સંપૂર્ણ જ્ઞાન મેળવવું એ મૃગજળથી તરસ છીપાવવા સમું છે

એક વાર એક માણસ મહાન સંત અને દાર્શનિક ઑગસ્ટિન પાસે ગયો. તેણે કહ્યું: ‘મારે તમારી જેમ દુનિયાનું તમામ જ્ઞાન જાણવું છે. મારા પર મહેરબાની કરીને મને તમારો શિષ્ય બનાવો.’

સંત ઑગસ્ટિન હસ્યા.

પેલા માણસે પૂછ્યું: ‘કેમ તમે મને જ્ઞાન આપવાને પાત્ર નથી ગણતા?’

ઑગસ્ટિને કહ્યું: ‘હું તારા પર નથી હસતો. મને એક નાના છોકરાની યાદ આવી ગઈ એટલે હું હસુ છું.’

પેલા માણસને આશ્ચર્ય થયું. તેણે પૂછી લીધું: ‘જ્ઞાનની વાતમાં તમને નાનો છોકરો કેમ યાદ આવી ગયો?’

ઑગસ્ટિને કહ્યું: ‘એક નાના છોકરાએ મને જીવનનું સૌથી મોટું જ્ઞાન આપ્યું હતું એટલે તમારી વાત સાંભળીને મને એ છોકરાની યાદ આવી ગઈ.’

પેલા માણસને વધુ આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું: ‘કોઈ નાનો છોકરો તમારા જેવા મહાન માણસને કઈ રીતે જ્ઞાન આપી શકે?’

ઑગસ્ટિને કહ્યું: ‘એ નાના છોકરાએ મને જ્ઞાન આપ્યું કે જગતનું જ્ઞાન અગાધ છે. એ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અશક્ય છે.’

પેલો માણસ કુતૂહલવશ ઑગસ્ટિન સામે તાકી રહ્યો.

ઑગસ્ટિને આગળ કહ્યું: એક વાર સવારે હું દરિયાકિનારે ફરવા ગયો હતો. એ વખતે મેં એ નાના છોકરાને નાનકડું વાસણ લઈને ઊભેલો જોયો. તેના ચહેરા પર ચિંતાના ભાવ હતા. મેં તેને પૂછ્યું: ‘શું થયું? તારા ચહેરા પર ચિંતા કેમ જણાય છે?’ તે છોકરાએ કહ્યું: ‘મારે આ સમુદ્રને મારા ઘરે લઈ જવો છે, પણ તે મારા વાસણમાં સમાતો નથી!’ મને પહેલા તો તેની વાત સાંભળીને હસવું આવી ગયું. પછી મને સમજાયું કે હું પણ તે બાળક જેવી વ્યર્થ કોશિશ કરી રહ્યો છું. હું જીવનનું સંપૂર્ણ સત્ય અને તમામ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મથી રહ્યો છું. એ દિવસથી મેં જ્ઞાની હોવાનો અહંકાર છોડી દીધો અને તમામ જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉધામાં પણ છોડી દીધા.’

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.