અમારું લૅટીન અમેરિકન હનીમૂન

By આકૃતિ શેટા

ટ્રાવેલનો જબરદસ્ત શોખ અને ભેગા મળી વિશ્વની નવી-નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાની અમારી ઇચ્છાને કારણે અમે અમારા હનીમૂન માટે સાવ અનોખા સ્થળ પસંદ કર્યા: ચીલી અને આર્જેન્ટિના. આ બન્ને સ્થળોએ ફરવા જવા માટે ડિસેમ્બર મહિનો સૌથી શ્રેષ્ઠ સમય છે. આ સમય દરમિયાન અહીં ભવ્ય એન્ડીઝ, તોફાની પેટાગોનિયા, લેક્સ શહેરો અને દરિયાકિનારાઓ જોવાની જાણે એક નવી જ મોસમ ખૂલે છે.

અમે અમારી સફરની શરૂઆત વિશ્વના સૌથી લાંબા અને સૌથી સાંકડા દેશ ચીલીથી કરી હતી. આ દેશ ઉત્તરથી દક્ષિણ તરફ 4,300 કિલોમીટર જેટલા અંતરમાં ફેલાયેલો છે. પરંતુ, એનું પૂર્વથી પશ્ચિમ સુધીનું અંતર માત્ર 350 કિલોમીટરનું છે. અહીંનો ઉત્તર તરફનો વિસ્તાર મહદઅંશે અટાકામાનો રણ પ્રદેશ છે, જ્યાં મીઠાનાં સપાટ મેદાનો, ગીઝર અને જવાળામુખી પર્વતો આવેલા છે. અને મધ્યભાગ ભૂમધ્ય જળવાયુનો પ્રદેશ છે.જ્યારે દક્ષિણ તરફનો વિસ્તાર પેટાગોનિયા છે, જેને ‘લૅન્ડ ઑફ વિન્ડી ગ્રાસ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને અચંબો પમાડી દે એવા પર્વતો તો છે જ સાથે ગ્લેસિયરો પણ ખૂબ મોટા પ્રમાણમાં છે.

લગભગ 30 કલાક સુધી એકસરખું ટ્રાવેલ કર્યા બાદ અમે ચીલીના કેપિટલ સિટી સેન્ટિઆગો પહોંચ્યાં. લાંબા વિમાનપ્રવાસ બાદ અમને થોડા આરામની પણ જરૂર હતી. આથી અમે નક્કી કર્યું કે બે-ત્રણ રાત આ શહેરમાં જ વિતાવીશું. આ એક હાઈ સ્પિરિટેડ અને સૉફિસ્ટિકેટેડ એવું કૉસ્મોપોલિટન શહેર છે. અહીં અમે એક ગાઈડ સાથેની સાઇકલ ટૂર કરી, જેમાં અમે સુરમ્ય પાર્ક્યુ ફોર્સ્ટલ-અર્બન પાર્કથી લઈને ભીંત ચિત્રોવાળાં બારિયો બેલાવિસ્ટામા અને સેન્ટિઆગોના બજારમાં પણ ફર્યા અને સાથે જ ચીલીના જાણીતા કવિ અને કલ્ચરર આઈકોન એવા પાબ્લો નેરુદાના ઘરની પણ મુલાકાત લીધી. સેન્ટિઆગો શહેરમાં કેટલાંક સ્થળો એવા છે જેને ‘મસ્ટ સી અટ્રેક્શન’ની યાદીમાં મૂકવા પડે. જેમ કે પાર્ક્યુ મેટ્રોપોલિટાનો, સેન્ટા લ્યુસિયા હિલ, પ્રોવિડેન્શિયા, મર્કેન્ડો સેન્ટ્રલ, પાલાસિયો લા મોનેડા અને પ્રી-કૉલંબિયન આર્ટ મ્યુઝિયમ.

 

અહીંથી અમે એક દિવસની ટૂર પર વલ્પરાસિયો ગયા. જાણે દરિયા તરફ જોઈ રહ્યા હોય એવા 43 ડુંગરાઓવાળાં આ શહેરને  હેરિટેજ સાઈટ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ શહેર એક અલગ જ પ્રકારની બોહેમિયન ફ્લેવરવાળું શહેર છે. અહીં બ્રાઈટ કલરફુલ ઘરો છે જે ડુંગરાઓ પર બાંધવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઘરોની દીવાલો પર અને ગલીઓમાં જોવા મળતા ભીંતચિત્રો પણ બ્રાઈટ કલર્સવાળા દેખાય છે. અનંત સાંકડી ગલીઓ, વિવિધ વસ્તુકલા, એક તરફ ડુંગરની ચોટીની ગલીઓ તરફ લઈ જતા દાદર અને બીજી તરફ એકદમ ઢોળાવવાળા પર્વતો. આબધું જ અમારી આખીય સફરને યાદગાર બનાવી રહ્યું હતું. વલ્પરાસિયોનું વાતાવરણ અને અહીંની નયનરમ્ય સુંદરતા, નોબેલ પારિતોષિક વિજેતા કવિ પાબ્લો નેરુદાથી લઈને બીજા અનેક લેખકો અને કવિઓ માટે વર્ષોથી પ્રેરણાસ્ત્રોત સાબિત થયાં છે.

બે-ત્રણ દિવસ આ રીતે લાઉડ, સાહસી અને શહેરી અનુભવમાં ગાળ્યા બાદ હવે સમય હતો એકાંત તરફની સફરનો. અમે ચીલીની ઉત્તર તરફ ઉડાન ભરી, અટાકામાના રણપ્રદેશ તરફ. અમારા વિમાનમાંથી દેખાઈ રહેલાં દૃશ્યો પરથી અમને એ સમજાઈ રહ્યું હતું કે હવે અમે એક લાઇફટાઈમ એક્સપિરિયન્સ લેવા જઈ રહ્યા છીએ. અહીંનું અકલ્પ્ય વાતાવરણ અમારા જેવા અલગારી પ્રવાસીઓ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થવાનું હતું. અમે કલામા લેન્ડ થયા અને ઍરપૉર્ટથી જ અમે એક વાહન ભાડે કરી લીધું. માત્ર એક કલાકના ડ્રાઈવ પછી અમે સેન પેડ્રો દ અટાકામા પહોંચ્યાં. ઍરપૉર્ટથી સેન પેડ્રો પહોંચવું મુશ્કેલ નહોતું કારણ આખાય રસ્તે દરેક જગ્યાએ સાઈનબોર્ડ મૂકવામાં આવ્યાં હતાં. જ્યારે અમારી કાર ડ્રાઈવ કરી અમે બરાબર અટાકામા રણની મધ્યના નિર્જન પ્રદેશ પર પહોંચ્યા ત્યારે અમને સમજાયું કે આ સ્થળ તો વિશ્વનું સૌથી આશ્ચર્યજનક સ્થળ છે. ચંદ્રમા જેવું પરિદૃશ્ય ઊભુ કરતાં આ સ્થળે પહોંચ્યાં પછી અમને એવો અહેસાસ થયો કે જાણે અમે કોઈ બીજા જ ગ્રહ પર આવી ગયા છીએ.

અટાકામાનું રણ 41,000 સ્કવેર માઈલ જેટલાં વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં ટેટીગોના ગીઝર્સ, અટાકામાના સોલ્ટ લેક, મૂન વેલી અને બર્ડ ફિલ્ડ લગુન્સ તેમજમિસકેન્ટી અને મિનીક્યુસનો પણ સમાવેશ થાય છે. આ બધી જગ્યાઓ એકમેકથી ખાસ્સી દૂર છે આથી અહીંના એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્થળો એક્સપ્લોર કરવા માટે તમારે સેન પેડ્રોને જ તમારા બેઝ કેમ્પનું શહેર બનાવવું પડે.

અમે ‘કમ્બર્સ’ હોટેલમાં રાત્રીરોકાણ કર્યું. લક્ઝુરિયસ રિટ્રીટ રિસૉર્ટ્સ, હોટેલ્સ, કાફે, રેસ્ટોરાં અને ભાડે મળતી સાઇકલો તથા ટૂર ઓપરેટર્સ; સેન પેડ્રોની ગલીઓમાં આ બધું જ તમને જોવા મળે. અહીંથી રોજે-રોજ અટાકામાના આકર્ષક સ્થળોની ટૂર્સનું આયોજન થતું રહેતું હોય છે. મૂળ કોપર માઇનિંગનું આ શહેર સેન પેડ્રો, તેના ટૂરિસ્ટોની મૂળભૂત જરૂરિયાતો બાબતે બરાબર ધ્યાન રાખે છે. હવે પછીના ચાર દિવસ અમે અટાકામાના નવા એડવેન્ચર્સ અને એક્સપ્લોરેશનની મજા માણવાના હતા.

 

સેન પેડ્રો લગભગ 8,000 ફૂટની ઊંચાઈએ છે, હવામાં ઑક્સિજનનું પ્રમાણ પણ ઓછું છે. અમે ‘પુકારા દ ક્વેટોર’ સુધીનું ચડાણ કર્યું, જેથી અહીંના ઊંચાઈવાળા વાતાવરણથી અમે ટેવાઇ શકીએ. અહીં અટાકામાના લોકોએ 700 વર્ષ પહેલાં ભારતીય નકશીકામવાળો કિલ્લો બનાવ્યો હતો જેથી અહીંના રણદ્વીપને બહારના માણસોના હુમલાથી બચાવી રાખી શકાય. અહીં સુધીના ચડાણે અમને પર્વત પરથી દેખાતાં સુંદરતમદૃશ્યને નિહાળવાનો લહાવો આપ્યો. સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય નિહાળવા માટે અમે સાંજ સુધી લગુના સેજર જ રોકાયા. લગુના સેજર અહીંનાં સોલ્ટી વોટર માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીંનાં પાણીની ખારાશ ડેડ સી કરતા પણ વધુ છે અને અહીંના પાણીમાં પણ માણસ કોઈપણ જાતના એફર્ટ વગર તરી શકે છે. અહીંથી અમે લગુના ટેબિનક્યુચ પહોંચ્યા. આ વિશાળ સપાટ સોલ્ટ લેક એક મહાકાય આયના સમાન છે, જેમાં આજુબાજુના પર્વતોની અને રંગ બદલતા આકાશની છબી જોઈ શકાય છે. પરાવર્તિત થતા પ્રકાશના કિરણો અદ્ભુત દૃશ્ય ઊભું કરે છે. કથ્થઈ કલરથી લઈને ગુલાબી અને પર્પલ કલરના અનેક શેડ્ઝ સૂર્યાસ્તને કોઈ અદ્ભુત ચિત્ર સમો બનાવે છે.

બીજા દિવસની સવારે અમે લગુના અલ્ટિપ્લાનિકાસ-મિસકેન્ટી અને મિનીક્યુસ તરફની સફર આરંભી. સેન પેડ્રોથી લગભગ 140 કિલોમીટરના અંતરે આવેલા આ લગુના અલ્ટિપ્લાનિકાસ એન્ડીઝના પર્વતોના હૃદયસમા છે અને એ સમુદ્રતટથી 4,000 મીટરની ઊંચાઈએ આવેલા છે. આ સફર એટલી અદ્ભુત હતી કે દર દસ કિલોમીટરનાં અંતરે નૅચર કોઈ નવી જ સરપ્રાઈઝ આપતું રહેતું અને અમારી નજર સામેનું દૃશ્ય બદલાઈ જતું. અમે ઉપર તરફ આગળ વધતાં ગયા અને મિસકેન્ટીનું વોલ્કેનિક બેકગ્રાઉન્ડ અમારી નજર સામે દૃશ્યમાન થવા માંડ્યું. હૃદયના ધબકારા ચૂકી જવાય એવું દૃશ્ય અમારી નજર સામે હતું. વોલ્કેનિક પથરાળ જમીન અને સોનેરી પીળાશવાળું ઘાસ, સફેદ વાદળાં, ભૂરું આકાશ અને ધરતી પરની લાલાશ સાથે ભૂરા રેડિએશનવાળું જ્વલંત પાણી. આ બધું જઅલ્ટિપ્લાનોને ખૂબ નિરાળું દૃશ્ય બનાવી રહ્યા હતા. અહીંના આ લગુન્સને વરસાદના ભૂમિગત પાણી અને ગરમ પાણીના ઝરા દ્વારા જળ મળે છે. પક્ષીઓમાં માત્ર ફ્લેમિંગો અને વિક્નાસ પંખીઓ આ લગુન્સમાં ખોરાક મેળવવા માટે અને આરામ કરવા માટે આવતા હોય છે.વળતી સફરમાં અમે સેલાર દ અટાકામાનો અદ્ભુત નજારો માણ્યો. ખરેખર અટાકામાના નયનરમ્ય દૃશ્યને પાછળ મૂકી પાછા વળવું અમારે મુશ્કેલ થઈ રહ્યું હતું.

 

અમે બીજા દિવસની સવાર માટે ચાર વાગ્યાનું અલાર્મ સેટ કરી દીધું, કારણ કે બીજા દિવસના પ્રવાસ માટે અમે ખૂબ એક્સાઈટેડ હતાં.બીજા દિવસની વહેલી સવારે અમે અટાકામાના પ્રખ્યાત અલ ટાટિયો ગીઝરની સૈર પર નીકળી પડ્યા. 4,320 મીટરની ઊંચાઈએ આવેલું આ ગીઝર વિશ્વમાં ત્રીજું સૌથી મોટું ગીઝર ફિલ્ડ છે. અહીંના બર્ફીલા વાતાવરણે 80 ગીઝરોની ઉછાળા મારતી વરાળને એવેપોરેટ થતા બચાવી રાખી છે. આથી જેવો સૂર્યોદય થાય કે અહીંની વરાળો વાદળાં સાથે મળી ગજબનો જાદુઈ નજારો ઊભો કરે છે. દિવસની આટલી અદ્ભુત શરૂઆત અમારા માટે એક સ્વપ્ન સમાન હતી. અને ત્યારબાદ તો દિવસ વધુને વધુ અદ્ભુતસ્વરૂપ ધારણ કરતો રહ્યો કારણ કે અહીંથી અમે એન્ડીઝ તરફ જઈ રહ્યા હતા. અહીં વિક્નાસ પંખીઓએ અમારું અભિવાદન કર્યું. અમે અમુક જગ્યાએ જુદા-જુદા વ્યૂ પૉઈન્ટ પર ઊભા રહીને ફ્લેમિંગોના અનેક ફોટોગ્રાફ્સ લીધા. આ અફાટ રણની નીરવ શાંતિ, સ્લેટ ગ્રે લગુન અને મીઠાના પથ્થરો પરની દરારો સાથે ફ્લેમિંગોનું મર્મરીંગ આ બધું જઅદ્ભુત અને જાદુઈ હતું.

સેન પેડ્રો તરફ પાછા ફરતી વખતે અમે રસ્તામાં આવતા લામાસ શેપર્ડના એક નાનકડા ગામ મછુકામાં થોડો સમય રોકાણ કર્યું. આ ગામમાં છાણનાં લીંપણ અને ઘાસની છતવાળાં ઘરો છે. આ ઘરોમાં દસ વ્યક્તિથી પણ ઓછી સંખ્યાનું કુટુંબ રહે છે.અહીં ગામની એક ઊંચી ટેકરી પર એક જૂનું ચર્ચ છે જ્યાં ટુરિસ્ટો માટે સૉવેનિયર સ્ટૉલ્સ છે અને એક ભોજનાલય બનાવવામાં આવ્યું છે.સાવ સાદી અને ટ્રેડિશનલ લાઈફ સ્ટાઈલ અહીં જોવા મળે છે.

સાચા અર્થમાં જાદુઈ કહી શકાય એવો દિવસ વિતાવ્યા બાદ હવે મૂન વેલી પર જોવા મળતા અદ્ભુત સૂર્યાસ્તને માણવાનો સમય થઈ ગયો હતો. 17 કિલોમીટરના ડ્રાઈવ પછી અમે અટાકામાના રણનો ખરા અર્થમાં જાદુઈ નજારો જોયો. શુષ્ક અને લગભગ જિંદગીવિહોણો અને કદાચ એથી જ રણનો આ વિસ્તાર વધુ નૅચરલ લાગી રહ્યો હતો. આ એક એવો અહેસાસ હતો કે જાણે અમે ચંદ્ર પર પહોંચી ગયા હોઈએ. આ સ્થળને તેનું નામ મૂન વેલી પણ કદાચ આ જ કારણથી અને તેની લ્યુનાર સરફેસને કારણે મળ્યું હશે. વર્ષ 2004થી ચીલીનો આ ઉત્તરીય ભાગ ગઅજઅ અને યુરોપિયન સ્પેસ એજન્સી – ઊજઅ દ્વારા માર્ટિયન રોવર્સના ટેસ્ટીંગ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. સૂકાઈ ગયેલી નદીનો પટ અને મીઠાની ખારાશવાળી જમીન પસાર કર્યા પછી થોડા ચડાણ બાદ અમે ડેથ વેલી તરફ પહોંચ્યા. મીઠાની ખારાશવાળી અને તિરાડોવાળી બરડ જમીન પરથી પસાર થઈ અમે કોર્ડિલેરા દ લા સાલ (મીઠાનો પર્વત) પર પહોંચ્યા. અહીંથી દૂર-દૂર સુધી અમે એન્ડીઝના પર્વત, રેતીના ટીલા અને વોલ્કેનિક પવનોને કારણે અલગ-અલગ આકાર પામેલા પથ્થરો જોઈ શકતા હતા. પરંતુ પથ્થરોની આ કંદરા પાછળ જેવો સૂર્યાસ્ત થયો કે તુરંત અમારી નજર સામે જાણે એક નવું જ જીવંત ચિત્ર ઊભું થઈ ગયું. ઘેરા પર્પલ રંગના લિકાનકેબર વોલ્કેનો અને મોનોક્રોમેટીક કેસરી રંગની ભૂમિ આખાય વાતાવરણને એક અલભ્ય દૃશ્યમાં પરિવર્તિત કરી રહ્યા હતા. જેમ-જેમ પ્રકાશ ઓછો થતો જતો હતો અને અંધારું ઘેરાતું જઈ રહ્યું હતું તેમ-તેમ અમને અહેસાસ થતો જઈ રહ્યો હતો કે જાણે અમે ધરતી પર અસ્તિત્વ ધરાવતા છેલ્લા માનવી છીએ.

 

અટાકામાએ અમારા પર ડ્રામેટિક અને લાસ્ટિન્ગ ઈમ્પ્રેશન છોડી હતી. આ સ્થળ વાતાવરણની મનોરમ્ય ચરમસીમાની અનુભૂતિ કરાવતું સ્થળ છે. અટાકામાએ અમને કલરફુલ અને ડીલાઈટફુલ અનુભવોની સાથે શ્રેષ્ઠ યાદોની લાગણી આપી હતી.

હવે અહીંથી અમારી સફરનો બીજો દોર શરૂ થવાનો હતો, પેટાગોનિયા પર્વતના ઊંચા-ઊંચા શીખરો અને ટોર્રેસ ડેલ પૈન નૅશનલ પાર્ક. પેટાગોનિયા, આર્જેન્ટિના અને ચીલી બન્ને દેશોની સરહદમાં વહેંચાયેલો છે. જોકે આર્જેન્ટિનામાં તમને પેટાગોનિયાનું જે સ્વરૂપ જોવા મળે છે એ ચીલીમાં જોવા મળતા સ્વરૂપ કરતાં સાવ ભિન્ન છે.

અમે ફરી એકવાર ઉડાન ભરી પુન્ટા ઍરનાસ તરફ અને ત્યાંથી બસ દ્વારા ઉત્તર તરફના એક નાના શહેર પ્યુએર્ટો નતાલ્સ પહોંચ્યા. જે ટોર્રેસ ડેલ પૈન નૅશનલ પાર્કનું ગેટ-વે છે. વિશાળ અને હવાનો સતત માર સહન કરતી નિર્જન જમીનવાળો ચીલિયન પેટાગોનિયા સૌંદર્ય માટેની દૃષ્ટિ અને સાહસ માટે તૈયાર રહેતા ટ્રાવેલર્સને ચુંબકીય રીતે પોતાના તરફ આકર્ષે છે. અહીં જોવા મળે છે ગ્લેસરિયો અને પન્ના લેક્સ, મોટી-મોટી ખીણો અને ઘટાદાર જંગલ અને આ બધાની સાથે એન્ડીઝની વાદળો અને ધુમ્મસથી ઘેરાયેલી ચોટીઓ.

ટોર્રેસ ડેલ પૈન નૅશનલ પાર્ક, ચીલિયન પેટાગોનિયાનાં હૃદયસમું છે. 1978ની સાલમાં ઞગઊજઈઘ દ્વારા તેને બાયોસ્ફીઅર રિઝર્વ સાઈટ જાહેર કરવામાં આવી હતી. ટોર્રેસ ડેલ પૈન નૅશનલ પાર્ક આખાય વિશ્વમાં ત્યાં ફૂંકાતા ઝડપી પવન, ઈન્ડિગો પેઈન્ટેડ આકાશ અને ગ્રેનાઈટ પિલર્સ માટે મશહૂર છે. તમે એકવાર આ સ્થળની મુલાકાત લો ત્યારે જ તમને સમજાય છે કે શા માટે તેને વિશ્વનું સૌથી સુંદર, યુનિક અને પવિત્ર સ્થળ ગણાવવામાં આવે છે.

 

આશરે 2,000 મીટર ઊંચા પેટાગોનિયાના સપાટ મેદાનોમાં બંધાયેલા ટોર્રેસ ડેલ પૈનના ગ્રેનાઈટ પિલર્સ જેને ટાવર્સ ઓફ પૈન કહેવામાં આવે છે, ત્યાંથી આખાય ટોર્રેસ ડેલ પૈન નૅશનલ પાર્કને જોઈ શકાય છે. જ્યારે ક્લિયર વેધર હોય ત્યારે કોઈપણ ખૂણેથી તમે આ ટાવર્સને જોઈ શકો છો, પરંતુ વાતાવરણની અનિશ્ચિતતાને કારણે અનેકવાર આ ચોટીઓ કલાકો કે દિવસો સુધી વાદળોથી ઘેરાયેલી રહે છે. અહીં એક જ દિવસમાં તમને મોસમના ચાર અલગ-અલગ સ્વરૂપો માણવા મળે છે.

અહીં કેટલીક એડવેન્ચરસ કેમ્પસાઈટ્સ છે, ચુનૌતીભર્યા ટ્રેક્સ છે અને જો તમે ભાગ્યશાળી હો તો આ સ્ટનિંગ લૅન્ડસ્કેપમાં તમને ગુઆનાકો અને કોન્ડોરપણ જોવા મળે ખરાં. અહીં કરવા માટે એટલી બધી પ્રવૃત્તિઓ છે, જોવા જેવી એટલી બધી જગ્યાઓ છે કે ચીલિયન પેટાગોનિયા જવું તમારે માટે એક ચુનૌતી સમાન સાબિત થઈ શકે. વિશાળ નૅશનલ પાર્ક અને લૅન્ડસ્કેપ એટલાં અદ્ભુત છે કે તમારે પેટાગોનિયા પહોંચ્યા પછી પણ ત્યાં જઈને સિલેક્શન કરવું પડે કે કઈ-કઈ જગ્યા એક્સપ્લોર કરશું અને કઈ-કઈ છોડી દેવી પડશે.

 

અમે અમારી હોટેલ દ્વારા અરેન્જ કરવામાં આવેલા ગાઈડ સાથે જ અમારી આગળની ટુર કરવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસની સવારે અમારું આઠ માણસોનું એક ગ્રુપ હોટેલ દ્વારા અરેન્જ કરવામાં આવેલી મિની બસમાં ગાઈડ સાથે એક આખા દિવસની ટ્રિપ પર નીકળી પડ્યું. નાના ચડાણોની સાથે પાર્કના બીજા અનેક પૉઈન્ટની મુલાકાતો અમારી આ ટ્રિપમાં સામેલ હતી. અમે પહેલો હોલ્ટ કર્યો સાલ્ટો ગ્રાન્ડે વૉટરફોલ પર. પચાસ ફૂટ ઉપરથી નોર્ડનસ્ક્જોલૅન્ડના લેકનું પાણી ભૂરા રંગના ગ્લેસિયરને અનોખું સૌંદર્ય બક્ષે છે. પાણીના જબરદસ્ત પ્રવાહને કારણે એમાંથી સર્જાતા વાંછટોના વાદળો અમને ભીના કરી રહ્યા હતા. આ વૉટરફોલનાં પાણીનો જબરદસ્ત પ્રવાહ નીચે ઉતરાણ કરી વળી પીહૌ નામના એક નવા લેકનું સર્જન કરે છે. નૅશનલ પાર્કનું આ તળાવ ખૂબ સુંદર છે. અમે પીહૌ લેક પર થોડો સમય રોકાયા, ત્યાં જ અમે અદ્ભુત વાતાવરણની અને નયનરમ્ય દૃશ્યોની મજા માણતાં માણતાં લંચ લીધું.

ત્યારબાદ અમારે એક લાકડાના બ્રીજ પરથી પસાર થવાનું હતું, જંગલની વચ્ચેથી પસાર થતાં એ બ્રીજ દ્વારા અમે ગ્રે લેકના કિનારે પહોંચ્યા. આઈસબર્ગ અને ગ્રે ગ્લેસિયર વચ્ચેનો આ આખોય નજારો અદ્ભુત હતો. ભૂરા રંગનો એક આઈસબર્ગ આ ગ્રે લેકમાં તરી રહ્યો હતો જેને કારણે ત્યાંના આખાય વાતાવરણમાં નાટકીય રીતે એક અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી. અને એટલી ઝડપે પવન ફૂંકાવા માંડ્યો હતો કે લેકના કિનારે અમે બધાં ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા હતા. નૅચરનો પાવર કેટલો અને કઈ રીતનો હોય છે એનો અમને પ્રત્યક્ષ પુરાવો મળી રહ્યો હતો.

ચીલી છોડવા પહેલાંના છેલ્લા દિવસે અમે ટ્રેકિંગ પર જઈશું એમ નક્કી કર્યું હતું. અમે મિલોડોનની ગુફાઓથી કૉન્ડોર સુધી ટ્રેક પર જવાનું નક્કી કર્યું હતું. મિલોડોનની આ ગુફાઓમાં વર્ષો પહેલાં ગ્લેસિયરોમાંથી પીગળતા બરફનાં પાણી ધસી આવતા હોવાને કારણે કુદરતી રીતે જ અનેક અલગ-અલગ આકારો અને વળાંકો સર્જાયા હતા. અમારા ટ્રેકિંગ દરમિયાન અમે ત્રણ ગુફાઓમાંથી પસાર થયાં. લીલા જંગલો અને પથ્થરોમાંથી પસાર થઈ અમે સોફિયા લગુના સુધી પહોંચ્યાં. અમે સમૃદ્ધ વાઈલ્ડ લાઇફવાળા જંગલમાંથી પસાર થતાં થતાં ટ્રેકિંગ કરી એક ડુંગરની ચોટીએ પહોંચ્યા. પહાડની આ ચોટી પર 400 વર્ષ જૂના સધર્ન બીચ વૃક્ષો જોવા મળે છે. જેમાંના કેટલાંક વૃક્ષો બધામાંસૌથી પુરાણા હતા. રસ્તામાં અમે એક એવી ગુફા જોઈ જેના પત્થરો પર 8,000 વર્ષો પહેલાં ચિતરાયેલા ચિત્રો હજીય અકબંધ સચવાયેલા હતાં. અને આ રીતે અમે જ્યારે પેટાગોનિયા કોન્ડોરની ચોટી પર પહોંચ્યા ત્યારે અમને સંતોષ થયો કે આખરે અમે એન્ડિઅન કોન્ડોર સુધી પહોંચી ગયાં. અમારાથી થોડે દૂરના અંતરે જ વિશ્વનું સૌથી વિશાળ પક્ષી કોન્ડોર તેની દસ ફૂટ પહોળી પાંખો ફેલાવી ઉડી રહ્યું હતું, એ પળો અમારે માટે અદ્ભુત સંતોષની અને આનંદની હતી.

 

અમે ટોપ ટુ ઍન્ડ ચીલીની ગ્રેટ રીચ વરાયટી ડિસ્કવર કરી અને માણી પણ. પ્યુએર્ટો નતાલ્સથી લઈને અમે એક દેશની બોર્ડર ક્રોસ કરી બીજા દેશના આર્જેન્ટિનિયન પેટાગોનિયા સુધી સફર કરી. ત્યાર બાદ હવે પછી અમારું નેક્સ્ટ ડેસ્ટીનેશન હતું અલ કાલાફેટ, કોલોસલ પેરીટો મોરેનો ગ્લેસિયર. ફરી અમે બસમાં ગોઠવાઈ ગયા અને બોર્ડર ક્રોસ કરી. એ વખતે પેટાગોનિયન પ્લેઈન તરફ નજર કરી ત્યારે અમને થયું કે શા માટે ભારતીય પ્રવાસીઓ વિશ્વના આવા અદ્ભુત સ્થળોએ  પ્રવાસ નહીં કરતા હોય? અમારા ચીલીના આખાય પ્રવાસ દરમિયાન અમને રડ્યા-ખડ્યા ભારતીયો જ મળ્યા. આપણે ગ્લેમરસ વેકેશન પ્લાનથી વિશેષ પણ કંઈક વિચારવું જોઈએ અને વિશ્વના એવા સ્થળોએ પ્રવાસ કરવા અંગે પણ વિચારવું જોઈએ જે આપણી આજુબાજુના વિશ્વથી સાવ અલગ અને અનોખાં છે.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.