‘રોજ કંઈક નવું શીખું છું’ : રણબીર કપૂર

Cocktailzindagi Exclusive

By – બીના સરૈયાકાપડિયા

હમણાંહમણાં રણબીર કપૂર પર બધાની નજર મંડાયેલી છે. ‘સંજુફિલ્મને કારણે ચાહકોની અને મીડિયાની તેના પર નજર છે. તો તેની આલિયા ભટ્ટ સાથેનીદોસ્તીવિશે પણ મીડિયામાં અવારનવાર કંઈક ને કંંઈક જોવાજાણવા મળે છે. ‘કૉકટેલ ઝિંદગી વિખ્યાત ફિલ્મસ્ટારની ખાસ મુલાકાત લીધી જેમાં તેણેસંજુફિલ્મ વિશે, તેની કરીઅર વિશે અને પર્સનલ લાઇફ વિશે ખુલ્લા દિલથી વાતો કરી હતી. પ્રસ્તુત છે રસપ્રદ મુલાકાત.

‘સંજય દત્તની જેમ મને પણ કૉલેજના દિવસોમાં એક ક્યુરિયોસીટીથી ફ્રેન્ડ્સ સાથે નશીલા પદાર્થો લેવાની લત લાગી ગઈ હતી. જોકે, મેં ડ્રગ્સ જેવા હેવી નશીલા પદાર્થોનું સેવન નથી કર્યું,(ક્યા નશીલા પદાર્થો લેતો હતો, એ હું અહીં કહી શકું એમ નથી) પણ હા, હું એ ઝોનમાં ગયો હતો ખરો. પણ મેં જલદી રિયલાઇઝ કરી લીધું કે આ મારી દુનિયા નથી. એટલા માટે નહીં કે મારે સ્ટાર બનવું હતું,પણ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક પોતાની દિશા નક્કી કરવાની હોય છે.મેં પણ ત્યારે નક્કી કરી લીધું કેહું નશીલા પદાર્થોને વશ નહિ થાઉં…’

આ શબ્દો છે, વિખ્યાત ફિલ્મ સ્ટાર રણબીર કપૂરના. આવી ઘણી વાતો તેણે ‘કૉક્ટેલ ઝિંદગી’ સાથેની ખાસ મુલાકાતમાં શૅર કરી હતી.

રણબીર કહે છે, ‘સંજુ’ ફિલ્મ દ્વારા દર્શકોને એ મૅસેજ ખૂબ જ સરસ રીતે મળશે કે ડ્રગ્સ લેવાથી માત્ર તમે તમારી જિંદગી બરબાદ કરો છો, બીજું કઈ હાંસલ નથી કરી શકતા. ડ્રગ્સ લીધા બાદ સંજય દત્ત એક એવા ઝોનમાં ચાલ્યા ગયા હતા, જ્યાંથી પાછા આવવું તેમના માટે ખૂબ જ કઠિન હતું. તેઓ એમાંથી બહાર પણ નીકળ્યા અને પાછા સ્ટાર પણ બન્યા. જોકે બધા માટે આ શક્ય નથી. એકવાર ડ્રગ્સની ચુંગાલમાં જે ફસાય છે, તેની જિંદગી ખતમ થઈ જાય છે. યુવાનો માટે આ ફિલ્મખૂબ જ સરસ મૅસેજ છે કે તમે તમારી જિંદગી બરબાદ કરી દો છો, ડ્રગ્સ પાછળ.’

 

‘કૉલેજના દિવસોમાં મને બીજી પણ એક ખરાબ આદત પડી ગઈ હતી, તમાકુની. મને ખૂબ જતકલીફ પડી હતી એમાંથી બહાર નીકળવામાં. જોકે કોઈ પણ વ્યસનમાંથી બહાર નીકળવું હોય તો સૌથી પહેલા વિલ પાવર અને ફૅમિલી સપોર્ટની ખૂબ જજરૂર પડે છે. જ્યાં સુધી તમે મનને મજબૂત ન કરો કે મારે આમાંથી બહાર નીકળવું છે, ત્યાં સુધી એ શક્ય બનતું નથી. બીજું, તમારા ફ્રેન્ડ્સ કોણ છે, ક્યાંથી તમે આ પદાર્થ લો છો વગેરે ડિટેઈલ્સ તમે ફૅમિલી સાથે શૅર કરવાની હિંમત એકઠી કરો નહીં, ત્યાં સુધી ફૅમિલી પણ તમને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે નહીં. હજી મને એક આદત છે, મને સ્વીટ્સ બહુ જ ભાવે છે, પણ એ તો કોઈ ખરાબ આદત નથી.(હસે છે).’

‘સંજુ’ ફિલ્મને કારણે મીડિયામાં છવાઈ ગયેલો રણબીર કપૂર થોડો ભાવુક થઈને કહે છે, ‘આવો પ્રેમ મને ઑડિયન્સ તરફથી ક્યારેય નથી મળ્યો. આ પ્રેમ તો સંજય દત્ત અને રાજકુમાર હીરાનીની બદૌલત મને મળી રહ્યો છે. મારી જાતને સંજય દત્તના રોલમાં ઢાળવી એ ખૂબ જ ટફ કામ હતું. પણ હવે લોકો જયારે આ ફિલ્મ જોશે તો રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કેમ કર્યો એવો સવાલ કોઈના મનમાં ઉઠશે નહીં, કારણ કે, હું એ પરીક્ષામાં પાસ થઈ ગયો છું. અલબત્ત, રાજકુમાર હીરાની જેવા ડિરેક્ટર સાથે કામ કરવા માટે લક જોઈએ. હું મારી જાતને ખરેખર લકી માનું છું કે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ અગાઉ ‘થ્રી ઈડિયટ્સ’નો મૅઈન રોલ મને ઓફર થયો હતો.હું તો ત્યારે એટલો એક્સાઈટ થઈ ગયો હતો કે મેંબીજી બધી ઓફરોને ના પડવાનું શરૂ કરી દીધું હતું. બે-ત્રણ મિટીંગ પણ થઈ હતી. પણ એ ફિલ્મમાં મિડલ એઈજને સુટ થાય તેવો ઍકટર જોઈતો હતો એટલે વાત અટકી ગઈ.આ વખતે જયારે મને રાજકુમાર હીરાનીનો મૅસેજ આવ્યો, આ ફિલ્મ માટે, ત્યારે મારો તેમને સૌથી પહેલો સવાલ એ જ હતો કે સર, તમે સંજય દત્ત પર બાયોપિક તો નથી બનાવી રહ્યા ને? જો બાયોપિક હોય તો એમાં હું મારું કેટલું યોગદાન આપી શકીશ? સંજય દત્તની લાઇફ પર બનતી ફિલ્મને હું કેટલી જસ્ટિફાય કરી શકીશ… અનેક સવાલો મારા મનમાં હતા, પણ જયારે મેં ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મારી બધી શંકાઓ ગાયબ થઈ ગઈ હતી.’

‘સંજય દત્તને ડ્રગ્સની લતમાંથી બહાર કાઢવામાં તેમના પિતા સુનીલ દત્તનો મોટો ફાળો હતો. તેમણે બધું જ છોડીને સંજય દત્તને આ ચુંગાલમાંથી બહાર કાઢવા ખૂબ જ મહેનત કરી. એક પિતા તરીકે સુનીલ દત્ત ખરા ઊતર્યા. અલબત્ત, પિતા-પુત્રની જોડીને સરખાવવાની વાત હોય તો સંજુ-સુનીલ સર અને હું-મારા પિતા… ઘણું સામ્ય છે અમારા વચ્ચે.અમે બન્ને ઍક્ટર પિતા-પુત્ર એકબીજાના ફ્રેન્ડ નથી.એક લિમિટ છે બન્ને વચ્ચે. ડર,રિસ્પેક્ટ અને લવ છે પિતા પુત્ર વચ્ચે. આ રીતે હું મારી જાતને સંજુ સર સાથે રીલેટ કરી શકું છું. હું જયારે નાનો હતો ત્યારે સુનીલ દત્ત સરને ઘણી વાર મળ્યો છું. તેઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા.’

‘કોઈના પર બાયોપિક ફિલ્મ બનતી હોય ત્યારે એમાં તે માણસની ભૂલો, ટેવ-કુટેવ, તેની ગર્લ ફ્રેન્ડ્સ, લગ્નો, ડિવોર્સ… બધું જ દર્શાવવામાં આવે છે.તમે માત્ર એ માણસની અચ્છાઇઓ બતાવીને બાયોપિક ન બનાવી શકો. માણસ માત્ર ભૂલને પાત્ર છે. તેની નબળાઈઓ સાથે ફિલ્મ બને તો જ રિયલ લાગે. રાજ કપૂરનું જીવન પણ રંગીન હતું.તેમના પર બાયોપિક બનાવવાનો તમારી ફૅમિલીમાં કોઈને વિચાર નથી આવતો?’અમે પૂછીએ છીએ.

રણબીર ખૂબ જ તટસ્થતાથી કહે છે, ‘દાદાજીના જીવન પર બાયોપિક બનાવવાનો ખયાલ તો ફૅમિલીમાં ઘણાને આવે છે, પણ તેમના જીવનનાં અમુક પાસાં એવાં છે જે ડિસ્કલોઝ થાય એ ફૅમિલીને મંજૂર નથી.અને બાયોપિક ત્યારે જ બને જયારે તમે એમાં વાસ્તવિકતા ઠાલવો. એક પ્રોપોગેન્ડા રચીને બાયોપિક ન બને. સુષ્ઠુ-સુષ્ઠુ દૃશ્યોભરી ફિલ્મ જોવામાં કોઈને રસ ન હોય. એટલે જો મારી ફૅમિલી દાદાજીના જીવનમાં બનેલા કિસ્સાઓ સાથે ફિલ્મ બનાવવા તૈયાર થાય તો જ ફિલ્મ બનાવવી શક્ય બને.સંજય દત્તમાં એ ગટ્સ છે કે તેઓ દુનિયાને ખુલ્લેઆમ કહી શકે છે, કે હા મેં આ બધી ભૂલો કરી છે.’

અગાઉ એક્સપેરિમેન્ટલ ફિલ્મો કરી ચૂકેલા રણબીરની છેલ્લી ચાર ફિલ્મો બોક્સ ઑફિસ પર બહુ ચાલી નહીં. બૉલીવુડમાં પોતાનું ભવિષ્ય થોડું ધૂંધળું દેખાવા લાગતાં રણબીરે કમર્શિયલ ફિલ્મો તરફ ઝુકાવ કરી દીધો છે. તેમની આગામી ફિલ્મ ‘શમશેરા’ પણ કમર્શિયલ ફિલ્મ છે.આની પાછળ તેમની ઇનસિક્યુરિટી જવાબદાર છે?

રણબીર કપૂર ફટથી જવાબ આપે છે, ‘ના ના, એવું કંઈ નથી. એમ જુઓ તો મેંઆ પહેલા ‘જગ્ગા જાસૂસ’, બોમ્બે વેલ્વેટ’ અને ‘બેશરમ’ જેવી ફિલ્મો કરી જ છે ને! હા, હવે મારી જે બે ફિલ્મો આવશે એ કમર્શિયલ છે, પણ તેનો મતલબ એમ નથી કે મેં ફિલ્મો માટેનું મારું સિલેકશન બદલ્યું છે. બીજું, મેં એવું નક્કી કર્યું છે કે મારે હવે અયાન, ઈમ્તિયાઝ અને અનુરાગ બાસુ ઉપરાંત બીજા ડિરેક્ટર્સ સાથે કામ કરવું છે, કારણ કે આ ત્રણેય ડિરેક્ટર સાથે કામ કરીને હું કમ્ફર્ટ ઝોનમાં રહેતો હતો. મારે હવે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું છે. મારી આગામી ફિલ્મ ‘શમશેરા’ અઢારમી સદીના ડાકુ પર બનેલી ફિલ્મ છે. જોકે મારો એવો લુક કે નેચર નથી એટલે એક ડાકુનું રૂપ મારા માટે ખુબ જ ચેલેન્જીંગ રહ્યું.’

રણબીરની ઈમેજ એક ચોકલેટી બોયની છે, પણ તેણે સંજય દત્તની દિલફેંક જવાનીથી લઈને ડ્રગ્સ, જેલનો દુ:ખદ સમય- જેવા સીન ફિલ્મમાં ભજવવાના હતા. એ કેટલી હદે મુશ્કેલ હતું?

રણબીર કહે છે, ‘સૌ પ્રથમ રાજકુમાર હીરાની જેવા ડિરેક્ટર્સ હોય એટલે તમે ઍક્ટિંગના ફલોમાં ઓટોમેટીક આવી જાવ. ડિરેક્ટર વગર ઍક્ટર ઝીરો છે. બીજું, મને મારી જાત પર વિશ્ર્વાસ આવી ગયો હતો કે હું આ પાત્રને બખૂબી નિભાવીશ. બસ, આ વિશ્ર્વાસ આવી જાય એટલે તમે જંગ જીતી જાવ. શરૂઆતના છ-આઠ મહિના પ્રોસ્થેટીક મેક અપ, કૉસ્ચ્યુમ્સ, તેમના જેવી હેર સ્ટાઈલ- આ બધામાં ગયા… તેમની જેમ બોલું કે ન બોલું….તેમની જેમ ચાલું કે ન ચાલું… આ બધી અવઢવ શરૂઆતમાં રહી. પછી તો જેમ કામ કરતો ગયો તેમ ઓટોમેટીકલી બધા પાસાં બરાબર પડતાં ગયાં. સંજ્ય દત્ત ફિટનેસ માટે જાણીતા છે. એટલે આ ફિલ્મ દરમિયાન મેં ખૂબ જ વર્ક આઉટ કર્યું હતું. બાકી હું પર્સનલી ફૂટબોલ રમીને મારી ફિટનેસ જાળવી રાખું છું.’

‘સંજુ’ ફિલ્મમાં સંજય દત્તને પૂછવામાં આવે છે કે, તારી કેટલી ગર્લફ્રેન્ડસ છે: જેના જવાબમાં સંજુ કહે છે, ૩૦૮. અમે રણબીરને આ સવાલ કર્યો તો તે કહે છે, ‘મારી તેમના કરતા ઓછી છે!’

વેલ, હાલમાં સોનમ પરણી.દીપિકાએ પોતાના લગ્ન નક્કી કર્યાનું જાહેર કરી દીધું છે. શું નજીકના ભવિષ્યમાં રણબીરના લગ્નના ઢોલનગારા સાંભળવા મળશે? રણબીર સ્માઈલ આપતા કહે છે, ‘એ તો જયારે મને પર્ફેક્ટ ગર્લ મળે ત્યારની વાત છે. જોકે હું મેરેજઇન્સ્ટિટ્યુટમાં માનું છું, લીવ-ઇન રિલેશનશિપમાં નહીં. મારી પત્ની પાસેથી હું કોઈ વધુપડતી આશા નથી રાખતો. તે જેવી હશે, તેવી જ તેને એક્સેપ્ટ કરીશ.’

એક બાયોપિક કરીને એ પાત્રમાં સંપૂર્ણ ઇન્વોલ્વ થયા બાદ ફિલ્મનું શૂટિંગ ખતમ થતાંજ બીજી ફિલ્મના પાત્રમાં ડૂબી જવાનું એક કલાકાર માટે સરળ નથી હોતું.તે ભજવેલા પાત્રના ઓરામાંથી બહાર નીકળવામાં થોડો સમય લાગે છે. જોકે રણબીરે ‘સંજુ’ ખતમ કર્યા બાદ તરત જ ‘બ્રહ્માસ્ત્ર’ માટે શૂટિંગ શરૂ કરી દીધું હતું.તે કહે છે, ‘હું ડિટેચ્ડ ઍક્ટર છું. હું તરત જ પાત્રમાંથી બહાર આવી જાઉં છું.’

લેજન્ડરી અભિનેતા અને તેના દાદા રાજ કપૂર અદ્ભુત ફિલ્મ મેકિંગ માટે જાણીતા હતા. જો તેઓ જીવિત હોત તો રણબીરને ફિલ્મોના સિલેકશનમાં મદદ કરત?તેનાથી રણબીરને ફાયદો થાત?

રણબીર એક કલાકારના નજરિયાથી જવાબ આપતા કહે છે, ‘હું જે કોઈ ફિલ્મ સાઇન કરું છું, એ એની સ્ક્રિપ્ટ વાંચીને કરું છું. મને દિલથી એમ લાગે કે આ ફિલ્મ મારે કરવી જોઈએ એ જ ફિલ્મહું કરું છું. મારા પપ્પાના કહેવાથી અગર કોઈ ફિલ્મ હું સાઇન કરું તો એનો મતલબ એ નથી કે હું ફિલ્મ સાથે કનેક્ટ થઈ જ જાઉં. અને જો હું ફિલ્મ સાથે કનેક્ટ ન હોઉં તો મારું હન્ડ્રેડ પર્સન્ટ ફિલ્મને ન આપી શકું. એટલે અગર આજે દાદાજી જીવિત હોત, તો પણ મને જે ફિલ્મો કરવામાં મારું દિલ હા કહે એ જ ફિલ્મો હું કરત.’

રણબીર દાદીનો ખૂબ જ લાડલો છે. તે કહે છે, ‘હું ગયા વર્ષે દાદી સાથે જ રહેતો હતો. એ સમય દરમિયાન જમેં ‘સંજુ’ ફિલ્મ  સાઇન કરી હતી. અને મારું શૂટિંગ ચાલી રહ્યું હતુંત્યારે દાદી મને કહેતી હતી: ‘તેં આવી બાયોપિક ફિલ્મ કેમ કરી?’ તેમના હિસાબે ફિલ્મ એટલે ગીતો હોવા જોઈએ… હીરો-હિરોઈન એકબીજા સાથે રોમાન્સ કરતા હોય… આવી જ ફિલ્મ હોય. તે થોડી જૂના જમાનાની છે એટલે તેને બાયોપિકનો ક્ધસેપ્ટ વધુ સમજમાં નથી આવતો. જોકે ફિલ્મ પૂરી થયા બાદ જયારે તેણે ટ્રેઇલર જોયું તો મારું કામ જોઈને તે બહુ જ ખુશ થઈ ગઈ હતી.’

રણબીરના પરદાદા પૃથ્વીરાજ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ ક્લાસિક ફિલ્મ હતી. અમે તેને પૂછીએ છીએ, ‘આ પ્રકારની કોઈ પિરિયોડિક ફિલ્મ કરવાનો વિચાર છે?’

રણબીર કહે છે, ‘ચોક્કસપણે છે. ઇન્ફેક્ટ વાત પણ ચાલી રહી છે. પણ ફ્રેન્કલી સ્પીકિંગ, પિરિયોડિક ફિલ્મ માટે હું હજુ એટલો તૈયાર થયો નથી. જોકે મારી પહેલી ફિલ્મ સંજય લીલા ભણશાલીની ‘સાવરિયા’ પિરિયોડિક જ હતી, છતાં પણ.’

‘સાવરિયા’ બાદ રણબીરેસંજય લીલા ભણશાલી સાથે કોઈ બીજી ફિલ્મ નથી કરી. જયારે કે તેમની ફિલ્મ ‘બ્લૅક’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યા બાદ તેમણે જ રણબીરને બૉલીવુડમાં લૉન્ચ કર્યો હતો. ફરી કામ ન કરવાનું કારણ?

રણબીર કહે છે, ‘વાત થોડી પર્સનલ છે. બાકી તેઓ બહેતર ડિરેક્ટર છે….’

વાચકોને જાણ ખાતર કહી દઉં કે ‘બ્લૅક’ ફિલ્મના પહેલા જ સીનમાં રણબીરે અમિતાભ બચ્ચનના બૉડી ડબલ તરીકે કામ કર્યું હતું. રણબીર કહે છે, ‘અમિતાભ બચ્ચનજી સાથે કામ કરવું એ કોઈ ભાગ્યશાળીનું જ કામ છે. મેં ઍક્ટર તરીકે ઘણી ફિલ્મો કરી, પણ ‘બ્લૅક’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરીને હું જે શીખ્યો છું, એ જીવનભર નહીં ભૂલી શકું. હજુ ચાર દિવસ પહેલા જ મને અમિતજી સાથે આખો દિવસ રહેવાનો મોકો મળ્યો. બસ, હું એ જ ઇચ્છતો હતો કે તેમની આંખો સાથે મારી આંખો મળે. મેં મનમાં ઠાની લીધું છે કે ‘બ્રહ્માસ્ત્ર’ પૂરી થાય એ પહેલા અમે બન્ને બેસ્ટ ફ્રેન્ડ્સ બની જઈએ. તેઓ ખુદ એક હાલતી-ચાલતી ઇન્સ્ટિટ્યુટ છે. તેમની કામ કરવાની ટેક્નિકથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમની સાથે કામ કરતા આખો દિવસ ક્યારે પસાર થઈ જાય તેની ખબર જ નથી પડતી.’

રણબીર પોતાની જાતને ખૂબ જ શાંત અને ઠરેલ વ્યક્તિ ગણાવે છે. તે કહે છે, ‘મને ગુસ્સો જલદીથી આવતો જ નથીકે નથી મારી કોઈ સાથે ફાઈટીંગ થતી. મેં કોઈને માર્યું નથી કે કોઈએ મને ક્યારેય માર્યો નથી. મેં માત્ર મારી મમ્મીનો માર ખાધો છે.’

ચડાવ-ઉતાર તો બધાના જીવનનો એક ભાગ છે.રણબીરના કરીઅરગ્રાફ પર નજર કરીએ તો ‘સાવરિયા’થી લઈને ‘સંજુ’ સુધીનો ગ્રાફ ખૂબ જ ઉપર-નીચે થયો છે. રણબીર કહે છે, ‘દસ વર્ષની મારી ફિલ્મી સફર અમેઝિંગ રહી. કેટલાય હોનહાર ડિરેક્ટર્સ, કૉ-એક્ટર્સ,રાઇટર્સ, હેર આર્ટિસ્ટ્સ, મૅકઅપ આર્ટિસ્ટ્સ- આ બધા પાસેથી હું કઈક શીખ્યો છું. મેં ઘણા સારા રિલેશન્સ પણ બનાવ્યા, મારી બહુ ઓછી ફિલ્મો હિટ થઈ છે. કોઈ પણ ફિલ્મ કરતી વખતે તમારા કૉ-ઍક્ટર્સ સાથેના રિલેશન, તેમનો વિશ્ર્વાસ,સેટનું લાઇવલી એટમોસ્ફીઅર… આ બધું ખૂબ જ મેટર કરતું હોય છે. મેં જે પણ ફિલ્મો કરી છે, તેનાથી હું ખુશ છું.  કોઈ ફિલ્મ હિટ જાય તો હું સાતમા આસમાનમાં વિહરવા નથી લાગતો કે ફ્લોપ જાય એનાથી હું દુ:ખી થતો નથી. આ પણ એક પ્રોસેસ છે, જેમાંથી તમારે પસાર થવાનું હોય છે. એવું નથી કે ફિલ્મ ફ્લોપ થાય તો દુ:ખી જ થવું. એ ફિલ્મમાંથી હું અગર કંઈ શીખ્યો છું તો મારા માટે એ સારું જ છે ને!’

રણબીર અને રિશી કપૂર પિતા-પુત્ર હોવા છતાં તેમના વચ્ચે નાની મોટી નોક-ઝોક થતી રહેતી હોય છે. રિશી કપૂર થોડા થોડા સમયે કોઈ ને કોઈ કમેન્ટ કરતા રહેતા હોય છે, સારી ઓછી, ખરાબ વધુ. થોડા સમય પહેલા તેમણે કમેન્ટ કરી હતી કે, ‘હું અઢી રૂપિયાનો ઍક્ટર છું અને રણબીર 250 રૂપિયાનો… જો રણબીરની કોઈ ફિલ્મ સારી જાય તો કહેશે: મારા સમયે મને આવી ફિલ્મો મળતી જ નહોતી, નહીં તો હું પણ મારો અભિનય દેખાડી દેત… વગેરે, વગેરે… આ વિશે રણબીર કહે છે, ‘હજી પણ પાપા અને મારા વચ્ચે આવા જ રીલેશન છે. આજે પણ હું તેમનાથી ડરું છું. થોડા વર્ષ પહેલા તો તેઓ જ મારા મૅનેજર હતા.તેઓ કોઈ પણ ફિલ્મની ઑફર લઈને આવનારાને ના જ ન પાડી શકતા, બધાને હા પાડી દે. જોકે ઑફિસમાં બધા જ તેમનાથી ડરે.પ્યુનથી લઈને ચાયવાલા બધા જ. બટ, આઇ લવ માય ફાધર.’

વેલ, ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો ઍક્ટર હંમેશાં કોઈક બીજા ઍક્ટરથી પ્રભાવિત થતો હોય છે. તેની ઍક્ટિંગને ફોલો કરતો હોય છે. શું રણબીરનો પણ આઇડીયલ ઍક્ટર છે કોઈ? રણબીર કહે છે, ‘એમ તો આપણે બધાથી પ્રભાવિત થતા હોઈએ જ છીએ. હું પણ દિલીપકુમાર, રાજ કપૂર, અમિતાભ બચ્ચન, હિૃતિક રોશન, વરુણ ધવન, કાર્તિક આર્યન, આલિયા, દીપિકા, કટરીના એ બધાની કોઈને કોઈ ફિલ્મથી પ્રભાવિત થાઉં છું. તેમની કોઈ ફિલ્મ જોઈએ તો કોઈનો ડાન્સ સારો લાગે, કોઈની ઇન્ટેન્સ ઍક્ટિંગ ગમે…એટલે હું રોજ કંઈક નવું શીખું છું, દરેક કલાકાર પાસેથી.’

હાલમાં રણબીર અને આલિયાની કેમેસ્ટ્રીની ચર્ચા બૉલીવુડમાં ચારેકોર થઈ રહી છે. આલિયાની ઍક્ટિંગ વિશે પૂછતા રણબીર કહે છે, ‘આલિયા જબરદસ્ત ઍક્ટર છે. તે ઇન્ડસ્ટ્રીમાં આવી એને પાંચ-છ વર્ષ થયા, જયારે મને દસ વર્ષ થયા છે. પણ આલિયાની ઍક્ટિંગ સ્કિલ્સ ખૂબ જ ઇમ્પ્રૂવ થઈ રહી છે. જયારે તમારો શોટ હોય ત્યારે તે તમને ડાયલોગ માટે ક્લુ આપતી હોય છે. અને જયારે તેનો શોટ હોય ત્યારે પણ. મને ગમશે અગર હું સ્ક્રીન પર તેની સાથે સિનેમેટીક રિલેશનશિપ બાંધી શકું તો…’

‘વેલ, માત્ર રીલ રિલેશનશિપ પૂરતી જ વાત છે કે પછી રિયલ લાઇફમાં પણ આલિયા સાથે રિલેશનશિપ મજબૂત કરવાની તૈયારી ચાલી રહી છે?’અમે પૂછી લઈએ છીએ.

આ સવાલના જવાબમાં હસતા હસતાં રણબીર એટલું જ કહે છે, ‘ઇસકા જવાબ દેને કે લિયે મૈં ‘રાઝી’ નહીં હૂં.’

ડિરેક્ટર રાજુ હિરાણી સાથે રણબીર કપૂર

કોઈ પણ ઍક્ટરની સાચી પ્રગતિ થયેલી ત્યારે ગણાય જયારે નાનાં ગામડાંઓ અને નાનાં શહેરોના બચ્ચે-બચ્ચા તેને ઓળખે. રણબીરના મતે તે હજુ એટલું ફેન ફોલોઈંગ બનાવી શક્યો નથી. આજે પણ નાના ગામડાઓમાં તે જાય છે તો લોકો તેને ઓળખતા નથી. જે ઓળખ શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાને બનાવી છે, તે લેવલ સુધી રણબીર હજી પહોંચ્યો નથી, પણ તેને આશા છે કે આગામી બે ત્રણ વર્ષમાં તેની આવનારી ફિલ્મોથી તે ઘર-ઘરમાં જાણીતો બનશે. હું ભૂતકાળની ફિલ્મો ભૂલી જઈને ઝીરોથી ફરી શરૂઆત કરવા માગું છું. જોકે, ફિલ્મ ક્રિટિક્સનું એવું માનવું છે કે મોટા ભાગે ઍક્ટર નવો આવે ત્યારે એ સેઈફ ફિલ્મો કરતો હોય છે. જયારે રણબીરે મોટે ભાગે એક્સપેરીમેન્ટલ ફિલ્મો કરી છે, જે કોઈ પણ અભિનેતાને સફળતાની સીડીઓ ચડવામાં અવરોધરૂપ બને. પણ રણબીર એવું નથી માનતો.તે કહે છે,‘મેં રોકેટસિંઘ’, ‘વેક અપ સીડ’, જેવી ફિલ્મો કરી, કારણ કે મને તે સબ્જેક્ટ ગમ્યા હતા. મારું એવું માનવું છે કે એક કલાકારે કોઈના નકશે કદમ પર ચાલવાને બદલે પોતાની આગવી ઓળખ ઉભી કરવી જોઈએ. હું એવું નથી કહેતો કે મારે બૉલીવુડને બદલી નાખવું છે. ના, મારે બૉલીવુડનો હિસ્સો બનવું છે.દસ વર્ષ પછી કદાચ હું વધુ ઊંડાણ ધરાવતી ફિલ્મો કરું… હા, કોઈ કેરેક્ટર નિભાવવામાં મેંખૂબ જ મહેનત કરી હોય, જેમકે ‘રોકસ્ટાર’ અને એ ફિલ્મ ન ચાલે તો સ્વાભાવિકપણે મને ખરાબ લાગે, બટ, ઇટ્સ અ પાર્ટ ઑફ ધ જર્ની.’

ઘણા કલાકારો પોતાની ફિલ્મો હિટ જાય એ માટે અલગ-અલગ પવિત્ર સ્થળોની માનતા- રાખતા હોય છે. અલગ-અલગ ધાર્મિક સ્થળોમાં દર્શન કરવા જતા હોય છે. રણબીર એવું કંઈ નથી કરતો. તે કહે છે,‘મારા હિસાબે સ્પિરિચ્યુઆલિટી એટલે મારા ઘરમાં હું શાંત ચિતે બેસી શકું તે છે. મન શાંત હોય તો બધું શાંત સમજવું.’

વેલ, કપૂર ખાનદાનનો બીજો એક ‘સ્ટાર’ પણ હવે ખૂબ જ લાઇમ લાઇટમાં રહે છે. એ છે તૈમુર ખાન… તૈમુર સાથે રણબીરને ખૂબ જ જામે છે. તે કહે છે, ‘એ એટલો ક્યુટ છે કે તેને હાથમાં ઉઠાવું તો એમ લાગે કે આ છે કોણ? ‘હી ઇઝ સચ અ ક્યુટ બોય.’

રણબીરની ‘સંજુ’ ફિલ્મ બોક્સ ઑફિસ પર ઘમાલ મચાવે એવી બેસ્ટ વિશિશ આપીને અમે તેની વિદાય લઈએ છીએ.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.