એ ઘટના… એ પાત્રો…

અંકિત દેસાઈ

વલસાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી ચાર-પાંત્રીસ ઉપડ્યો જ હશે ત્યાં ચાર-પાંચ છોકરાઓની એક ટોળી પ્લેટફોર્મની બહારથી ટ્રેન તરફ દોડતી આવી. ટ્રેન શરૂ થઈ ગઈ હતી અને છોકરાઓએ મુંબઈ તરફ જતી ટ્રેન પકડવી હતી. આમ તો વલસાડથી બાન્દ્રા સુધી જતી એ ટ્રેનનું નામ ‘વાપી પેસેન્જર’, પરંતુ વલસાડ અને વાપીના વિસ્તારોમાં એ ટ્રેન ચાર-પાંત્રીસના ઉપનામથી જ ઓળખાય!

વલસાડનું પ્લેટફોર્મ નંબર એક સાઈડિંગ ટ્રેક હતો એટલે શરૂ થયેલી ટ્રેનને ગતિ પકડતા સહેજે વાર લાગે. પરંતુ ટ્રેન થોડી આગળ પહોંચી ગઈ હતી એટલે પ્લેટફોર્મ પર ટ્રેનના બે-ત્રણ જ ડબ્બા રહ્યા હતા. દોડતા આવતા એ છોકરાઓએ છેલ્લો ડબ્બો પકડ્યો અને એક પછી એક ટ્રેનમાં ચઢવા માંડ્યા.

છેલ્લેથી બીજો છોકરો જેવો ટ્રેનમાં ચડ્યો ત્યારે એવું એને શું સૂઝ્યું કે, ડબ્બામાં પ્રવેશીને તરત એણે ટ્રેનનો દરવાજો બંધ કરી દીધો. છેલ્લો છોકરો ડબ્બામાં ચઢે એ પહેલા દરવાજો બંધ થઈ ગયો એટલે બાપડો દરવાજા પાસેના બંને હોલ્ડર્સ પકડીને બહાર લટકતો રહ્યો.

કૉલેજના એ છોકરાઓ રોજ આવી કંઈ ને કંઈ ધમાલ કરતા. ક્યારેક એકબીજાના માથામાં ટપલી મારતા તો ક્યારેક મોટેમોટેથી વાતો કરીને કે ગીતો ગાઈને આખો ડબ્બો ગજવતા. રોજના અપડાઉનમાં ક્યારેક તો એ છોકરાઓ મોટેમોટેથી એટલી ગાળો બોલતા કે, કોઈક યાત્રીએ એમને ટોકવા પડતા કે, ‘બાપા, આ શું કરવા બેઠા છો તમે? જાહેરમાં આવી ગાળો બોલો છો તે કંઈ ભાન-બાન પડે છે?’

તે દિવસે વળી આ ધમાલ સૂઝી તે પેલા અવળચંડાળે દરવાજો બંધ કરી દીધો અને એક છોકરો ટ્રેનની બહાર લટકતો રહ્યો. ટ્રેને હજુ ગતિ નહોતી પકડી, પરંતુ આ રીતે બંધ દરવાજો અને લટકતા છોકરાને જોઈને ડબ્બાની અંદર બેઠેલા કેટલાકે દેકારો દીધો.

‘અલા આ હુ કરે…? પેલો પોઈરો પળી જાહે…’

‘આ આજકાલના પોઈરાએને કાંઈ ભાન જ ની… આવું કંઈ કરાય કે? ફટ દેઈને પેલા પોઈરાના હાથની પકડ છૂટી ગેઈ તો?’

‘તો હુ… હારાએ તદ્દન વાહુલ…’

આ બધા વચ્ચે પણ પેલા છોકરાઓની મસ્તી તો ચાલુ જ રહી. બહાર લટકેલો છોકરો પણ પાછો અંદરનાઓને પડકાર આપે કે, ‘કાંઈ ની… ઉં તો અતુલ સ્ટેશન હુધી લટકા ને પછી આગળના ડબ્બામાં જેઈ રેવા…’

તો દરવાજા પછીની તરતની સિંગ્લ વિન્ડોમાંથી બહાર ડોકાવીને અંદરનો એક કહે,

‘જોઈએને તું કેટલુક લટકે તે…’

હજુ પણ અંદર બેઠેલા બીજા યાત્રીઓ છોકરાઓને દરવાજો ખોલવા કહી રહ્યા હતા, પણ એ બધા તો એમની મસ્તીમાં જ ગુલતાન!

એટલામાં ફ્રૂટ્સ વેચવાવાળી એક ડોશી માથે ટોપલું લઈને દરવાજા તરફ આવી. પેલી ટોળીની કરતૂત જોઈને એને તો જાણે શૂરાતન ભરાયું.

‘મરીગીયાએ આ તમે હુ માઈળુ…? કાંઈ ભાન છે કે તમને…?’ એ ડોશીએ એના માથેનું ટોપલું નીચે મૂક્યું અને ડબ્બામાં વેચવાનું માંડીવાળીને એ છોકરાઓ પાસે ઊભી રહી ગઈ.

‘આ પોઈરો પળી જાહે તો એ મરી જાહે…’ એ પણ સિંગલ વિન્ડો પાસે આવીને બહાર ઊભેલા છોકરા તરફ જોવા માંડી.

‘જોની એ હો ગઘેડો જેવો ઓહી* બતલાવે પાછો… મૂઓ કેથેનો…’ ડોશી તો બરાબરની ઉકળી.

ડોશીની બૂમોથી બેબીજા એક-બે માણસો પણ ત્યાં આવીને છોકરાઓ પર બબડવા માંડ્યા એટલે છોકરાઓ સહેજ ભોંઠા પડ્યા.

પાંચેક મિનિટનો જ આ ખેલ હશે અને હજુ ટ્રેન પણ ધીમી હતી. પણ ડોશીની બૂમાબૂમથી ગભરાઈને આખરે છોકરાઓએ દરવાજો ખોલ્યો અને બહાર લટકેલો છોકરો હસતો હસતો અંદર આવ્યો.
એ અંદર આવે એટલામાં વેચવાવાળી પેલી ડોશીએ એને પણ તતડાવ્યો.
‘તને ઓહુ(હસવું) હુ આવે? કાંઈ ભાન છે કે? તમે તો આવી મસ્તી કરી પાળે, પણ પછી તમારા ઘરવારાનું હુ થાય એનો વિચાર કરે કે? તમારી માઈએને પૂછજો કે ઘેરે મોળા જાય ત્યારે એવણના હુ હાલ થાય… એવામાં મરીબરી ગીયા તો તેની હુ આલત(હાલત) થાય તેનું ભાન છે કે…? હારા તદ્દન નફ્ફટ કેથેના… આવા મૂઆએને તો ભણાવવા જ ની જુવે…. ઢોર કેથેના…’

‘હાચી વાત છે… હારા ભલેણા પણ ગણેલા ની… આવી મસ્તીમાં કાંઈ થેઈ જાય તો આખી જિંદગીની કાળી ટીલી કપાળે ચોટે… પણ આ જગધાઓએ એનું ભાન નીને…’ બીજા એકે પણ ડોશી સાથે સૂર પૂરાવ્યો.
‘તો હુ… ખબરદાર જો બીજી વાર આવું કઈરું છે તો…’ ડોશી તો જાણે અલ્ટીમેટમ આપતી હોય એમ ત્યાંથી નીકળી અને એની રાબેતા મુજબની બૂમ પાડી,

‘ચાલો… ચીકુઉઉઉઉ….’

છોકરાઓ પણ નાદાન હતા એટલે ફરી પોતાની મસ્તીમાં જોતરાયા અને સાથે વડાપાઉ બાંધી લાવ્યા હતા એટલે ભેળા મળીને એ ખાવામાં મશગૂલ થયા.

‘ડોહલી બો ગાર દેઈ ગેઈ…’ એ ટોળીમાંના એકે કહ્યું.

‘તો હુ… હારીએ બધાની વચ્ચે લેઈ કાઈળા આપણને…’

‘એ મારી બા(દાદી) ઉતી…’ જે બહાર લટકેલો હતો એ છોકરો બોલ્યો.

‘હુ? એ ડોહલી તારી બા ઉતી? હગ્ગી બા?’ દરવાજો બંધ કરનારા અવળચંડાળે પૂછ્યું.

‘હા…’

‘તો એણે તને ઓળઈખો ની?’

‘ની… એ તો મને ઓળખે જ ની. મારા પપ્પા ને બાને કોઈ વાતે ખટપટ થેઈ ગેલી એટલે ઉં બે-ત્રણ વરહનો ઉતો ત્યારથી અમે એની હાથે ની રેયે…’ એ છોકરાએ તો જાણે ધડાકો કર્યો.

‘ઓત્તારી… આ તો જબરું થીયું… તો ત્યાર પછી તમે એને મઈળા જ ની?’

‘ની… બા ઉદવાડા રેય ને અમે વાપી રેયે. પણ અમે એક પણ દિવસ એને તા ની ગીયા. ને એ હો અમારે તા ની આવી…’ એણે કહ્યું.

‘તો તું એને કઈ રીતે ઓળખે?’

‘અરે એ તો આવતા-જાતા ક્યાંક અથવા લગનમાં કે બીજે કેથે દેખાય જ કેની… ને બા તો ટ્રેનમાં વર્ષોથી વેચે… ટ્રેનમાં હો કેથે દેખાય જ કેની… એટલે એ રીતે ઓળખુ…’
એ છોકરાની વાત ત્યારે તો પેલા અવળચંડાળને ઝાઝી પલ્લે નહોતી પડી. પણ વર્ષો પછી જ્યારે એ છોકરો સમજણો થયો ત્યારથી એ ચિત્ર અને એ ઘટના એના મનનો કબજો છોડતી નથી.
નાદાનિયતમાં દરવાજો બંધ કરીને એના મિત્રને દરવાજે લટકાવ્યો એનો તો એને વસવસો રહ્યો જ. પણ ડોશી અને દીકરાનું મિલન પણ એને અચરજ પમાડતું રહ્યું.
દરવાજાની બહાર લટકેલો છોકરો અને ટ્રેનના ડબ્બાની અંદર બૂમાબૂમ કરતી ટોપલાવાળી ડોશી વચ્ચે લોહીનો સંબંધ હતો. છતાં તે ડોશી એ વાતથી અજાણ હતી કે, દરવાજાની બહાર જે લટકે છે અને તે જેના માટે બૂમાબૂમ કરે છે એ તેનું જ લોહી છે… વર્ષોથી એ ડોશી એના પોતરાને નથી મળી અને જ્યારે મળી ત્યારેય એમની વચ્ચે લોખંડનો દરવાજો હતો… જોકે લોખંડ કરતા લાગણીની મજબૂતી કદાચ વધુ હોવી જોઈએ, એટલે દરવાજાને પેલે પાર કોણ છે એની જાણ ન હોવા છતાં એ ડોશીએ બૂમાબૂમ કરી… એ કહી રહી હતી કે, તું પડી જાય અને તને કંઈ થઈ ગયું તો તારી માનું શું થશે એનું તને ભાન છે? પણ એ જનેતાને ક્યાં ખબર હતી કે, તું પોતે તારા દીકરાની વહારે આવી છે પછી એને કોણ મારી શકે?

પેલા અવચંડાળ છોકરાને હજુય આ કિસ્સો યાદ આવે ત્યારે એ શરમથી પાણીપાણી થઈ જાય છે. એ આખી ઘટના તેના મનમાં વારંવાર રિવાઈન્ડ થાય છે… દસેક મિનિટની એ ઘટનાનો એક એક ટુકડો છૂટો પાડીને તે તપાસે છે અને વિચારે કરે છે કે, લોહીના સંબંધે જોડાયેલા બે અજાણ્યાઓ એકબીજાની સામે આ રીતે કેમ આવ્યા? એ સંબંધ આટલી મિનિટો માટે જ કેમ જન્મ્યો અને ફરી મૃત્યુ પામ્યો?
પછી તો એ અવળચંડાળે સતત ટ્રેનમાં પ્રવાસો કર્યા અને પેલી ડોશી પણ એને મળતી રહી… જ્યારે પેલી ડોશીને જોય ત્યારે એ સહેજ ઊભો રહી જાય છે. એને એવી ઈચ્છા પણ થાય છે કે, એ ડોશીને એક દાયકા પહેલાની પેલી ઘટના યાદ અપાવે અને સાથે એને પણ કહે કે બા, તું જેના માટે અજાણતામાં કકળેલી એ તારો જ દીકરો હતો…
પણ એ ડોશીને કહી શકતો નથી. બસ, આ વાર્તા લખીને પેલી ડોશીની માફી માગી લે છે…

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

5 Comments
  1. આજની ટ્રેન ટેલ્સ બો મસ્ત છે. કોકટેલ ઝીંદગીમાં પ્રકાશિત થવાની શરૂ થઈ ત્યાર બાદની સૌથી ઉત્તમ અને સ્પર્શી જનાર.બે વાર વાંચી ગઈ હજુ એકાદ વાર વાંચીશ.

  2. વાહ……,
    આજની ટ્રેન ટેલ્સ સરસ…..
    સૌરત થી મુંબઈ વચ્ચે ‘ અપડાઉન પીપલ ‘ ની આવી ધીંગામસ્તી મે પણ નજરે જોઈ છે….
    પરંતુ…., આપની નીરીક્ષણ શક્તી ને સલામ…..

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.