સુખ વહેંચવાની ‘તમન્ના’!

આશુ પટેલ

અમારા કૈરો(ઈજિપ્ત)વાસી મિત્ર મુર્તઝા પટેલે વાચકો સાથે શેર કરવા માટે ખાસ એક કિસ્સો મોકલ્યો. ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિને ખુશીની ક્ષણો આપવાની પ્રવૃત્તિ કરતી એક સંસ્થાએ એક છોકરી માટે કરેલી અનોખી ઉજવણીની વાત વાંચીને તમારી સંવેદનાના તાર ઝણઝણી ઊઠશે.

***

દિવસ: સપ્ટેમ્બર ૮, ૨૦૧૨

સમય: વહેલી સાંજનો

સ્થળ: બૈરુત શહેરની મધ્યમાં બૈરુત શુક (માર્કેટ).

કાર્મેન નામની એક નાનકડી છોકરી તેનાં મમ્મી-પપ્પા સાથે ત્યાંના જ કોઈક મોલમાં ખરીદી કરી રહી છે. બીજાં ઘણાં બાળકો પણ તેમના પેરેન્ટ્સ સાથે ધીંગા-મસ્તીમાં રચ્યાપચ્યા છે.

ત્યાં જ આસમાનમાં હેલિકોપ્ટરની ગડગડાટી સંભળાય છે. અચાનક શું થઈ રહ્યું છે તે જોવા લોકો ભેગા થવા લાગે છે. માર્કેટના મધ્ય ભાગમાં હેલિકોપ્ટરમાંથી સાન્તાક્લૉઝનો પહેરવેશ પહેરી એક વ્યક્તિ જાડા દોરડાની મદદથી નીચે ઉતરે છે.

બીજાં સેંકડો બાળકો સાથે આ બાળકી કાર્મેન પણ શું થાય છે તે જોવા થોડે દૂર ઊભી રહે છે. નીચે ઉતરેલો સાન્તાક્લૉઝ ભીડ ચીરતો ને હાથ હલાવતો અચાનક કાર્મેન પાસે જ આવીને ઊભો રહે છે અને તેની ગિફ્ટ-ઝોળીમાંથી એક સુંદર મજાની ગિફ્ટ આપે છે જે કાર્મેનને ખૂબ પસંદ પડે છે.

લોકો સાથે તેના મા-બાપ પણ અવાચક બનીને આ જોયા કરે છે. તે પછી સાન્તાક્લૉઝ ધીમેથી કશુંય બોલ્યા વિના એક દીવાલ તરફ આંગળી ચીંધે છે ને ત્યાં જ સામી દીવાલ પર એક મોટું પોસ્ટર ખુલે છે. જેમાં કાર્મેનના જ મોટા ફોટોગ્રાફ સાથે અંગ્રેજીમાં લખ્યું છે:

‘ડિસેમ્બર સુધી શા માટે રાહ જોવી? તારા માટે તો ક્રિસમસ આજે પણ મનાવી શકાય છે વ્હાલી કાર્મેન! તને મેરી ક્રિસમસ!’

ત્યારે ખુશીઓના બુકે સાથે હસી પડતી કાર્મેનના મા-બાપની આંખોમાં આંસુઓ સરકી પડે છે. એટલા માટે કે… એમને પણ ખબર છે કે એમની ઢીંગલી કાર્મેનને કેન્સર છે. હવે એ કેટલું વધુ જીવવાની છે એ વિશે ડૉક્ટરો કાંઈ કહી શકતા નથી. તેને માત્ર ખુશીઓ આપવા સિવાય તેના માતાપિતાનું જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નથી.

બૈરુતમાં આવેલી ‘તમન્ના’ નામની ચેરિટેબલ સંસ્થા પણ બસ આવું જ ક્રિયેટીવ અને હૃદયસ્પર્શી કામ કરતી રહે છે.

કોઈક માટે આપણે પણ ‘તમન્ના’ બની શકીએ છીએ, ખરું ને? પછી સ્થળ અને સમય તો ગૌણ બની જાય છે.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.

Latest issue is available
Cocktail Zindagi