નવાઝુદ્દીન સિદ્દીકીએ રિયલ લાઇફમાં વેઈટર અને વોચમેનના રોલ કર્યા છે

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા બનવા માટે કોઈ પણ પ્રકારની પર્સનાલિટી ન ધરાવતા નવાઝુદ્દીન સિદ્દીકીના હાથ પર અત્યારે એક ડઝન જેટલી ફિલ્મો છે પણ ફિલ્મ અભિનેતા તરીકે સફળ થવા માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ બે દાયકા સુધી સંઘર્ષ કરવો પડ્યો. અને એ દરમિયાન ટકી રહેવા માટે તેણે વોચમેન અને વેઈટર તરીકે પણ નોકરી કરવી પડી હતી!

1975માં ઉત્તર પ્રદેશના બુઢાણા ગામમાં એક ગરીબ મુસ્લિમ ખેડૂતના ઘરમાં જન્મેલા નવાઝુદ્દીન સિદ્દીકીને તેના પિતાએ સાયન્સ ગ્રેજ્યુએટ બનાવ્યો ત્યારે તેમની ઇચ્છા હતી કે દિકરો કોઈ સારી નોકરીએ લાગી જાય. જોકે નવાઝુદ્દીનને ફિલ્મો પ્રત્યે બહુ આકર્ષણ હતું. હરિદ્વારની કૉલેજમાં ગ્રેજ્યુએશન કર્યા પછી નવાઝુદ્દીનને નોકરી અપાવવા માટે તેના એક સગાએ વડોદરામાં ભલામણ કરી અને ગ્રેજ્યુએટ નવાઝુદ્દિન ઉત્તર પ્રદેશના બુઢાણાથી છેક ગુજરાતમાં વડોદરા પહોંચ્યો. વડોદરાની એક પેટ્રોકેમિક્લ કંપનીમાં તેને 800 રૂપિયાના પગારથી નોકરી મળી.

નવાઝુદ્દીને 800 રૂપિયાના પગારથી એક વર્ષ સુધી વડોદરામાં નોકરી કરી એ દરમિયાન તે ભાંગ્યું-તૂટ્યું ગુજરાતી બોલતા શીખી ગયો. પણ એક વર્ષમાં તે એ નોકરીથી કંટાળી ગયો અને તેણે એ નોકરી છોડી દીધી. થોડા સમય માટે તે થિયેટર તાલીમ માટે લખનૌ જતો રહ્યો, પણ લખનૌમાં થિયેટરની તાલીમથી તેને સંતોષ ન થયો. તેના મિત્રોએ તેને દિલ્હી જવાની સલાહ આપી. દિલ્દીમાં ગાડું ગબડાવવા માટે તેણે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી મેળવી લીધી. પણ એ નોકરી કરતા કરતા તેને થિયેટરની પ્રવૃત્તિ માટે કે ફિલ્મો-નાટકો જોવા માટે સમય મળતો નહોતો. એ વાત તેણે દિલ્હીમાં બનેલા નવા મિત્રોને કરી અને એક મિત્રએ તેને થિયેટરમાં વોચમેન તરીકે નોકરી અપાવી દીધી. એ નોકરી મળી એટલે નવાઝુદ્દીનને લોટરી લાગવા જેવો આનંદ થયો હતો!

દિલ્હીના થિયેટરમાં વોચમેન તરીકે નોકરી કરતા કરતા નવાઝુદ્દીન સાક્ષી થિયેટર ગ્રુપ સાથે જોડાયો. ત્યાં તેનો પરિચય સૌરભ શુક્લા અને મનોજ વાજપેયી તથા અન્ય ઊભરાતા કલાકારો સાથે તયો. એ પછી થોડા પૈસાની વ્યવસ્થા થઈ એટલે નવાઝુદ્દીન નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં જોડાયો અને ત્યાં તેણે અભિનયની તાલીમ લીધી. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં કોર્સ કર્યા પછી નવાઝુદ્દીનને લાગ્યું કે દિલ્હીમાં રહેવાથી કંઈ નહીં થાય એટલે તે મુંબઈ આવી ગયો. મુંબઈમાં રહેવા માટે તેની પાસે પૈસા નહોતા અને કુટુંબની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે ઘરેથી પૈસા મગાવી શકે એટલે તેણે મુંબઈનાં એક રેસ્ટોરાંમાં વેઈટર તરીકે નોકરી મેળવી લીધી. નવાઝુદ્દીનના નવ ભાઈ-બહેન છે અને એ બધામાં નવાઝુદ્દીન સૌથી મોટો હોવાને કારણે તેના પર કુટુંબની બહુ આશા હતી. મુંબઈમાં વેઈટર તરીકે નોકરી કરતા-કરતા નવાઝુદ્દીને ટીવી સિરિયલમાં અભિનય માટે તક મેળવવાની કોશીશ કરી. એ વખતે નવાઝુદ્દીન બીજા પાંચ યુવાનો સાથે મુંબઈના ગોરેગામ ઉપનગરમાં એક રૂમ ભાડે રાખીને રહેતો હતો. નવાઝુદ્દીનના સંઘર્ષના એ સમય દરમિયાન નવાઝુદ્દીને ઘરમાં એવું કહ્યું હતું કે હું મુંબઈમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છું! નવાઝુદ્દીન દિવસ દરમિયન ટીવી સિરિયલ બનાવતી કંપનીઓ અને નિર્માતા-દિગ્દર્શકોને મળવા માટે દોડધામ કરતો રહેતો ને સાંજે રેસ્ટોરાંમાં વેઈટર તરીકે નોકરી પર હાજર થઈ જતો હતો.

નવાઝુદ્દીને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે બહુ મથામણ કરી પણ સમ ખાવા પૂરતી પણ એકેય નિર્માતા કે દિગ્દર્શકે તેને તક આપી નહીં. તેના દેખાવને કારણે બધા તેને રિજેક્ટ કરતા હતા. છેક 1998માં નવાઝુદ્દીનને એક ફિલ્મમાં કામ કરવાની તક મળી. તેને કહેવાયું કે જોન મેથ્યું મથાન આમિર ખાનને હીરો તરીકે અને સોનાલી બેન્દ્રેને હિરોઈન તરીકે લઈને ફિલ્મ બનાવી રહ્યા છે. એમાં તેને નાનકડો રોલ મળી શકે એમ છે. નવાઝુદ્દીને એ તક ઝડપી લીધી અને ‘સરફોશ’ ફિલ્મમાં નવાઝુદ્દીન પહેલીવાર ‘અભિનેતા’ તરીકે ચમક્યો. એ ફિલ્મમાં નવાઝુદ્દીનને માત્ર બે મિનિટનો રોલ મળ્યો. એ માટે તેણે એક દિવસ સેટ પર હાજરી આપી અને એ અભિનય માટે તેને રૂપિયા 800 મળ્યા હતા! ‘સરફોશ’ પછી ફરીવાર રોલ મેળવવા માટે નવાઝુદ્દીને કોશિશ શરૂ કરી. છેક 2003માં તેને ઈરફાન ખાન સાથે એક ફિલ્મમાં અભિનયની તક મળી પણ ‘ધ બાયપાસ’ નામની એ ફિલ્મ શોર્ટ ફિલ્મ હતી એટલે નવાઝુદ્દીનને કોઈ ફાયદો ન થયો.

આમ સંઘર્ષ કરતા-કરતા 2007માં અનુરાગ કશ્યપની ‘બ્લેક ફ્રાઈડે’ ફિલ્મમાં તેને નોંધપાત્ર કહેવાય એવો રોલ મળ્યો. એ પછી અનુરાગ કશ્યપે તેને ‘દેવ-ડી’ ફિલ્મમાં પણ તક આપી. જોકે નવાઝુદ્દીન જાણીતો બન્યો સુજોય ઘોષની ફિલ્મ ‘કહાની’થી એ ફિલ્મમાં આક્રમક સ્વભાવ ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલથી તેણે બધાનું ધ્યાન ખેચ્યું. એ પછી આવી ગેંગ્સ ઑફ વાસેપુર. અનુરાગ કશ્યપે તેને એ ફિલ્મમાં ફૈઝલનો રોલ આપ્યો. ‘ગેંગ્સ ઑફ વાસેપુર’થી પ્રેક્ષકોની સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખેરખાઓને પણ ખબર પડી કે નવાઝુદ્દીન અત્યંત પ્રતિભાશાળી કલાકાર છે. બોલીવુડમાં અચાનક તેના મિત્રોની સંખ્યા પણ કલ્પનાતીત વધી ગઈ અને ધડાધડ ફિલ્મ્સની ઑફર થવા માંડી! અગાઉ ડાકુના ખબરી, ખેડૂત, રસ્તા પર ચાલ્યા જતા સામાન્ય નાગરિકથી માંડીને વેઈટર જેવા રોલ એણે કર્યા એ વખતે કોઈનું ધ્યાન એના તરફ ખેચાતું નહોતું. એ જ નવાઝુદ્દીનને હવે લીડ રૉલ ઑફર  થાય છે!

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.