આપણી સામાજિક વિકલાંગતા

વિવેક એક્સપ્રેસ સુરત સ્ટેશન પર આવીને ઊભી રહી અને અફરાતફરી મચી. વડોદરેથી બેસીને કંટાળેલું લોક તાપીનો પુલ આવ્યો હશે ત્યારથી જ ઉતરવા તલપાપડ થયેલું એટલે ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહે એ પહેલા જ દસ-પંદરોએ ‘ઓ વેલા ઉતરજો… ઓ જે ની ઉતરવાના હોય એ અંદર જતા રેજો…’ કરવા માંડેલું. બીજી તરફ સુરતના પ્લેટફોર્મના છેવાડે ઊભેલા જણોને દૂરથી ટ્રેન આવતી દેખાઈ એટલે તેમણે પણ જાણે મોરચે જવાના હોય એમ ધાંધલ શરૂ કરી..

આમેય વિવેક એક્સપ્રેસમાં મુંબઈ જતા કાપડના વેપારીઓ વધુ હોય, જેઓ ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બચાવવા પોતાની સાથે સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સના મસમોટા થેલા સાથે લઈને ચડતા હોય છે. આવા એક નહીં, પણ સાત-આઠ વેપારીઓ જુદા જુદા દરવાજેથી ચડતા હોય છે, જેમનું લક્ષ્ય માત્ર એક જ હોય કે ટ્રેન આવે એટલે ત્રણથી ચાર મિનિટના સમયમાં પોતાનો બધો સામાન જનરલ કોચમાં ચડાવી દેવાનો!

એ વેપારીઓની સાથેના તોતિંગ થેલા તમે જુઓ તો તમને આશ્ચર્ય થાય કે તેઓ એક નાનો ટેમ્પો ભરાય એટલો સામાન પોતાની સાથે લઈને ટ્રેનમાં ચડી જતા હોય છે અને પછી જનરલ કોચના બીજા મુસાફરોની ચિંતા કર્યા વિના જ્યાં જગ્યા મળે ત્યાં થેલા પાથરી દેતા હોય છે. એ જગ્યા પછી કોચની સિંગલ વિન્ડોઝની ઉપર અપાતા સામાન મૂકવાના રેક્સ પણ હોઈ શકે અને કોચનો યાત્રીઓ માટેની આવનજાવન માટેનો કોરિડોર પણ હોઈ શકે. અને એમાં જો કોઈક યાત્રી એમ કહેવા જાય કે ‘ભાઈ આ સામાન રસ્તામાંથી હટાવો અમને વોશરૂમ જવામાં તકલીફ થાય છે…’

તો એના પર ચડી બેસવાનું કે, ‘ભાઈ, એટલી સાહ્યબી જોઈતી હોય તો રિઝર્વેશન કરાવો… આ જનરલ કોચ છે!’

તંત્રમાં નિયમિત હપતા જતા હોય એટલે તેઓ આવો જવાબ આપે એ સ્વાભાવિક છે. પરંતુ તેમની આવી નિંભરતા ક્યારેક કોઈને ઘણી મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે.

એ દિવસે વિવેક એક્સપ્રેસ સુરત સ્ટેશને આવી ત્યારે એવું જ થયું. એક તો અંદરથી ઉતરનારાઓ ઉતાવળા થયા હતા. એમાં સ્ટેશન પરથી ચડનારા ટેક્સટાઈલવાળાઓ ઉપરાંત બીજા મુસાફરો ધિંગાણે ચડેલા.. એ દિવસે પાછું થયેલુ એવું કે સૌથી છેલ્લો જે દિવ્યાંગોનો ડબ્બો આવતો એ ડબ્બો એની મૂળ જગ્યાએ નહોતો. લગભગ હતો જ નહીં! અને નહીં તો રેલવે સ્ટેશનો પર એનું કોઈ અનાઉન્સમેન્ટ થયેલું કે પાછળની તરફ દિવ્યાંગોનો ડબ્બો નથી. એટલે અગાઉના સ્ટેશનો પરથી ચડેલા દિવ્યાંગોએ ફરજિયાત છેલ્લા જનરલ કોચમાં ચડી જવું પડેલું.

ટ્રેન સુરત પર ઊભી ન રહી ત્યાં તો ઉતનારાઓની ચિંતા કર્યા વિના ચડનારોઓ દરવાજે ટિંગાઈ ગયા અને અંદર ઘૂસવા માંડ્યા. એક તો આમેય ઉતરનારા ઝાઝા હતા એમાં બે-પાંચ જણા અંદર ઘૂસવા માટે પ્રયત્નો કરે એટલે સ્વાભાવિક જ અંધાધૂની થાય. એમાં પાછા પેલા વેપારીઓ પોતાનો સામાન ચડાવવાની ઉતાવળમાં હોય. આખરે સ્થિતિ એ થઈ કે અડધી મિનિટ સુધી ન તો કોઈ ઉતરી શક્યું કે ન કોઈ ચઢી શક્યું અને પાર વિનાની ધક્કામુક્કી થઈ.

એવામાં અંદરથી કોઈ જોરજોરથી બૂમો પાડતું સંભળાયું. કોલાહલ વચ્ચે એ બને એટલા ઊંચા અવાજે કાકલૂદી કરતું હતું, ‘અરે… આપણે માણસ છીએ કે પ્રાણી? આ અપંગનો તો વિચાર કરો યાર… પ્લીઝ ધક્કામૂક્કી ના કરો… ભગવાનને ખાતર એને ઉતરવામાં મદદ કરો….’

એ અવાજ કોઈક સ્ત્રીનો હતો.

ઉતરવામાં સફળ રહેલા કોઈક પુરૂષનું મગજ ચાલ્યું હશે એટલે એ બને એટલી ત્વરાથી સ્ટેશનને છેવાડે આખો ખેલ જોઈ રહેલી રેલવે પોલીસ પાસે પહોંચ્યો અને ત્યાં જઈને કહ્યું કે ‘એક વિકલાંગ અને માનસિક રીતે અસ્થિર દીકરીને આ લોકો ઉતરવા નથી દેતા…’

વિકલાંગનું નામ પડતા જ પોલીસ સાબદી થઈ અને દોડતા આવીને દરવાજા પરની સ્થિતિ સંભાળી. પહેલા દરવાજાની સામે ટોળામાં ધક્કામૂક્કી કરી રહેલાઓને એક તરફ કરીને દરવાજાની સામે રસ્તો કર્યો. અને પછી ઉતરનારાઓને લાકડી બતાવીને સરખી રીતે ઉતરવાનો આદેશ કર્યો.

એ ભીડને છેવાડે ઊભા હું આખો ખેલ જોતો હતો ત્યાં દરવાજે બાર-તેર વર્ષની કોઈક દીકરીને તેની મા બંને હાથે પકડીને ઉતારી રહી હતી. બહાર ઊભેલા લોકોએ પણ પછી તેને ઉતરવામાં મદદ કરી. પરંતુ એ છોકરીનો ચહેરો જોઈને હું અત્યંત હેરાન થઈ ગયો.

છોકરીએ આટલી હાલાકી ભોગવી પછીય તે ઉતરી રહી હતી ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું અને આશ્ચર્ય સાથે તે આજુબાજુનો ખેલ જોતી હતી. તેની આંખોમાં લેશમાત્ર ફરિયાદ નહોતી કે હું શારીરિક અને માનસિક રીતે અક્ષમ હતી તોય તમે મને શાંતિથી ઉતરવા ન દીધી અને પ્રાણીઓને શરમ આવે એવી તમે ધક્કામુક્કી કરી!

પછી તો એ છોકરીને સાઈડમાં બેસાડીને તેને પાણી પણ અપાયું અને પાસે ઊભેલા લોકોએ રૂમાલથી તેને પવન પણ નાંખ્યો.

પરંતુ પાયાનો સવાલ એ હતો કે આપણે લોકો ક્યારેક એટલા બધા સ્વાર્થી અને નિંભર કેમ થઈ જઈએ છીએ કે આપણે એ પણ ભૂલી જઈએ કે આપણે માણસ જ છીએ! વિકલાંગ જ શું કામ? જો ચોક્કસ વ્યવસ્થાને ફૉલો ન કરીએ તો આપણે નોર્મલ માણસોને પણ અત્યંત પરેશાન કરતા હોઈએ છીએ. આપણે લીધે બીજાને હાલાકી ન થવી જોઈએ એ સેન્સ આપણે ન કેળવી શકીએ? અને જો એવું ન જ કરી શકતા હોય તો આપણેય માનસિક રીતે વિકલાંગ ન કહેવાઈએ? અને આજકાલ રાષ્ટ્રવાદનો જુવાળ ઉફાન પર છે તો શું દેશના નાગરિકોની દરકાર રાખવી અને દેશની સિસ્ટમ ફૉલો કરવી રાષ્ટ્રવાદ ન કહેવાય? કે ફેસબુક પર દેશપ્રેમને લગતી પોસ્ટ ઠઠડાવી એટલે વાર્તા પૂરી….?

આ સવાલ કરૂણાનો તો છે જ, પણ સિવિક સેન્સનો પણ છે.

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

3 Comments
  1. Very nicely written. સામાજિક વિકલાંગતા તો લાગે છે કાયમ માટે રહેશે કારણકે લોકો પોતાનું જ વિચારે છે. જે લોકો બદલાવ લાવવા ઈચ્છે છે તેનો પણ સમાજ અમુક અંશે બહિષ્કાર કરે છે.

  2. અંકિતભાઈ અમારે પણ આવો જ અનુભવ થયો હતો પછી શું અમે તો જૂનાગઢી સુરતીલાલા ઓને જે પડી છે તે ભુલી નહીં શકે

  3. Nice article. ખરેખર majority public માનસિક રીતે વિકલાંગ જ છે…. ક્યારેક રસ્તા પર થયેલા અકસ્માત ના videos ઉતારવા કે પછી ફેસબુક અપડેટ કરવામાં, ઘાયલ થયેલા ને મદદ કરવા નું પણ યાદ આવતું નથી.

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.