સાત + એક = શૂન્ય (પ્રકરણ બાર)

બોલીવૂડની નંબર વન હીરોઇન ચાંદની જૂહુ વિસ્તારમાં પોતાના આલિશાન ફ્લેટના બેડરૂમમાં બેડ ઉપર પડ્યા પડ્યા રિમોટ કંટ્રોલથી ટીવી ચેનલો બદલાવી રહી હતી. સમય મળે ત્યારે ટીવી ચેનલ્સ પર એક સાથે જુદા જુદા કાર્યક્રમો જોતા રહેવાનો તેને શોખ હતો. આજે સવારથી ચાંદનીને શરીરમાં થોડી કળતર થતી હતી એટલે તેણે ફિલ્મનું શૂટિંગ કેન્સલ કરાવ્યું હતું. ચેનલ્સ બદલતા બદલતા તે ‘સ્ટાર ન્યૂઝ’ ચેનલ પર પહોંચી. ‘સ્ટાર ન્યૂઝ’માં કોઇ રાજકીય નેતાના કૌભાંડ વિશે અક્સક્લુસિવ સ્ટોરી અપાઇ રહી હતી. એમાં ચાંદનીને બહુ રસ પડ્યો નહીં. ચેનલ બદલવા માટે તે રિમોટનું બટન દબાવવા ગઇ પણ એ જ વખતે તેનું ધ્યાન ટીવી સ્ક્રીનની નીચે બ્રેકિંગ ન્યૂઝનીપટ્ટી તરફ ગયું અને તેની આંખો સ્થિર થઇ ગઇ. ‘સ્ટારન્યૂઝ’ ચેનલના એ બ્રેકિંગ ન્યૂઝમાં દશાર્વાઇ રહ્યું હતું ફિલ્મ : ‘એક્ટ્રેસ નિશા’સ ફ્રેન્ડ મોહિની શોટ ડેડ ઇન મુંબઇ.’

‘સ્ટાર ન્યૂઝ’માં મોહિનીની હત્યાના બ્રેકિંગ ન્યૂઝથી ચાંદનીની સુસ્તી ઊડી ગઇ. તેણે મોબાઇલ ફોન હાથમાં લીધો અને કોઇનો નંબર ડાયલ કર્યો. એ દરમિયાન તેના જમણા હાથની પહેલી આંગળી રિમોટ કંટ્રોલના બટન ઉપર ફરતી હતી અને તે દરેક ન્યૂઝ ચેનલમાં મોહિનીની હત્યા વિશે અપાતા સમાચાર જોઇ રહી હતી.

* * *

નિશાની ફ્રેન્ડ મોહિનીની હત્યાના સમાચાર ઝડપથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેલાઇ ગયા હતા. ટોચની હીરોઇન નિશાની હત્યા પછી ગણતરીના દિવસોમાં તેની ખાસ ફ્રેન્ડ મોહિનીની હત્યા થઇ ગઇ એથી બોલીવૂડના પંચાતિયાઓને ગોસિપ માટે જાણે ખજાનો મળી ગયો. પારકી પંચાતમાં નિષ્ણાત એવા ઘણા નમૂનાઓએ તો ધડમાથા વિનાની વાતો પણ વહેતી કરી દીધી હતી. તેના કારણે બોલીવૂડમાં એવી વાત પણ ફેલાઇ હતી કે નિશા અને મોહિની બંને લેસ્બિયન હતી.

એક બાજુ આવી જાતભાતની ગોસિપ ફેલાઇ રહી હતી તો બીજી બાજુ ઉપરાછાપરી બે હત્યાથી બોલીવૂડમાં થોડી ભયની લાગણી પણ ફેલાઇ હતી. નિશાની હત્યાનું રહસ્ય હજી બહાર આવ્યું નહોતું ત્યાં મોહિનીની હત્યાથી પોલીસ માટે પણ રહસ્ય ઘેરું બની ગયું હતું. બોલીવૂડમાં સૌ કોઇ પોતપોતાની રીતે અટકળો કરી રહ્યાં હતાં ત્યારે નંબર વન હીરોઇન ચાંદની પોતાના બેડરૂમમાં બનાવેલા નાનકડા બાર સામે ગોઠવાઇને માર્ગેરિટા કૉકટેલ પી રહી હતી. તેના ચહેરા પર કોઇ અકળ ભાવ હતા.

ચાંદની માર્ગેરિટા કૉકટેલનો બીજો ગ્લાસ પી રહી હતી ત્યારે તેના બેડરૂમના દરવાજે ટકોરા પડ્યા.

‘કમ ઇન,’ ચાંદનીએ કહ્યું અને એક હેન્ડસમ યુવાન ચાંદનીના બેડરૂમમાં પ્રવેશ્યો. એ ચાંદની તરફ લગભગ દોડી આવ્યો. ત્યાં સુધીમાં ચાંદની ઊભી થઈ ગઈ હતી. યુવાને ચાંદનીને પોતાના બાહુપાશમાં જકડી લીધી અને તેના ચહેરા ઉપર અનેક ચુંબનો ચોડી દીધાં.

‘ઓહ ડાર્લિંગ, આઇ લવ યુ ધેન એનિવન ઓર એનિથિંગ.’ યુવાને ચાંદનીને ઉત્કટતાથી કહ્યું.

ચાંદનીએ જિન્સી આવેગથી યુવાનના હોઠ ઉપર ચુંબન કર્યું અને પછી ધીમા અવાજે તે બોલી, ‘આઇ લવ યુ ટૂ, માય ડિયર.’ એ પછી થોડી વાર સુધી બંને ઉત્તેજનાપૂર્વક વાતો કરતા રહ્યા.

ચાંદનીએ યુવાનને પૂછ્યું, ‘ડ્રિન્ક લઇશ?’

જવાબમાં યુવાને શરારતભરી આંખથી ઇશારો કર્યો અને પછી પોતાના હોઠ ચાંદનીના કાન પાસે લઇ જઇને કંઇક કહ્યું. ચાંદનીની આંખોમાં કૃત્રિમ લજ્જાના ભાવ ઊમટી આવ્યા. તેણે બેડરૂમના દરવાજા તરફ નજર ફેરવી. યુવાન સહેજ હસ્યો અને ઊભો થઇને બેડરૂમના દરવાજા પાસે ગયો. તેણે બેડરૂમનો દરવાજો અંદરથી લોક કર્યો. પછી ચાંદની પાસે આવીને તેણે ચાંદનીની પીઠ ફરતે ડાબો હાથ વીંટાળીને, તેને પોતાની નજીક ખેંચીને, તેના હોઠ ઉપર આવેગપૂર્વક ચુંબન કર્યું અને જમણા હાથથી ચાંદનીના રેશમી ગાઉનની દોરી ખોલી.

* * *

‘નિશાને આપકો બતાયા થા કિ વો કિસી સે ખતરા મહસૂસ કર રહી હૈ?’ ‘ટાઇમ્સ’ની સિટી એડિટર રશ્મિ માથુર નિશાના પ્રેમી અને ફિલ્મ ડાયરેક્ટર કરણને પૂછી રહી હતી. કરણ સાથે થોડી આડાઅવળી વાતો કર્યા પછી રશ્મિ માથુરે મહત્ત્વનો સવાલ કર્યો.

‘નહીં, નિશા કી કિસી સે દુશ્મની નહીં થી.’ કરણે જવાબ વાળ્યો.

‘નિશા કી કિસી કે સાથ દુશ્મની નહીં થી યે બાત માન લેતે હૈ, લેકિન હો સકતા હૈ કી કોઇ નિશા કો અપની દુશ્મન માનતા હો.’ રશ્મિ માથુરે પોતાનો સવાલ ઉલટાવીને કરણને પૂછ્યો. ‘નિશા કો દુશ્મન માનનેવાલા તો કૌન હો સકતા હૈ?’ કરણ બોલ્યો પણ બીજી જ ક્ષણે તેને કંઇક યાદ આવી ગયું અને તેની આંખોમાં ચમક આવી. તેણે રશ્મિ માથુરને કંઇક કહ્યું અને રશ્મિ માથુરની આંખો પહોળી થઇ ગઇ.

* * *

ફિલ્મ ફાયનાન્સર રણજિત વાધવાને લાગ્યું કે તેમના પગ તળેથી ધરતી સરકી રહી છે. લિવિંગરૂમનું એરકંડિશ્નર ચાલુ હોવા છતાં તેમના કપાળ ઉપર પ્રસ્વેદબિંદુ ઊપસી આવ્યાં હતાં. તેમના હાથમાં ‘ટાઇમ્સ’ ન્યૂઝ પેપર હતું અને એના પહેલાં પાને રશ્મિ માથુરની બાયલાઇન સાથે છપાયેલા એક્સક્લુસિવ રિપોર્ટના હેડિંગ પર તેમની આંખો સ્થિર થઇ ગઇ હતી.

બોલીવૂડની ટોચની હીરોઇન નિશાની અને પછી તેની ફ્રેન્ડ મોહિનીની હત્યાને કારણે બોલીવૂડની ગોસિપ માર્કેટમાં ગરમી આવી ગઇ હતી. બીજી બાજુ પત્રકારો પણ બોલીવૂડની પાછળ પડી ગયા હતા. ‘ટાઇમ્સ’ની સિટી એડિટર રશ્મિ માથુરે અગાઉ પણ ‘અંડરવલ્ડૅ-બોલીવૂડ નેક્સસ’ (અંડરવલ્ડૅ અને બોલીવૂડ વચ્ચેની સાઠગાંઠ) સીરિઝ લખીને બોલીવૂડને ધ્રૂજાવી દીધું હતું. તેણે બોલીવૂડના ભલભલા મહારથીઓના ભોપાળાં છતાં કર્યા હતાં.

હિન્દી ફિલ્મોની હીરોઇનોને શરમાવી દે એવું દેહલાવણ્ય ધરાવતી રશ્મિ વર્સેટાઇલ પત્રકાર હતી અને એટલે જ બહુ નાની ઉંમરે તે ‘ટાઇમ્સ’ જેવા અખબારની સિટી એડિટર બની ગઇ હતી. તેનો રૂપ નીતરતો ચહેરો અને કમનીય કાયા જોઇને કેટલાક ફિલ્મ નિર્માતાઓએ તેને પોતાની ફિલ્મમાં હીરોઇન તરીકે લેવાની ઑફર પણ કરી હતી. પરંતુ, રશ્મિ માથુર નોખી માટીની યુવતી હતી. તેણે બેધડક એવી ઑફર્સ ઠુકરાવી દીધી હતી. કોઇની ચાંપલૂસી કરવાનું કે ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકના મનોરંજન અને તનોરંજન માટે હાજર થઇ જવાનું તે કોઇ કાળે સ્વીકારી શકે એમ નહોતી. અને હીરોઇન બનવાનો અર્થ એ જ થાય એ વાત રશ્મિ માથુર સુપેરે સમજતી હતી. અને આમ પણ તેને પ્રસિદ્ધિને બદલે પાવરમાં વધુ રસ હતો.

રશ્મિ માથુરના નામથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખેરખાંઓ તો ઠીક રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ પણ ગભરાતા હતા.અને અત્યારે રશ્મિ માથુરના નામની ગભરાવાનો વારો ફિલ્મ ફાયનાન્સર રણજિત વાધવાનો હતો. ‘ટાઇમ્સ’ના પહેલા પાને રશ્મિ માથુરની બાઇલાઇનવાળા એક્સક્લુસિવ રિપોર્ટનું હેડિંગ વાંચીને તેઓ અવાચક બની ગયા હતા. એ શબ્દો તેમની આંખોમાં જાણે ભાલાની જેમ વાગી રહ્યા હતા. ‘નિશા હેડ રિસિવ થ્રેટનિંગ કોલ્સ ફ્રોમ અંડરવલ્ડૅ ડોન ઓન ફિલ્મ ફાયનાન્સર રણજિત વાધવા’સ મોબાઇલ!’

(ક્રમશઃ)

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.