મમ્મા મારે વેઈટર બનવું છે!

મમતા વિરાંગ

હા, તમે બરાબર સાંભળ્યું! મારા દીકરાને વેઇટર બનવું છે. વેલ, આ સંભાળવામાં થોડું અજુગતું તો લાગ્યું હશે. એમ પણ, આપણા કાન આવું કંઈક સંભાળવા ટેવાયેલાં નથી એટલે સ્વાભાવિક છે. એને થોડા દિવસ પેહલા એની પસંદગી વિશે આવું જ કંઈક જણાવ્યું હતું. જોકે આ બાબતે તેની પસંદગી એટલી જ વાર બદલાતી હોય છે કે જેટલીવાર એને આ પ્રશ્ન પૂછવામાં આવે કે ‘બેટા! તું મોટો થઈને શું બનીશ કે બનવા માગીશ?’ વેલ આ એક એવો ઘૂંટાયેલો પ્રશ્ન છે કે તમે પણ તમારા બાળપણમાં આવા પ્રશ્નનો સામનો કર્યો હશે અને ત્યારે તમે પણ અકારણ પોતાનું માથું ખંજવાળીને કંઇકને કંઇક ઉત્તર આપ્યો હશે. એક વાર નહીં, પણ વારંવાર પૂછાતા આ પ્રશ્નનો હરખથી, ક્યારેક સમજી વિચારીને તો ક્યારેક કંટાળીને ક્યાં તો પછી ધીમેથી છટકબારી શોધીને પણ ઉત્તર તો આપ્યો જ હશે. અને હવે આપણા નાના નાના ભૂલકાઓને પણ ફરી ફરીને એ જ સવાલ કોઈકને કોઈક ક્યારેકને ક્યારેક પૂછી જ લેતું હશે.

મારો દીકરો કે જે હજી ૫ વર્ષનો છે, કે.જીમાં ભણે છે. આજના બાળકોની જેમ રમવા, ભણવા, ટીવી-મોબાઈલ જોવાથી માંડી જમવા સુધી બધી બાબતોમાં એક્ટીવ રહે છે, પણ હજુ તેને સાચા-ખોટાની કોઈ જ ખબર નથી. કોઈ આવું કંઈક પૂછી બેસે તો તે જવાબમાં કહી દે કે આર્મીમેન, એસ્ટ્રોનોટ, ટીચર, એક્ટર તો ક્યારેક ડ્રાઈવર અને વળી સ્વચ્છતા અભિયાન વિશે ટીવીમાં કંઈ જોઈ લીધું હોય તો ‘ મારે સ્વીપર બનવું છે’ એવોય જવાબ મળે.

હજી હમણાં જ દિવાળીના દિવસોમાં મારા પતિની ઓફિસની ગેટ ટુગેધર પાર્ટીમાં જવાનું થયું ત્યારની આ વાત.  અમે બધાં એકબીજાને દિવાળી ગ્રિટિંગ્સની આપ લે કરીને વાતોએ વળગ્યા. એક બાજુ મારા પતિ અને તેમના મિત્રો જીએસટી અને ભાજપ-કોંગ્રેસની ચર્ચાઓમાં વ્યસ્ત હતા. ટાબરિયાંઓ તેમની મસ્તીમાં મસ્ત હતા. તો અહીં, અમે પણ હાથમાં ડ્રિંકની સાથે સાથે હેવી કેલેરી લોડેડ ફૂડને ચાખવાના બહાને ઘપાઘપ પેટમાં ઉતાર્યે જતા હતા. વળી સાથે સાથે વેઇટલોસ, યોગા અને ઋજુતા દિવાકરના ડાયેટિંગ આઈડિયાઝ વિશે ખૂબ સિરિયસલી ડિસ્કસ કરી રહ્યા હતા.

થોડા સમય પછી બાળકોની ધમાલ વધી અને ટપાટપી ચાલુ થઈ એટલે વળી અમારું તેમના તરફ ધ્યાન ગયું. પછી તેઓને અમારી પાસે બોલાવી વાતોએ વળગાડ્યા. એમ તો બચ્ચાપાર્ટીને મોટાઓની વાતોમાં રસ પડે નહીં એટલે વળી એક બહેને શરૂ કર્યું કે ‘મારી દીકરી બહુ સરસ પોયમ ગાય છે.’ અને તેને ગાવા પ્રેમથી પણ ઘણો આગ્રહ કર્યો છતાંય તેણે ન જ ગાયું. જોકે જેમનાં બાળકો હોય તેઓ માટે આ વાત સાવ સામાન્ય હોય છે પછી વળી તેની મમ્મીને થોડી ભોંઠપ પડી એમ લાગ્યું એટલે કહેવા માંડી કે ‘ના એ તો બહુ હોશિયાર છે, પણ ખબર નઈ કેમ અત્યારે…’ એ પત્યું તો વળી બીજા બહેનને થયું કે મારો દીકરો કડકડાટ ટેબલસ બોલે છે. એને પૂછ્યું તો ‘મોમ! નોટ એવેરી ટાઇમ.’ કહી તે ખૂણો પકડી મોબાઇલમાં ગેમ રમવા માંડયો.

ધીરે ધીરે બધાં મમ્મી-પપ્પાઓ ભેગા થઈને એકબીજાનાં બાળકોના વખાણ કરવા માંડ્યા. અલ્પાહારનો કાર્યક્રમ ચાલુ જ હતો. વેઈટર બધાને સ્ટાર્ટર પીરસતો જતો હતો અને હસતા મોઢે બાળકો સાથે ગમ્મત પણ કરતો હતો. એટલામાં જ કોઈકે આ એપિક પ્રશ્ન પૂછ્યો કે ‘બેટા! તમે મોટા થઈને શું થશો?’ કોઈકે કહ્યું એન્જિનિયર, કોઈકે પાઈલટ કહ્યું તો કોઈક વળી એસ્ટ્રોનોટ થવાનું હતું! મારા દીકરાને જ્યારે આ બાબતે પૂછ્યું કે ‘બેટા, તું શું બનીશ?’ તો કુંવર અમારો મિનીપિત્ઝા ખાવામાં વ્યસ્ત હતો એટલે વાત કાને ના પડી. એટલે મેં એના ખભે હાથ મૂકીને કહ્યું, ‘બેટા, આંટી કંઈક પૂછે છે તને.’

‘હં, પણ મને ખાઈ તો લેવા દે.’ એ માથું હલાવતા બોલ્યો. ખાવાનું ચાવવાની સાથે વિચાર કરીને તેણે ઘટસ્ફોટ કર્યો કે ‘આઈ વોન્ટ ટુ બી… અમ્મ… હા, આઈ વોન્ટ ટુ બી અ વેઈટર, વ્હેન આઈ ગ્રો અપ.’ આ સાંભળીને એકાએક બધા ‘ઢેડેન્ગ! ઢેડેન્ગ! ઢેડેન્ગ!’ની બાલાજી ઈફેક્ટ સાથે મારી સામું જોવા લાગ્યા. ઈન્ડક્લુડિંગ માય હસબન્ડ. ઘડીક તો શું રિએક્ટ કરું એની ખબર જ ના પડી એટલે બસ મેં હસી દીધું. પછી બધાં તેની ઉપર હસવા માંડ્યા અને અમુકના ચહેરા પરના પ્રતિભાવો તો એવા હતા કે જાણે વોટ્સ એપનીની વોલ પર આવતી અલગ અલગ ઈમોજી જોઈ લ્યો! એકે તો પ્રેમથી એનું બાવડું પકડીને કહી પણ દીધું કે ‘બેટા, આવું ના કહેવાય.’  આ બધું જોઈને એ થોડો નર્વસ થઈ ગયો. તેને એવું લાગવા માંડ્યું કે તે એવું કંઈક બોલી ગયો છે જે એણે ના બોલવું જોઈએ. હવે પપ્પા ઘરે જઈ તેને વઢશે એવી બીકે એને ત્યાં જ રડવું આવી ગયું.

મારો દીકરો માત્ર પાંચ વર્ષનો છે. ઈનફેક્ટ ત્યાં આવેલા મોટાભાગના બાળકોની ઉંમર લગભગ તેની આસપાસની જ હશે. હવે, પાંચ વર્ષના બાળક માટે ભવિષ્યમાં શું બનવું, શું ન બનવું અને ન બનવું તો શા માટે ના બનવું એવી સમજણ ક્યાં હોય! એને તો જે કશું સારું લાગે કે જે કોઈ ગમે તેના જેવું બનવું કે થવું ગમે. તેના માટે વેઈટર એ માત્ર કમ્યુનિટી હેલ્પર છે. હવે એ વેટરનું કામ સારું છે કે નહીં, વ્યવસાયિક કે સામાજિક દૃષ્ટિએ લોકો તેની કેટલી વેલ્યુ કરે છે કે પછી તે શું કમાય છે એ બધી બાબતથી આટલા નાના બાળકને શું લેવાદેવા?

નાનકડાં ભૂલકાની દુનિયા મિનીયોન, સ્પાયડરમેન અને ફેયરી-ટેલની રંગબેરંગી કાલ્પનિક વાર્તાઓથી ભરેલી છે. તેમના રોલ મોડેલ પણ ડોરેમોન અને છોટા ભીમ હોય છે. તેઓ શું ઊંડું વિચારી શકવાના? હું જાણતી હતી કે ત્યાં બેઠેલામાંના ઘણા મારા દીકરાને પ્રી-જજ કરી રહ્યા હતા અને અમુકને અમારા ઉછેરના નામે મોટા પ્રશ્નાર્થચિહ્ન દેખાતા હશે… ભલે, લેટ ઈટ બી. પણ હા હું એ વાતથી ખુશ છું કે મારા દીકરાને દરેકના પ્રત્યે માન અને પ્રેમની લાગણી છે. તેના માટે કોઈ વ્યક્તિના સારા નરસાં હોવું એ વ્યક્તિના કામ, પહેરવેશ કે તેના વેતન કે પછી તેના સ્ટેટસ પર આધારિત નથી. આહ! સ્ટેટસ જેવા શબ્દથી તો લગભગ તે અપરિચિત જ હશે. બાળકો માટે તો બસ જે તેમની સાથે હસે-રમે, ગમ્મત કરે એ સૌ તેમને વહાલાં લગતા હોય એટલે તેમના માટે એ સારા હોય અને તેમના જેવું તેમને બનવું હોય. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ.

હા એ વાત સાચી કે આપણાં બાળકોને સાચા ખોટાની સમજ આપણે જ આપવાની છે અને શા માટે નહીં? એ આપણી વાલી તરીકેની પ્રાથમિક જવાબદારી છે. તેઓના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા આપણને હોય જ. તે સારું ભણીગણીને સમાજમાં આગવું સ્થાન મેળવે તેવી દરેકની ઈચ્છા હોય અને તેને યોગ્ય દિશા તરફની આંગળી પણ આપણે જ ચીંધવી રહી. પણ, શું આ આયુના આટલા કુમળા મનના બાળકોને ભવિષ્યની ચિંતા કરતા આવા પ્રશ્નો કરવા યોગ્ય છે ખરા ? મારા મતે તો આ અતિશયોક્તિ જ છે.

આપણે ઘણા એવા દાખલા જોયા હશે કે બાળક હજી જન્મ્યું નહીં હોય ત્યાં નક્કી થઈ જાય કે અમારો દીકરો/દીકરી એન્જિનિયર કે દાકતર કે પછી સી.એ. થશે વગેરે… જરા થોભો! બાળકોને તેમનું બાળપણ તો માણવા દો તેમને તેમના કાર્ટૂન કેરેક્ટર્સમાં મહાલવા દો અને તેઓની નાનકડી મસ્તીભરી છતાં ય નિર્દોષ એવી કલરફુલ સ્વપ્નની દુનિયામાં તેમને જીવી લેવા દો.. એ તો આમેય એક દિવસે મોટા થવાના જ છે અને મોટા થઈને એમની સમજણ પણ કેળવાવાની જ છે. અને બાળ ઉછેર એ કંઈ રાતોરાત થઈ જતી પ્રક્રિયા નથી કે, એક રાતમાં બાળકને બધી સમજણ આવી જાય. બેટર સમજણા તરીકે આપણે એમના બાળપણ સાથે ચેડાં કર્યા વિના એમનો ઉછેર કરીએ અને એમના પર કશું થોપી ન દેતા એમને તબક્કાવાર કેટલીક બાબતો શીખવીએ.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

4 Comments

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.