અપેક્ષા વિનાનો સંબંધ તે કંઈ સંબંધ કહેવાય?

મીરાં સલ્લા

પ્રેમ અથવા લગ્ન સંબંધો અથવા અન્ય કોઈ પણ સંબંધો વિશે એવું કહેવાય છે કે તેમાં સામેવાળી વ્યક્તિ પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા ન રાખો તો તમે સુખી રહેશો. સંબંધોમાં અપેક્ષા ન રાખવા બાબતે અત્યાર સુધીમાં ઘણું લખાયું છે અને સંબંધો પર યોજાતા ઘણા સેમિનાર્સમાં પણ આ જ વાતને જુદી જુદી રીતે દોહરાવવામાં આવે છે. પરંતુ મને આ બાબત અત્યંત પોકળ લાગે છે. થોડું ગહન વિચારું તો એમ થાય છે કે શું કોઈ પણ સંબંધમાં અપેક્ષા કે ઈચ્છા જ હોય તો એ સંબંધમાં ઐક્યનું અસ્તિત્વ રહે ખરું? આખરે કોઈકને પામવું કે કોઈકના પ્રેમને પામવો પણ એ પણ એક પ્રકારની અપેક્ષા જ થઈને?

એવા ટાણે જો કોઈ સંબંધમાં અપેક્ષા કે ઈચ્છાનો જ એકડો કાઢી નાંખવામાં આવે તો એ સંબંધ સંબંધ રહે ખરો?  શું એ સંબંધ જીવંત હશે કે  પછી એમાં માત્ર શ્વાસોચ્છવાસની ક્રિયા જ માત્ર ચાલતી હશે? હું સ્પષ્ટપણે એવું માનું છું કે સંબંધને ધબકતો રાખવા માટે સંબંધમાં આ બંને તત્ત્વોનું હોવું ખૂબ જ જરૂરી છે.

આમ તો આ બાબતે અનેક ઉદાહરણો આપી શકાય અને આ સંદર્ભે ઘણી લાંબી ચર્ચા કરી શકાય. પરંતુ એક સાદું ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે બીમાર હોઈએ ત્યારે સ્વાભાવિક જ આપણને અપેક્ષા રહે કે કોઈ આવીને પૂછે કે ‘દવા લીધી? કંઈ ખાધું? કંઈક જોઈએ છે?’ આવા લાગણીભર્યા શબ્દોની અપેક્ષા દરેકને રહે જ છે અને રહેવી પણ જોઈએ. તો જ તો ખબર પડે કે આપણે સંબંધ હજુ પહેલાં જેટલો જ જીવંત છે. જો કોઈ સંબંધમાં લાગણી જ ન હોય અને સ્વજનો પાસે લાગણીની પણ અપેક્ષા રાખી ન શકાતી હોય તો એ સંબંધનો શું મતલબ? કોઈની સાથે રહેવાનો શું મતલબ?

મને એવું લાગે છે કે જેમ જીવનમાં કશુંક પામવાની, કશુંક નવું જાણવાની કે કંઈક અચિવ કરવાની ખેવના આપણને સતત કામ કરતા રાખે છે એમ સંબંધમાં પણ કોઈને પામવાની કે કોઈનો સાથ ઝંખવાની ઘણી જરૂરિયાત છે. આખરે એ ઝંખના જ આપણને જીવતા રાખતી હોય છે.

ધારો કે જીવનમાં તમને કોઈ વસ્તુ મેળવવાની ખેવના જ રહે ત્યારે? તમને એવું કહેવમાં આવે કે કાલથી તમારે નોકરી નથી કરવાની, ઘરનું પણ કામ નથી કરવાનું અને દિવસ દરમિયાન કોઈ પણ જાતની પ્રવૃત્તિ નથી કરવાની તો તમે શું કરો? પોતાના કામથી કંટાળ્યા હો તો કદાચ એકાદ-બે દિવસ તમને એવું કંઈક કરવાની ઈચ્છા થાય પણ, પરંતુ તમે સતત આ પ્રકારે ન જીવી શકો? કારણ કે આપણા સૌની અંદર ઈચ્છાઓ સળવતી હોય છે, જે ઈચ્છાઓ જ આપણને કંઈક કરવા, કંઈક પામવા અથવા જેમના એમ બેસી ન રહેવા માટે પ્રેરિત-ઉશ્કેરે છે.

જિંદગીમાં જીવાતા દરેક સંબંધમાં ઇચ્છા, આશા હશે તો સંવાદો થશે, ઝઘડાઓ થશે, એકબીજા માટે પ્રેમ પણ વધશે, એ પ્રેમને વધુ મજબૂત કરવા માટેના પ્રયત્નો પણ થશે. અને જરા ધ્યાનથી તપાસશો તો ખ્યાલ આવશે કે આપણને કે આપણા સંબંધને ટકાવી રાખવાના કેન્દ્રમાં જો કંઈ હશે તો કંઈક પામી લેવાની ચાહત હશે. થોડી અપેક્ષા હશે અને થોડા સપનાં હશે…

 

 

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

1 Comment

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.