કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર…

આશુ પટેલ

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના રોસવેલ શહેરનો એક હ્રદયસ્પર્શી કિસ્સો જાણવા જેવો છે. એ શહેરના ‘હૂટર્સ’ નામે રેસ્ટોરાં છે એમાં મારિયાના વિલારિયલ નામની યુવતી વેઈટ્રેસ તરીકે ફરજ બજાવે છે.

મારિયાના ‘હૂટર્સ’ રેસ્ટોરાંમાં નિયમિત આવતા બધા ગ્રાહકોને ચહેરાથી ઓળખે અને એમાંના ઘણાને તો નામથી પણ ઓળખે. એવો જ એક ગ્રાહક ડોન થોમસ એક દાયકાથી નિયમિત રીતે ‘હૂટર્સ’માં આવતો હતો.

૨૦૧૫ના વર્ષના મધ્ય ભાગમાં ડોન થોમસ એ રેસ્ટોરાંમાં દેખાતો બંધ થઈ ગયો. ઘણા દિવસો પછી ડોન ફરી રેસ્ટોરાંમાં દેખાયો ત્યારે મારિયાનાએ તેને પૂછ્યું, ‘કેમ ઘણા દિવસોથી રેસ્ટોરાંમાં દેખાતો નથી?’

ડોને જવાબ આપ્યો, ‘મારી હાલત બહુ ખરાબ છે. એક ગંભીર બીમારીને કારણે મારી બંને કિડની ફેઈલ થવાની અણી પર છે. ડૉક્ટરે મને એક મહિનામાં કિડની બદલાવવાની તાકીદ કરી છે, પણ કિડનીદાતાઓ સામે કિડનીની જરૂરવાળા માણસોની સંખ્યા વધુ છે એટલે મને એક મહિનામાં કિડની મળી શકે એમ નથી.

‘ઓહ!’ કહીને મારિયાના વિચારમાં પડી ગઈ. તેને યાદ આવ્યું કે તેના દાદાનું મૃત્યુ પણ કિડની ફેઈલયોરને કારણે થયું હતું.

મારિયાનાએ સહાનુભૂતિપૂર્વક ડોન સાથે વાત કરી. વાતો દરમિયાન તેને ખબર પડી કે ડોનની પત્ની બે વર્ષ અગાઉ કિડનીની બીમારીને કારણે જ મૃત્યુ પામી છે અને ડોનને બે નાના બાળકો છે.

ડોનની સ્થિતિ જાણીને મારિયાનાનું હૃદય દ્રવી ઊઠ્યું. તેણે ડોનને કહ્યું કે મારી કિડની મેચ થાય તો હું તને મારી એક કિડની આપી દઈશ.

મારિયાનાએ એ વાત માત્ર કહેવા ખાતર નહોતી કહી. બીજા જ દિવસે તેણે ડોનની સારવાર કરી રહેલા ડૉક્ટર્સને મળીને પોતાના ટેસ્ટ્સ કરાવ્યા. ડૉક્ટર્સે કહ્યું કે મારિયાનાની કિડની ડોનના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય એમ છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે જરૂરી વિધિઓ કર્યા પછી થોડા દિવસોમાં જ મારિયાનાની એક કિડની કાઢીને ડોન થોમસના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ. ડોનને નવજીવન મળ્યું. એ ઓપરેશન પછી ડોનને રજા મળી એ વખતે મારિયાના અને ડોને સાથે તસવીર ખેંચાવી. એ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ.

વેઈટ્રેસ મારિયાનાએ ‘હૂટર્સ’ રેસ્ટોરાંના એક ગ્રાહકને કોઈ અપેક્ષા વિના માત્ર માનવતાના નાતે કિડની આપી એ વાત જાણીને અનેક ઓર્ગન ડોનર ગ્રુપ્સે મારિયાનાને રોકડ ઈનામ આપવાની કોશિશ કરી, પણ મારિયાનાએ કોઈ પણ ઈનામ લેવાની ના પાડી દીધી. તેણે કહ્યું, ‘મેં મારી કિડનીનું દાન કરીને આભ ફાટી પડે એવું મોટું કામ નથી કર્યું. મારા દાદા કિડનીની બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા એ વખતથી મને ખબર છે કે કોઈ સ્વજનને ગુમાવવાથી કેટલું દુ:ખ થાય છે. મને સંતોષ છે કે હું કોઈને ઉપયોગી બની શકી.’

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.