવસે તેમના એક કર્મચારીની દીકરીના પણ લગ્ન હતા અને કર્મચારીએ સહગલ સાહેબને પોતાને ત્યાં આવવાનું નોતરું આપ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે એ સમયે એટલે કે હજુ દેશ આઝાદ પણ નહોતો થયો એ વર્ષોમાં સહગલ સાહેબે વીસ હજાર રૂપિયાની પરવા કર્યા વિના પોતાના કર્મચારીની દીકરીના લગ્નમાં જવાનું કબૂલ કરેલું અને રાતભર ગરીબોની વસતીમાં ગીતો ગાયેલા!

એવા મહાન કલાકારને આજે ગુગલે યાદ કર્યા છે ત્યારે આપણે પણ તેમના ગીતો સાંભળીને તેમનો જન્મ દિવસ ઉજવવો જોઈએ.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.