હવાઈ બંગલોઝ સમા પ્રાઇવેટ પ્લેન્સ!

BY – રાજીવ પંડિત

ધનિક લોકોની લાઇફસ્ટાઇલ અલગ હોય છે. તેમની પાસે પૈસો હોય છે ને આ પૈસાનો ઉપયોગ તે લોકો પોતાના જીવનને સરળ બનાવવા કરે છે. મોટા ભાગના ધનિકો પૈસાથી ખરીદી શકાય એવું બધું જ ખરીદી લેવું ને જિંદગીને સરળ બનાવવી એવા સિદ્ધાંતમાં માને છે. તેથી એવી ચીજો તેમની પાસે હોય છે કે જેની સામાન્ય માણસ કલ્પના પણ ન કરી શકે. આ પૈકીની ઘણી ચીજો એવી હોય છે જેનો તેમને ખપ નથી હોતો, પણ ખાલી વટ પાડવા એ ચીજો ખરીદાતી હોય છે. કેટલીક ચીજો એવી હોય છે જેના વિના તેમને ચાલતું જ નથી ને એટલે એ ચીજ ખરીદાય છે. આ ચીજોમાં સૌથી આકર્ષક કંઈ હોય તો એ પ્રાઇવેટ જેટ્સ છે. પ્રાઇવેટ જેટ્સ એટલે કે ખાનગી વિમાનદુનિયાના મોટા ભાગના ધનિકોની જરૂરિયાત છે ને આ જરૂરિયાતને શોખમાં ફેરવીને ધનિકો અને સેલિબ્રિટીઝ જેટ્સની પાછળ પાણીની જેમ પૈસા વેરે છે. દુનિયા ગજબ છે ને આ ગજબનાક દુનિયામાં બીજી નાની નાની ઘણી ગજબનાક દુનિયાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. ધનિકોની જરૂરિયાત અને શોખના કારણે પ્રાઇવેટ જેટ્સની દુનિયા પણ આવી જ ગજબનાક નાનકડી દુનિયા છે. આવો, આ દુનિયામાં ડોકિયું કરીએ.

વાતની શરૂઆત એક સવાલથી કરીએ.

દુનિયામાં સૌથી મોંઘું પ્રાઇવેટ જેટ ક્યું અને એ કોની પાસે છે?

સવાલ મજાનો છે, પણ વધારે મજાની વાત એ છે કે દુનિયાના મુઠ્ઠીભર લોકોને બાદ કરતાં બહુ ઓછા લોકોને આ સવાલનો આખો જવાબ આવડે છે. આ સવાલનો અડધો જવાબ આખી દુનિયાને ખબર છે, પણ બાકીના અડધા સવાલનો જવાબ બહુ થોડાક લોકોને ખબર છે.

પહેલાં જે જવાબની લોકોને ખબર છે એની વાત કરી લઈએ.

દુનિયાનું સૌથી મોંઘુંપ્રાઇવેટ જેટ બોઇંગ 747 રિફિટ છે અને એની કિંમત શું છે ખબર છે? 62 કરોડ ડૉલર એટલે કે લગભગ 4200 કરોડરૂપિયા. બોઇંગ 747માં ફેરફાર કરીને બનાવાયેલું આ પ્લેન એક આલીશાન ઍપાર્ટમેન્ટ જેવું જ છે. એમાં મોંઘાદાટ એપાર્ટમેન્ટ જેવી બધી સવલતો તો છે જ, વધારામાં એમાં એક રેસ્ટોરાં પણ છે. પાર્ટી આપી શકાય, ડાન્સ કરી શકાય એવી આ રેસ્ટોરાં છે. વિશ્વના શ્રેષ્ઠ ઇન્ટીરિયર ડિઝાઇનર પાસે લેધરનું ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરાવાયેલું આ પ્લેન સામાન્ય લોકોને કલ્પના પણ ન આવે એવી બીજી ઘણી સવલતો ધરાવે છે. એના બેડરૂમમાં સૂતાં-સૂતાં તમે બહારનું અવકાશ છે એ જોઈ શકો ને એના બાથરૂમના ટબમાં સૂઈને તમે ખુલ્લા આકાશ નીચે હો એવો અનુભવ પણ કરી શકો છો.

હવે બીજો સવાલ.

આ પ્લેનનો માલિક કોણ?

આ સવાલનો જવાબ બહુ ઓછા લોકો જાણો છે. એનું કારણ એ કે આ પ્લેનના માલિકની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. બોઇંગે પોતાના આ પ્લેનને પ્રાઇવેટ પ્લેનમાં બદલવામાં આવ્યું છે એની વિગતો જાહેર કરી, એની કિંમત જાહેર કરી, એની અંદરની તસવીરો પણ જાહેર કરી; પણ તેનો માલિક કોણ એ જાહેર નથી કર્યું. આ કારણે આ પ્લેન કોનું છે એની અટકળો ચાલ્યા જ કરે છે. કેટલાકના મતે આ પ્લેન મેક્સિકોના અબજોપતિ કાર્લોસ સ્લિમ હેલુનું છે તો કેટલાકના મતે આ પ્લેન રશિયાના બિલ્યનેર રોમન અબ્રામોવિચનું છે. કેટલાક એવું માને છે કે આ પ્લેન કોઈ માફિયાનું છે, જે હવામાં ઊડતા-ઊડતા પોતાની ડીલ કરે છે.

સાચો જવાબ શું છે એની દુનિયાના મુઠ્ઠીભર લોકોને ખબર છે એટલે જો એમાંથી કોઈ બોલે તો જ એ નામ બહાર આવે.

 

આ રહસ્યમય વ્યક્તિ જેવું જ આલીશાન પ્રાઇવેટ પ્લેન સાઉદી અરેબિયાનાપ્રિન્સ અલવલીદ બિન-તલાલ પાસે છે. સાઉદીના શાહી પરિવારના નબીરા તલાલે ડબલ ડેકર જમ્બો પ્લેન ઍરબસ એ380 ખરીદીને એને મહેલમાં ફેરવી નાંખ્યું છે.આ પ્લેનની કિંમત 30 કરોડ ડૉલર એટલે કે લગભગ 2000 કરોડ રૂપિયા છે. તલાલે બીજા 20 કરોડ ડૉલર એટલે કે લગભગ 1300 કરોડ રૂપિયા ખર્ચીને એને અનોખા પ્લેનમાં ફેરવી દીધું છે. ઍરબસ એ380 દુનિયાનું સૌથી મોટું પૅસેન્જર પ્લેન છે. આ પ્લેનમાં એકસાથે 853 પ્રવાસી પ્રવાસ કરી શકે છે.ક્રૂમેમ્બર્સ તો અલગ. ને બધાને ભેગા કરો તો લગભગ 900 લોકોને લઈને આ પ્લેન ઊડતું હોય છે. આટલા બધા લોકોને લઈને ઊડતા પ્લેનમાં કેટલી જગ્યા હોય એની કલ્પના કરી જુઓ. તલાલે આ જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને બે માળનો મહેલ જ ખડો કરી દીધો છે એમ કહીએ તો ચાલે.

આ પ્લેનને ફ્લાઇંગ પૅલેસ કહેવામાં આવે છે. તલાલ માટે એમાં શહેનશાહ જેવું તખ્ત છે. આ તખ્ત લિવિંગ રૂમમાં મુકાયેલું છે. એની સાથે બીજી સગવડો તો છે જ. એની બાજુમાં ડાઇનિંગ રૂમ છે, જેમાં 14 આલીશાન ખુરશીઓ છે. પછી લાઉન્જ એરિયા છે અને મૅજિક કાર્પેટ રૂમ છે, જેમાં મોંઘીદાટ આરબ કાર્પેટ્સ છે. અહીં તલાલ બંદગી કરે છે.આ ઉપરાંત બે બેડરૂમ છે ને એક કૉન્સર્ટ હૉલ છે.આ હૉલમાં 300 લોકો બેસી શકે એવી સગવડ છે. તલાલને ઇચ્છા થાય ત્યારે તે આ પ્લેનમાં પોતાના ખાસ માણસોને હવામાં ઊડતા-ઊડતા મ્યુઝિકના તાલે પાર્ટી કરાવે છે. તલાલ આ વિમાનમાં ટચૂકડું હૉકર પ્લેન પણ રાખે છે. માનો કે વિમાનમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તલાલ પોતાના સ્ટાફ સાથે આ હૉકર પ્લેનમાં નીકળી શકે એવો બંદોબસ્ત કરાયો છે. તલાલે દુનિયાના અલગ-અલગ દેશોના 11 ફ્લાઇટ ઍટેન્ડન્ટને પોતાની સેવામાં રાખ્યા છે. કેમ?તોકે તેમને 11 જુદી-જુદી ભાષા આવડે છે એટલે.

રશિયાના આયર્ન કિંગ કહેવાતા અલીશેર ઉસ્માનોવ પાસે ઍરબસ એ-300-340 પ્લેન છે. ઉસ્માનોવની કંપની મેટલ્લોઇન્વેસ્ટ રશિયાનીસૌથી મોટી આયર્ન ઉત્પાદક કંપની છે. જોકે ઉસ્માનોવની સંપત્તિમાં એનો હિસ્સો બહુ નાનો છે.ઉસ્માનોવ દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં રોકાણ ધરાવે છે ને એમાં ફેસબુક પણ છે.ગયા વરસે ઉસ્માનોવે એમાંથી કેટલાક શૅર વેચેલા ને એ વેચાણથી એને કેટલી રકમ મળેલી ખબર છે? 140 કરોડ ડૉલર. મતલબ કે લગભગ 9500 કરોડ રૂપિયા.

ઉસ્માનોવે ઍરબસ પાસેથી 25 કરોડ ડૉલરમાં એ પ્લેન ખરીદ્યું ને પછી એમાં બીજા 25 કરોડ ડૉલર નાખીને એને આલીશાન ક્લબહાઉસમાં ફેરવી નાખ્યું. ઉસ્માનોવની ઑફિસ આ પ્લેનમાં છે અને નાનકડું ક્લબહાઉસ પણ છે જ્યાં તે પાર્ટી આપી શકે, રિલૅક્સ થઈ શકે ને આરામ પણ કરી શકે. ઉપરાંત અહીં એક નાનકડો કૉન્સર્ટ રૂમ પણ છે જ્યાં તેનો સ્ટાફ રિલૅક્સ થઈ શકે છે.

બ્રુનેઈના સુલતાન વિશ્વમાં સૌથી ધનિક શાસક મનાય છે. સુલતાને બોઇંગ 747 પ્લેનને પોતાના પ્રાઇવેટ પ્લેનમાં ફેરવી દીધું છે.સુલતાને આ પ્લેન 10 કરોડ ડૉલર એટલે કે લગભગ 670 કરોડ રૂપિયામાં ખરીદેલું ને પછી‘સોના કરતાં ઘડામણ મોંઘું’ કહેવતની જેમ એમાં બીજો 12 કરોડ ડૉલરનો ખર્ચ કર્યો. બીજા ધનિકોની જેમ તેમણે પાર્ટી આપવા માટે કૉન્સર્ટ હૉલ કે એવું કશું નથી બનાવડાવ્યું. તો પછી આટલો ખર્ચ શામાં થયો?સુલતાને આ પ્લેનને સોને મઢી દીધું છે. આ પ્લેનમાં ટોઇલેટનાં વૉશ બેઝિન્સ સુધ્ધાં સોનાનાં છે. એ સિવાય સુલતાને લેટિક ક્રિસ્ટલ પણ લગાવ્યા છે ને એના કારણે આ પ્લેન વિશિષ્ટ બની ગયું છે.

દુનિયાના સૌથી મોંઘા પ્લેનના રહસ્યમય માલિક મનાતા રોમન અબ્રામોવિચ પાસે ધ બેન્ડિટ નામે ઓળખાતું બોઇંગ 747 પ્રાઇવેટ પ્લેન છે. અબ્રામોવિચ મૂળ રશિયન છે, પણ ઇઝરાયલમાં રહે છે. અબ્રામોવિચ મિલહાઉસ એલએલસી નામની પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો માલિક છે પણ તેની દુનિયામાં ઓળખ ચેલ્સી ફૂટબૉલ ક્લબના માલિક તરીકેની છે. ચેલ્સી ફૂટબૉલ ક્લબ યુરોપની ટોચની ક્લબ છે ને પ્રિમિયર લીગમાં એનો દબદબો છે. રોમન પાસે જે પ્લેન છે એ મૂળ તો હવાઈયન ઍરલાઇન્સના ઑર્ડર પર બનાવાયેલું, પણ કંપની એ ખરીદી ન શકી તેથી રોમને બોઇંગ પાસેથી એ ખરીદી લીધું ને એમાં પોતાની ઇચ્છા પ્રમાણેના ફેરફાર કરાવ્યા. આ પ્લેનનું ઇન્ટીરિયર ચેસ્ટનટનાં લાકડાં અને સોનાનું બનેલું છે. સામાન્ય લોકો માટે આ પ્લેનમા શું છે એની વિગતો ઉપલબ્ધ નથી. મીડિયાને પણ કદી પ્લેનમાં નથી જવા દેવાયું. એના કારણે પ્લેનમાં ખરેખર શું છે એ ખબર નથી. બોઇંગનાં સૂત્રોએ આપેલી માહિતીના આધારે આટલી વિગતો બહાર આવી છે ને એની કિંમત 17 કરોડ ડૉલર એટલે કે લગભગ 1100 કરોડ રૂપિયાની આસપાસ છે.

હૉન્ગકૉન્ગના રિયલ એસ્ટેટ ટાઇકૂન જોસેફ લાઉએ બોઇંગ 747 વીઆઇપી-8 પ્લેનને અલગ અંદાજ આપીને પોતાનું પ્રાઇવેટ પ્લેન બનાવ્યું છે. આ પ્લેનની કિંમત 15 કરોડ ડૉલર એટલે કે લગભગ 1000 કરોડ રૂપિયાની આસપાસ છે. આ પ્લેનમાં જોસેફે જે ફેરફાર કરાવ્યા છે એ ક્લાસિક છે. વૉલ્ટેડ સીલિંગ્સ, સ્પાઇરલ સીડી, દીવાલો પર વિડિયો ડિસ્પ્લે સહિતની ખાસિયતો આ પ્લેન ધરાવે છે.

અમેરિકાના એન્ટરટેઇનર ટાયલર પેરીનું પ્રાઇવેટ જેટ પણ ખાસ મનાય છે.પેરીએ ગલ્ફસ્ટ્રીમ થ્રી પ્લેનને પોતાના પ્રાઇવેટ પ્લેનમાં ફેરવી દીધું છે ને એમાં અદ્ભુત સવલતો ઊભી કરી છે. આ પ્લેનમાં મલ્ટિપલ બ્લુ-રે પ્લેયર્સ, એચડી ટેલિવિઝન, સૅટેલાઇટ ટીવી, થિયેટર લાઇટિંગ, મ્યુઝિક સ્ટુડિયો, ઇલેક્ટ્રૉનિકલી ક્ધટ્રોલ્ડ વિન્ડોઝ, બૉલરૂમ સહિતની સવલતો છે. આ સિવાય અદ્ભુત કિચન અને બાર પણ છે. આ પ્લેનની કિંમત 13 કરોડ ડૉલર એટલે કે લગભગ 850 કરોડ રૂપિયાની આસપાસ છે.

આ યાદીમાં અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ન આવે તો જ નવાઈ.

ટ્રમ્પ બધી રીતે શોખીન જીવડો છે એથી પ્લેનનો શોખ તેમને હોય જ. ડોનલ્ડ ટ્રમ્પ પાસે બોઇંગ 757 પ્લેન છે. આ પ્લેન મૂળ તો માઇક્રોસૉફ્ટના સ્થાપક પૌલ એલન પાસે હતું ને ટ્રમ્પેએ 10 કરોડ ડૉલરમાં ખરીદેલું. એ પછી તેમણે બીજા 10 કરોડ ડૉલર ખર્ચીને એને નવો લુક આપ્યો. આ ન્યુ લુક આપવા માટે ડોનલ્ડ ટ્રમ્પે શ્રેષ્ઠ ડિઝાઇનરને કામ સોંપ્યું હતું. ટ્રમ્પના આ પ્લેનની ઊડીને આંખે વળગે એવી ખાસિયત એનો લોગો છે. ટ્રમ્પના પ્લેન પર તેમના ગ્રુપનો લોગો લગાવેલો છે ને આ લોગો 23 કૅરેટ સોનાનો બનેલો છે. આ વિમાનની લંબાઈ 30 ફૂટ જ છે, પણ ટ્રમ્પે એને ક્લાસિક ટચ આપી દીધો છે. લેધર આર્મચૅર્સ, પર્સનલ હાઈ-ટેક ટીવી, વૉટરફોર્ડ ક્રિસ્ટલ લૅમ્પ્સ અને ગોલ્ડપ્લેટેડ સીટબેલ્ટ બકલ એની ખાસિયત છે.માસ્ટર બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ, ડાઇનિંગ રૂમ, લૉજ તથા વીઆઇપી કૉન્ફરન્સ રૂમ ધરાવતા આ પ્લેનમાં 32 લોકો મુસાફરી કરી શકે છે.

આ તો થઈ દુનિયાનાં સૌથી મોંઘાં પ્રાઇવેટ પ્લેન્સની વાત. હવે થોડીક વાતો દુનિયામાં પ્રાઇવેટ પ્લેનની શોખીન બીજી સેલિબ્રિટીઝની કરી લઈએ, તેમની પાસે કેવાં પ્લેન છે એ વિશે જાણીએ. આ સેલિબ્રિટીઝ પાસે દુનિયાનાં સૌથી મોંઘાં પ્લેન્સ નથી, પણ અનોખાં પ્લેન્સ ચોક્કસ છે. આ બધા પ્લેન ક્રેઝી પીપલ છે ને આપણે કલ્પના પણ ન કરીએ એવાં પોતાનાં વિમાનોમાં આ સેલિબ્રિટીઝ ઊડાઊડ કરે છે.

આ સેલિબ્રિટીઝમાં સૌથી પહેલું નામ હૉલીવુડના સુપરસ્ટાર જૉન ટ્રેવોલ્ટાનું લેવું પડે. જૉન ટ્રેવોલ્ટા હૉલીવુડના ટ્રેન્ડ સેટર હીરોઝમાં એક છે. ‘સેટરડે નાઇટ ફીવર’ જેવી કલ્ટ ક્લાસિક મૂવીના હીરો ટ્રેવોલ્ટા પાસે અત્યારે ચાર પ્લેન છે. એક પ્લેન તેણે દાનમાં આપી દીધું, બાકી તેની પાસે પાંચ પ્લેન હતાં. ટ્રેવોલ્ટા પાસે જે પ્લેન છે એમાં સૌથી ખાસ બોઇંગ 707 છે, જેનો  રજિસ્ટ્રેશન-નંબર એન  707 જેટી છે. એ પહેલાં એક ખાનગી કંપની પાસે હતું. ટ્રેવોલ્ટાએ પોતાની કંપની જેટ ક્લિપર જૉની એલએલસી ઇન્કૉર્પોરેશનના નામે આ પ્લેન ખરીદેલું ને પોતાનાં સંતાનોની યાદમાં એનું નામકરણ કર્યું. ટ્રેવોલ્ટાનું બીજું પ્લેન વિશ્વવિખ્યાત ઑસ્ટ્રેલિયન ઍરલાઇનર કંપની ક્વૉન્ટાસની ડિઝાઇન અને કલર ધરાવે છે.

જૉન ટ્રેવોલ્ટા 2002થી ઑસ્ટ્રેલિયાની ઍરલાઇનર કંપની ક્વૉન્ટાસનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે ને આ બોઇંગ 707 તેણે ક્વૉન્ટાસ પાસેથી જ ખરીદેલું. ટ્રેવોલ્ટાએ ક્વૉન્ટાસ માટે આ પ્લેનના પાઇલટ તરીકે પણ કામ કરેલું. ટ્રેવોલ્ટા પાસે બૉમ્બાર્ડિયર ચૅલેન્જર સીએલ-601 પ્લેન પણ છે. 1988માં બનેલું આ પ્લેન ટ્રેવોલ્ટાએ અમેરિકન ઍરફોર્સ પાસેથી ખરીદેલું. તેની પાસે એક્લિપ્સ એવિયેશન ઈએ 500 અને ગલ્ફસ્ટ્રીમ બે પ્લેન પણ છે. ટ્રેવોલ્ટા પાસે જે પ્લેન્સ છે એવાં પ્લેન્સ નાની વિમાન કંપની પાસે પણ નથી હોતાં.  ટ્રેવોલ્ટાએ પોતાનાં બે પ્લેન માટે તો તેના ઘરના દરવાજાની સામે જ શેડવાળું પાર્કિંગ બનાવેલું છે. ટ્રેવોલ્ટાએ પોતાનું બોઇંગ 707 પ્લેન સત્તાવાર રીતે ઑસ્ટ્રેલિયાના વોલ્લોગોંગમાં આવેલી હિસ્ટોરિકલ ઍરક્રાફ્ટ રિસ્ટોરેશન સોસાયટીને દાનમાં આપી દીધું, પણ આ પ્લેન તેની પાસે જ હોય છે કેમ કે આ સોસાયટીમાં તે કેન્દ્રસ્થાને છે. આ પ્લેનને દાનમાં અપાયું ત્યારે ટ્રેવોલ્ટા પોતે અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી જાતે વિમાન ઉડાડીને લઈ ગયો હતો. આ પ્લેનનું નામ ટ્રેવોલ્ટાએ જેટ્ટ ક્લિપર એલ્લા આપેલું. ટ્રેવોલ્ટાનાં સંતાનોના નામ પરથી આ નામ અપાયું છે. આ પ્લેન જમ્બોલિયર ઍરપોર્ટમાં ટ્રેવોલ્ટાના ઘર પાસે જ પડ્યું હોય છે અને ટ્રેવોલ્ટાના ઘરના દરવાજા પાસેથી જ રનવે શરૂ થાય છે.

ઓપરા વિન્ફ્રે અમેરિકામાં ટૉપ ટેન સેલિબ્રિટીમાં એક છે. ઓપરાને ટેલિવિઝન ઍન્કર તરીકે હૉલીવુડના સ્ટાર્સ કરતાં પણ વધારે સફળતા મળી છે. ઓપરા પાસે પોતાનું બૉમ્બાર્ડિયર ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ પ્લેન છે. એની કિંમત સાડાચાર કરોડ ડૉલર (લગભગ 300 કરોડ રૂપિયા) છે. 2002માં ઓપરા વિન્ફ્રેએ ક્વૉન્ટાસના પ્લેનમાં પોતાના ‘ઓપરા વિન્ફ્રે શો’નું શૂટિંગ કરેલું. હૉલીવુડનો સુપરસ્ટાર જૉન ટ્રેવોલ્ટા એ ફ્લાઇટનો પાઇલટ હતો ને ઓપરાનું આખું યુનિટ પ્લેનમાં તેની સાથે હતું. ઓપરાને આ અનુભવ એટલો ગમ્યો કે તેણે પોતાના માટે ખાસ પ્લેન બનાવવાનો ઑર્ડર આપી દીધો. નવ લોકો બેસી શકે એવી આલીશાન સીટ્સ, બાથરૂમ, ગૅલેરી, ઓપરા માટે અલગ કૅબિન, અલગ પ્રકારના લાઇટિંગ સાથેનું આ પ્લેન ઓપરાનું બીજું ઘર છે. આ પ્લેનમાં લેધરનું ઇન્ટીરિયર છે ને એક વાર ફ્યુઅલ ભરાવ્યા પછી ઓપરા આખી દુનિયાનો આંટો મારી શકે એટલી એની ઈંધણ ક્ષમતા છે.

‘મિશન ઇમ્પૉસિબલ’ સિરીઝ દ્વારા છવાઈ ગયેલા ઍક્ટર ટૉમ ક્રુઝ પાસે ગલ્ફસ્ટ્રીમ 4 પ્લેન છે. એની કિંમત ચાર કરોડ ડૉલર એટલે કે લગભગ 270 કરોડ રૂપિયા છે. ક્રુઝે ‘ટૉપ ગન’ મૂવીમાં નેવલ ફાઇટર પાઇલટનો રોલ કરેલો ને એ અનુભવ તેને એટલો ગમ્યો કે તેણે પોતાનું પ્રાઇવેટ પ્લેન જ ખરીદી લીધું. આ પ્લેનમાં 19 માણસો બેસી શકે છે. ટૉમ પોતાના આખા સ્ટાફ સાથે એમાં મુસાફરી કરે છે. આ પ્લેનની અનોખી ખાસિયત એ છે કે એમાં દર બે મિનિટે કૅબિનમાં તાજી હવા આવી જાય છે. આ પ્લેનમાં રોલ્સ રૉયસનાં એન્જિન બેસાડેલાં છે અને 8000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આ પ્લેન ઊડી શકે છે.

‘ધ માસ્ક’ અને ‘ડમ્બ ઍન્ડ ડમ્બલર’ જેવી યાદગાર ફિલ્મો આપનારા અને હૉલીવુડમાં કૉમિક હીરો તરીકે પોતાની ઓળખ ઊભી કરનારા જિમ કેરી પાસે ગલ્ફસ્ટ્રીમ ફાઇવ પ્લેન છે. છ કરોડ ડૉલર(લગભગ 400 કરોડરૂપિયા)નું આ પ્લેન 51 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. આ પ્લેનમાં 16 પ્રવાસી બેસી શકે છે. પ્લેનમાં કેરી માટે બેડરૂમ છે. આ ઉપરાંત તેને રિહર્સલ કરવું હોય તો એક નાનકડો હૉલ છે જેમાં તેણે ચારે તરફ મિરર લગાવેલા છે.

ચાઇનીઝ માર્શલ આર્ટને દુનિયાભરમાં જાણીતી કરનારા સુપરસ્ટાર જૅકી ચૅન પાસે એમ્બ્રિયર લેગસી 650 પ્લેન છે. એની કિંમત 3 કરોડ ડૉલર એટલે કે લગભગ 200 કરોડ રૂપિયા છે. આ પ્લેનમાં જૅકીએ ત્રણ ભાગ પાડી દીધા છે. પહેલા ભાગમાં તેની પોતાની વિશાળ કૅબિન છે. આ કૅબિનમાં તેના સિવાય કોઈને એન્ટ્રી નથી. ચૅન અહીં રિહર્સલ કરે છે ને આરામ પણ કરે છે. બીજા ભાગમાં તેના સ્ટાફ માટેની કૅબિન છે ને ત્રીજા ભાગમાં બેસવાની વ્યવસ્થા છે. કોઈની સાથે મીટિંગ કરવાની હોય તો ચૅન અહીં કરે છે. આ પ્લેનમાં વાઇ-ફાઇ છે તેથી હવામાં ઊડતાં-ઊડતાં પણ જૅકી બાકીની દુનિયા સાથે સંપર્કમાં રહી શકે છે. આ પ્લેનની બીજી એક ખાસિયત એ છે કેએનું આખું ઇન્ટીરિયર ડ્રૅગનનાં પિક્ચરોથી બનાવેલું છે.

પૉપસિંગર જે-ઝેડ પાસે બૉમ્બાર્ડિયર ચૅલેન્જર 850 લિયરજેટ પ્લેન છે. 4 કરોડ ડૉલર એટલે કે લગભગ 270 કરોડ રૂપિયાનું આ પ્લેન તેને તેની પોપસ્ટાર પત્ની બિયોન્સ નોલ્સે ભેટમાં આપ્યું છે. આ પ્લેન ફ્લાઇંગ હોમ છે. એક ઘરમાં હોય એવી બધી સવલતો આ વિમાનમાં છે. ક્રિમ લેધર ફર્નિચર સાથેનો લિવિંગ રૂમ, માસ્ટર બેડરૂમ, બે બાથરૂમ અને કિચન પ્લેનમાં જ છે. પૉપસ્ટાર રિયાઝ કરી શકે એ માટે પ્લેનમાં એક નાનકડો સ્ટુડિયો પણ બનાવાયો છે.

દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ મનાતા બિલ ગેટ્સ આમ તો સાદગીથી જીવે છે. સાવ સાદાં કપડાં અને ભપકા વિનાની લાઇફસ્ટાઇલ બિલ ગેટ્સની ખાસિયત છે, પણ પ્રાઇવેટ પ્લેનના મામલે બિલ ગેટ્સના શોખ સેલિબ્રિટીઝ જેવા છે. બિલ ગેટ્સ પાસે પોતાનું બૉમ્બાર્ડિયર બીડી-700 ગ્લોબલ એક્સપ્રેસ જેટ છે. 4 કરોડ ડૉલર એટલે કે લગભગ 270 કરોડ રૂપિયાનું આ પ્લેન દુનિયાનાં સૌથી ઝડપી પ્લેન્સમાં એક છે. બિલ ગેટ્સે દુનિયામાં લોકોની આંખો પહોળી થઈ જાય એટલી સ્પીડે પ્રગતિ કરી અને સૌથી ધનિક બની ગયા. તેમનું પ્લેન પણ બીજી સેલિબ્રિટીઝ કરતાં વધારે ફાસ્ટ છે ને કલાકના 9300 કિલોમીટરની સ્પીડે નૉન-સ્ટૉપ ભાગી શકે છે. અવાજની ઝડપે ભાગતું આ પ્લેન અત્યાધુનિક ટેક્નૉલૉજી ધરાવે છે.

અત્યારે દુનિયામાં ઉડ્ડયન ક્ષેત્રે રોકવેલ કોલિન્સ પ્રો લાઇન ફ્યુઝન નામની ટેકનૉલૉજીઇન છે. બિલનું પ્લેન આ ટેક્નૉલૉજી પર ચાલે છે. અલબત્ત બિલનું પ્લેન અંદરથી તેના જેવું જ સાદું છે. આ પ્લેનમાં બોર્ડરૂમ છે, એક બેડરૂમ છે ને બિલને ઇચ્છા થાય ત્યારે કામ કરી શકે એ માટે કૉમ્પ્યુટર્સ પણ છે. બિલે પ્લેનમાં નાનકડી લાઇબ્રેરી પણ બનાવી છે. પ્લેનમાં લાઇબ્રેરી હોય એવી બિલ ગેટ્સ કદાચ એકમાત્ર સેલિબ્રિટી હશે.

આ તો થોડીક સેલિબ્રિટીઝની વાત કરી, પણ દુનિયામાં બીજી ઘણી સેલિબ્રિટીઝ પાસે પોતાનાં પ્રાઇવેટ જેટ છે. મનોરંજનજગત સાથે સંકળાયેલા લોકો મીડિયા સાથે સારા સંબંધો રાખે છે ને પોતાની સતત પબ્લિસિટી થાય એમાં તેમને રસ હોય છે તેથી તેમની પાસેનાં પ્લેન્સની વિગતો બહાર આવે છે. બાકી આ બધાં પ્લેન્સને પણ ટક્કર મારે એવાં પ્લેન્સ દુનિયામાં છે જ. સ્પોર્ટ્સ સ્ટાર્સ,  બિઝનેસ ટાઇકૂન્સ, ઍકૅડેમિશયન્સ, સ્પીકર્સ વગેરે પાસે મોંઘાંદાટ અને અનોખાં પ્લેન હોય છે. આ બધાને પોતાની અંગત વાતો બહાર આવે એમાં રસ નથી હોતો તેથી આપણને એના વિશે ખબર નથી પડતી એ અલગ વાત છે. બાકી બીજે બધે બને છે એમ પ્રાઇવેટ પ્લેન્સની દુનિયામાં આપણે જાણીએ છીએ એના કરતાં ના જાણીએ એવું ઘણું છે.

તમારી પાસે ખર્ચવા માટે રૂપિયા હોય તો પ્રાઇવેટ પ્લેન્સની સફર કરવા જેવી છે. પૈસો નથી તો વાંધો નહીં, પણ એક બહુ રસપ્રદ વાત જાણી લો.એ રસપ્રદ વાત એ છે કે ઉપર જણાવી એમાંની ઘણી સેલિબ્રિટીઝ ક્યારેક સામાન્ય લોકોને પોતાનાં પ્લેન્સમાં સફર કરાવે છે.આ બધો પબ્લિસિટીનો ખેલ છે. પોતે ભલે પ્લેનમાં મુસાફરી કરે, પણ તેમના પગ જમીન પર છે એ બતાવવાના ઘણાને ધખારા છે, પણ એને કારણે ઘણાનાં નસીબ ઊઘડી જાય છે. તમે પણ ઇન્ટરનેટ પર ઍક્ટિવ હો ને આ સેલિબ્રિટીઝને ફૉલો કરતા હો તો ક્યારેક તમને પણ લૉટરી લાગી જાય એવું બને.

ભારતમાં પણ કેટલીક સેલિબ્રિટીઝ પાસે પોતાનાં પ્રાઇવેટ જેટ્સ છે, પણ દુનિયાની બીજી સેલિબ્રિટીઝ પાસેનાં પ્લેન્સની સરખામણીમાં એ બધાં ચાય કમ પાની જેવાં છે. એનું કારણ કદાચ એ પણ છે કે આપણે ત્યાં સેલિબ્રિટીઝે એટલી ઊડાઊડ નથી કરવી પડતી. અમેરિકા અને પશ્ચિમની સેલિબ્રિટીઝ પોતાના શો માટે, બિઝનેસ મીટિંગ્સ માટે દુનિયાના એક છેડેથી બીજા છેડે જાય છે.કલાકો અને ક્યારેક આખો દિવસ પ્લેનમાં કાઢે છે. આપણા દેશની સેલિબ્રિટીઝે વિદેશોની બહુ ઊડાઊડ નથી કરવી પડતી એટલે તેમને આવાં ભવ્ય પ્લેન્સની જરૂર નહીં લાગતી હોય. આપણી સેલિબ્રિટીઝ પશ્ચિમી દેશોની સેલિબ્રિટીઝ જેટલી બિઝી થશે એ વખતે અહીં પણ એ કલ્ચર આવી જશે, કદાચ.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.