નવા વરસથી નવું વિચારો

By – જયેશ ચિતલિયા

ઇન્વેસ્ટમેન્ટ જગતમાં લાખના બાર હજાર કરનારા ઘણા મળશે તો અહીં બાર હજારના લાખ કરનારા પણ મળશે. આપણા કિસ્સામાં આપણે પોતે જ નક્કી કરવાનું છે કે આપણે એ બેમાંથી કઈ કૅટેગરીમાં રહેવું છે? જોકે થોડી તકેદારી રાખીશું અને ઇન્વેસ્ટમેન્ટની આપણી આદતોમાં થોડા ફેરફારો આણીશું તો એક બાબત નક્કી છે કે આપણી મહેનતની મૂડી ક્યાંય નહીં જાય. નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તો ચાલો એવી કેટલીક બાબતો પર નજર કરીએ જે આપણા પૈસા અને હિંમતને ડૂબતા જરૂર અટકાવશે.

આ લેખ લખવા બેઠો કે અચાનક મોબાઇલની સ્ક્રીન પર ધ્યાન ગયું. એક સમાચાર ચમકતા હતા, ‘શૅરબજારમાં મોટો કડાકો. પાંચ જ મિનિટમાં રોકાણકારોને ચાર લાખ કરોડ રૂપિયાનું નુકસાન!’ મારે આ લેખ ઇન્વેસ્ટમેન્ટ જગત વિશે લખવાનો હતો તેથી એ સમાચાર જરા જોઈ ગયો. યુએસ માર્કેટ તૂટવાથી ભારતીય માર્કેટ પણ તૂટ્યું હતું અને બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 1000 પૉઇન્ટ તૂટી ગયો હતો. હજી આના આગલા દિવસે જ બજાર પાંચસો પૉઈન્ટ વધ્યું હતું. તો વળી એક જ દિવસમાં એવું તે શું થઈ ગયું? પરંતુ યે શૅરબજાર હૈ, યહાં કુછ ભી હો સકતા હૈ!  પરંતુ દોસ્તો, જોખમ હોવા છતાં આપણે ઇન્વેસ્ટમેન્ટ જગતને અવૉઇડ કરી શકતા નથી અને એ છોડવું પણ જોઈએ નહીં, કારણ કે જેમ અકસ્માતના ભયથી આપણે કાર ચલાવવાનું કે વિમાનમાં ઊડવાનું છોડી નથી દેતા એવું જ સહજ આ છે. જોકે આ જોખમો સામે કઈ રીતે ઊભા રહેવું, કઈ રીતે રોકાણનું આયોજન કરવું કઈ રીતે નિષ્ફળતાથી બચવું એ વિશે નક્કર રીતે વિચારવું જરૂર રહ્યું. મોંઘવારીની કડવી વાસ્તવિકતા સામે રોકાણનું જોખમ શિસ્તબદ્ધ રીતે કરીને આપણે સંપત્તિનું સર્જન કરી શકીએ છીએ. આ માટે ગુરુઓ-નિષ્ણાતો અને આ જ માર્ગે સંપત્તિવાન બનેલા લોકોની શિખામણને ધ્યાનમાં રાખીને આગળ વધી શકાય. આ વર્ષની તમારી દિવાળી-નવું વર્ષ તો કેવાં જઈ રહ્યાં છે એ તમે જાણો, પરંતુ આગામી વર્ષો સમૃદ્ધ બની રહે એ માટે આ વિષયની સમજણ કેળવવી જરૂરી છે. આજે પણ આપણા સમાજમાં કરોડો લોકો રોકાણ આયોજનના ડરથી દૂર ભાગે છે, પરંતુ આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે ડર કે આગે જીત હૈ! વળી આપણે એ પણ યાદ રાખવું રહ્યું કે આજે જગતમાં મોટાભાગના સંપત્તિવાન લોકો ઇક્વિટી માર્કેટને કારણે સંપત્તિવાન છે.

શું થઈ શકે? શું કરવું જોઈએ?

આપણા દેશની તાજી ઘટનાઓની વાત પર આવીએ તો આ વર્ષમાં રાજ્યોની ચૂંટણી અને આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશનો રાજકીય માહોલ અત્યંત ગરમ છે. જોકે આપણે રાજકીય વાતાવરણની વાત કે ચર્ચા કરવી નથી. આપણે વાત કરવી છે અર્થકારણની, ઇન્વેસ્ટમેન્ટ જગતની અને આપણી મહેનતનાં નાણાંની રક્ષાની.

અર્થતંત્ર અને બજારો તેમ જ સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જગત આ ગ્લોબલાઇઝેશનના સમયમાં સતત પરિવર્તન પામી રહ્યાં છે. આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું અને શું ન કરવું એની સમજ સાથે સંયમ રાખવો જરૂરી છે. આ સમયમાં વૉલેટિલિટી વધી શકે, સેન્ટિમેન્ટ પણ બદલાતું રહી શકે અને પ્રવાહિતામાં વધઘટ પણ થઈ શકે. આ સમયમાં એક બાબત ખાસ રાખવી કે તેજીમાં વધુ પડતા તણાઈ જવું નહીં અને માર્કેટ તૂટે તો ગભરાઈ જવું નહીં. સ્ટૉકમાર્કેટ કે ઇન્વેસ્ટમેન્ટ જગતના વ્યવહારોમાં આપણે ક્યાંક નફો તો ક્યાંક ખોટ કરતા હોઈએ છીએ. કોઈ નિર્ણયમાં સ્માર્ટ રહ્યા હોઈએ તો વળી કોઈ નિર્ણયમાં ભૂલ પણ કરી હશે. જોકે આપણી ભૂલોમાંથી પણ આપણે ઘણીવાર શીખવાનું ટાળીએ છીએ અથવા ચૂકી જઈએ છીએ. બાકી જો આપણે આપણા જ નિર્ણયોની સમયાંતરે સમીક્ષા કરતા રહીએ અને એમાંથી પણ બોધ મેળવવાનો પ્રયાસ કરીએ તો જીવનમાં કાયમ કામ આવે એવા અનુભવોનો ખજાનો જમા થઈ શકે છે.

સલામતી અને વળતર

એક સત્ય સમજી લો કે વર્તમાનમાં અને આગામી સમયમાં બૅન્કોની ફિકસ્ડ ડિપોઝિટ, કૉર્પોરેટ ડિપોઝિટ, પીપીએફ અને પોસ્ટ ઑફિસ સહિત સરકારી લઘુ બચતયોજનાઓમાં મળતા વળતરના આધારે લાઇફસ્ટાઇલને જાળવવાનું મુશ્કેલ રહેશે. આ સાધનો સલમાતી આપશે, પરંતુ એમનું વળતર મોંઘવારીનો સામનો કરવા જરાય સક્ષમ નથી. એક સમય હતો જ્યારે જમીન-રિયલ એસ્ટેટ કે સોનામાં રોકાણ કરવાથી સારું વળતર મળતું હતું, પરંતુ એ બાબત પણ હવે ભૂતકાળ બની ગઈ છે. હવેનો સમય ફાઇનૅન્શિયલ ઍસેટ્સનો છે, જેમાં ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફન્ડ આ બે માર્ગો ઉત્તમ છે, કારણ કે આ માર્ગે સામાન્ય માનવી-બચતકાર પણ સંપત્તિ સર્જન કરી શકે છે. તાજેતરમાં જ એક ઇન્વેસ્ટમેન્ટ સેમિનારમાં એક ઈન્વેસ્ટર સાથે મુલાકાત થઈ તો તેમણે કહ્યું કે મેં નાની-નાની બચતના રોકાણથી શૅર લેવાનું શરૂ કર્યુ હતું. આમ કરીને મેં ત્રણ લાખ રૂપિયાનું કુલ રોકાણ કર્યું હતું, જે હાલ ત્રણ કરોડ રૂપિયા જેટલું છે. માનો યા ના માનો જેવી લાગતી આ વાત બિલકુલ સત્ય છે. આવા એક નહીં અનેક દાખલા છે, જેમાં બચતકારો ધીરજપૂર્વક અને શિસ્તબદ્ધ રોકાણ કરીને આ સફળતા મેળવી શક્યા છે. અલબત્ત, અહીં ઉતાવળિયા થઈને કે ભૂલો કરીને મૂડી ગુમાવનારાઓની સંખ્યા પણ ખાસ્સી મોટી છે.

આપણે પોતે પણ આ માર્ગે કંઈક શીખીએ એ પહેલાં જગતના ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓ આપણને શું શીખવવા-કહેવા માગે છે એને સમજી લઈએ. આ નવા વરસમાં એના અમલથી આપણી સંપત્તિ સર્જનની દુનિયામાં જરૂર કંઈક માર્ગદર્શન મળી રહેશે.

વૉરન બફેટ શું કહે છે

શૅરબજારમાં રોકાણ વિશે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વૉરન બફેટ તેમની સાદી પણ સ્પષ્ટ ભાષામાં કહે છે કે ‘જો તમારી દસ વરસ સુધી શૅરો રાખવાની ઇચ્છા ન હોય તો તમે એ દસ મિનિટ માટે પણ ન રાખો.’ માત્ર ને માત્ર રોકાણકારોને જ માફક આવે એવી આ વાતમાં લાંબા ગાળાના રોકાણને જ પ્રાધાન્ય આપવા પર ભાર છે. વળી બફેટસાહેબ એવું પણ ઉમેરે છે કે ‘તમારા શૅરોના ભાવો પચાસ ટકા તૂટી જાય ત્યારે તમે જરાપણ ગભરાટ કે ચિંતા વિના એને જોઈ શકવાની તૈયારી રાખી શકતા હો તો જ શૅરબજારમાં પ્રવેશ કરજો.’

બોલો, પહેલી નજરે બફેટસાહેબની આ બે વાત સાંભળીને જ આપણા તો હોંશ ઊડી જાયને? એક તો આટલા લાંબા સમય માટે રોકાણ કરવાનું અને એના ભાવ પચાસ ટકા ઘટી જાય તો પણ એને સ્વીકારવા તૈયાર રહેવાનું. આ કારણે જવા દો યાર, શૅરબજારમાં પ્રવેશવું જ નથી એવો નિર્ણય કરવાનું દિલ થઈ જાય તો નવાઈ નહીં; પરંતુ દોસ્તો, આ શબ્દોને ઍઝ ઇટ ઇઝ પકડવાને બદલે એના ભાવ અને અર્થને સમજશો તો શૅરબજારમાં રોકાણ કર્યા બાદ નિષ્ફળ થવાની સંભાવના નામશેષ થઈ શકે છે અને હા, રાતોરાત લખપતિ થઈ જવાના ભ્રમમાંથી પણ મુક્તિ મળી શકે છે. ઇન શોર્ટ, શૅરબજાર જોખમી છે અને એમાં તમારી મૂડી સાફ થઈ જાય એવું પણ બની શકે છે.

ઇતિહાસ પાસેથી શીખો

‘ઇતિહાસ પાસેથી આપણે એટલું જ શીખીએ છીએ કે આપણે ઇતિહાસ પાસેથી કંઈ શીખતા નથી’ બેન્જામિન ડિઝરાઇલી નામના ઇન્વેસ્ટમેન્ટ ગુરુ આમ કહે છે ત્યારે આપણી ભૂલોમાંથી કશું ન શીખવાની આપણી મનોવૃત્તિ છતી થાય છે. એટલે જશૅરબજારમાં મહેતાઓ, પારેખો અને કહેવાતા પંડિતો જેવા લેભાગુ પ્રમોટરો-ઑપરેટરો આવતા રહે છે અને રોકાણકારોને છેતરીને જતા રહે છે, કારણ કે દર વખતે આપણે પ્રલોભનોમાં અથવા પૅનિકમાં આવીને પરંપરાગત ભૂલો કરતા રહીએ છીએ.

‘શૅરબજાર એવું સ્થળ છે જ્યાં ખૂબ અધીરા લોકોનાં નાણાં ખૂબ ધીરજવાન લોકો લઈ જાય છે.’ એવું કહેનાર વૉરન બફેટ આપણી મૂર્ખતા પર કટાક્ષ કરે છે. શૅરબજારમાં સો જણમાથી માંડ પાંચ કે દસ જણ કમાય છે, જ્યારે નેવુંથી પંચાણું જણ તેમની મૂડી ગુમાવે છે એનું કારણ ઉપરના સંદેશમાં સમાઈ જાય છે.

શૅરબજાર આમ તો ઘણાં અને વિવિધ પરિબળોના આધારે ચાલે છે, પરંતુ એમાં સૌથી સંવેદનશીલ પરિબળ સેન્ટિમેન્ટ મનાય છે. અર્થાત્ બજારનું માનસ અને વ્યક્તિગત સ્તરે ઇન્વેસ્ટરનું માનસ, જેને લીધે અનેકવાર એવું બને છે કે બજારમાં નાણાકીય સિદ્ધાંતો કરતાં સાઇકોલૉજી આપણા નિર્ણયોને વધુ અસર કરે છે. આપણે બે મનોવૃત્તિનો સતત સામનો કરતા રહીએ છીએ, એક પ્રલોભનવૃત્તિ અને બીજી ગભરાટમાં આવી જવાની મનોવૃત્તિ. આ બન્ને બાબતો આપણી સાઇકોલૉજી આધારિત નિર્ણય લેવડાવે છે અને મોટા ભાગે એમાં આપણે સહન કરવાનું આવે છે. આ સમયમાં વિવેક અને સંયમ આપણને સફળ થવામાં સહાય કરે છે.

શૅરબજાર વિશે એક ગુરુ એમ પણ કહે છે કે જ્યારે લોકો લાલસામાં આવીને બજારમાં રોકાણ કરવા દોટ મૂકે ત્યારે આપણે સમજી જવાનું કે હાલ બજારમાંથી બહાર નીકળી જવાનો સમય આવી ગયો અને જ્યારે લોકો ગભરાટમાં આવીને બજારમાંથી બહાર નીકળવાનું શરૂ કરે ત્યારે આપણે સમજવાનું કે આપણે હવે બજારમાં પ્રવેશવું જોઈએ.

નવું વરસ શરૂ થઈ રહ્યું છે ત્યારે

નવું વિક્રમ સવંત વરસ શરૂ થઈ રહ્યું છે. નવું વરસ આવે એ પહેલાં લગભગ દરેક ઘરમાં એક કામ ખાસ થાય જ છે. આ કામ છે સાફસફાઈનું. દિવાળીની વિશેષ સફાઈના આ કામમાં ઘરમાં પડી રહેલી કેટલીયે જૂની-નકામી, ઓછા કામની ચીજવસ્તુઓ કાઢી નાખવામાં આવે છે. એટલું જ નહીં, નવી ચીજવસ્તુઓ વસાવવામાં પણ આવે છે. કાળી ચૌદસે જેમ કકળાટ કાઢવામાં આવે છે એમ ઘરમાં કચરા સમાન બની ગયેલી વસ્તુઓનો  નિકાલ કરવામાં આવે છે. રોકાણકારે વરસમાં એકાદવાર પોતાના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં પણ આવી સાફસફાઈ કરવી જોઈએ. આમેય દિવાળી-નવું વરસ એ નવું વિચારવાની પ્રેરણા આપતું વરસ પણ ગણાય છે. નવા-નવા સંકલ્પો પણ આ દિવસોમાં લેવાતા હોય છે. જોકે પોર્ટફોલિયોની સફાઈ કરવાનું કામ એવું જરૂરી ન લાગે તો નહીં કરો, પરંતુ કમસે કમ એની સમીક્ષા તો કરવી જોઈએ.

પોર્ટફોલિયોની સફાઈ કરાય

શૅરબજારમાં લગભગ મોટાભાગના રોકાણકારો તેજી દેખાય કે એની વાતો ચાલે ત્યારે ખરીદી કરતા રહીને પોતાનો પોર્ટફોલિયો આડેધડ મોટો કરતા જતા હોય છે. ક્યાંક વાંચ્યું, કોઈકે ટિપ્સ આપી કે ક્યાંક ટીવીમાં જોયું જેવા કારણને નિમિત્ત બનાવીને તેઓ શૅરો લેતા જાય છે અને પછી પોર્ટફોલિયોમાં પચાસ જાતના જુદા-જુદા શૅરો જમા થતા જાય છે. આવા શૅરોમાં કોઈક પ્રૉફિટ કરાવતા હોય તો વળી કોઈક લૉસ કરાવતા શૅરો હોય. સરવાળે રોકાણકાર ભાઈ ત્યાંના ત્યાં જ રહી જાય છે. કમસે કમ વરસમાં એકવાર આવા શૅરોના ભાવોની મૂવમેન્ટ, કંપનીનાં ફન્ડામેન્ટલ્સ, ભાવિ વિકાસની સંભાવના, કયા શૅર રાખવા, કયા કાઢી નાખવા એનો નિર્ણય લેવાનો અભિગમ રાખવો જોઈએ. ભાવોની ઍવરેજ પણ અમુક જશૅરો પૂરતી મર્યાદિત રાખવી જોઈએ. દરેક શૅરમાં ભાવ ઘટે ત્યારે ઍવરેજ કરવા દોડી ન જવાય. વરસના અમુક સમયે એને રિવ્યુ કરી પ્રૉફિટ અથવા લૉસ, જે પણ હોય એને બુક કરી લેવામાં સાર ગણાય. નવું વરસ આવું કરવાની યાદ અપાવે છે.

નવું વિચારો-નવી દૃષ્ટિ કેળવો

રોકાણજગતને માત્ર એક પરંપરાગત દૃષ્ટિથી જોવાને બદલે નવી દૃષ્ટિએ જોવાનું શરૂ કરો. બજારમાં શૉર્ટ ટર્મ, મિડિયમ ટર્મ અને લૉન્ગ ટર્મની વ્યાખ્યા બદલાઈ રહી છે. હવે ગ્લોબલ સંજોગો-પરિબળો વધુ અસર કરતાં થઈ ગયાં છે.વિદેશી રોકાણકારોનો ટ્રેન્ડ ઝડપી અસર કરે છે અને બજારને ઝડપથી  ઉપર-નીચે કરે છે. ગ્લોબલ સંજોગો બજારને વૉલેટાઇલ કરતા રહે છે, અનિશ્ર્ચિતતા પણ વધારતા રહે છે. પરિણામે શૉર્ટ ટર્મ વ્યૂહ લેવાનું કઠિન બનતું જાય છે. એટલે હવે માત્ર આપણા દેશની ઇકૉનૉમીનો અભ્યાસ-સમજ-અપડેટ કાફી નથી, બલ્કે ગ્લોબલ ઇકૉનૉમી, ખાસ કરીને અમેરિકન, યુરોપિયન ઇકૉનૉમીની પણ આપણને સમજ હોવી જોઈએ. હવે નવા વરસથી આ અભ્યાસ કે સમજ કેળવવાનું પણ નક્કી કરો. આફ્ટરઑલ જો શૅરબજારમાં નિયમિત અને મોટું રોકાણ ધરાવતા હો તો આટલી મહેનત જરૂરી છે.

સ્ક્રિપ્સ તરફ પણ નવી દૃષ્ટિ કરો  

શૅરબજારમાં ક્યારેક અમુક શૅરો ચાલે તો ક્યારેક અમુક શૅરો જરાય ન ચાલે એવું બનતું જોવા મળે છે. કોઈ એક સમયે જે શૅરલગડી ગણાતો હતો અને લોકો એને વારસામાં આપવા રાખી મૂકતા એ શૅર માટે હવે પહેલાં જેવી લાગણી રહી ન હોય એવું બની શકે અથવા એક સમયે જે શૅરો ખરીદીને લોકોની લાઇફ બની ગઈ હતી, લોકોનાં સપનાં પૂરાં થતાં હતાં એવા શૅરોમાં હવે ભાગ્યે જ કોઈ લાંબા ગાળાનો વિશ્ર્વાસ રહ્યો હોય એમ બની શકે. એટલે શૅરો પ્રત્યે પણ નવો દૃષ્ટિકોણ રાખો. હાલમાં જે નવી સ્ક્રિપ્સ બજારમાં છે એ કાલ ઊઠીને લગડી બની શકે છે. અત્યારે એ ભલે કોલસો લાગે, પરંતુ આગળ જતાં એ હીરો બની શકે.

વિવિધ સેક્ટરમાં સારા શૅરો સિલેક્ટ કરો

તમને થઈ શકે કે આ સારા શૅરો શોધવા ક્યાં? તો જવાબ છે, પહેલાં સેક્ટર પર નજર કરો, ઇકૉનૉમીમાં કયા સેક્ટરની કામગીરી સારી-વિકાસલક્ષી રહી છે એ જુઓ. આ કોઈ રૉકેટ સાયન્સ નથી, બલ્કે સરળતાથી મળતી માહિતી છે.માત્ર તમારે અભ્યાસ કરતા રહેવું પડે. એક જ સેક્ટરમાંથી બધા શૅરો પસંદ ન કરો, પરંતુ જુદાં-જુદાં સેક્ટરોની વિવિધ સારી કામગીરીવાળી સ્ક્રિપ્સ સિલેકટ કરો. અર્થાત્ સેક્ટર સ્પેસિફિક બનવાને બદલે સ્ક્રિપ સ્પેસિફિક બનો. આમ કરવા માટે શૅરબજારની સહિત વિવિધ સંબંધિત વેબસાઇટ પરથી માહિતી-માર્ગદર્શન મળી જાય છે. ઇન શોર્ટ, શૅરબજાર તો ચંચળ રહેશે, પણ તમે શૅરોમાં રોકાણ કરો છો એ યાદ રાખો અને શૅર એટલે કંપનીમાં રોકાણ કરીને એના ભાવિમાં રોકાણ કરો. આ બાબતે સિલેક્ટિવ બનીને આગળ વધશો તો મોટા ભાગે જોખમ ઓછું અને વળતર વધુ મળવાની આશા રાખી શકાશે.

વેલ ડાઇવર્સિફાઇડ  રહો

માત્ર શૅરબજાર કે શૅરો જ નહીં, પરંતુ કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે એનાં ફન્ડામેન્ટલ્સને સૌથી વધુ પ્રાધાન્ય આપો. કંપનીના મૅનેજમેન્ટના ટ્રૅક-રેકૉર્ડ્સને જાણી લો. શૅરબજારમાં સેન્સેકસ કે નિફ્ટી જેવા ઇન્ડેકસને વધતા જોઈને તેજીમાં તણાઈ જવાને બદલે તમારી સ્ક્રિપ્સ પર ધ્યાન આપો. શૅરબજારની વધઘટ કે આંટીઘૂંટી ન સમજાય તો એમાં સીધા પ્રવેશવાને બદલે મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓનો માર્ગ અપનાવો. મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી સ્કીમ્સમાં પૂર્ણ ભરોસો ન બેસતો હોય તો એના એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) તથા ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) જેવાં સાધનોનો ઉપયોગ કરો. મહદંશે એમાં નિષ્ફળતા મળવાની શક્યતા ઓછી રહેશે. અલબત્ત, લાંબા ગાળાની તૈયારી અવશ્ય જોઈશે.શૅરોમાં જ નહીં, બધાં રોકાણસાધનોમાં ડાઇવર્સિફિકેશનનો અભિગમ રાખો. અર્થાત્ બચત-રોકાણને શૅરો, મ્યુચ્યુઅલ ફન્ડ્સ, સોનું, રિયલ્ટી, બૅન્ક એફડી, પીપીએફ જેવાં સરકારી સાધનો વગેરેમાં વહેંચી રાખો. ઇકૉનૉમીના વૈવિધ્યકરણ માટે ગ્લોબલ ફન્ડ પણ પસંદ કરી શકો છો.

વિશ યુ હૅપી, હેલ્ધી અને વેલ્ધી ન્યુ યર

આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ હોવાથી વધુ સંવેદનશીલ અને ચંચળ રહેવાની ધારણા છે.સત્તાનો તખ્તો પલટાય એવા સંજોગો પણ છે, પરંતુ બજાર એ પછી કેવો ટર્ન લેશે એ વિશે અત્યારે કહેવું કઠિન છે.  મોંઘવારી, અમેરિકાનાં પગલાં, ડૉલર-રૂપીની વધઘટ, ચૂંટણીનાં પરિણામો વગેરે જેવાં પરિબળો પણ પોતાની ભૂમિકા ભજવશે. રોકાણકારો માત્ર વર્તમાનથી આકર્ષાઈને નહીં, બલ્કે લાંબા ગાળાના અને સિલેક્ટિવ શૅરોના અભિગમ સાથે દિવાળી-નવા વરસ સાથે આગળ વધે એ બહેતર અને સલાહભર્યું છે. બાય ધ વે, આપ સૌનું નવું વરસ  હૅપી, હેલ્ધી અને વેલ્ધી  રહે એ શુભેચ્છા.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.