પેશનને મિશન બનાવીને સ્ત્રી સશક્તિકરણની મિસાલ બનેલી બાઈકિંગ ક્વિન : ડૉ. સારીકા મહેતા

ડૉ.સારીકા મહેતા આમ તો સાઇકોલોજિસ્ટ છે અને પર્વતારોહણ તેમનું પેશન છે. પરંતુ તેમને દેશભરમાં ખ્યાતિ મળી છે બાઈકિંગ ક્વિન તરીકેની! એક મહિલા ડોક્ટર કઈ રીતે બાઈકિંગ ક્વિન બને છે અને સામાજિક જાગૃતિ સાથેની તેમની બાઈકિંગ રાઈડ્સ કેવી એક્સાઈટિંગ હોય છે એ વિશેની વાતો જાણવા જેવી છે.

‘માનુની’ઓના હાથમાં કાર કે બાઈકનું સ્ટિયરિંગ હોવું એ હવે કોઈ નવી વાત નથી રહી. પરંતુ આપણી વચ્ચે એક એવી મહિલા પણ મોજૂદ છે, જે જ્યારે પણ બાઇકનું સ્ટિયરિંગ હાથમાં લઈને રાઈડ પર નીકળે છે ત્યારે સામાજિક જાગૃતિનો કોઈને કોઈ સંદેશ લઈને નીકળે છે. આ મહિલાનું નામ છે ડો. સારીકા જીજ્ઞેશ મહેતા. સુરતના વતની અને પોતાના મિશન દ્વારા હવે દેશભરમાં જાણીતા બનેલા ડો. સારીકા મહેતા માટે બાઇક રાઈડિંગ એ સામાજિક જાગૃતિ અને મહિલા સશક્તિકરણનું એક માધ્યમ બની ગયું છે. વર્ષ 2014થી બાઈક રાઇડિંગની શરૂઆત કરનાર ડૉ. સારીકા મહેતા હવે દેશમાં બાઈકિંગ ક્વિનનું બિરુદ પામ્યાં છે અને તેમના નેતૃત્વમાં આજે 35 મહિલાઓનું ‘બાઈકિંગ ક્વિન્સ’ ગ્રુપ બાઈક રાઇડિંગના ક્ષેત્રે અનેક વિક્રમો સ્થાપિત કરી ચૂક્યું છે.

વ્યવસાયે સાઇકોલોજિસ્ટ એવા ડો. સારીકા સાઇકોલોજિસ્ટમાંથી બાઈકિંગ ક્વિન કઈ રીતે બન્યાં એ સફર પણ અત્યંત રોચક અને પ્રેરણાદાયી છે. ડૉ. સારીકા મહેતા કહે છે કે તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ બાઈકિંગ ક્વિન તરીકે ઓળખાશે. કારણ કે નાનપણથી લઈ પરણીને ઠરીઠામ થયા પછીય તેમણે ક્યારેય બાઈક કે મોપેડ હંકાર્યું ન હતું. તેમના જીવનમાં એક જ પેશન હતું  અને એ પેશન હતું પર્વતારોહણનું!

પોતાના એ પેશન ખાતર તેઓ એક પછી એક દેશમાં પર્વતો સર કરતા રહ્યા. એવામાં એક દિવસ શું થયું તે સારીકાબેને ઇન્ટરનેટ પર સર્ફ કર્યું કે સુરતમાં બાઈક કોણ શીખવે છે. જોકે તેમને ખ્યાલ આવ્યો કે સુરતમાં જ નહીં, પણ ભારત આખામાં બાઈક શીખવે એવી કોઈ લર્નિંગ સ્કૂલ નથી. આવા ફેક્ટ્સ જોઈને તેમને થયું કે બાઈક તો શીખવું જોઈએ એટલે તેમણે તેમના પતિ જિજ્ઞેશને આ માટે મદદ કરવા કહ્યું. આ રીતે તેમણે પતિ જિજ્ઞેશ સાથે બાઈક શીખવાનું શરૂ તો કર્યું, પરંતુ જીવન અને કામની વ્યસ્તતાને કારણે બંને જણા બે-ત્રણ દિવસથી વધુ બાઈક ડ્રાવિંગની પ્રેકિટસ કરી ન શક્યા.

જોકે તેમના નસીબમાં બાઈક રાઈડિંગ કરવાનું લખ્યું જ હશે એટલે એકવાર તેઓ પર્વતારોહણ કરીને ઘરે આવ્યા ત્યારે કેટલીક સહેલીઓ તેમને મળવા આવી, જેઓ સ્પોર્ટ્સ બાઈક લઈને આવી હતી! બાઈક જોઈને ડો સારીકાને બાઈક સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું મન થયું. પરંતુ સહેલીઓએ બાઈક સાથે તસવીર ક્લિક કરવાની ધરાર ના પાડી અને તેમને કહ્યું, ‘તારું આ કામ નથી. તું માત્ર પર્વતો જ ચઢ.’ સહેલીઓની આ વાત તેમણે સહેજ જુદા સંદર્ભમાં લીધી અને ડો. સારીકાએ ત્યારે જ નક્કી કર્યું કે હવે હું પદ્ધતિસર બાઈક શીખીને જ રહીશ. તેઓ કહે છે, ‘આ એક કિસ્સાને કારણે જીવનમાં એક યુટર્ન આવ્યો અને એ બદલાવે જ આજે મને બાઈકિંગ ક્વિનનું બિરુદ અપાવ્યું છે.’

ડૉ. સારીકા મહેતા કહે છે,‘મેં ધારી તો લીધું કે બાઈક શીખવી જ છે, પણ સવાલ સામે એ હતો કે મને બાઈક શીખવશે કોણ? પહેલા થોડું શીખી હતી એટલે થોડોઘણો ખ્યાલ હતો કે બાઈકમાં ફીચર્સ કેવા હોય એટલે હિંમત એકઠી કરીને જાતે જ બાઈક લઈને નીકળી પડતી. આમને આમ 15 દિવસમાં તો હું બાઈક ચલાવતા શીખી ગઈ. પરંતુ માત્ર બાઈક શીખવું એ મારું ધ્યેય ન હતું. મારે તો બાઈક રાઇડિંગની સાથે મારું સમાજસેવાનું કામ પણ આગળ વધારવું હતું. એટલે બાઈક રાઈડિંગના માધ્યમથી મેં સામાજિક સંદેશ અને સેફટી કેમ્પ યોજવાનું શરૂ કર્યું. પહેલા આ બધું થોડું ઑડ લાગતું, પરંતુ ધીરે-ધીરે શહેરમાં મારી ચર્ચા થવા માંડી. એ દરમિયાન સુરત શહેર પોલીસે મને ટ્રાફિક સેફ્ટી અને એવેરનેસ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરી. સ્વાભાવિક જ તે દિવસ મારા માટે એક ગૌરવપૂર્ણ દિવસ હતો.’

 

બાઈક રાઈડિંગ કરતા કરતા ડૉ. સારીકા મહેતાને ગુજરાતમાં તો ખ્યાતિ મળી હતી, પરંતુ તેમણે તો પોતાના મિશનને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવું હતું. મજાની વાત એ બની કે એ વર્ષોમાં ઠઇંઘ દ્વારા હેલ્થ અવેરનેસ માટે બાઈક રાઈડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડો. સારીકાને તો જાણે ઉડવું હતી કે પાંખ મળી. આ માટે તેઓ કહે છે, ‘તેમના દ્વારા ભારતમાંથી એક માત્ર મારી પસંદગી થઈ. ત્યારે મને પહેલી વખત મોન્સ્ટર બાઈક જોવા મળી. જે હજુ ભારતમાં લોન્ચ પણ નહોતી થઈ. આ રાઇડિંગમાં અમારે પાંચ દેશોમાંથી પસાર થવાનું હતું અને તે રાઇડિંગ મેં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.’ આ રાઈડિંગ પછી તો ગુજરાત અને દેશમાં ઘણી જાગૃતિ અને ઘણી સ્ત્રીઓએ બાઈકિંગની તૈયારી દાખવી. તેઓ કહે છે,  ‘મારા આ જુનૂનને જોઈને અનેક મહિલાઓ અને યુવતીઓ આગળ આવવા માંડી અને આખરે 2015માં અમે બાઈકિંગ ક્વિન્સ ગ્રુપની સ્થાપના કરી.’

બાઈકિંગ ક્વિન્સની સ્થાપના થયા બાદ તેમણે એક બિગેસ્ટ રાઈડનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું અને તે મુજબ વર્ષ 2016માં પહેલી વખત તેમણે સુરતથી સિંગાપોરની બાઈક રાઈડની આયોજન કર્યું. આગળ કહ્યું એમ ડૉ. સારીકા માટે બાઈકિંગ એ માત્ર પેશન નહીં, પરંતુ મિશન પણ છે એટલે આ રાઈડ સાથે ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ના સંદેશને જોડવામાં આવ્યો.

સુરતથી રાઈડની શરૂઆત થયેલી અને નેપાલ, ભૂટાન, મ્યાનમાર, લાઓર્સ, કમ્બોડિયા, વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા થઈને નવ દેશોની સફર ખેડીને બાઈકિંગ ક્વિન્સ સિંગાપોર પહોંચેલી. આ રાઈડ વિશે તેઓ કહે છે, ‘રાઈડ દરમિયાન અમને અનેક મુશ્કેલીઓ નડી. પરંતુ દરેક મુશ્કેલીઓ અમને તોડવાની જગ્યાએ અમારું મનોબળ વધુ મજબૂત કરતી ગઈ. આ રાઈડ દરમિયાન જ 15મી ઑગસ્ટના રોજ લેહ લદ્દાખની સૌથી વધુ ઉંચાઈ ધરાવતી જગ્યાએ તિરંગો લહેરાવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું.’

આ રાઈડ પુરી કરીને આવ્યા બાદ બાઈકિંગ ક્વિન્સ દ્વારા થોડાં જ સમયમાં ‘ઝીરો બોર્ડર બાઈક રાઇડિંગ’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે પોતાની ટીમ સાથે સુરતથી કચ્છ ઝીરો બોર્ડર સુધીની સફર બાઈક રાઈડિંગ કરીને ખેડી. આ રાઈડ અંગે ડૉ. સારીકા મહેતા કહે છે, ‘ઇજઋ અને ભુજ પોલીસ દ્વારા અમને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું, અમારા માટે ગૌરવપૂર્વણ બાબત હતી.’

ડૉ. સારિકા મહેતા સહિત 35 મહિલા બાઈક રાઈડરનું આ પહેલું એવું ગ્રુપ છે, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’, ‘સશક્ત નારી સશક્ત ભારત’ અને ‘સ્વચ્છ ભારત’ના સંદેશને ભરતભરમાં ફરીને જન જન સુધી પહોંચાડવાની તક મળી હોય.35 મહિલાઓનું આ પહેલું ગ્રુપ છે કે જેમણે લેહના દુર્ગમ પહાડી રસ્તાઓ પર બાઈક રાઈડ કરીને રોકોર્ડ સ્થાપિત કર્યો છે. મહિલા બાઈક રાઈડર્સ દ્વારા લેહના ખારદુંગલા ખાતે પહેલી વખત 18,380 ફુટની ઊંચાઈ પાર અત્યાર સુધીનો સૌથી મોટો 25 બાય 75 ફુટનો તિરંગો લહેરાવાયો હતો. એટલું જ નહીં પણ ડો. સારિકા મહેતા એન્ડ ગ્રુપ એ પહેલું એવું ગ્રુપ છે કે જેમણે 47 દિવસમાં 14680 કિલોમિટરની રાઈડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય.

આમ, બાઈકિંગ ક્વિન્સે અનેક રીતે રેકોર્ડ બુક્સમાં પોતાનું નામ અંકિત કર્યું છે. તો ડૉ. સારિકા મહેતાને સ્વતંત્ર રીતે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળી ચૂક્યા છે.  એક પછી એક બાઈક રાઇડિંગના સિલસિલાએ ડૉ. સારિકા મહેતાને એક સાઇલોજિસ્ટ, એક પર્વતારોહકની સાથે બાઈકિંગ ક્વિન પણ બનાવી દીધા. સારીકા મહેતા એ બાબતનું જીવંત ઉદાહરણ છે કે જો વ્યક્તિનું મનોબળ મજબૂત હોય અને ધ્યેય સુધી પહોંચવાની દાનત સાફ હોય તો જીવનમાં કોઈ કામ અશક્ય નથી.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.