‘લાઇફમાં અણધાર્યા વળાંક આવતા રહ્યા અને હું મંજિલ તરફ ધકેલાતી ગઈ’ :પ્રિયા સરૈયા

Cocktailzindagi Exclusive

By – કૃપા જાનીશાહ

ગીતકાર અને ગાયિકા પ્રિયા સરૈયા ‘કૉકટેલ ઝિંદગી’ સાથેના ઇન્ટરવ્યુમાં પોતાના ગુરુ કલ્યાણજી-આણંદજી સાથેના સંબંધો, સચિન-જિગર સાથેની સંગીતમય સફર, જિગર સાથે લગ્નની દાસ્તાન, માતા બન્યા બાદ જીવનમાં આવેલા બદલાવ તેમ જ આ વર્ષે સુરતમાં નવરાત્રિ પર્ફોર્મન્સની ઉત્સુક્તા સહિત પોતાના જીવનનાં બધાં જ પાસાંઓની નિખાલસતાથી વાત કરે છે.

અમુક વ્યક્તિને તમે પહેલીવાર મળો તો પણ તમે તેમની સાથે સરળતાથી સંવાદ સાધી શકો છો. તેમની સાથે વાત કરતાં તમને જરા પણ સંકોચ ન થાય અને જે કહેવું હોય કે પૂછવું હોય એ બધું ખૂબ જ સહજતાથી કહી શકો છો. કદાચ તેમની પર્સનાલિટીમાં સમાયેલી સાદગી જ તેમના વ્યક્તિત્વનું સબળ પાસું હોય છે. પ્રિયા સરૈયા એવી જ એક વ્યક્તિ છે. તમે તેમને કદાચ સંગીતકાર સચિન-જિગર પૈકીના જિગર સરૈયાની પત્ની તરીકે વધુ ઓળખતા હશો, પણ તેમનાં સોલફુલ સૉન્ગ્સ અને લિરિક્સે તમારું ધ્યાન જાણતાં-અજાણતાં જરૂર ખેંચ્યું હશે. ‘શોર-ઇન ધ સિટી’ ફિલ્મના ‘સાઈબો…’ કે ‘બદલાપુર’ ફિલ્મના ‘જી કરદા…’ ગીતનાં લિરિક્સ હોય કે ‘એ.બી.સી.ડી.-2’ ફિલ્મના ‘સૂન સાથિયા…’ ગીતનો મીઠો અવાજ… તેમનાં બધાં ગીત બધા જ શ્રોતાઓના હૃદયને સ્પર્શી જાય છે.

પોતાની મ્યુઝિકલ જર્ની વિશે વાત કરતાં પ્રિયા કહે છે, ‘હું લગભગ ચાર વર્ષની હોઈશ ત્યારે બોરીવલીની જે.બી. ખોત સ્કૂલમાં ભણતી હતી. મેં લતા મંગેશકરજીનું ફેમસ ગીત ‘લગ જા ગલે…’ ક્યાંક સાંભળ્યું હતું અને હું સ્કૂલમાં લેક્ચર દરમિયાન એ ગીત ગણગણતી હતી. મારા શિક્ષકે એની નોંધ લીધી હતી અને લેક્ચર બાદ મારી મમ્મીને તેમને મળવા આવવાનું કહ્યું હતું. થોડા દિવસ પછી મમ્મી તેમને મળવા આવી અને મારા ટીચરે તેમને કહ્યું કે તમારી દીકરી ખૂબ જ સુંદર ગાય છે અને તેને મ્યુઝિકની પણ સારી સમજ હોય એવું લાગે છે, તમારે તેની આ આવડતને નિખારવા પ્રયત્નો કરવા જોઈએ. મારી મમ્મી તો રાજીની રેડ થઈ ગઈ. તેણે મને મ્યુઝિકની તાલીમ આપવાનું નક્કી કર્યું અને મારા પ્રિન્સિપાલ દ્વારા સૂચવવામાં આવેલાં ક્લાસિકલ સિંગર પ્રેમિલા પારુંડેકર પાસે મેં તાલીમ મેળવવાની શરૂઆત કરી અને મારી સંગીત સફરની શરૂ થઈ.

મને સંગીત પ્રત્યે ખૂબ જ લગાવ છે અને મને ગીતો ગાવાનો ભારે શોખ છે, પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું બૉલીવુડમાં કરીઅર બનાવીશ.’ એમ કહેતા પ્રિયા ઉમેરે છે, ‘છ વર્ષની વયે તો મેં સ્ટેજ-શો શરૂ કરી દીધા હતા. હું ગુજરાતી ગીતોનાં, નવરાત્રિના અને ડાયરાના શોઝ કરતી હતી. એ સમયે એક સ્કૂલ-કૉમ્પિટિશનમાં સંગીતકાર કલ્યાણજીભાઈની નજર મારા પર પડી અને તેમણે મારાં માતા-પિતાને તેમની પાસે મારી સંગીત તાલીમ શરૂ કરવાનો આગ્રહ રાખ્યો ને મેં તેમની પાસે તાલીમ લેવાની શરૂઆત કરી. તેમના અવસાન બાદ આણંદજીભાઈ મને તાલીમ આપતા અને તેમના લિટલ સ્ટાર્સ અંતર્ગત મેં 2500થી વધુ શોઝ કર્યા. આજે 15 વર્ષથી હું આણંદજીભાઈ સાથે સંકળાયેલી છું. સાચું કહું તો તેમણે મને જીવનમાં સંગીતનું મહત્ત્વ સમજાવ્યું અને આજે મને સંગીતનું જેટલું પણ જ્ઞાન છે એ માટે હું કલ્યાણજી-આણંદજીની હંમેશાં ઋણી રહીશ. તેઓ મારા ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ છે. મેં મીઠીબાઈ જુનિયર કૉલેજમાં સાયન્સમાં ઍડ્મિશન લીધું હતું, પણ શોઝને કારણે સતત વ્યસ્ત રહેતી હોવાથી મેં આગળ કૉમર્સમાં ડિગ્રી લેવાનો નિર્ણય લીધો. હું સ્ટેજ-શો કરીને જ ખૂબ ખુશ હતી. લેખનનો મને શોખ હતો. નાનપણથી પર્સનલ ડાયરી લખતી, પણ ક્યારેય પ્રોફેશનલી આ ટૅલન્ટનો ઉપયોગ કરવાનું વિચાર્યું જ નહોતું. જોકે મને ગીતોના શબ્દો પર ધ્યાન આપવાની આદત નાનપણથી જ હતી. હું ગીત પાછળના અર્થને પામવાની હંમેશાં કોશિશ કરતી. એમ છતાં રાઇટિંગ વૉઝ નેવર ઑન કાર્ડ. મારે તો વધુ ને વધુ મ્યુઝિક શીખવું હતું, વર્લ્ડ મ્યુઝિક વિશે જાણવું હતું. તેથી મેં લંડનની ટ્રિનિટી કૉલેજમાંથી પિયાનો શીખવાનું નક્કી કર્યું. બૉલીવુડમાં એન્ટ્રી તો એક યોગાનુયોગ છે.’ ઉલ્લેખનીય છે કે પ્રિયાએ મુંબઈના ગંધર્વ મહાવિદ્યાલયમાંથી છ વર્ષ સુધી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ પણ લીધી છે.

બૉલીવુડ નામના યોગાનુયોગની વાત આગળ વધારતાં પ્રિયા કહે છે, ‘વર્ષ 2010’-11ની વાત છે. સંગીતકાર સચિન-જિગર એ સમયે ‘ફાલતુ’ ફિલ્મના મ્યુઝિક પર કામ કરી રહ્યા હતા. મને ક્યાંકથી ખબર પડી કે તેઓ નવી ટૅલન્ટને શોધી રહ્યા છે. મેં ફેસબુક પર જિગરનો સંપર્ક કર્યો અને તેમણે મને તેમના સ્ટુડિયો પર મળવા બોલાવી. તેમને તેમની રેડી ટ્યુન્સ પર ગીતો લખવા માટે સ્ક્રેચ લિરિસિસ્ટની જરૂર હતી. તેમણે મને એક ટ્યુન સંભળાવી અને એ ટ્યુન માટે ગીત લખવા કહ્યું. મેં તેમને કહ્યું આઇ કૅન ટ્રાય. હજી તો હું સ્ટુડિયોથી રિક્ષા દ્વારા ઘરે રિટર્ન જઈ રહી હતી ત્યાં જ મેં મોબાઇલ પર ‘ગલે લગા લે…’ સૉન્ગ લખી નાખ્યું. મેં ઘરે પહોંચીને જ તેમને ફોન કર્યો અને તેમને મારું ગીત ખૂબ જ પસંદ પડ્યું. એટલું જ નહીં, તેમણે મને બીજે દિવસે જ એ ગીત રેકૉર્ડ કરવા બોલાવી. પહેલીવાર એ ગીત માટે જ મેં પ્લેબૅક સિંગિંગ પણ કર્યું. આમ અમે ખૂબ જ સારા મિત્રો બની ગયા અને અમારી કરીઅર એકસાથે જ શરૂ થઈ.’

પ્રિયાએ અત્યાર સુધીમાં ‘તેરે નાલ લવ હો ગયા’, ‘જયંતાભાઈ કી લવ સ્ટોરી’,’ ગો ગોવા ગૉન’, ‘હીરો’, ‘બદલાપુર’, ‘શોર- ઇન ધ સિટી’, ‘શુદ્ધ દેસી રોમૅન્સ’, ‘એન્ટરટેઇનમેન્ટ’, ‘હૅપી એન્ડિંગ’, ‘ખૂબસૂરત’, ‘એ.બી.સી.ડી.-2’, ‘હસીના પારકર’, ‘અ જેન્ટલમૅન’, ‘હમ તુમ સબાના’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘અ ફ્લાઇંગ જાટ’, ‘મેરી પ્યારી બિંદુ’, ‘હિન્દી મીડિયમ’, ‘ભૂમિ’ સહિત અનેક ફિલ્મો માટે કામ કર્યું છે. કંગના રનોટની ફિલ્મ ‘સિમરન’નાં પણ અનેક ગીતો તેણે લખ્યાં છે તેમ જ ‘એ.બી.સી.ડી.-3’ અને ‘ગો ગોવા ગૉન-2’ માટે વાત ચાલી રહી છે. ડિસેમ્બર 2018માં તે પોતાનું પહેલું રોમૅન્ટિક સોલો ફન્ક આલબમ લઈને આવી રહી છે. તમને જાણીને નવાઈ થશે કે આજે પણ પ્રિયા રિક્ષામાં ટ્રાવેલ કરીને ગીતો લખવાનું પસંદ કરે છે. તેના મતે કદાચ મુંબઈ શહેરનો શોર તેને તેના મનના શબ્દોને ગીતોમાં ઢાળવાની પ્રેરણા આપે છે. અત્યાર સુધીમાં તેણે 70 જેટલાં હિંદી ગીતો લખ્યાં છે, પણ ‘એ.બી.સી.ડી.-2’નું ગીત ‘સૂન સાથિયા’ તેના હૃદયની સૌથી નજીક છે એમ જણાવતાં પ્રિયા ઉમેરે છે, ‘સચિન-જિગર અને હું ત્યારે ‘એ.બી.સી.ડી.’ મૂવીના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પર કામ કરી રહ્યાં હતાં. ફિલ્મનું આલબમ ઑલરેડી રિલીઝ થઈ ચૂક્યું હતું. ફિલ્મમાં એક સિચ્યુએશનમાં અમે ધૂન બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં, પણ અમને ત્રણેયને કાંઈ ગમતું નહોતું. આખરે એક ટ્યુન પર અમે ‘સૂન સાથિયા…’ ગીત બનાવ્યું અને એ સિચ્યુએશન પર પરફેક્ટ બેસી રહ્યું હતું. રેમો સર અને આખી ટીમને એ ગીત ખૂબ જ ગમ્યું, પણ એનો આલબમમાં સમાવેશ થઈ શકશે નહીં એ વાતનો રેમો સરને ભારે વસવસો રહી ગયો હતો. તેથી તેમણે મને પ્રૉમિસ આપ્યું હતું કે જ્યારે પણ તેઓ ‘એ.બી.સી.ડી.-2’ બનાવશે ત્યારે આ ગીત માટે સ્પેશિયલ સિચ્યુએશન ક્રીએટ કરશે અને તેમણે આ પ્રૉમિસ પાળ્યું પણ ખરું. આ સૉન્ગને લોકોનો ખૂબ જ પ્રેમ પ્રાપ્ત થયો. આ માટે હું આખી ‘એ.બી.સી.ડી.-2’ ટીમની હંમેશાં આભારી રહીશ.’

ગુજરાતી ફિલ્મોમાં આવેલા નવા દોર વિશે પોતાનું મંતવ્ય આપતા પ્રિયા કહે છે, ‘ગુજરાતી મૂવીઝમાં બહુ સારો બદલાવ આવી રહ્યો છે. નવા ડિરેક્ટરો, નવી સ્ટોરીઝ, નવી ટૅલન્ટ્સ… આ બધું ગુજરાતી ફિલ્મો માટે પૉઝિટિવ પુરવાર થશે. પહેલાં ફિલ્મ-પ્રોડ્યુસરો ફિલ્મો બનાવવા માટે બનાવતા, તેમને ફિલ્મમેકિંગ વિશે જ્ઞાન નહોતું; પણ હવે સમય બદલાયો છે. મ્યુઝિક અને ગીતના લેખનમાં પણ તમે ચેન્જ અનુભવ્યો જ હશે. સચિન-જિગર અને પાર્થ ઠક્કર ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ સારું સંગીત પીરસી રહ્યા છે. નવી ગુજરાતી ટૅલન્ટને બહાર લાવવા પ્રયત્નો કરવા જોઈએ, ગુજરાતીઓ માટે ‘ઇન્ડિયન આઇડલ’ જેવા શોઝ તૈયાર કરીને તેમને પ્લૅટફૉર્મ પૂરું પાડવું જોઈએ.’

પ્રોફેશનલ લાઇફ સાથે પર્સનલ લાઇફની વાત કરતાં તે કહે છે, ‘સચિન અને જિગર બન્ને મારા ખૂબ જ સારા મિત્રો છે, પણ સચિન સાથે મોટા ભાઈ જેવું બૉન્ડિંગ છે અને જિગર અને હું બડ્ડી હતાં અને છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે મારા અને જિગરનાં લવમૅરેજ નથી. કદાચ જિગર મને પ્રેમ કરતો હતો, પણ મેં તો ક્યારેય સ્વપ્નેય નહોતું વિચાર્યું કે હું જિગર સાથે લગ્ન કરીશ. જિગરની ઘણી આદતો મને ગમતી નહોતી. અમારી ફ્રેન્ડશિપને ઘણાં વર્ષો થઈ ગયાં હતાં. અમે બન્ને એકબીજાંના પરિવારને પણ સારી રીતે ઓળખતાં હતાં. જિગરના પપ્પા પણ મારા સારા ફ્રેન્ડ બની ગયા હતા. અમારા પરિવારો અમારા માટે સારા જીવનસાથી શોધી રહ્યા હતા. હું અને સચિન અનેકવાર જિગર સાથે છોકરીઓ જોવા પણ ગયા હતા અને તેઓ પણ મને છોકરાઓ મળવા આવે ત્યારે મારી સાથે રહેતા. આ આખી પ્રોસેસમાં સચિનને એક વાત સમજાઈ ગઈ કે અમે બન્ને એકમેક માટે સર્જાયાં છીએ અને તેણે ક્યુપિડનો રોલ પ્લે કરીને અમારા પરિવારોને સમજાવ્યા કે અમે બન્ને એકબીજા માટે પરફેક્ટ છીએ અને આખરે સચિન અને બન્ને પરિવારોના પ્રયાસને કારણે અમે એક થયાં.’ આજે આ કપલને બે વર્ષનો દીકરો માહિત છે. માહિત વિશે વાત કરતાં પ્રિયા કહે છે, ‘માહિત બાદ હું અને જિગર વધુ સમજદાર અને ઑર્ગેનાઇઝ્ડ બન્યાં છીએ. મારા જીવનનું અત્યારે એકમાત્ર ધ્યેય માહિત છે. મારી દુનિયા તે જ છે. છેલ્લાં ત્રણ વર્ષથી હું બ્રેક પર હતી અને મોટેભાગે ઘરેથી જ કામ કરતી હતી. આ વખતે સુરતમાંથી જ્યારે ‘જી9 એન્ટરટેઇનમેન્ટ’ દ્વારા નવરાત્રિમાં પર્ફોર્મ કરવાનું આમંત્રણ આવ્યું ત્યારે પહેલાં મારું મન ખચકાતું હતું, પણ જિગરે બાંયધરી આપતાં મેં આ વર્ષે પર્ફોર્મ કરવાનો નિર્ણય લીધો છે.

નવરાત્રિ શબ્દ સાથે જ પ્રિયાની આંખોમાં ચમક ઊભરી આવે છે. નવરાત્રિ વિશે વાત કરતાં તેે કહે છે, ‘મારે મન નવરાત્રિનું અનોખું મહત્ત્વ છે. નાનપણથી જ હું સ્ટેજ-શો કરતી આવી છું. બ્રેક પહેલાં મેં સતત 12 વર્ષ સુધી સુરતમાં નવરાત્રિ દરમિયાન પર્ફોર્મ કર્યું છે. આમ મારું મૂળ વતન વલસાડ હોવા છતાં હું સુરતને પોતાનું હોમગ્રાઉન્ડ માનું છું. હું આ વર્ષની નવરાત્રિને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને 400થી વધુ ટ્રેડિશનલ ગરબા આવડે છે. આ પૈકીના બેસ્ટ પણ ઓછા જાણીતા એવા ગરબા હું સુરતમાં પર્ફોમ કરીશ. મેં નવરાત્રિ માટે સ્પેશિયલ ગરબા સૉન્ગ પણ લખ્યું છે જે મેં  મારી યુટ્યુબ ચૅનલ પર રજૂ કર્યું છે. મારા લુકને લઈને પણ હું ખૂબ જ એક્સાઇટેડ છું.’

સુરતની નવરાત્રિનો પોતાનો અનુભવ શૅર કરતાં તે કહે છે, ‘સુરતની મારી પહેલી નવરાત્રિમાં અમે અનેક ફેમસ ગુજરાતી ગરબા અને બૉલીવુડનાં સૉન્ગ્સ તૈયાર કર્યાં હતાં. પહેલા દિવસે ત્યાંના પ્રેક્ષકોએ અમને અધવચ્ચે રોકીને પારંપરિક ગરબા જ રજૂ કરવાની માગણી કરી હતી. અમે જેમ તેમ કરીને પહેલે દિવસે તેમને સમજાવ્યા કે અમે બીજે દિવસે તેમની લાગણીઓને માન આપીશું. જોકે આ વચન પૂરું કરવા માટે અમારી ટીમે અડધી રાતે સુરતની કૅસેટની દુકાનો ખોલાવીને આશરે 250 જેટલી પારંપરિક ગરબાની કૅસેટો ખરીદી હતી અને આખી રાત અને બીજો દિવસ જાગીને આશરે 100થી વધુ પારંપરિક ગુજરાતી ગરબાઓની પ્રૅક્ટિસ કરી હતી. આ અનુભવ હું મારા આખા જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું.’

તું વધુ ફિલ્મોમાં કેમ પ્લેબૅક સિન્ગિંગ નથી કરતી? એવા સવાલના જવાબમાં પ્રિયા કહે છે કે ‘હું ખૂબ જ સંતોષી જીવ છું.હું શૉર્ટ ટર્મ સક્સેસમાં માનતી નથી. મારા માટે જે કામ આવે એ ઈમાનદારી અને લગનથી કરવું એ જ સક્સેસ છે. એટલે જ કદાચ મારું કામ વખણાઈ રહ્યું છે. લોકોનો પ્રેમ મળતો રહે એ જ વાત મારે મન સૌથી મહત્ત્વની છે.’

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.