ખરી મા

વાર્તાકારઃ ર.વ. દેસાઈ

(ગતાંકથી શરૂ)

માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું.

‘આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પૂછો ને ?’ અપરમાને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો, ડૉક્ટરે કુસુમાયુધને જોઈ મત આપ્યો : ‘કાંઈ ખાસ વિક્રિયા નથી. કૉડલીવર આપો.’ માએ કૉડલીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો.

‘ભાઈ ! આટલી દવા પી લ્યો; પછી રમવા જાઓ.’ મા કહેતી.

‘બહેન ! એ તો નથી ભાવતી.’

‘ન ભાવે તોય એ તો પીવી પડે.’

‘કેમ ?’

‘ડોક્ટરસાહેબે કહ્યું છે.’

‘એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ ?’

‘હાસ્તો !’

‘તે બધાંયના કહ્યા પ્રમાણે કરવું જોઈએ ?’

‘મોટાં કહે તે પ્રમાણે નાનાંએ કરવું જ જોઈએ.’

‘ન કરીએ તો ?’

‘માંદા પડાય.’

‘હું માંદો પડ્યો છું ?’

‘હા; જરાક.’

‘દવા ન પીઉં તો ?’

‘તો મરી જવાય.’

અપરમાએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહિ. બાળઉછેર વિષે તેણે ઘણું વાંચ્યું હતું એટલે ધમકાવવા કરતાં વાદવિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત કવચિત જ થતી; પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જોકે બાળકનો મત એ વિષે જુદો જ હતો.

‘મરી જવાય તો શું ખોટું ?’ શાન્ત બની કૉડલીવર પી જતાં બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. ‘મા મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું.’ તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભુલાઈ જવા આવેલી વાત યાદ આવી. ‘હું પણ મરી જાઉં તો માને મળાય, નહિ ?’ તેના મતે તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણભૂત લાગ્યો. કૉડલીવર અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો.

‘ભાઈ ! તમને શું થાય છે ?’ નિત્યનિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું.

‘કાંઈ નહિ, બહેન !’ કુસુમાયુધે જવાબ આપ્યો.

‘અરે, પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે !’

‘મને ખબર નથી.’

‘અને આ શરીર ઉપર રૂંવાં ઊભાં થઈ ગયાં છે !’

‘જરા ટાઢ વાય છે.’

‘ત્યારે તમે નહાયા શું કરવા ?’

‘નહાયા સિવાય જમાય નહિ, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય ?’ કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહનિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતાં બાળક વધારે કંપી ઊઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઊઠતા હતા. તેણે બૂમ પાડી :

‘અરે બાઈ ! જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો ?’

નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું : ‘બા સાહેબ ! શરીર તો ધીકી ઊઠ્યું છે !’

‘આમ એકદમ શાથી થયું ?’

‘હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગ્યું હતું.’

‘ત્યારે તેં નવરાવ્યો શું કામ ?’

‘મારા મનમાં કે અમસ્તું જ હશે.’

‘જા, જા, પથારી પાથરી ભાઈને સુવાડી દે. બરાબર ઓઢાડજે. હું ડૉક્ટરને બોલાવું.’

‘પણ બહેન ! મારી નિશાળનું શું ?’ નોકરબાઈના હાથમાં ઉંચકાતા કુસુમાયુધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમભક્તિ જોઈ દયા આવી. તે બોલી ઊઠી :

‘મોઈ નિશાળ ! આવા તાવમાં જવાય ? જઈને સૂઈ જાઓ, ભાઈ, હું આવું છું હો.’

નોકરબાઈ બાળકને ઊંચકી લઈ ગઈ. માતા બબડી ઊઠી : ‘ભાડૂતી માણસો ! એમને શી કાળજી ? શરીર ઊનું હતું ત્યારે નવરાવ્યો જ શું કામ ? પણ નોકરને શું ?’ થોડી વારમાં ભાડૂતી ડૉક્ટર પણ આવી પહોંચ્યા. ભાડૂતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો બાળકનો હવાલો અપરમાએ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડૉકટરને કહી. સૂવા મથતા બાળકની આંખોનાં પોપચાં ડોક્ટરે ખેંચી ઉઘાડ્યાં; તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું; બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સુવાડ્યું, અને તેની છાતી, પેટ તથા વાંસામાં તડિંગ તડિંગ આંગળાં ઠોકાયાં. ઊથલાઊથલી પૂરી કરી ડૉક્ટરે દવા લખી આપી; અને જરૂર પડ્યે ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમતેમ તરફડતો હતો. માતાએ ડૉક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિપત્ની બાળકની પાસેથી ઊઠ્યાં નહિ. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું.

બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડૉક્ટરનો હુકમ હતો. ડૉક્ટરો હુકમ આપતી વખતે હુકમ પળાવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ ઝોકાં ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મથતી માતાને એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહિ. રાતના બાર વાગતાં સુધી તેણે વગર આંખ મીંચ્યે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી. અને તે પોતે પુત્રની શુશ્રૂષામાં રોકાયો.

માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી : ‘ઓ મા !’ અપરમા પથારીમાંથી એકદમ ઊઠીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાન્તમાં ફરી બાળક લવી ઊઠ્યો : ‘મા !’

‘ઓ દીકરા !’ એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહિ; તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું : ‘કેમ ભાઈ ! શું છે ?’

બાળકે આંખ ઉઘાડી અને અપરમા સામે જોયું.

‘તમે નહિ.’ કહી બાળકે આંખ મીંચી દીધી.

‘બૂમ પાડી ને ?’

‘એ તો માને બૂમ પાડી.’ આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું.

‘તે હું જ મા છું ને !’ માતાએ કહ્યું.

બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું.

‘હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.’

અપરમાનું હૃદય ધડકી ઊઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો : ‘હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી ?’

તેણે કહ્યું : ‘તે હું જ વળી ખરી મા છું.’

‘ખરી મા મને તું કહેતી હતી : તમે નહિ.’

‘મેં ક્યારે તને ‘તમે’ કહીને બોલાવ્યો ?’ માતા જૂઠું બોલી.

‘પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને ?’

‘તે હું આવી, જોતો નથી ?’

‘કેમ ?’

‘ઓ દીકરા, તારે માટે !’ અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખો ચાંપીને ખરી મા જ સૂએ. ખરી માને બાઝીને કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો : તેના દેહને બાળતો અગ્નિ શાન્ત પડી ગયો.

હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સૉડ પામ્યો હતો.

(સમાપ્ત)

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.