પોતાની જાતમાં શ્રદ્ધા હોય એવી વ્યક્તિને કોઈ અવરોધ નડતા નથી

આશુ પટેલ

ફિલ્મનિર્માતા ડિનો દ લૉરેન્ટિસે 1974માં ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પછી એ ફિલ્મનાં પાત્રો માટે કલાકારોના ઑડિશન લેવાનું શરૂ કર્યું. એ દિવસોમાં લૉરેન્ટિસના પુત્રએ એક નાટક જોયું હતું. એ નાટકમાં એક અભિનેત્રીનો અભિનય જોઈને તે પ્રભાવિત થઈ ગયો હતો. તેણે પિતાને સૂચન કર્યું કે તે અભિનેત્રીને આપણી નવી ફિલ્મની હીરોઈન બનાવવી જોઈએ.

ફિલ્મ નિર્માતા લૉરેન્ટિસે પુત્રના આગ્રહથી તે અભિનેત્રીને ઑડિશન માટે બોલાવી. પણ તે અમેરિકન અભિનેત્રી ઑડિશન માટે પહોંચી ત્યારે તેને જોઈને લૉરેન્ટિસ અકળાઈ ઊઠ્યા. અભિનેત્રી અમેરિકન હતી એટલે લૉરેન્ટિસે અંગ્રેજીને બદલે પોતાની માતૃભાષા ઈટાલિયનમાં પુત્રને ખખડાવી નાખ્યો કે બેવકૂફ આવી કદરૂપી છોકરીને તું હીરોઈન બનાવવા મારી સામે ઉપાડી આવ્યો?

પેલી અમેરિકન અભિનેત્રીએ ઈટાલિયન ભાષામાં કહ્યું, ‘હું તમારી ફિલ્મ માટે પસંદ થઈ શકું એટલી સુંદર નથી એ માટે હું દિલગીર છું!’

ફિલ્મ નિર્માતા લૉરેન્ટિસ સડક થઈ ગયા. તેમને કલ્પના પણ નહોતી કે તે અમેરિકન અભિનેત્રી ઈટાલિયન ભાષા જાણતી હશે. પણ પેલી અભિનેત્રી અકળાયા વિના સ્મિત કરીને જતી રહી.

લૉરેન્ટિસે ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ માટે પોતાને હીરોઈન તરીકે પસંદ ના કરી અને ઉપરથી કદરૂપી યુવતી ગણાવી એથી તે યુવતી થોડા દિવસો અપસેટ રહી, પણ પછી તેણે હોલીવૂડની ફિલ્મ્સમાં અભિનયની તક શોધવા માંડી. ‘કિંગ કૉન્ગ’ ફિલ્મ રિલીઝ થઈ એ પછી બીજા વર્ષે એટલે કે 1977માં તેને ‘જુલિયા’ ફિલ્મમાં અભિનયની તક મળી અને હોલીવૂડમાં તેનું નામ જાણીતું થવા માંડ્યું. 1979માં તેને હોલીવૂડના ખ્યાતનામ અભિનેતા ડસ્ટિન હોફમેન સાથે ‘ક્રેમર વર્સીસ ક્રેમર’ ફિલ્મમાં ચમકવાની તક મળી અને એ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર‘નો એવૉર્ડ મળ્યો.

એ પછી તો તે અભિનેત્રી પાછળ પ્રેક્ષકો પાગલા બન્યા. તેના સોંદર્યને કારણે કરોડો યુવાનો તેના ચાહક બની ગયા. તે યુવતીએ તેના સૌંદર્ય અને અભિનય પ્રતિભાના જોરે ત્રણ ઓસ્કર એવોર્ડ અને આઠ ગોલ્ડન ગ્લૉબ એવોર્ડ સહિત કુલ 151 એવોર્ડ જીત્યા. તે ઓસ્કર માટે 19 વાર અને ગોલ્ડન ગ્લૉબ એવોર્ડ માટે 29 વાર નોમિનેટ થઈ અને તેને અત્યાર સુધીમાં કુલ 402 વખત એવૉર્ડ માટે નોમિનેશન મળ્યું. અત્યારે 66 વર્ષની ઉંમરે પણ તેને સતત ફિલ્મ્સ મળી રહી છે.

તે યુવતી એટલે હોલીવૂડની વિખ્યાત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ! યસ, મેરિલ સ્ટ્રીપને કદરૂપી ગણીને ‘કિંગ કૉન્ગ’ ફિલ્મમાં અભિનયની તક આપવાની ના પાડી દેવાઈ હતી. એ મેરિલ સ્ટ્રીપ અત્યારે 67 વર્ષની ઉંમરે પણ પોતાના સૌંદર્ય અને અભિનયપ્રતિભા થકી હોલીવૂડમાં આગવું સ્થાન ધરાવે છે.

મેરિલ સ્ટ્રીપને પોતાની અભિનયપ્રતિભામાં શ્રદ્ધા હતી એટલે તે હોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી બની શકી.

પોતાની જાતમાં શ્રદ્ધા હોય એવી વ્યક્તિને કોઈ અવરોધ નડતા નથી. અને જે વ્યક્તિને પોતાની પ્રતિભામાં શ્રદ્ધા હોય તેને દુનિયાભરના ઘેટા જેવા અનાડીઓ આગળ વધતી અટકાવી શકતા નથી.

આશુ પટેલ
આશુ પટેલ

આશુ પટેલ એટલે સાહસ, ધૈર્ય અને સરળતાનો સમન્વય. ગુજરાતી પત્રકારત્વમાં તેમને નામ અનેક રેકોર્ડ્સ બોલાય છે. આશુ પટેલે જુદાજુદા વિષયો પર 42 પુસ્તકો લખ્યા છે, જેમાં અંડરવર્લ્ડના ઈતિહાસથી માંડીને વાર્તાસંગ્રહ, નવલકથાઓ અને જીવનલક્ષી પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગુજરાતી અખબારોમાં તંત્રી તરીકે ફરજ બજાવી છે. તેઓ ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ, ‘દિવ્ય ભાસ્કર’ અને ‘મુંબઈ સમાચાર’ સહિત અનેક ટોચના અખબારોમાં કલમ ચલાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ અને ‘મુંબઈ સમાચાર’માં દૈનિક કોલમ ‘સુખનો પાસવર્ડ’ લખે છે. તેઓ અમેરિકા સહિત અનેક દેશોની સરકારના વિશેષ મહેમાન તરીકે વિદેશપ્રવાસો કરી ચૂક્યા છે. તેમની પ્રથમ અંગ્રેજી નવલકથા ‘મેડમ એક્સ’ પ્રકાશિત થઈ છે જેના પરથી પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.