લક્ષ્મી

વાપીથી વલસાડ સુધીના કોઈ પણ સ્ટેશને ટ્રેન ઊભી રહે અને એ ટ્રેનમાં ચઢે એટલે ખ્યાલ આવી જ જાય કે લક્ષ્મી ડબ્બામાં ચઢી. તાબડા પાડીને પોતાની હાજરીની ઈશારત કરે તે પહેલા તો લક્ષ્મીએ છાંટેલા કોઈ અત્તરની સુગંધ ડબ્બામાં ફરી વળતી. અને પછી ડબ્બામાં ચડે એટલે તરત ‘ચલ સોનું… નીકાલ દસ કી નોટ… ઉપરવાલેને બહોત દીઆ હૈ… ચલ બેટા તુ ભી નીકાલ એસે ક્યા દેખ રહે હો…?’ એવું કહેતી આખા ડબ્બામાં ફરી વળે.

આમેય લક્ષ્મીના ચહેરા પર સ્મિતનો કાયમી ઠહેરાવ. ડબ્બામાં પ્રવેશે એટલે પહેલા કમ્પાર્ટમેન્ટથી ઊભેલા-બેઠેલા-સૂતેલા બધાને ઢંઢોળે અને પૈસા માગે. પણ બીજા પવૈયાઓની જેમ લક્ષ્મી કોઈને હેરાન નહીં કરે. એક-બે વખત ‘ચલ તો સોનું… દે તો…’ એમ કહે અને જો કોઈ યાત્રીને પૈસા આપવાની ઈચ્છા ન હોય તો માથે હાથ ફેરવીને આગળ વધે.

અમારા જેવા રોજના પેસેન્સર્જ પાસે માગે નહીં. ક્યારેક કોઈને ત્યાં કંઈક શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય અને કોઈ સામેથી આપે તો જ. બાકી ડેઈલી મુસાફરે સાથે માત્ર હસીને થોડી વાતો કરે. ભીડ કે થાકને કારણે ક્યારેક થાકી હોય તો રોજના પેસેન્જર્સની બાજુમાં ક્યારેક બેસી પડે અને પસીનો સાફ કરી થોડો પવન ખાય…

એક વાર લક્ષ્મી મારી બાજુમાં આવી બેસી પડી. સહેજ ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો લાગ્યું, એને રંગો સાથે ઘણો ઘરોબો લાગે છે. ચહેરા અને શરીર પર એટલા બધા રંગો કે ન પૂછો વાત… સાડી તો ભભકાદાર ખરી જ, પણ આંખોની નીચે કંઈક ભૂરા રંગનું ચોપડ્યું હતું તો ગાલ પર આછો ગુલાબી રંગ પાથર્યો હતો. ચાંદલોય પાછો બે-ત્રણ રંગોનો અને હજુ રંગો ઓછા લાગ્યા હશે તે હાથમાં બે-ત્રણ રંગોની બંગડીઓ અને માથાના રબર્સ પણ રંગીન…

‘ટ્રેન ટેલ્સ’ માટે આમેય ઘણા વખતથી મને ઈચ્છા હતી કે બે-ત્રણ વ્યંડળોને મળીને એમના જીવન વિશે જાણું. મનમાં હતું જરૂર કશુંક રસપ્રદ મળશે. આખરે આ પ્રજાની શારીરિક રચનાઓની સાથે એમના સંઘર્ષો, સમસ્યાઓ અને એમનું વિશ્વ પણ નોખું હોવાનું.

એવામાં લક્ષ્મી બાજુમાં આવીને બેઠી તો થયું ચાલ આને કંઈક પૂછું. વર્ષોના અપડાઉનને લીધે એની સાથે આછીપાતળી ઓળખાણ પણ ખરી. સ્માઈલ પાસ કરવાનો વહેવાર તો રોજનો!

વાત શરૂ કરવા મેં અમસ્તા જ એને પૂછ્યું, ‘લક્ષ્મી તેરે શરીર પે તો રંગ હી રંગ… રંગ બહોત પસંદ હૈ ક્યા?’

‘હા, સોનું. રંગો કે સાથ જીના બહોત અચ્છા લગતા હૈ… મૈં તો રંગો કે બીના જી હી નહીં શકતી… ઉપરવાલે ને હમેં બેરંગ ઝિંદગી દી હૈ તો ક્યાં હુઆ? મૈં તો રંગો કે સાથ હી જીઉંગી…’

એ સાવ ફિક્કું હસી અને ઊઠીને ત્યાંથી આગળ વધી ગઈ. એ ત્યાં જ બેઠી હોત તોય હું એને કશું પૂછી ના શકત. રંગો બાબતના એના જવાબમાં કુદરતે આપેલી સજા, સમાજના આંખ આડા કાનની કે અવગણનાની વૃત્તિ અને એમના સમાજની વિટંણાઓ… એ બધી સમસ્યાઓને લક્ષ્મીએ સણસણતો તમાચો માર્યો હતો.

એ તો જાણે કુદરત સામે જંગે ચડી હતી,

‘ઉપરવાલે ને હમેં બેરંગ ઝિંદગી દી હૈ તો ક્યાં હુઆ? મૈં તો રંગો કે સાથ હી જીઉંગી…’

એનું એ વાક્ય ક્યાંય સુધી મનમાં ચકરાયા કીધું. થયું આજે નહીં તો કાલે પણ આવી લક્ષ્મીઓના જીવનને સહેજ નજીકથી જાણવું જ પડશે. મને તો એના દરેક તાબોટામાંથી વારતાઓ ખરતી દેખાઈ… થયું એ બધી વાર્તાઓ ઝીલી લઉં… વારતાઓનો વેડફાટ અમને તો નહીં પાલવે.

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

2 Comments
  1. આંતરિક વેદના ને રંગો ના મિશ્રણથી ઓછી કરવાનો વ્યર્થ પ્રયત્ન

  2. ખૂબ સરસ લેખ અંકિતભાઇ .સમાજ દ્વારા તેમનો અસ્વીકાર એ મોટો મુદ્દો છે .રંગબેરંગી ઠાઠ માઠ પાછલની એમની બે રંગ જિંદગી.માત્ર ટ્રેનમાં નહિ પણ ઘરમાં કોઈ શુભ પ્રસંગે એમની હાજરી અચૂક હોય.પરંતુ સમાજ કે પરિવાર દ્વારા બહિષ્કાર થયેલા એ લોકોની વ્યથાની કલ્પના કરવી અઘરી છે .આશા છે કે અંકિતભાઇ વધુ માહિતી સાથેની ટ્રેન ટ્રેલ્સ મુકે .

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.