અલવિદા શ્રીદેવીજી…

ચાર વર્ષની ઉંમરથી તામિળ ફિલ્મોથી અભિનયની શરૂઆત કરનારી શ્રીદેવીનો જન્મ ૧૩ ઑગસ્ટ ૧૯૬૩ના રોજ તામિલનાડુના એક નાનકડાં ગામ મિનમપટ્ટીમાં થયો હતો.  તેમના પિતાનું નામ અયપ્પન અને માનું નામ રાજેશ્વરી હતું. તેમના પિતા વકીલ હતા.

વર્ષ ૧૯૭૬ સુધી શ્રીદેવીએ દક્ષિણ ભારતની ફિલ્મોમાં બાળ કળાકાર તરીકે કામ કર્યું હતું. તો વર્ષ ૧૯૭૬થી તામિળ ફિલ્મ ‘મુંદરુ મુદિચી’થી તેમણે મુખ્ય અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

વર્ષ ૧૯૭૧માં તેમને ‘મૂવી પૂમબત્તા’ ફિલ્મ માટે કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ ૧૯૭૯ની ફિલ્મ ‘સોલવા સાવન’થી તેમણે બૉલિવુડમાં તેમની કરિઅરની શરૂઆત કરી હતી. જોકે બૉલિવુડમાં તેમને ‘હિમ્મતવાલા’ ફિલ્મથી આગવી ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી બૉલિવુડની સુપર સ્ટાર અભિનેત્રીઓમાં તેમની ગણતરી થવા માંડી.

બૉલિવુડની અનેક ફિલ્મો દ્વારા તેમણે ચાહકોના દિલમાં તો વિશેષ સ્થાન બનાવી જ લીધું હતું, પરંતુ વર્ષ ૧૯૮૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સદમા’માં તેમનો અભિનય જોઈને ફિલ્મ સમીક્ષકો પણ અચંભિત થઈ ગયા હતા.

એવું કહેવાય છે કે તેમને અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે પ્રેમ થઈ ગયેલો. અને તેમના પ્રેમ વિશે બૉલિવુડમાં જાતજાતની ચર્ચાઓ ચાલેલી. એનું એક કારણ એ હતું કે જ્યારે તેમના પ્રેમની ચર્ચાઓ ચાલતી ત્યારે મિથુન ચર્કવર્તી પરિણિત હતા. આ કારણે મિથુન ચક્રવર્તીના અંગત જીવનમાં પણ વાવાજોડું ફૂંકાયું હતું.

જોકે વર્ષ ૧૯૯૬માં પોતાનાથી આઠ વર્ષ મોટા ફિલ્મ નિર્માતા બોની કપુર સાથે લગ્ન કરીને તેમણે સૌને ચોંકાવી દીધા હતા. બોની કપૂરના લગ્ન બાદ તેમને જાહ્નવી અને ખુશી નામની બે દીકરીઓ થઈ. તેમની મોટી દીકરી બૉલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

વર્ષ ૧૯૯૬માં નિર્દેશક બોની કપૂર સાથે લગ્ન કર્યા બાદ શ્રીદેવીએ ફિલ્મી દુનિયાથી અંતર રાખ્યું હતું. જોકે આ દરમિયાન તેઓ કેટલાક ટેલિવિઝન શૉઝમાં જરૂર નજરે ચડ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૨માં ગૌરી શિંદેની ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’થી તેમણે મોટા પરદે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં તેમના શ્રેષ્ઠ અભિનયને કારણે તેમણે ફરીથી વિવેચકો અને દર્શકોને ચોંકાવી દીધા હતા. વર્ષ ૨૦૧૩માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’થી નવાજ્યાં હતા. આ ઉપરાંત વર્ષ ૧૯૯૨ (ચાલબાઝ)નો અને ૧૯૯૦ (લમ્હે)નો ફિલ્મફેર ફૉર બેસ્ટ એક્ટ્રેસ પણ તેમનાં નામે બોલે છે.

શ્રીદેવીએ તેમની કરિઅરમાં ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. એમાં ૬૩ હિન્દી, ૬૨ તેલુગુ,  ૫૮ તમિળ અને ૨૧ મલિયાલમ ફિલ્મોનો સમાવેશ થાય છે.

 

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.