એક દીકરો ગુમાવ્યો, એકસો ચોર્યાસી દીકરા મળી ગયા!

એક પોલીસ અધિકારી મિત્ર પાસેથી એક હૃદયસ્પર્શી કિસ્સો જાણવા મળ્યો. તેઓ ૨૦૦૮માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામા ઉત્તીર્ણ થઈને પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે પસંદ થયા એ વખતે તેમની બેચમાં કુલ ૧૮૫ યુવાન હતા, જેમને પોલીસ સબ- ઈન્સ્પેક્ટર બનવાની તક મળી હતી. એ યુવાનોમાં એક મનુ ગરાસિયા પણ હતો. પંચમહાલના વતની મનુ ગરાસિયાનું કુટુંબ બહુ ગરીબ હતું અને તેના પર તેની માતા અને ત્રણ બહેનોની જવાબદારી હતી.

પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી થઈ એટલે મનુભાઈના કુટુંબમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ. સરકારી નોકરીને કારણે તેની નિશ્ચિત આવકની હૂંફ તેના પરિવારને મળવાની હતી. સબ- ઈન્સ્પેક્ટર તરીકે પસંદ થયા પછી તેમને તાલીમ માટે ગાંધીનગર નજીક કરાઈસ્થિત ગુજરાત પોલીસ અકાદમીમાં મોકલાયા. ત્યાં તેમની બેચના અન્ય તાલીમીઓ સાથે તેમની દોસ્તી બંધાઈ ગઈ.

એક વખત તેઓ સૂનમૂન બનીને બેઠા હતા, એ જોઈને તેમના તાલીમી મિત્રોએ પૂછ્યું કે શું થયું? કેમ આમ ઉદાસ છે?

મનુએ કહ્યું: ‘મારી માતાને હૃદયની બીમારી છે એવું નિદાન થયું છે અને અમારા કુટુંબની આર્થિક સ્થિતિ એવી છે કે અમે તેની સારવાર કરાવી શકતા નથી. અને મને તો તાલીમી તરીકે માત્ર ૪૫૦૦ રૂપિયા પગાર મળે છે.’

તાલીમી મિત્રોએ કહ્યું: ‘અરે! અમે બધા મદદ કરીશું તારી માતાની સારવાર માટે.’

મનુની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. બધા મિત્રોએ યથાશક્તિ ફાળો આપીને સારી એવી રકમ એકઠી કરી આપવાની ખાતરી આપી. મનુએ બધા મિત્રોનો આભાર માન્યો.

એ પછી થોડા દિવસમાં જ ઉત્તરાયણમાં બે દિવસની રજા આવતી હતી ત્યારે મનુએ મોટરસાઈકલ પર પોતાને ગામ જવાનું નક્કી કર્યું. તેઓ મિત્રોનો ફરી એક વાર આભાર માનીને ગામ જવા નીકળ્યા. માતાને અને બહેનોને મળવાના અને માતાની સારવાર માટે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ એને કારણે તેમના મનમાં અનેરો ઉત્સાહ હતો. કરાઈથી ગામ તરફ જઈ રહેલા મનુ ગરાસિયાને એસ. ટી.ની એક બસના બેદરકાર ડ્રાઈવરે અડફેટમાં લઈ લીધા. બસ નીચે કચડાઈ જવાને કારણે તેમનું અકાળ મૃત્યુ થયું. મનુ ગરાસિયાના મૃત્યુના સમાચાર તેમની માતા અને બહેનોને મળ્યા ત્યારે તેમના પર તો જાણે વીજળી ત્રાટકી. તેમની તમામ આશા મનુ પર હતી. થોડા મહિનાઓમાં તો મનુનું પોસ્ટિંગ ગુજરાતના કોઈ શહેરમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર તરીકે થવાનું હતું અને તેનો રેગ્યુલર પગાર શરૂ થઈ જવાનો હતો. એને બદલે તેમના જીવનનો કરુણ અંત આવી ગયો હતો.

મનુના કુટુંબને આશા હતી કે કદાચ સરકાર કંઈક મદદ કરશે, પણ સરકારે તો મનુને તાલીમી તરીકે મળતો એક પગાર એક્સ્ટ્રા આપીને હાથ ઊંચા કરી દીધા. એક બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે મનુ ગરાસિયાના ગરીબ કુટુંબનો એકમાત્ર સહારો છીનવાઈ ગયો હતો અને તેમના હાથમાં સરકારે આપેલા એક્સ્ટ્રા પગારના ૪૫૦૦ રૂપિયા હતા.

આ તરફ મનુના બધા બેચમેટ્સને પણ આઘાત લાગ્યો હતો. મનુના મૃત્યુના આંચકા સાથે તેમને બીજો આંચકો એ લાગ્યો હતો કે તેના ગરીબ કુટુંબ પર શું વીતી હશે અને શું વીતશે. મનુના ઘણા બેચમેટ્સ તેની અંતિમવિધિમાં હાજરી આપવા પણ ગયા હતા. તેમણે મનુના કુટુંબના સભ્યોના ચહેરા જોયા હતા. તેમના ચહેરા પર નોધારાપણાની લાગણી ડોકાતી હતી.

મનુના બેચમેટ્સ ભેગા થયા. એક બેચમેટે કહ્યું: ‘મનુભાઈના કુટુંબ પર આભ ફાટી પડ્યું છે. આપણે તેના કુટુંબની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. આ માળો વિખાવા ન દેવો જોઈએ.’

બધા તાલીમી સબ-ઈન્સ્પેક્ટરોએ તેમની વાતમાં સૂર પુરાવ્યો. સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. ત્રણેક લાખ રૂપિયા જેવી રકમ એકઠી થઈ. એ રકમ મનુના કુટુંબને અપાઈ. મનુના બેચમેટ્સે મનુની માતાને કહ્યું કે તમારો એક દીકરો ગયો છે, પણ હજી તમારા ૧૮૪ દીકરા બેઠા છે એટલે કોઈ પણ વાતે મૂંઝાતા નહીં. મનુની માતા અને બહેનો સજળ આંખે મનુના આ મિત્રોને જોઈ રહ્યા. મનુ ગરાસિયાના બેચમેટ્સ માત્ર એક વાર મદદ કરીને બેસી ન રહ્યા. તેમણે મનુની માતાના નામે બૅંકમાં અકાઉન્ટ ખોલાવ્યું, જેથી જરૂર પડે ત્યારે મનુના કુટુંબને આર્થિક મદદ પહોંચાડી શકાય.

મનુ ગરાસિયાના મૃત્યુને આઠ વર્ષ વીતી ગયાં છે, પણ તેના કુટુંબની જવાબદારી લેનારા મિત્રોની ઉષ્મામાં ઓટ આવી નથી. મનુ ગરાસિયાના બેચમેટ્સ અત્યારે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, પણ તેઓ મનુના કુટુંબમાં પ્રસંગ વખતે કે બીજું કંઈ પણ કામ પડે ત્યારે સગા દીકરાની જેમ ઊભા રહે છે.

થોડા સમય અગાઉ મનુની એક બહેનના લગ્ન વખતે તેના ૧૮૪ ભાઈઓ એટલે કે મનુના બેચમેટ્સ મદદે પહોંચી ગયા હતા. સગી બહેનના લગ્ન હોય એવા ઉમળકાથી તેમણે મનુની બહેનના લગ્ન કરાવ્યા. મનુની માતા અને બહેનો મનુને યાદ કરીને રડ્યા હતા તો બીજી બાજુ મનુના દોસ્તોના નિ:સ્વાર્થ પ્રેમ અને હૂંફે પણ તેમને રડાવ્યા હતા. સામાન્ય માણસ પોલીસ કર્મચારીઓ વિશે ચોક્કસ રીતે જ વિચારવા કે તેમને ચોક્કસ નજરે જ જોવા ટેવાયેલો હોય છે. ઘણા પોલીસ કર્મચારીઓ એ માટે કારણ પણ પૂરું પાડતા હોય છે, પણ ગુજરાતના ૧૮૪ પોલીસ અધિકારીઓએ તેમના સહતાલીમાર્થી દોસ્તના કુટુંબ માટે જે કર્યું એ કાબિલે તારીફ છે. પોલીસ કર્મચારીઓમાં પણ સંવેદના ધબકતી હોય છે. એનો બોલતો પુરાવો આ કિસ્સો છે.

જ્યારે બધી દિશાઓ બંધ થઈ ગઈ હોય એવું લાગે અને જીવનમાં ચેકમેટ જેવી નોબત આવી ગઈ હોય એવું ભાસે ત્યારે ક્યારેક અણધારી મદદ મળી રહેતી હોય છે. મનુ ગરાસિયાના કુટુંબને એનો અનુભવ થઈ ગયો છે.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.