વિશ્વના આ સૌથી મોટા ધનકુબેરની સામે બિલ ગૅટ્સ અને અંબાણી પણ ભરે પાણી

ઇતિહાસમાં ઘણાં અમીરો, રાજાઓ અને ઉમરાવો થઈ ગયા. આવા ઐતિહાસિક ધનકુબેરોની યાદી પર નજર કરીએ તો જણાય છે કે, અત્યાર સુધીના સૌથી ધનવાન માણસોની યાદીમાં બિલ ગેટ્સ તો ક્યાંય પાછળ છે. આ યાદીમાં પહેલા નંબરે છે, મનસા મુસા.

થોડા સમય પહેલાં જ એક સાયન્ટિફિક અભ્યાસ હાથ ધરીને માનવલિખિત ઈતિહાસના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી તૈયાર કરાઈ હતી. આ અભ્યાસ પ્રમાણે, પશ્ચિમ આફ્રિકાના માલી સામ્રાજ્યના રાજા મનસા મુસાની સંપત્તિ 400 અબજ ડોલર હતી. મુસાએ 1312થી 1337 દરમિયાન શાસન કર્યું હતું. તેના સામ્રાજ્યમાં આજના ઘાના, ટિમ્બકટુ અને માલી પ્રદેશનો સમાવેશ થતો હતો. માલી સામ્રાજ્યની સમૃદ્ધિને આજના સ્વિત્ઝર્લેન્ડના અર્થતંત્ર સાથે સરખાવી શકાય.

એ જમાનામાં વિશ્વને અડધા કરતાં વધારે મીઠું અને સોનાનો પુરવઠો માલી સામ્રાજ્ય પૂરૂં પાડતું હતું. મુસાની અધધધ સંપત્તિ પાછળનો મુખ્ય સ્રોત આ બે પેદાશોની નિકાસ જ હતી. મુસા ઈસ્લામમાં ઊંડી શ્રદ્ધા ધરાવતો હતો. મુસાના શાસનમાં આફ્રિકામાં અનેક સ્થળોએ ભવ્ય અને સુંદર મસ્જિદોનું બાંધકામ થયુ હતું. મસ્જિદો સિવાય મુસાએ શૈક્ષણિક સંસ્થાઓ બંધાવવા પણ અઢળક ખર્ચ કર્યો હતો.

અને હા, મુસા તેની મક્કાની હજ માટે પણ ઈતિહાસમાં જાણતો છે. મુસા 60 હજાર લોકોનો કાફલો લઈને હજ કરવા ગયો હતો, જેમાં 12 હજાર તો ગુલામો હતા. આ દરેક ગુલામોએ સોનાની ઈંટો ઉચકી હતી. ઈતિહાસકારોના મતે, આવી એક ઈંટનું વજન 1.8 કિલો હતું. ઇજિપ્તના કૈરો અને મદીનાના ગરીબોને મુસાએ અઢળક સોનું દાન કર્યું હતું. આ દાનના કારણે એ પ્રદેશોનું અર્થતંત્ર ખોરવાઈ ગયું હતું અને ફુગાવો આસમાને ગયો હતો! (મફતમાં બધું આપવાથી અર્થતંત્રના આવા હાલ જ થાય)

બાલી સામ્રાજ્યનો સૂરજ મધ્યાહ્ને હતો ત્યારે યુરોપિયન સામ્રાજ્યમાં આંતરવિગ્રહો ચાલતા હતા અને અર્થતંત્રમાં પણ મંદી હતી. આ દરમિયાન મુસાનું સામ્રાજ્ય આફ્રિકામાં બે હજાર માઇલ જેટલું વિસ્તર્યું હતું. આધુનિક ઈતિહાસકારોએ મુસાના કાફલાનો એક નકશો પણ તૈયાર કર્યો છે, જે કેટેલેન ભાષા પરથી ‘કેટેલેન મેપ’ના નામે ઓળખાય છે.

મનસા મુસાના મૃત્યુની તારીખ અંગે અનેક મતભેદો છે, પણ તેણે 25 વર્ષ માલીમાં શાસન કર્યું હતું એ મુદ્દે ઈતિહાસકારો એકમત છે. મુસાએ પોતાના શાસનકાળમાં અપાર ધનસંપત્તિ એકઠી કરી હોવાથી તેની આસપાસ એક રહસ્યનું જાળું ગૂંથાઈ ગયું છે. મુસા પછી તેના પુત્રોએ ગાદી સંભાળી, પરંતુ તેઓ માલી સામ્રાજ્ય પર મુસા જેવી પકડ રાખી શક્યા ન હતા.

***
આ ધનિકોની સંપત્તિ નક્કી કરતી વખતે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની ટીમે જે તે સમયનો ફુગાવો ધ્યાનમાં રાખ્યો હતો. જેમ કે, ઈસ. 1913ના 10 કરોડ ડોલર બરાબર 2013ના 2.299.63 અબજ ડોલર. આવા અનેક માપદંડો ધ્યાનમાં રાખીને 25 ધનાઢ્યોની યાદી તૈયાર કરાઈ હતી, જેમાં 14 અમેરિકન છે. આ અમેરિકનોમાં પણ સૌથી ધનિક બિલ ગેટ્સ જ છે અને એકમાત્ર જીવિત વ્યક્તિ પણ બિલ ગેટ્સ જ છે.

તો નજર કરો, આ યાદીના પહેલા દસ ધનકુબેરો પર

1. આફ્રિકાના માલી પ્રદેશનો રાજા મનસા મુસા (1280-1337)
2. રોમન રાજા ઓગસ્ટસ સિઝર (ઈસ પૂર્વે 14મી સદી)
3. ચીનનો રાજા શેન્ઝોંગ (1048-1085)
4. ભારતનો મોગલ રાજા અકબર (1542-1605)
5. રશિયન સરમુખત્યાર જોસેફ સ્ટાલિન (1878-1953)
6. અમેરિકન ઉદ્યોગપતિ એન્ડ્રુ કાર્નેગી (1835-1919)
7. અમેરિકન ઉદ્યોગપતિ જ્હોન રોકફેલર (1839-1937)
8. બ્રિટનનો રાજા એલન રૂફૂસ (1040-1093)
9. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ (1955)
10. મોંગોલિયન રાજા ચંગીઝ ખાન (1162-1227)

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.