સુખની તલાશમાં દુ:ખના દરવાજે ટકોરા મારવાની ભૂલ થઈ જાય ત્યારે…

એક ગરીબ માણસ ભગવાનની બહુ ભક્તિ કરતો હતો. તેની ભક્તિથી ઈશ્વર પ્રસન્ન થયા અને તેની સામે પ્રગટ થયા. ભગવાને તે માણસને એક શંખ આપ્યો અને કહ્યું કે ‘આ શંખ તારી ભક્તિના ફળરૂપે તને આપું છું. તારી જે પણ ઈચ્છા હશે એ આ શંખ પૂરી કરશે. તે માણસ તો ખુશ થઈને ભગવાનનાં ચરણોમાં ઢગલો થઈ ગયો. બીજી ક્ષણે ઈશ્વર અદૃશ્ય થઈ ગયા. તે માણસે પોતાની આંખો ચોળીને ખાતરી કરી કે તેને સપનું તો નહોતું આવ્યુંને? પણ તેની નજર શંખ પર પડી એટલે તેને ખાતરી થઈ ગઈ કે સાક્ષાત્ ભગવાન તેની સામે આવ્યા હતા.

તે માણસ ઈશ્વરના સાક્ષાત્કારના આશ્ચર્યાઘાતમાંથી બહાર આવ્યો એટલે તેને ઈશ્વરનું વરદાન યાદ આવ્યું. તેણે શંખ હાથમાં લીધો અને ભગવાનને યાદ કરીને તેણે શંખને કહ્યું કે, ‘મારા આ ઝૂંપડાની જગ્યાએ મહેલ બનાવી દો.’ શંખ બોલ્યો, ‘તથાસ્તુ’ અને બીજી જ પળે ઝૂંપડાની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો. ગરીબ માણસને તો મજા પડી ગઈ. તેણે વળી ભગવાનને યાદ કરીને શંખ પાસે માગણી કરી કે મને નોકર આપો. તરત જ તેની સામે એક નોકર હાજર થઈ ગયો અને હાથ જોડીને બોલ્યો કે, ‘બોલો માલિક, હું તમારી શું સેવા કરી શકું.’

પછી તો તે ગરીબ માણસ શંખના પ્રતાપે અમીર બની ગયો. તેણે શંખ પાસે જરઝવેરાત માગ્યું અને રૂપાળી પત્ની માગી. દરરોજ તેને કંઈ ને કંઈ યાદ આવતું અને તે શંખ પાસે જાતભાતની ચીજો માગતો થઈ ગયો. હવે તેની ઈશ્વરની ભક્તિ ભુલાઈ ગઈ. શરૂઆતમાં તો તે શંખ પાસેથી કંઈ માગવા અગાઉ ઉપરવાળાનું સ્મરણ કરતો હતો, પણ હવે તે શંખ પાસેથી અધિકારપૂર્વક બધું માગતો થઈ ગયો હતો. શંખના પ્રતાપે ચોતરફ તેની વાહ વાહ થઈ ગઈ હતી અને લોકો તેને માન આપવા માંડ્યા હતા. નાણાં વિનાનો નાથિયો નાણે નાથાલાલ થઈ ગયો હતો અને તે સંપત્તિની શોહરતના મદમાં છકી ગયો હતો. તે ગર્વથી કહેતો હતો કે, ‘હું આ દુનિયામાં જે પણ ઈચ્છું તે મેળવી શકું છું.’

એક દિવસ એક સાધુ તેના મહેલમાં આવી ચડ્યો. તે સાધુએ શંખના પ્રતાપે ઐશ્વર્યમાં આળોટતા માણસને કહ્યું કે, ‘તારી પાસે એક શંખ છે જેના દ્વારા તું તારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકે એવી મને ખબર પડી છે.’ ચમત્કારિક શંખના માલિક બની ગયેલા માણસે ઘમંડથી કહ્યું કે, ‘હા મારી પાસે એવો શંખ છે. બોલો મહારાજ, તમારે શું જોઈએ? તમે માગો તે ચીજ અબઘડી મારો શંખ હાજર કરી દેશે.’

સાધુએ સ્મિત કરીને કહ્યું, ‘મારે કોઈ ચીજની જરૂર નથી અને જરૂર હોય તો મારી પાસે તારા કરતાં વધુ શક્તિશાળી શંખ છે. મને પણ ખુદ ભગવાને જ એ શંખ આપ્યો છે. આ શંખ હું માગું એનાથી બમણું આપે છે.
પેલા માણસને સાધુની વાત પર વિશ્વાસ ન બેઠો. તેણે કહ્યું કે, ‘મારા ગળે એ વાત ઊતરતી નથી. તમારો શંખ ચમત્કાર કરી બતાવે તો તમારી વાત સાચી માનું.’

સાધુએ ઝોળીમાં હાથ નાખીને એક મોટો શંખ બહાર કાઢ્યો અને શંખને ઉદ્દેશીને કહ્યું કે, ‘મને એક હજાર સોનામહોર જોઈએ છે.’ સાધુના શંખે ફટ દઈને કહ્યું, ‘તથાસ્તુ, એક હજાર શા માટે, હું તને બે હજાર સોનામહોર આપું છું!’

પેલો માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે સાધુને કહ્યું કે, ‘તમે આ શંખ મને આપી દો. તમે તો સાધુ જીવ છો. તમને આ શંખની કશી જરૂર નથી. હું સંસારી જીવ છું એટલે મને આ શંખ કામ લાગશે. હું મારો શંખ તમને આપી દઉં. તમારો શંખ મને આપી દો.’

સાધુએ તે માણસને કહ્યું કે, ‘હું તને મારો શંખ આપી દઉં પણ એ પહેલાં તારે તારા શંખથી મેળવેલી તમામ વસ્તુ પાછી આપી દેવી પડશે. તો જ મારો શંખ તારી ઈચ્છા પૂરી કરશે અને તો જ તારા શંખનો હું ઉપયોગ કરી શકીશ.
પેલો માણસ તો હોંશે હોંશે તૈયાર થઈ ગયો. તેણે પોતાના શંખને કહ્યું કે, ‘તેં અત્યાર સુધી મને આપેલું બધું પાછું લઈ લે.’ શંખે કહ્યું, ‘તથાસ્તુ’ અને વળતી પળે તે માણસ અગાઉ જેવો જ ગરીબ બની ગયો. સાધુએ તેનો શંખ લઈ લીધો અને પોતાનો શંખ તેને આપ્યો. એ સાથે સાધુએ તાકીદ કરી કે, ‘સ્નાન કર્યા બાદ જ આ શંખ પાસે માગણી કરજે.’

શંખની અદલાબદલી કરીને સાધુ તો ચાલતો થઈ ગયો. આ બાજુ ફરી વાર ગરીબ બની ગયેલો માણશ હોંશે હોંશે નહાઈને શંખ પાસે માગણી કરવા થનગની રહ્યો હતો. તેણે ઝડપથી સ્નાન કરીને શંખને કહ્યું, ‘મને એક ભવ્યાતિભવ્ય મહેલ બનાવી આપ.’ શંખે કહ્યું, ‘તથાસ્તુ. એક ભવ્યાતિભવ્ય મહેલ શા માટે? હું તને બે આલીશાન મહેલ આપું છું!’

પણ ત્યાં મહેલ-બહેલ કંઈ ઊભું થયું નહીં. એટલે તે માણસે ફરી વાર માગણી મૂકી કે, ‘મને એક સુંદર પત્ની આપ.’ શંખે કહ્યું કે, ‘એક સુંદર પત્ની શા માટે, હું તને બે સુંદર પત્ની આપું છું!’

પણ ત્યાં કોઈ સુંદરી પ્રગટ થઈ નહીં. એટલે પેલા માણસે કહ્યું કે, ‘મેં એક મહેલ માગ્યો તો તે બે મહેલ આપવાની વાત કરી અને એક સુંદર પત્ની માગી તો બે સુંદર પત્ની આપવાની વાત કરી. પણ મારા બે મહેલ અને બે સુંદર પત્ની ક્યાં છે? શંખે કહ્યું કે ‘તથાસ્તુ. બે મહેલ અને બે સુંદર પત્ની શા માટે, હું તને ચાર મહેલ અને ચાર સુંદર પત્ની આપું છું.’

આ રીતે તે માણસ માગે એથી બમણું આપવાની વાત શંખ કરતો ગયો પણ વાસ્તવમાં તે માણસને કંઈ મળ્યું નહીં! છેવટે એ માણસને સમજાઈ ગયું કે પેલો સાધુ તેને ભ્રામક શંખ આપી ગયો છે. જે કંઈક આપવાની વાત કરે છે, પણ આપતો નથી. ચમત્કારિક શંખને કારણે તે લાલચુ બની ગયો હતો અને ઉપરવાળાને ભૂલી ગયો હતો એટલે ઉપરવાળાએ જ તેની પાસેથી શંખ છીનવી લીધો એવું તેને સમજાઈ ગયું. અને અતિ લોભ કરવા માટે તે પોતાની જાતને કોસવા લાગ્યો.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.