પ્લસ સાઇઝ મૉડલ્સની અનેરી દુનિયા

આપણે જ્યારે ‘મૉડલ’ શબ્દ સાંભળીએ ત્યારે એક પાતળી, લાંબી, સેક્સી યુવતીનું ચિત્ર આપણી નજર સામે આવે. મૉડલ્સ માટે સામાન્ય રીતે એવી જ માન્યતા હોય કે મૉડલ એટલે રૅમ્પ પર ચાલતી એવી યુવતીઓ કે જે ભૂખ સામે જંગે ચડી હોય અથવા તેમના પ્રોફેશનની ડિમાન્ડને હિસાબે તેઓ કંઈ ખાતી જ નથી હોતી. બસ, થોડાં લીલાં શાકભાજી અને પ્રવાહી પર જ તેઓ જીવતી હોય! મુંબઈ-દિલ્હી કે દેશનાં કોઈ પણ શહેરોમાં યોજાતા ફૅશન-શો હોય કે મસમોટાં હોર્ડિંગ્સ પર થતાંબ્રૅન્ડિંગ્સ હોય, એ બધામાં જે મૉડલ નજરે ચડે તે પાતળી જ હોય એટલે મૉડલ્સ માટે એવી માન્યતા પ્રવર્તે એ સ્વાભાવિક છે. જોકે ‘કૉકટેલ ઝિંદગી’ તમને એવી મૉડલ્સનો પરિચય કરાવશે જે સામાન્ય મૉડલ્સ કરતાં અત્યંત અલગ છે. તેઓ પ્લસ સાઇઝ મૉડલ્સ છે અને તેમની જીવનશૈલી બિલકુલ અલગ હોય છે. તેઓ દિલથી બર્ગર કે ચિપ્સ ખાય છે, કોલા પીએ છે અને ભૂખ્યા રહેવાની વાતથી તો તેઓ જોજનો દૂર રહે છે! વળી આ મૉડલ્સ પણ સુંદર અને કૉન્ફિડન્ટ છે અને ભરાવદાર લોકો પહેરે એ કપડાં માટે મૉડલિંગ કરે છે.

થોડા સમય પહેલાં આવી જ પાંચ મૉડલ્સ ‘લૅક્મે ફૅશન વીક’માં રૅમ્પ પર ચાલી હતી. આ એવો પહેલો મોકો હતો જ્યારે પ્લસ સાઇઝ મૉડલ્સ ‘લૅક્મે ફૅશન વીક’ના રૅમ્પ પર ચાલી હોય. જોકે જે ગજબના આત્મવિશ્વાસથી આ પાંચ યુવતીઓએ આ કરી બતાવ્યું, એ રૅમ્પ પર તેમને છટાભેર ચાલતી જોઈ રહેલા લોકો માટે ઉત્સાહ અને પ્રેરણા આપનારું હતું.

તેમને આ માટેનો આત્મવિશ્વાસ ક્યાંથી મળ્યો હશે? તો કહે કે આ માટે તેમનો એક સરળ મંત્ર છે – ‘મને કોઈ કમી નથી જણાતી (આઇ સી નો ફ્લોઝ).’ હવે તો આ યુવતીઓએ એક ગ્રુપ બનાવ્યું છે, જે મેદસ્વિતાની હાંસી ઉડાવનારાઓ વિરુદ્ધ અભિયાન ચલાવે છે અને ભારે શરીર ધરાવતા લોકોને હેરાન કરનારાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. થોડા સમય પહેલાં તેમને પણ ‘બહેનજી’, ‘જાડી’ કે ‘મોટી’ જેવાં વિશેષણો અપાતાં હતાં. તેમના જીવનમાં પણ શરમ મહેસૂસ કરાવે એવા અનેક બનાવો બન્યા હતા, પરંતુ પછીથી તેમણે આવી ત્રાસદાયક ટિપ્પણીઓની સકારાત્મક બાજુ જોવાનું પસંદ કર્યું. તેમના આ સંકલ્પ અને પ્રેરણાને કારણે જ તેઓ આવાં બધાં વિશેષણોને ફગાવી શકી અને આજે તેમણે તેમના ટીકાકારોને ખોટા સાબિત કરી દીધા છે.

ભરાવદાર હોવા છતાં તંદુરસ્ત રહેવું એ તેમનો જીવનમંત્ર છે અને તેથી જ તેઓ નિયમિતપણે મેડિકલ ચેક-અપ કરાવે છે, ચુસ્ત રહેવા માટેની પ્રવૃત્તિઓમાં જોડાય છે અને તેમના દેખાવની હાંસી ઉડાવનારાઓની જરા સરખી પરવા નથી કરતા. મૉડલ અંબર કુરેશી કહે છે એમ ભરાવદાર હોવાનાં અનેક કારણો હોઈ શકે છે તેથી કોઈએ તેમની હાંસી ન ઉડાવવી જોઈએ. આવાં હોવું કોઈને ગમતું નથી હોતું, પરંતુ પોતાની શારીરિક રચનામાં તેઓ કોઈ ફેરફાર કરી શકતા નથી. તેથી જ તેમણે બીજાઓની કમેન્ટ્સનો વિચાર કર્યા વિના એક ગૌરવપૂર્ણ જીવન જીવવાનો નિશ્ચય કર્યો છે.

અંબર કુરેશી

તો મળો 34 વર્ષીય અંબર કુરેશીને જે એક ઉદ્યોગ-સાહસિક છે, 28 વર્ષીય નેહા પારુલકરને જે એક બૅન્કર છે, 27 વર્ષીય અંજના બાપટને જે પ્રોગ્રામર તરીકે કામ કરે છે, 23 વર્ષીય તન્વી ગીતા રવિશંકરને, જે આગવી શૈલી ધરાવતી લેખક અને બ્લૉગર છે અને બાવીસ વર્ષીય પાયલ સોનીને જે એક રિયલ એસ્ટેટ એજન્ટ છે.

સુંદર ચહેરો ધરાવતી અંબર કહે છે, ‘હું પહેલેથી જ ભરાવદાર હતી અને પાતળા હોવું એટલે શું એ મને ખબર જ નથી. શરૂઆતમાં મેં વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મારું માનવું છે કે મારું મેદસ્વીપણું વારસાગત હતું. વજન ઘટાડવામાં સફળતા ન મળી એટલે મેં થોડા જ સમયમાં પ્રયાસ કરવો છોડી દીધો. ઉપરાંત બાળપણથી મને થાઇરૉઇડની સમસ્યા પણ હતી, જેને લીધે વજન ઘટાડવાનું વધુ મુશ્કેલ બની ગયું હતું.’

અંબર કહે છે કે ટીનેજ તેના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો, કારણ કે કોઈ જાડી છોકરી સાથે દોસ્તી કરવા નહોતું ઇચ્છતું! વળી કૉલેજમાં કપડાં બાબતે તેની પાસે સલવાર-કમીઝ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અંબરની વાત સાથે સહમત થતાં અંજના બાપટ કહે છે, ‘મેદસ્વી કાયાને કારણે અમને મિત્રો, શાળા, પરિવાર બધી બાજુએથી અસ્વીકૃતિ મળી. ખરેખર તો શાળામાં મને ધમકાવવામાં આવતી અને તેથી જ હું એક તરંગી બાળક બની ગઈ હતી. એક વખત મારી અંગ્રેજીની પરીક્ષાના આગલા દિવસે મારા કાકાએ મને મારા વજન વિશે ભાષણ આપ્યું હતું. એ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું એવી ભાવના સાથે જીવતી હતી કે છોકરાઓને ક્યારેય મારામાં રસ નહીં પડશે!’

નેહા પારુલકર

નેહા પારુલકર પણ કબૂલે છે કે તે તેનું વજન સંતાડવા માટે ઢંગઢડા વગરનાં કપડાં પહેરતી હતી, કારણ કે ત્યારે પ્લસ સાઇઝના લોકો માટે કપડાંની કોઈ બ્રૅન્ડ ઉપલબ્ધ નહોતી. અને લોકો જ્યારે તેના વજન પર કટાક્ષ કરતા ત્યારે તે ભાંગી પડતી. નેહા કહે છે, ‘દરેક નકારાત્મક ટિપ્પણી મને નિરુત્સાહ કરતી. મને હીણપતનો અનુભવ થતો અને હું પોતાના પર જ શંકા કરતી. એક તરફ વજન ઘટાડવા હું ખૂબ મથામણ કરતી હતી અને બીજી તરફ લોકો તો બસ એક જ વાત કહેતા હતા: વજન ઘટાડ.’

તન્વી ગીતા રવિશંકર

જોકે તન્વીની વાત કંઈક અલગ છે, કારણ કે તે પહેલેથી આત્મવિશ્વાસથી ભરપૂર હતી અને તેથી જ કૉલેજમાં ખૂબ પ્રખ્યાત હતી. તે કહે છે, ‘મેં ક્યારેય મારા શરીર કે વજન બાબતની શરમને મારા વ્યક્તિત્વને આડે આવવા દીધી નથી. જોકે હું પણ પ્રતિકૂળ તબક્કામાંથી જરૂર પસાર થઈ હતી. મારા એન્જિનિયરિંગના અભ્યાસ પછી હું પ્રોફેશનલ ડાન્સર બનવા ઇચ્છતી હતી. કૉલેજના અભ્યાસ સુધીમાં મેં નૃત્ય માટે ઘણાં ઇનામો જીત્યાં હતાં અને મારી કૉલેજની ‘ડાન્સ ક્વીન’ તરીકે હું ઓળખાતી હતી, પરંતુ વ્યાવસાયિક ડાન્સ ઉદ્યોગ મને સ્વીકારવા તૈયાર નહોતો. તેમને તો બસ પાતળી ડાન્સર્સ જોઈતી હતી. મારા માર્ગદર્શકો અને શિક્ષકો મને કહેતા કે એક ડાન્સરમાં હોવા જોઈએ એવા 100 ગુણોમાંથી 99 ગુણો મારામાં હતા, પરંતુ મારું શરીર જ એક ખૂટતી બાબત હતું.’

અંબર કહે છે, ‘જ્યારે બીજી છોકરીઓ ટૂંકાં સ્કર્ટ પહેરતી ત્યારે હું લાંબાં સ્કર્ટ પહેરીને મારી વધારાની ચરબી સંતાડતી. મને મારી ઉંમરનાં છોકરા-છોકરીઓ સાથે હળવા-મળવાની ક્યારેય ઇચ્છા નહોતી થતી, કારણ કે મારામાં આત્મવિશ્વાસ જ નહોતો. જોકે મારા પરિવારને મારામાં કયારેય કંઈ ખૂટતું નહોતું દેખાયું અને તેમણે તો મને હંમેશાં ખૂબ લાડ કર્યા.બીજી તરફ મારાં માતા-પિતાના છૂટાછેડા થયા હતા અને હું મારા પિતા અને દાદી સાથે રહેતી. મારાં દાદી મારા માટે પથદર્શક હતાં. મારાં દાદીએ મને મારાં સપનાં પૂરાં કરવા માટે પ્રોત્સાહન આપ્યું. મારો જન્મ અને ઉછેર અબુધાબીમાં થયો હતો અને મારી એક મોટી બહેન પણ છે.  મને ડાન્સ કરવાનું ખૂબ ગમતું અને ક્યારેક હું સાલ્સા કરવા પણ જતી, પરંતુ ક્યારેય કોઈ છોકરાએ મને ડાન્સ કરવા આમંત્રણ નથી આપ્યું. એ તો ઠીક, હું પરણી એ પહેલાં મેં કદી કોઈ છોકરા સાથે ડેટિંગ સુધ્ધાં નથી કર્યું.’

અંબરનાં લગ્ન જેની સાથે થયાં છે તેને તે જૉબ પર મળી હતી અને તે અંબરનો સૌથી મજબૂત આધાર છે. ખરેખર તો તેના આગ્રહથી જ અંબરે ‘લૅક્મે ફૅશન વીક’ના ઑડિશનમાં ભાગ લીધો. તે નિખાલસપણે ઉમેરે છે કે મારા પતિને તેની સ્થૂળતા સામે કોઈ વાંધો નથી, પરંતુ સારા આરોગ્યની દૃષ્ટિએ તેઓ થોડું વજન ઓછું કરવા કહે છે. તે કહે છે, ‘મને અભિનય કરવાની ખૂબ ઇચ્છા છે અને મેં થોડી જાહેરખબરો અને ટૂંકી ફિલ્મો પણ કરી છે, પરંતુ મારે એવાં પાત્રો નથી ભજવવાં જેમાં મારા શરીરની મજાક થાય કે જેમાં મારે જાડી સ્ત્રી તરીકેની ભૂમિકા ભજવવાની હોય. ઑડિશન વખતે હું ઘણી વખત અપમાનિત થઈ છું અને મને વધારાના પાત્ર બનવામાં કે ફક્ત હાસ્યાસ્પદ બનવું પડે એમાં બિલકુલ રસ નથી. મારે એવાં પાત્રો ભજવવાં છે જેમાં મારા કૌશલ્યને ન્યાય મળે.’

પાયલ સોની

આ રીતે બધી તકલીફોનો સામનો કરીને આ પાંચ યુવતીઓએ તેમની નબળાઇને તેમની તાકાતમાં બદલી નાખી છે. પાયલ સોની એક સરસ વાત કરે છે, ‘પાતળી, નીચી, ઊંચી વગેરે કંઈ તમારી ઓળખાણ નથી. તમારી સાચી ઓળખ તમારો આત્મવિશ્વાસ છે. મેં એવા લોકો જોયા છે જેઓ પોતાના શરીરને કારણે શરમ અનુભવે છે. એવું કહેવાય છે કે સ્થૂળ લોકો નબળા આરોગ્યવાળા, સ્ફૂર્તિ વિનાના અને ભદ્દા હોય છે. હું પ્લસ સાઇઝની છું અને સ્વસ્થ અને સ્ફૂર્તિવાન છું. પોતાની જાતને બીજાઓ સાથે સરખાવવાનું બંધ કરો. પોતાની જાતને પ્રેમ કરવાનું શરૂ કરો અને તમારા શરીરની શરમ ન અનુભવો.’

પાયલે ‘ઍમિડસ’, ‘લૂલૂ ઍન્ડ સ્કાય’, ‘લાસ્ટ ઇંચ’ જેવી ઘણી બ્રૅન્ડ્સ માટે મૉડલિંગ કર્યું છે. આ ઉપરાંત ‘બિગ એફ’ તરીકે ઓળખાતો એમટીવીનો એક શો કર્યો છે અને ‘લૅક્મે ફૅશન વીક’માં રૅમ્પ વૉક તો ખરું જ.

ગયા વર્ષે જ્યારે આ બધી મૉડલ્સને રૅમ્પ વૉક માટે પસંદ કરવામાં આવી અને તેમની એકબીજા સાથે ઓળખાણ થઈ પછી તેમણે પોતાનું એક ગ્રુપ બનાવ્યું જેમાં ‘મને કોઈ કમી નથી જણાતી (આઇ સી નો ફ્લોઝ)’ જેવાં અભિયાનો ચલાવ્યાં. આ ગ્રુપ દર ત્રણ મહિને ફોટોશૂટ્સ કરે છે અને કોઈ ને કોઈ મુદ્દો હાથ પર લઈનેએના પર ફોકસ કરે છે. તેમણે પહેલી વખત કરેલા અભિયાનને ‘બૉડી લવ’ નામ અપાયું હતું, જેમાં આ મુદ્દા વિશે પાંચ દિવસ સુધીઑનલાઇન વાતચીતનું અભિયાન ચલાવ્યું હતું.હવે આ ગ્રુપ પ્લસ સાઇઝના યુવકોને પણ તેમના ગ્રુપમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે.

અમારી વાતચીતના દોરને આગળ ધપાવતાં નેહા પારુલકર કહે છે કે મારા માટે નિર્ણાયક પળ ત્યારે આવી જ્યારે મને ખ્યાલ આવ્યો કે પોતાની જાત સાથે જ લડતા રહેવા માટે જીવન ખૂબ ટૂંકું છે. તે કહે છે, ‘એ દિવસથી હું પોતે જ પોતાની આદર્શ બની ગઈ. એ દિવસથી મેં બેફિકર થઈ જવાનું નક્કી કરી લીધું અને ત્યારથી બધું બદલાઈ ગયું… દુનિયા મારી સાથે કેવું વર્તન કરે છે એની પરવા કરવાનું મેં બંધ કરી દીધું અને હું પોતાની જાતને પ્રેમ કરવામાં અનેપોતાની કદર કરવામાં વ્યસ્ત થઈ ગઈ.’

અંજના બાપટ

તો અંજના બાપટ માટે નિર્ણાયક ક્ષણ ત્યારે આવી જ્યારે તે તેના જેવી જ બીજી છોકરીઓને મળી. તે કહે છે, ‘થોડાં વર્ષો પહેલાં હું પ્લસ સાઇઝના બે મિત્રોને મળી. એ મિત્રો અત્યંત આત્મવિશ્વાસવાળા, કુશળ અને જુસ્સાદાર હતા. તેમને જે પહેરવું હોય એ તેઓ પહેરતા, જે કહેવું હોય એ કહેતા અને સામાન્ય માણસોની જેમ જીવન જીવતા. તેમનું નિરીક્ષણ કરતાં, તેમની સાથે વાતો કરતાં મારામાં ઘણા આત્મવિશ્વાસનો સંચાર થયો.’

જોકે એ બાબતે કોઈ નવાઈ નથી કે જ્યારે પહેલી વખત રૅમ્પ પર ચાલવાનું થયું ત્યારે આ મૉડલ્સમાંનું કોઈ પણ ટેન્શનમાં નહોતું. તન્વી ગીતા કહે છે, ‘હું તો પાંચ વર્ષની હતી ત્યારથી સ્ટેજ પર પર્ફોર્મ કરું છું, છતાં આજે પણ શો શરૂ થવાની થોડી મિનિટો પહેલાં મને ડર લાગે છે. પરંતુ, એક વખત સ્ટેજ પર પહોંચી જાઉં અને લાઇટ ચાલુ થઈ જાય એટલે હું મારા પર્ફોર્મન્સમાં એટલી ઊંડી ઊતરી જાઉં કે જાણે કોઈ મને જોતું જ ન હોય.’

તન્વીની સાથે સહમત થતાં અંજના કહે છે, ‘મને સ્ટેજ અને પ્રસિદ્ધિ અત્યંત પ્રિય છે. ત્યાં હું ખૂબ નિરાંત અનુભવું છું.’ જોકે અંજનાને પણ જીવનમાં ઘણા ત્રાસદાયક અનુભવો થયા છે.તે કહે છે, ‘સમાજ મારી ઓળખ ફક્ત એક સુંદર ચહેરા પૂરતી સીમિત કરી દે છે. જોકે ચહેરો સુંદર હોય તો પણ મેદસ્વી કાયાને કારણે મહેણાંટોણાં તો સાંભળવાં જ પડે. તું સ્વિમિંગ માટે જઈશ તો સ્વિમિંગ-પૂલ ખાલી થઈ જશે કે તું એક દિવસ ફાટી જશે અથવા છોકરાઓતને ખોટાં કારણોથી જોશે અને લગ્ન માટે તેમને પાતળી છોકરીઓ જ જોઈતી હોય છે જેવું જાતજાતનું સાંભળવા મળે. હું એક ડાન્સર છું તો મને કેટલીયે વખત સંભળાવવામાં આવ્યું છે કે ‘સ્ટેજ તૂટી તો નહીં જાયને?’

એકવાર અમારા ગ્રુપની હાંસી ઉડાવવાના કે અમને શરમ મહેસૂસ થાય એવા આશયથી એક દ્વેષપૂર્ણ ટીકાકારે ઇન્સ્ટાગ્રામ પર પૂછ્યું હતું કે શું અમે હજી પણ માનવો તરીકે ગણાઈએ છીએ ખરા કે…

જોકે આવી ટિપ્પણીઓએ જ તેમને એક ગ્રુપ તરીકે ભેગા કરવામાં ભાગ ભજવ્યો અને આ અભિયાન જુસ્સાભેર શરૂ કરાવ્યું છે. તેમના ઑનલાઇન અભિયાનને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને તેમની મહેનત રંગ લાવી છે. તન્વી કહે છે, ‘સમાજે અમારા દેખાવ બાબતે પોતાનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. તમારા શરીર તરફ જોઈને કોઈ વ્યક્તિ તમારા આરોગ્ય, સ્ફૂર્તિ કે કૌશલ્યનો તાગ નહીં મેળવી શકે!’

લૅક્મેના રૅમ્પ પરના વૉકને તે એના જીવનની સૌથી યાદગાર અને આનંદદાયક ક્ષણ માને છે. તે કહે છે, ‘રૅમ્પ પર આવીને મેં હાથ હલાવ્યો અને મારા નામની બૂમો પાડતા લોકો જોયા ત્યારે એવી અનુભૂતિ થઈ હતી જેની મેં ઘણા લાંબા સમયથી રાહ જોઈ હતી. એ એક એવી ક્ષણ હતી જે હું જીવનભર યાદ કરતી રહીશ!’આ કહેતાં તન્વીના ચહેરા પર એક સ્મિત આવી જાય છે.

પ્લસ સાઇઝની મૉડલ તરીકેની તેની સૌથી આનંદદાયક ક્ષણનું વર્ણન કરતાં નેહા પારુલકર કહે છે, ‘જ્યારે 13 વર્ષની એક ગોળમટોળ વહાલી છોકરીએ મારી પાસે આવીને મને કહ્યું કે હું તેને નિંદા કરનારાઓ સામે લડવાની પ્રેરણા આપું છું અને હું તેની આદર્શ છું એ સમયે હું અત્યંત ખુશ થયેલી. એ એવી લાગણી હતી કે… અહીં મારું કામ પૂરું થઈ ગયું! હું એવો આદર્શ બની ગઈ જેની મને ખાસ જરૂર હતી. આ ઉપરાંત દરરોજ મને સોશિયલ મીડિયા પર સંદેશાઓ મળતા રહે છે કે હું તેમને કેવી રીતે પ્રેરણા અને પ્રોત્સાહન આપું છું. આ એક અદ્ભુત લાગણી છે. મારે આવા જ એક બનાવની વાત કરવી છે. મેં જ્યારે ‘ગ્રેઝિયા મૅગેઝિન’ માટે ફોટોશૂટ કર્યું હતું ત્યારની વાત છે. ભારતના સૌથી જાણીતા અને પ્રખ્યાત મૅગેઝિનમાં એક પ્લસ સાઇઝ મૉડલ તરીકે ચમકવા મળ્યું એ મારે માટે ગૌરવની વાત હતી. ગ્રેઝિયા ઇન્ડિયાએ મને તેમના સ્વિમસૂટ ફીચરમાં રજૂ કરી. એ પણ વન-પીસ બિકિની પહેરીને! શું તમે કલ્પના કરી શકો છો? એક સ્થૂળ યુવતી, જેના શરીર પર ચરબીના થર હોય, સ્ટ્રેચ-માર્ક્સ હોય તે ‘વનપીસ’ સ્વિમસૂટ પહેરીને પ્લસ સાઇઝના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી હતી! આ રીતે મેં લોકોના મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓને તોડી હતી અને જાણે મારું સપનું હકીકત બની ગયું હતું. મારા જેવી વ્યક્તિ જે આખી જિંદગી તેની ચરબી અને દેખાવને માટે હાંસીને પાત્ર બની હોય તેને આ તક મળે એ ફક્ત મારી કલ્પનામાં જ હતું ત્યાં સુધી. એ ફોટોશૂટે મારા આત્મવિશ્વાસને એક અલગ ઊંચાઈએ પહોંચાડી દીધો હતો. મારા જેવી એક પ્લસ સાઇઝની વ્યક્તિએ બાળપણમાં જે દિવાસ્વપ્ન જોયું હતું એ આ હતું! એ સાથે જ મને ખ્યાલ આવી ગયો કે જો તમે તમારી નબળાઇઓને અપનાવી લો તો કોઈ તમારી વિરુદ્ધ નહીં જઈ શકે. એ મારું શરીર જ છે જે મને અહીં સુધી લઈ આવ્યું છે. હું એને કેમ પ્રેમ ન કરું? કેમ એની કદર ન કરું?’

બધાને એકબીજા સાથે જોડનાર #iseeNoFlaws કે  #BodyPositivity જેવા તેમના અભિયાન વિશે જુસ્સાભેર વાત કરતાં અંબર કહે છે, ‘અમે પાંચેય એ બાબતની ચર્ચા કરતા કે કેવી રીતે લોકોનો આત્મવિશ્વાસ કેળવી શકાય અને કઈ રીતે તેમના શરીર સાથે તેઓ વધારે ખુશ રહે, કારણ કે અમારા જેવા અનેક એવા લોકો હતા જેઓ હાંસી કે ‘બૉડી શેમિંગ’થી પરેશાન હતા. આ માટે વિદેશમાં પ્લસ સાઇઝના લોકો કઈ રીતે અન્યો માટે આદર્શરૂપ બને છે ને તેઓ અન્યોને પ્રોત્સાહિત કરવા માટે કઈ પદ્ધતિઓ અપનાવે છે એ બાબતે પણ અમે સંશોધન કર્યું. પછી અમને ખ્યાલ આવ્યો કે લોકોને વ્યક્તિગત રીતે પ્રેરણા આપવાને બદલે આપણે એક ગ્રુપ તરીકે કંઈક કરીએ તો કેવું? આપણી દરેકની પોતાની ખાસિયતો છે અને આપણા દરેકના શરીરનો પોતાનો પ્રકાર છે. (હા, પ્લસ સાઇઝમાં પણ અલગ-અલગ પ્રકાર હોય છે!) અમને એ પણ ખ્યાલ આવ્યો કે આ રીતે અમે વધુ લોકો સુધી પહોંચી શકીશું અને એક નક્કર સંદેશ સ્પષ્ટપણે પહોંચાડી શકીશું. આવી રીતે અમને એક ગ્રુપ ફોટોશૂટ કરવાનો વિચાર આવ્યો જેમાં વિવિધ થીમ્સનો ઉપયોગ થાય.’

આ આખી વાતનું પાયલ ખૂબ જ સુંદર રીતે સમાપન કરે છે, ‘તમારા ધ્યેયને હાંસલ કરવાથી તમને એક જ વ્યક્તિ રોકી શકે છે અને એ તમે પોતે છો. જો તમે તમારી જાતમાં વિશ્વાસ રાખશો તો બીજા પણ તમારામાં વિશ્વાસ કરશે.એટલે જ તમે જે છો એનો ગર્વ અનુભવો.’

અંબર પ્લસ સાઇઝના લોકો માટે કપડાંની ‘પ્લમ ટ્રી’ નામની પોતાની એક બ્રૅન્ડ શરૂ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત પુણેમાં ટૂંક સમયમાં શરૂ થઈ રહેલા દેશના સર્વપ્રથમ પ્લસ સાઇઝ કપડાંના ફૅશન શોનો ભાગ બનવાની તૈયારી કરી રહી છે. જતાં-જતાં તે કહે છે, ‘ભરાવદાર લોકો ખૂબ જ બહાદુર હોય છે, કારણ કે તેમણે ઘણું બધું સહન કર્યું હોય છે અને જ્યાં સુધી ફૅશનનો સવાલ છે તો તેમને ઉપેક્ષિત કરાયા હતા તેથી હું તેમના માટે સુંદર વસ્ત્રો બનાવું છું.’

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.