માણસ નામે લાગણી!

માણસ ભલે ગમે એટલો દાવો કરતો હોય કે તે વધુ ઈમોશનલ નથી કે તે લાગણીવેડામાં તણાતો નથી. પરંતુ માણસની અંદર લાગણી નામનું તત્ત્વ હોય હોયને હોય જ. તેને ક્યારે કઈ બાબત સાથે લાગણી બંધાય એની તેને ખૂદને ખબર નથી હોતી. એવું ન હોત વર્ષો બાદ જ્યારે જૂનું ઘર ખાલી કરીને નવા ઘરમાં રહેવા જવાનું થાય ત્યારે તેની આંખોના ખૂણામાં ભીનાસ કેમ આવતી હશે? ભલે પછી એ ભાડાનું મકાન હોય, પરંતુ જો એ ઘરમાં વર્ષો-દાયકા કાઢ્યા હોય અને પછી એ ઘર ખાલી કરવાનું થાય તો ભાડાના એ ઘરની દીવાલોને એક વાર અડકી લેવાનું કેમ એને મન થાય?
કારણ કે લાગણીશૂન્યતા માણસનો સ્વભાવ જ નથી. ટ્રેનમાં વર્ષોથી અપડાઉન કરીને ટ્રેન સાથે પણ અમારું એવું થાય છે. આમ ભલે દિવસનો બહુ ઓછો સમય અમારે ટ્રેનમાં પસાર કરવાનો હોય, પરંતુ એની સાથેની વર્ષોની યારી એવી ગાઢ હોય કે ટ્રેનના સંદર્ભનો કોઈક નાનકડો બદલાવ અમને ખટકી પડે.
એ સંદર્ભનું એક ઉદાહરણો જોઈએ.
અમદાવાદ તરફ જતા ગુજરાત એક્સપ્રેસનો નંબર વર્ષો સુધી 19011 હતો. હું સમજણો થયેલો અને અપડાઉન કરતો થયેલો ત્યારથી તો એ નંબર હતો જ. પાછળથી એટલે કે 2016ની આસપાસ રેલવે મંત્રાલય દ્વારા એવો નિર્ણય લેવાયો કે ગુજરાત એક્સપ્રેસને સુપરફાસ્ટનો દરજ્જો આપવો. સુપરફાસ્ટનો દરજ્જો અપાય એટલે ફરજિયાત ટ્રેનનો નંબર બદલવો પડે.  આખરે ટ્રેનનો નંબર બદલાયો પણ અને 19011ની જગ્યાએ 22953 નંબર અમારા ગુજરાતને મળ્યો. બોસ, તમે બિલિવ નહીં કરશો, પરંતુ જ્યારે ડેઈલી અપડાઉન કરનારા અમને બધાને આ વિશે ખબર પડી કે હવે આપણી ટ્રેન 19011 ગુજરાત એક્સપ્રેસ નથી, પરંતુ 22953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ છે તો બધાને જાણે ઝટકો લાગેલો. લોકો ત્યાં સુધી ચર્ચા કરવા માંડેલા કે ‘ભાઈ, આમ હો સુપરફાસ્ટ કરીને તોપ નથી ફોઈળી. સ્ટેશન તો એટલા ને એટલા જ છે. ખાલી પૈહા વધારે લેવા હારું આ ધંધા કઈરા છે. તો આપણે બધા મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર એક અરજી આપી આવીએ કે પૈહા જુવે તો વધારે લો, પણ અમારી ગાળીનો નંબર 19011 જ રાખો!’
જરા ઉંડાણથી વિચાર કરશો તો ખ્યાલ આવશે કે જે ટ્રેનમાં વર્ષોથી રોજ અપડાઉન કરવાનું બને છે એ ટ્રેનની ઓળખ બદલાય તો ડેઈલી અપડાઉન કરનારાઓને કંઈક વિચિત્ર લાગે છે! પોતાનાપણું નથી લાગતું! જોકે ટ્રેનનો નંબર તો બદલાઈને જ રહ્યો. પરંતુ પછી એક દોઢ વર્ષ સુધી એવી સ્થિતિ રહી કે સ્ટેશન પર ગુજરાત એક્સપ્રેસ આવવાની જાહેરાત થાય ત્યારે અમને એવું જ લાગતું કે આ અમારા ગુજરાતનું નહીં, પરંતુ કોઈ ભળતી જ ટ્રેનનું અનાઉન્સમેન્ટ થયું. બાકી, અમે તો  ‘યાત્રીગણ કૃપ્યા ધ્યન દીજીએએએએ, અહમદાબાદ કી ઔર જાનેવાલી 19011 ડાઉન ગુજરાત એક્સપ્રેસ થોડી હી દેર મેં પ્લેટફોરમ ક્રમાંક એક પર આને કી તૈયારી મેં હૈ…’ જેવા શબ્દો સાંભળવા કેળવાયેલા-ટેવાયેલા.
એની જગ્યાએ આ તો કોઈ ભળતો જ નંબર! અલબત્ત, આવી બાબતો બહુ નાની હોય છે અને સમય જતા માણસ તેના પરિવર્તન સાથે ટેવાઈ પણ જતો હોય છે, પરંતુ સવાલ આત્મીયતાનો છે કે માણસની જાતને કેવી કેવી બાબતો સાથે લગાવ થઈ જાય છે!
લગાવ પણ પાછો ત્યાં સુધી કે જો ત્રણ-ચાર વર્ષથી કોઈક જુવાન ટ્રેનમાં અપડાઉન કરતો થાય અને ક્યારેક તેને કોઈ જૂના મુસાફર સાથે કોઈક બાબતે રકઝક થઈ જાય તો જૂનો મુસાફર, નવા જુવાનિયાને કંઈક આમ કહે છે, ‘તમે તો મારા હારા આજકાલથી અપડાઉન કરો છો ને ભમરી કરો છો, પણ અમે તો ગુજરાત 19011 હતો ત્યારથી આ ગાળીમાં આવીએ છીએ. એટલે ફાજલ લવરી ની જુવે…. હું કીધું?’
લો લર લો બાત. માણસ પોતે કેટલા વર્ષોથી અપડાઉન કરે છે એનો પૂરાવો પણ ટ્રેનનાં જૂના નંબર પરથી મળે છે.
ટ્રેન સાથેના લગાવ અને આત્મીયતાનું આવું ઉદાહરણ સામાન્ય રીતે કોઈને ગળે ઉતરે ખરું?
અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

4 Comments
  1. Nice one.. hu jyare nani uti tyare mari notebook na putha sathe evo lagav k fati jay to school ma kachrapeti ma ni lakhvanu pan ghare avi saras gadi kari ne hachvi rakhva nu..

  2. સરસ લેખ . એક ગાડીનો નંબર બદલાવાની આટલી સંવેદના તો વિચારવું રહ્યું કે પિયર છોડવાની પીડા કેવી હશે. વળી પરણીને ત્યાં ઠરીઠામ થઈ પિયર જવાનું થાય અને માતપિતા, ભાઈભાંડુના મન જોઈ રહેવાનું હોય તો શું થાય? અંકિત , ખરેખર આટલી ઝીણી બાબતે ટ્રેન ટેલ્સ લખવાનું સૂઝ્યું તે જ પ્રશંસાયોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.