થેંક યુ મમ્મી !

ઉમા પરમાર

તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રુતિ એના નામનું એનાઉન્સમેન્ટ સાંભળીને એવોર્ડ લેવા ઊભી થઈ. સ્ટેજ પર પહોંચતા સુધીમાં તો તેના પગ ઢીલા થઈ ગયા. શહેરના અગ્રણી સમાજસેવીના હસ્તે તેણે એવોર્ડ રીસીવ કર્યો અને ટ્રોફીને ચૂમીને ઊભી રહી. ફંકશનના સંચાલકે એને બે શબ્દ કહેવા માટે વિનંતી કરી અને એ માઈક પાસે જઈને ઊભી રહી. ટ્રોફી સાઈડ પર મૂકી.

હોલમાં ઉપસ્થિત સૌનું તેણે અભિવાદન કર્યું. અને બોલવાનું શરુ કર્યું. પણ, તે પહેલાં તેની નજર ઓડિયન્સમાં બેઠેલા લોકો પર પડી. એની નજર એની મમ્મીને શોધી રહી હતી, જે અહીં હાજર નહોતી.

‘ડિયર મમ્મી, આ એવોર્ડ તારે નામ… થેંક યુ! કે તે મને આ મેળવવાને લાયક બનાવી ! હંમેશાં એવું બનતું આવ્યું છે કે પેરેન્ટ્સ પોતાની આંખે સપનું જુએ છે અને સંતાનો દ્વારા એને પૂરું કરવા માંગે છે. પણ,તમે એવા પેરેન્ટ્સ છો કે, જે મારાં સપનાને તમારી આંખે પૂરું થતું જોવા માગતા હતા. મારા સપનાંને તમે જીવતા હતા… એક સફળ ફેશન ડિઝાઈનર બનવાનું સપનું. મમ્મી તારી મહેનત આ સકસેસની ખરી હકદાર છે. વન્સ અગેઇન થેંક યુ મમ્મી!’

….અને શ્રુતિ એવોર્ડ લઈ બહાર આવી. કારમાં બેઠી અને ઘર તરફ જવા લાગી. સાંજનું અંધારું વધુ ઘેરું થયું. ઠંડી હવાની લહેરખી બારીમાંથી સીધી જાણે એના શરીર સોંસરવી ઉતરી ગઈ. એક લખલખું અનુભવાયું. તેણે વિન્ડો બંધ કરી. થોડીવાર રહીને એ હોસ્પિટલ પહોંચી. રૂમમાં જઈને જોયું તો મમ્મીની આંખો બંધ હતી. કદાચ હમણાં જ સૂતી હોય એવું લાગતું હતું. તેણે ડિસ્ટર્બ ન થાય એ રીતે ટ્રોફી સાઈડના ટેબલ પર મૂકી. મમ્મીની નજીક ખુરશી લઇ બેઠી. સાવ કૃશ થઇ ગયેલું શરીર. લાંબા, બ્રાઉન વાળની જગ્યાએ સપાટ,સ્કાર્ફ બાંધેલ માથું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. હજી આઠ જ મહિના પહેલાં જ કેવી હતી? કેટલી બ્યુટીફુલ,સ્માઈલને કદી હોઠથી રીસાવા ન દેતી (હા,પપ્પા સાથે વાકું પડે ત્યારે અલગ વાત હતી!), હંમેશાં હસતી અને હસાવતી, સતત બોલતી રહેતી. જાણે મસ્ત મજાના વહેતા ઝરણાં જેવી અને એવું તો બીજું કેટલુંય હતું ! પણ, શ્રુતિ ત્યારે એની માને જાણી શકી? અથવા તો એમ કહો કે સમજી શકી? પણ શ્રુતિને આવી સક્સેસફુલ જોવા માટે તો તેનાં પપ્પા-મમ્મી બંનેની આંખો તરસી ગઈ હતી.

***

… અને શ્રુતિએ ઘરે આવીને ડાયરી લખીઃ

હું ને મમ્મી, કાયમ ઝઘડતાં રહેતા. તેને તેની વાત મનાવવી હોય ને મારે મારી વાત જ માનવી હોય ! અમારી વચ્ચે ક્યારેય કંઈ જાણે સીધું હોય જ નહીં. એમાં પપ્પા બિચારાનો મરો થતો. મારો પક્ષ લે તો મમ્મી એમનું માથું પકવી નાખે ને એ જો મમ્મીની સાઈડ લઈને કંઈ મને કહેવા જાય તો હું ગુસ્સે થઈ, પગ પછાડતી રૂમમાં જતી રહેતી.

કદાચ દરેકે પત્ની અને મા વચ્ચે સેન્ડવીચ થતા પુરુષને જોયો હશે,પણ પત્ની અને દીકરી વચ્ચે સુલેહ કરાવવામાં પપ્પાની શું હાલત થતી હશે એ તો પાછળથી જ સમજાયું. અમારી વચ્ચેનું અંતર વધતું જતું હતું. ક્યારેક બોલાચાલી ઉગ્ર થઈ જતી. ક્યારેક હું રડતી અને ગુસ્સાથી બૂમો પાડતી. તો ક્યારેક એ રિસાઈને જતી રહેતી ને કલાક બે કલાક પછી આવતી ત્યારે અમારા જીવ અધ્ધર થઇ જતા !

અમને એકબીજા માટે પ્રેમ નહોતો એવું નહોતું, પણ એ હંમેશાં એવું ઈચ્છે કે એ કહે તેમ થવું જોઈએ. એટલે જ મને ગુસ્સો આવવો સ્વાભાવિક હતો. એ સમય અત્યંત નાજુક હતો. એને એવું લાગતું કે, મને એ વહાલી નથી. ધીમે ધીમે મમ્મી ડિપ્રેશનમાં સરી ગઈ. અને ત્યારે જ પપ્પાની સમજદારીએ બધું સાચવી લીધું. પણ એ એક વર્ષમાં તો કેટલું બધું બદલાઈ ગયું ! જાણે અચાનક જ નવા જીવનની શરૂઆત થઈ. પપ્પા એક બાજુ મમ્મીને સમજાવતાં, ‘ટીનએજ ની દીકરી છે. તેં તો ભગવાન પાસે માંગી હતી ને! હવે તું જ જો એને,એની ઉંમરને કે એના માનસિક ફેરફારને નહીં સમજે તો કોણ સમજશે? તું જો તો ખરી એ કેવી ચૂપચાપ રહે છે. આ ઉંમર તો હસવાની અને હરવા ફરવાની છે. તો આપણે એને મોકળાશ આપવી જોઈએ ને!’ મમ્મી પર પપ્પાની વાતની ધારી અસર થતી.

તો બીજી બાજુ પપ્પા મને પણ આ જ રીતે પ્રેમથી સમજાવતા. ‘બેટા, મમ્મી જે કહે તે આખરે તો તારા સારા માટે જ હોય છે ને! હા, એની કહેવાની રીત થોડી બદલવા જેવી ખરી. પણ, તું જોજે, થોડા સમયમાં એ પણ ચેન્જ થશે. પણ બેટા, તું આમ ગુમસૂમ ન રહે. એના લીધે મને સતત ટેન્શન રહે છે. તું મમ્મીની બધી વાત ન માની શકે તો કંઈ નહીં પણ કોઈ વાર કમને પણ એકાદ વાતનું માન રાખ ને પછી જો ઘર હાસ્યથી ગુંજે છે કે નહીં !’

મારી નાસમજી કે નાદાની, જે ગણો તે પણ એ ધીમે ધીમે વિદાઈ લઈ રહી હતી.

***

‘શું વિચારે છે બેટા?’ મમ્મીનાં અવાજે એના વિચાર પર જોરથી બ્રેક મારી. ‘અરે! મમ્મી, કંઈ નહીં… કહેતા એણે ઊભા થઈને મળેલી ટ્રોફી એના હાથમાં મૂકી દીધી. વીણાએ ટ્રોફીને ચૂમી લીધી અને એના હાથ લંબાવી શ્રુતિને કોન્ગ્રેચ્યુલેશન કીધું. એ મમ્મીને વળગી પડી. વીણાએ ટ્રોફીવાળો હાથ ઉપર આકાશ તરફ લંબાવ્યો. શ્રુતિ સમજી ગઈ કે એ પપ્પાને બતાવી રહી છે. એના આંખના ખૂણેથી આંસુની ધાર વહી રહી હતી. શ્રુતિએ એના હાથમાંથી ટ્રોફી લઈ ટેબલ પર મૂકી.

‘મમ્મી,આજે કેમોથેરાપી નું પાંચમું સેશન છે. ખબર છે ને ડૉ. ભટ્ટે શું કીધું છે તે? બરાબર યાદ રાખજે… મને તો પપ્પાને કહેવા કીધું છે. જોજે હું પપ્પાને બધી કમ્પ્લેઇન કરવાની જ છું સમજી?’

‘જા, જા, હવે..મોટી મારી મમ્મી બને છે તે !’ વીણાએ મીઠો છણકો કર્યો.

***

શ્રુતિની નજર હોસ્પીટલની બારીએથી લંબાઈને ફરી દૂર પહોંચી ગઈ. ધીરે ધીરે મા-દીકરી વચ્ચે પ્રેમ અને સમજણનો સેતુ મજબૂત થતો જતો હતો. શ્રુતિને પોતાને પણ અહેસાસ થતો કે પોતે કેમ આટલા લાંબા સમય સુધી મમ્મીના પ્રેમથી અળગી રહી ગઈ. તો આ બાજુ વીણાને સતત પસ્તાવો થતો રહેતો દીકરીનાં નાજુક સમયમાં એને સંપૂર્ણ રીતે ન સમજી શક્યાનો અને એને પોતાની લાગણીઓથી દૂર રાખવાનો. એવું છેક જ નહોતું કે બંને વચ્ચે સતત કોઈ તણાવ કે અણબનાવ રહેતો હોય કે પછી પ્રેમનો અભાવ જ રહેતો હોય. પણ, ક્યારેક સમયનું ચક્ર એ રીતે ફરતું હોય છે કે આવા નાજુક સંબંધો  ધૂંધળા પડી જાય છે. તમે વ્યક્ત પણ નથી કરી શકતા અને સામેવાળા એને જોઈ પણ નથી શકતા.

***

પણ, હજુ તો આ સમય જીવનમાં સુંદર રંગો ભરે ત્યાં તો ફરી સમયનું ચક્ર ફર્યું. અને એક અકસ્માતમાં તેના પપ્પાએ આ દુનિયામાંથી વિદાય લીધી.

પપ્પા વિશે તે ડાયરીમાં લખે છે…

‘આ એટલું અચાનક થયું કે હું હતપ્રભ અને મમ્મી અત્યંત આઘાતની મારી બેહોશ થઈ ગયેલી. વર્ષોના એક અત્યંત પ્રેમાળ અને મજબૂત સંબંધની ડોર તૂટી ગઈ. સગા-વહાલા, સમાજ, મિત્રો અને દરેક જણે આ કપરા સમયમાં સાથ આપ્યો. પણ મમ્મીને જેનો સાથ હતો તેનો હાથ હવે છૂટી ગયો હતો. મમ્મીને આમાંથી બહાર લાવવું અત્યંત મુશ્કેલ હતું. હું પણ સતત પપ્પાને યાદ કરી છાનીમાની રડી લેતી. કારણ કે મમ્મી સામે તો મારે સ્ટ્રોંગ રહેવાનું હતું. પણ, હજુ ભગવાનની કસોટી ક્યાં પૂરી થઇ હતી! મમ્મીની બગડતી રહેતી તબિયત અને રિપોર્ટ્સ પછી થયું એને ગર્ભાશયના કેન્સરનું નિદાન. શરૂઆતનાં જ સ્ટેજ પર થયેલ નિદાન પછી પણ મમ્મી કોઈ પણ જાતની ટ્રિટમેન્ટ માટે તૈયાર જ ન થાય. બસ, ‘હવે મારે સારા થઈને શું કરવું છે?’ની રટ લઈને બેઠેલી મમ્મી. બધા સમજાવીને થાક્યા.

હું એકવાર એને પપ્પાના ફોટા પાસે લઇ ગઈ. ‘મમ્મી, પપ્પાને તે જ કીધેલુંને કે જો જો આપણી શ્રુતિ એક દિવસ બહુ નામ કમાશે, ખૂબ મોટી ફેશન ડિઝાઇનર બનશે. અને જ્યારે એને કોઈ એવોર્ડ મળશે ત્યારે આપણે ઓડિયન્સમાં બેઠા ખૂબ તાળીઓ પાડીશું. પપ્પા તો તાળી પાડવા માટે નથી, પરંતુ તું પણ તારી દીકરી માટે તાળી નહીં પાડે? પપ્પા ભલે સપનું પૂરું થતું ન જોઈ શક્યા, પણ તું આવું કરીશ તો તારી લાડકી દીકરીને ગમશે? ને પપ્પાની તો હું વધુ લાડકી હતી. તો તારા આવા વર્તાવથી પપ્પાને કેટલું દુઃખ થશે એ તેં વિચાર્યું છે?’ મમ્મીએ પ્રેમથી મારા માથે હાથ ફેરવ્યો અને ભેટી પડી.એનું મૌન રડી રહ્યું હતું, પણ મારા માટે મન મક્કમ કરીને એ સારવાર માટે તૈયાર થઈ.

***

‘થેંક યુ મમ્મી ! તેં જ મને જિંદગી સુંદર છે તે સમજાવ્યું. કદી પણ હાર ન માનવાનું શીખવ્યું. કોઈ પણ સંજોગો હોય, જિંદગીની હર ક્ષણને જીવવાનું અને લડવાનું સમજાવ્યું. તારા અને પપ્પાના આશીર્વાદથી તો હું આજે આ એવોર્ડ મેળવી શકી છું. ને હજુ તો ઘણી લાંબી મજલ કાપવાની છે, જે તારા સાથ વગર મુશ્કેલ છે. હું તો મારી મમ્મીના એ જ અંતરમનના સુંદર રૂપને ફરી જોવા માગું છું, જેમાં થોડી તે મારી સાથે લડતી પણ હોય અને વહાલ પણ વરસાવતી હોય.’

***

…પણ, આખરે  શ્રુતિની મમ્મી હંમેશની જેમ એનું ધારેલું કરીને જ રહી. અચાનક એક દિવસ સવારે કોઈને ખબર ન પડે તે રીતે તે જતી રહી, જેમ પહેલાં કોઈ વાર ગુસ્સે થતી અને ક્યાંક જતી રહેતી એમ જ! આ વખતે પણ શ્રુતિને થયું કે પહેલાંની જેમ એ પાછી આવી જાય. પણ તેની મમ્મી પાછી ન ફરી !

***

મમ્મીના ગયા પછી એણે ફરી ડાયરી લખીઃ

ક્યારેક કહેતી એમ, ‘અવિચળ ધ્રુવના તારા જેવી બનીશ. હું નહીં હોઉં તો પણ તારી આસપાસ-ચોપાસ હવાની જેમ વહેતી રહીશ. તારી દરેક સફળતા નિષ્ફળતામાં તારી સાથે જ રહીશ. મારી કહેલી વાતો તને વધુ મજબૂત બનાવતી રહેશે, જેથી તું દુન્યવી ઝંઝાવાતો સામે ટકી શકે. જીવન જીવવાનું છે, માણવાનું છે તેથી ક્યારેય ઉદાસ કે દુઃખી ન થઈશ. તને મોડી સમજી શકી તેનો અફસોસ છે. તું મારે ત્યાં જન્મી તે જ મારું અહોભાગ્ય ! કદાચ બીજો જન્મ મળે તો તું મારી ‘મા’ બને એવી ઈચ્છા રાખું.’

એના અસ્થિ વિસર્જન પછી એને અને પપ્પાને યાદ કરી મન ભરી ખૂબ રડી લીધું. છેલ્લા કેટલાયે સમયથી વારે ઘડીએ ભરાતો રહેતો ડૂમો અને કિનારે આવીને પાછાં વળી જતાં આંસુઓને મેં આજે વહી જવા દીધા. અને પછીની સવારથી જીવનને માણવાની તૈયારી કરી.

‘મમ્મી, મારી ડિયર મમ્મી ! આ મજાના જીવનને જીવતા શીખવવા બદલ ફરી એક વાર થેંક યુ મમ્મી… ફોર એવરીથિંગ. લવ યુ. !”

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

3 Comments
  1. Hi Uma, lovely very emotional story. Mums and daughter and fathers and daughters ….love very well expressed in story, sad ending but that’s what life All about. Good reading 📖 thanks for sharing. Jay Shree Krishna Mama.🙏👏🏼👍🏼🌹💐

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.