શું અમને પણ જીવવાનો અધિકાર નથી?

બિના સરૈયા કાપડિયા

નવ વર્ષની ગુડિયા મુંબઈના રેડ લાઇટ એરિયા કમાઠીપુરામાં કોઈના પગરવ સાંભળતાં જ થડકી જતી હતી. સજીધજીને બેઠેલી ગુડિયાને એ ખબર નહોતી કે પોતે કોના માટે તૈયાર થઈ છે. અચાનક પોલીસની રેઇડ પડે છે. ગુડિયાને લેવા માટે પોલીસ સાથે એક આધેડ વયની સ્ત્રી પણ આવી છે, જે તેને કાખમાં તેડી લે છે. ગુડિયાને કંઈ પણ સમજાતું નથી. ગાડીમાં ઠંડી હવાના ઝોકા સાથે તે સૂઈ જાય છે. જ્યારે ગુડિયા ઊઠે છે ત્યારે તે કોઈ અલગ જગ્યા પર હોય છે, જ્યાં કોઈ સુવરની નજર તેના શરીરને ચારે બાજુથી ફેંદી રહી નથી. પોતાના જેવી હમઉમ્ર છોકરીઓને જોઈને ગુડિયાને વધુ તો કંઈ ન સમજાયું, પણ કોઈ પિંજરામાંથી છૂટ્યાની આઝાદીની ખુશી તેના ચહેરા પર સાફ-સાફ દેખાઈ રહી હતી.

ગુડિયા અને તેના જેવી સંખ્યાબંધ છોકરીઓને વેશ્યાવ્યવસાયમાંથી બચાવનાર તે મહિલા એટલે રેસ્ક્યુ ફાઉન્ડેશનનાં વડાં ત્રિવેણી આચાર્ય અને ગુડિયાને જ્યાં લઈ જવાની હતી એ સ્થળ એટલે ત્રિવેણીબહેનના રેસ્ક્યુ ફાઉન્ડેશનની કાંદિવલી ઉપનગરની શાખા.

અમે ત્રિવેણી આચાર્યને મળવા તેમના રેસ્ક્યુ ફાઉન્ડેશનની શાખા ‘આશા કિરણ’પહોંચ્યા ત્યારે કડક સિક્યૉરિટીવાળા મોટા ગેટના નાનકડા દરવાજામાંથી મારું નામ વેરિફાય કરવામાં આવ્યું. ત્યારબાદ ત્રિવેણીબહેન સાથે પૂરતી ખાતરી કર્યા પછી જ ગેટ ખોલવામાં આવ્યો. સામે બે મોટા કૂતરા દેખાયા. ત્રિવેણીબહેનની ઑફિસમાં ચારે બાજુ તેમને મળેલા ઍવોર્ડ્સ નજરે પડે છે. એક બાજુ બે-ત્રણ મોટી બૅગ ખુલ્લી પડેલી છે, જેમાં સૅનિટરી નેપકિનથી લઈને છોકરીઓ માટે દાતાઓએ આપેલાં કપડાં હકડેઠઠ ભરેલાં હતાં.

રેસ્ક્યુ ફાઉન્ડેશન જબરદસ્તીથી વેશ્યાવ્યવસાયમાં ધકેલાયેલી બાળકીઓ, યુવતીઓ અને સ્ત્રીઓને રેસ્ક્યુ ઑપરેશન દ્વારા ત્યાંથી છોડાવીને સંસ્થામાં લઈ આવે છે. બધી લીગલ પ્રોસીજર ખતમ કર્યા બાદ તેઓ સંપૂર્ણપણે આઝાદ હોય છે. જો કોઈ છોકરીને પોતાનાં મા-બાપ પાસે જવું હોય તો તેના ગામ-શહેરની સંસ્થાનો સંપર્ક કરવામાં આવે છે, જેના દ્વારા તેના ઘરનું ઍડ્રેસ અને અન્ય વિગતો વેરિફાય કરાય છે. ત્યારબાદ તેને તેના ઘરે છોડવામાં આવે છે. જો તેનાં મા-બાપ તેને ન સ્વીકારે, એમ કહે કે અમારા માટે તો તે મરી ગઈ છે તો તેઓ આ સંસ્થામાં જ રહે છે. સ્કૂલ જવાની ઉંમર હોય એવી છોકરીઓને સ્કૂલમાં દાખલ કરાય છે. તેને હાઉસકીપિંગ, સિલાઈકામ, જ્વેલરી ડિઝાઇનિંગ વગેરે જેવા કામમાં પારંગત કરવામાં આવે છે. જો લગ્ન કરવાની ઉંમર હોય તો તેનાં લગ્ન કરી દેવાય. જો બાળક હોય તો તેના બાળકને સંભાળવાની સાથે તેને અન્ય કામમાં પારંગત કરી દેવાય. જો તેને લગ્ન કરવાં હોય પણ બાળકને સાથે ન લઈ જવું હોય તો રેસ્ક્યુ ફાઉન્ડેશન તેના બાળકને પોતાની પાસે રાખે છે. લગ્ન કરેલી દીકરી જેમ માના ઘરે આવે એેમ આવી છોકરીઓ પોતાના માવતર એટલે કે માના ઘરે આવે છે. તેમના માટે ત્રિવેણીબહેન એટલે મા અને તેમનાં બાળકો માટે નાનીમા.

ત્રિવેણી આચાર્ય

વર્ષો સુધી ક્રાઇમ રિપોર્ટર તરીકે અનેક ગુજરાતી પેપરોમાં કામ કરી ચૂકેલાં ત્રિવેણી આચાર્યને આવું કામ કરવાનું ક્યાંથી સૂઝ્યું? ત્રિવેણીબહેન કહે છે, ‘ઍક્ચ્યુઅલી થયું એવું કે એક વાર હું કોઈ સ્ટોરી માટે કમાઠીપુરા ગઈ હતી. ત્યાં નવ વર્ષની એક બાળાને વેશ્યાવ્યવસાયમાં ફસાયેલી જોઈને મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં! મેં એના પર એક સરસ સ્ટોરી લખી હતી, જે મારા હસબન્ડે વાંચી હતી. એક દિવસ તેમણે મને પૂછ્યું, ‘ત્રિવેણી, આ છોકરીઓ વિશે મારે જાણવું છે. તે બધી ક્યાંથી આવે છે? તેમને કેવી રીતે છોડાવાય?’ મેં કહ્યું, ‘એ તો મને નથી ખબર કે તેમને કેવી રીતે છોડાવાય; પણ હા, એ ખબર છે કે તેમને બહારથી લઈ આવીને અહીં દલાલો દ્વારા વેચી નાખવામાં આવે છે.’ તેમણે મને કહ્યું કે ‘તું તપાસ કરને, તું પત્રકાર છે.’ મેં સામે પૂછ્યું કે ‘તમને આવો વિચાર કેમ આવ્યો?’ ત્યારે તેમણે કહ્યું, ‘મારી દુકાનમાં એક બંગાળી છોકરો છે. તેને કમાઠીપુરાની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. બન્ને એકબીજાને મળે છે. છોકરી કહે છે કે તું મને અહીંથી કઢાવ. આપણે બન્ને લગ્ન કરી લઈએ. હવે તે છોકરો મને કહે છે કે તમે તે છોકરીને બહાર કાઢવામાં મારી મદદ કરો.’

‘મારા પતિએ એ વાત કરી એ પછી મેં મુંબઈના પોલીસ કમિશનર સાથે, નાગપાડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને, ઘણાબધા ફોન કરીને અંતે તે છોકરીને છોડાવી. ત્યારબાદ તો એ અરસામાં આવી છોકરીઓ માટે દેવદૂત બની ગયેલા ખૈરનાર સાહેબ વારંવાર રેડ લાઇટ એરિયામાં દરોડા પડાવતા હતા ત્યારે હું તેમની સાથે જવા લાગી. નાની-નાની છોકરીઓને વેશ્યાવ્યવસાયમાં ફસાયેલી જોઈને મારું મન ત્રાહિમામ્ પોકારી ઊઠતું. આ છોકરીઓને અહીંથી કેવી રીતે છોડાવવી એની મથામણ સતત મારા મનમાં થયા કરતી. એક દિવસ મારા પતિએ મને અચાનક કહ્યું: છોકરીઓને ઘરે લઈ આવ, આપણા ઘરમાં તેમને આશરો આપીશું. એ દિવસથી આવી છોકરીઓ માટે અમારું ઘર આશ્રયસ્થાન બન્યું. ધીરે-ધીરે આવી છોકરીઓની સંખ્યા વધતી ગઈ. અમારો બંગલો હતો, જ્યાં અમે છોકરીઓને રાખતા હતા. મારા પતિ તેમની દેખરેખમાં એટલા બધા ઓતપ્રોત થતા ગયા કે તેમણે પોતાની ઇલેક્ટ્રૉનિકની બે દુકાનો સંભાળવાનું બંધ કરીને આવી બાળકીઓને છોડાવવાથી માંડીને તેમના પુનર્વસન, ઘરે પાછી મોકલવાથી લઈને, તેમનાં લગ્ન કરાવવાની જવાબદારી સંભાળવા માંડી. તેઓ તેમને જુદા-જુદા વ્યવસાય દ્વારા પગભેર બનવામાં મદદરૂપ પણ થવા લાગ્યા. એક દિવસ તેમણે મને કહ્યું, ‘ત્રિવેણી, હું દુકાન બંધ કરું છું.’ મેં કહ્યું, ‘હું પણ જર્નલિઝમ છોડી દઉં છું. આપણે બેઉ આ જ સેવામાં વ્યસ્ત થઈ જઈએ.’ પણ તેમનું માનવું હતું કે જો બન્ને કામ છોડી દઈશું તો ઘર કેમ ચાલશે? એટલે મેં જર્નલિઝમ ચાલુ રાખ્યું અને તેઓ છોકરીઓને રેડ લાઇટ વિસ્તારોમાંથી છોડાવવામાં વ્યસ્ત થતા ગયા. જોકે 2005માં કાર-ઍક્સિડન્ટમાં તેમનું મૃત્યુ થયું. જોકે તેમનો ઍક્સિડન્ટ થયો નહોતો, પણ કરાવાયો હતો એવી મને શંકા છે; કારણ કે એ દિવસે કમાઠીપુરામાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈઓ વહેંચાઈ હતી. મારા પતિના મૃત્યુથી મને આઘાત લાગ્યો, પણ હું એ ઘટનાથી જરાય ગભરાઈ નહીં. બસ, ત્યારબાદ મેં એક પળનો પણ વિલંબ કર્યા વગર નોકરી છોડી દીધી અને રેસ્ક્યુ ઑપરેશનમાં રત થઈ ગઈ.’

એક બંગલામાં સાત-આઠ છોકરીઓને સાચવવાથી શરૂઆત કરનાર ત્રિવેણીબહેન આજે કાંદિવલી, બોઇસર, થાણે, પુણે અને દિલ્હીમાં રેસ્ક્યુ ફાઉન્ડેશનની શાખા ખોલી ચૂક્યાં છે. અત્યાર સુધીમાં લગભગ 7000 બાળકીઓ, યુવતીઓને તેઓ રેડ લાઇટ એરિયામાંથી છોડાવી ચૂક્યાં છે.

‘આવી છોકરીઓને છોડાવવાનું કામ બહુ અઘરું અને જોખમી છે. તમે આ કામ કઈ રીતે પાર પાડો છો?’

અમારા સવાલના જવાબમાં ત્રિવેણીબહેન કહે છે, ‘અમારી આખી એક્સપટર્સની ટીમ છે. તેઓ સ્પાય કૅમેરા સાથે આવા વિસ્તારમાં ગ્રાહક બનીને જાય છે. નાની છોકરીઓને કે યુવતીઓને પહેલાં ભરોસામાં લે છે. ત્યારબાદ પોલીસની મદદથી એ જગ્યા પર છાપો મારવામાં આવે છે અને તે યુવતી ઉપરાંત જે સ્ત્રીઓ વેશ્યાવ્યવસાયના દોજખમાંથી છૂટવા માગતી હોય તેમને છોડાવે છે. જોકે એ પહેલાં તેમની પાસેથી બાંયધરી લેવામાં આવે છે કે તેઓ પોતાની મરજીથી અહીં આવી છે. અહીં આવ્યા બાદ 21 દિવસ સુધી તેમનું કાઉન્સેલિંગ કરાય છે. તેમને ગુટકા, ડ્રગ્સ, સિગારેટ વગેરે વ્યસનોની આદત પડી ગઈ હોય છે એમાંથી બહાર કાઢવાની કોશિશ કરાય છે. 21 દિવસ બાદ ફરી તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે છે. ત્યારે તે છોકરી કહે કે મારે અહી રહેવું છે, તો એ મુજબ પ્રોસિજર થાય. જો તે એમ કહે કે મારે પાછું જવું છે તો અમે કંઈ જ કરી શકતા નથી. અલબત્ત, ત્યાંથી રેસ્ક્યુ કરીને છોકરીને લઈ આવીએ એ પહેલાં જ તેને પૂછી લેવામાં આવ્યું હોય છે કે તારે અહીંથી નીકળવું છેને? કારણ કે અહીંથી નીકળ્યા પછી એક ડિસિપ્લિનવાળી લાઇફ જીવવી પડશે. જો છોકરીની હા હોય તો જ અમે તેને છોડાવીએ.’

જોકે આ કામ એટલું સરળ નથી. એમાં જાનનું જોખમ પણ હોય છે. ત્રિવેણીબહેન કહે છે, ‘અમે જે છોકરીઓને છોડાવીએ છીએ તેમને ગેરકાયદે કામ કરાવવા બદલ દલાલોને કડક જેલની સજા થાય છે. એને લીધે અમારી સંસ્થા તેમના માટે ગળામાં ફસાયેલા હાડકા જેવી હોય છે. આ દલાલોની ખતરનાક સિન્ડિકેટ છે, જેનો સામનો કરવો ઘણી વાર ખૂબ જ કઠિન થઈ જતો હોય છે. અમને આ લોકો તરફથી વારંવાર મોતની ધમકીઓ મળે છે. અમારા પર ઘણી વાર હુમલો પણ થયો છે. હજી થોડા સમય પહેલાં જ અમારો સ્ટાફ કારમાં જઈ રહ્યો હતો ત્યારે તેમના પર ખતરનાક હુમલો થયો હતો. એ હુમલા પછી મારો આખો સ્ટાફ આઇસીયુમાં હતો! આવા હુમલાઓ અમે અનેક વાર સહન કર્યા છે.’

‘જ્યારે આવા બનાવ બને ત્યારે એવો વિચાર આવે કે બધું જ છોડી દઉં?’

આ સવાલનો જવાબ ખૂબ જ દૃઢતાથી આપતાં ત્રિવેણીબહેન કહે છે, ‘ઘણી વાર વિચાર આવે. મારા જાનનું જોખમ હોય ત્યાં સુધી તો સમજ્યા, પણ સ્ટાફે શું બગાડ્યું છે એવો વિચાર આવે. જોકે આવા બનાવ મને ઑર મજબૂત બનાવે છે. હું સ્ટાફને મોટિવેટ કરું છું, સમજાવું છું કે તારી દીકરી કે બહેન સાથે આવું થયું હોત તો? તું બધું છોડીને ભાગી જાત? જોકે ઈશ્વરની દયા છે કે મારો સ્ટાફ ખૂબ જ કમિટમેન્ટવાળો છે. એ બધા મારી સાથે ઊભા હોય છે. એનું એક કારણ એ પણ છે કે મારા સ્ટાફના અમુક છોકરાઓ આવી રેસ્ક્યુ કરાયેલી છોકરીઓ સાથે પરણેલા છે. ઘણી વાર તેઓ નાસીપાસ થાય તો તેમની પત્ની જ તેમને સમજાવે કે મારી સાથે આવું થયું હોત તો?  આ પરિસ્થિતિ તેમને કામ કરવાનું ઘણું જોમ આપે છે.’

‘ભારતમાં સેલિબ્રિટીઝ, રાજકારણીઓ, સ્પોર્ટ્સમેન આ બધાને સિક્યૉરિટી મળે છે તો આવા સમાજોપયોગી કામ કરવા માટે કોઈ સિક્યૉરિટી મળે છે કે નહીં?’

ત્રિવેણીબહેન કહે છે, ‘બોઇસર અને પુણેની શાખામાં બે પોલીસમેન સતત રહે છે. બે દિવસના અને બે રાતે. જોકે મુંબઈમાં અત્યારે અમારી પાસે પોલીસનું સુરક્ષાકવચ નથી. ગણપતિ બાદ પોલીસ-સિક્યૉરિટી હટાવી લેવાઈ છે. જોકે એનો મતલબ એમ નથી કે હું કંઈ કામ ન કરું, ઘરમાં બેસી રહું. ડરી-ડરીને કેવી રીતે જીવાય? હું એમ વિચાર કરું છું કે મોતનો ક્યાં ભરોસો છે? કાલે સવારે અગર મારો કારમાં ઍક્સિડન્ટ થઈ જાય તો? એટલે પોલીસ-સિક્યૉરિટી હોય કે ન હોય, મારું કામ તો ચાલુ જ રહે છે.’

ફૂલ જેવી નાની છોકરીઓ આવા વ્યવસાયમાં કેવી રીતે ધકેલાઈ જાય છે એ વિશે ત્રિવેણીબહેન વાત કરે છે, ‘ખૂબ જ નાનકડા ગામમાંથી અથવા તો એકદમ ગરીબ ઘરની છોકરીઓને દલાલો ટાર્ગેટ બનાવે છે. તેમના કુટુંબને લોન કે કરજના નામે પહેલાં પૈસા આપે છે અને બદલામાં છોકરીને વેચી નાખે છે અથવા તો કહેશે કે શહેરમાં લઈ જઈને તેને કામ અપાવશે. હકીકતમાં આવું કંઈ જ થતું નથી. તેમને સીધી વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેવામાં આવે છે. આવી છોકરીઓ પર પૂરતો અંકુશ રાખવા માટે ગામમાં તેમનાં મા-બાપ પર ખૂબ જ જુલમ કરાય છે. એક વાર છોકરી રેડ લાઇટ વિસ્તારમાં આવી જાય એટલે તેના બધા જ દસ્તાવેજો-પુરાવાઓ કોઠાનો માલિક છુપાવીને રાખે છે. તે ક્યાંય બહાર હરવા-ફરવા ન જઈ શકે. મા-બાપે લીધેલા કરજ પર તગડું વ્યાજ લગાડવામાં આવે છે. સાથોસાથ છોકરીના રહેવા, ખાવા-પીવાનો ખર્ચ અને જો તે કોઈ ભૂલ કરે તો તેની કમાણીમાંથી રકમ કાપી નાખવા જેવા કડક કાયદાને લીધે એવી છોકરીઓ પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. તે છોકરીઓ પાસે કોઈ બચત રહેતી નથી એટલે જીવનભર ગુલામી કરવા સિવાય બીજો કોઈ રસ્તો તેમને દેખાતો નથી. બીજું તેમને દારૂ, ગુટકા, ડ્રગ્સ જેવા નશાની લત લગાવી દેવાય છે જેને કારણે તેઓ ત્યાંથી ક્યાંય જવાનું નામ ન લે. વળી તેમને રહેવા માટે જે જગ્યા આપવામાં આવે છે એ ગેરકાયદે હોય છે, જેને કારણે તે કોઈ સરકારી અધિકારી પાસે પણ મદદ માગવા ન જઈ શકે. એટલે તો એક વાર છોકરી અહીં આવે એટલે અમે તેને રીહૅબિલિટેશન સેન્ટરમાં મોકલીએ છીએ.’

‘આશા કિરણ’ પાંચ માળનું આખું બિલ્ડિંગ છે જેમાં દરેક ફ્લોર પર અલગ-અલગ કામ થાય છે. અમે ગયા ત્યારે બ્લૅક બોર્ડ પર નોટિસમાં લખેલું હતું કે આજે ફલાણા ભાઈનો જન્મદિવસ છે તો તેમના તરફથી આજે જમણવાર છે. આ વિશે વાત કરતાં ત્રિવેણીબહેને કહ્યું, ‘ઘણા માણસો આવી રીતે આગળ આવે છે. તેમના જન્મદિવસ માટે તેઓ અમને જ કહી દે જમણવારની વ્યવસ્થા કરવાનું. અમારા ટિફિન-સર્વિસવાળા માણસો છે જેઓ ગરમ-ગરમ તાજી રસોઈ બનાવીને લઈ આવે. કોઈ બિસ્કિટ્સ આપી જાય, તો કોઈ કેક.’

દરેક ફ્લોર પર હું અને ફોટોગ્રાફર રાકેશ દવે ત્રિવેણીબહેન સાથે ગયાં. તેમની પાસે શેલ્ટર સ્ટાફ છે, જેમાં સુપરિન્ટેન્ડેન્ટ બધી જ છોકરીઓને હેલ્થથી માંડીને તેમના કામની બધી જ ડીટેલ્સ રાખે છે. તેમના ચોપડામાં દરેક છોકરીની નાનામાં નાની ડીટેલ્સ હોય છે. દરરોજ બધાં જ સેક્શનનું કામ બરાબર થાય છે કે નહીં એની ચાંપતી નજર રાખવાનું કામ તેમનું. તેમની પાસે ઉચ્ચ કક્ષાના વકીલો છે જેઓ બધી જ લીગલ પ્રોસિજર જુએ છે. ત્રિવેણીબહેનની ગેરહાજરીમાં તેમનો તાલીમબદ્ધ સ્ટાફ બરાબર કામ કરે છે.

અલબત્ત, આટલાં બધાં માથાંને સાથે લઈને ચાલવું એ ખાવાનાં કામ તો નથી જ. ત્રિવેણીબહેનની નજર અમારી સાથે વાત કરતાં-કરતાં સતત કમ્પ્યુટરની સ્ક્રીન પર ફરતી રહે છે, જેમાં દરેક ફ્લોરની ખબર મળી રહે છે. વચ્ચે-વચ્ચે તેઓ તેમના કોઈ સહાયકને પૂછી લે છે: ‘પાછળ કામ કરતા કડિયાનું કામ ક્યાં પહોંચ્યું, ક્યારે પતશે? હવે લીકેજ નહીં થાયને?’ તો થોડી જ વારમાં સામે મળેલા સુપરિન્ટેન્ડેન્ટને તેઓ પૂછે છે: ‘કાલે પછી છોકરીઓની ટ્રેન છૂટી ગઈ હતી તો કેવી રીતે ગઈ?’ પછી અમારી સાથે વાત કરતાં કહે છે, ‘કાલે અમારી છોકરીઓ બૅન્ગલોર, ઊટી કૅમ્પમાં ગઈ છે. તેમની થર્ડ એસી કોચની ટિકિટ હતી, પણ એ લોકો સ્ટેશન પર મોડા પહોંચ્યા એટલે ટ્રેન છૂટી ગઈ હતી.’ સુપરિન્ટેન્ડેન્ટ જવાબ આપે છે કે ટ્રેન છૂટી ગઈ એટલે પછી તેમને બીજી ટ્રેનમાં બેસાડીને રવાના કરી.

એક-એક ફ્લોર ચડતા-ચડતા અમારી સાથે વાતો ચાલુ હતી. સિલાઈ મશીનનો રૂમ, જ્વેલરી ડિઝાઇનિંગનો રૂમ, કમ્પ્યુટર ટ્રેઇનિંગનો રૂમ, આર્ટ, કિચન વગેરે તેઓ અમને બતાવે છે. કિચનમાં બધી છોકરીઓ એકસાથે લાઇનમાં જમવા બેઠી હતી. પાંચ-છ છોકરીઓના ખોળામાં નાનાં જન્મેલાં બાળક હતાં. કોઈ પૂછે છે, ‘મમ્મી, આપને ખાના ખાયા?’ ત્રિવેણીબહેન જવાબ આપે છે: ‘મૈં ટિફિન લાઈ હૂં.’ બીજી એક છોકરીના બાળકને તેડીને વહાલથી કહે છે, ‘નાની કો નહીં પેહચાનતી? રો રહી હૈ? તૂ ખાના નહીં ખા રહી હૈ?’ તો કોઈ છોકરીને તેઓ કહે છે, ‘ગુડિયા કો કિસી ઔર કો સંભાલને દે, તૂ ખાના ખા લે.’ એકેએક છોકરી ત્રિવેણીબહેનને મમ્મી કહીને સંબોધે છે અને તે છોકરીઓ-યુવતીઓનાં બાળકો નાની કહીને બોલાવે છે. દરેક ફ્લોરની જાળી લૉક હોય, દરેક ફ્લોર પર ઇન્ટરકૉમ છે. ઇન્ટરકૉમ પર વાત થાય તો જ છોકરીઓ જાળીનું લૉક ખોલે. કોઈ પણ છોકરી ત્રિવેણીબહેન સાથે ઇન્ટરકૉમથી વાત કરી શકે છે. એટલે કોઈ સમસ્યાઓ હોય તો એનો પણ હલ આવી જાય. અમેરિકન ડાયમન્ડ્સનું કામ છોકરીઓ કરે છે, પણ એક પણ ડાયમન્ડ આઘોપાછો ન થાય એની પૂરતી જવાબદારી છોકરીઓની પોતાની. સંસ્થામાં રાખેલા બે કૂતરા પણ ત્રિવેણીબહેનના એટલા જ હેવાયા. એકને વહાલ કરે તો બીજાને ખોટું લાગી જાય. બન્નેને બોલાવવાના અને બન્નેને ભેટવાનું જ.

ત્રિવેણીબહેન માહિતી આપે છે: ‘કાંદિવલીની આ જગ્યા એક દાતાએ આપેલી છે. એવી જ રીતે બોઇસરમાં વિશાળ પ્લૉટ દાનમાં મળ્યો છે. ખૂબ જ મોટું ચોગાન છે. બાજુમાં એચઆઇવીગ્રસ્ત છોકરીઓ માટે હૉસ્પિટલ શરૂ કરી છે. જે છોકરીઓને બચાવવામાં આવે છે તેમાંની 30 ટકા એચઆઇવીનો ભોગ બનેલી જ હોય છે. ત્યાં તેમનો ઇલાજ કરવામાં આવે છે. બોઇસરની સંસ્થામાં પણ કરાટે, યોગ, સિલાઈકામ, કમ્પ્યુટર, આર્ટ બધું જ શીખવાડાય છે. અમારી સાથે વાત કરતાં-કરતાં વચ્ચે ત્રિવેણીબહેને બોઇસરની શાખામાં ફોન લગાડ્યો. વાત પૂરી થઈ એટલે તેમણે અમને કહ્યું: ‘અમે આજે બોઇસરમાં એક મ્યુઝિકલ પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં અહીંથી છોકરીઓને લઈ જવાની હતી; પણ ગઈ કાલે અમારી બોઇસરની શાખામાં વર્ષો જૂનો નેપાલી વૉચમૅન હાર્ટ- અટૅક આવવાથી ગુજરી ગયો. ઘણાં વર્ષોથી તેઓ અમારી સાથે હતા. તેમને ત્યાં જ જગ્યા આપી હતી રહેવા માટે. એક પિતાની જેમ તેઓ છોકરીઓ સાથે રહેતા હતા. અચાનક તેમના મૃત્યુના સમાચાર આવ્યા એટલે અમે મ્યુઝિકલ પ્રોગ્રામ કૅન્સલ કર્યો.’

અમે વાત કરતા હતા ત્યાં એક માણસ તેના છોકરાનો બાયોડેટા લઈને આવ્યો. તે માણસ કહે છે: ‘છોકરો સારો છે, કોઈ છોકરી હોય તો બતાવોને!’ તે માણસ વાત કરીને ગયો એટલે ત્રિવેણીબહેને હસીને કહ્યું, ‘અમારી છોકરીઓ માટે રેગ્યુલર માગાં આવે છે. અત્યારે મારી પાસે 2,000 જેટલા છોકરાઓના બાયોડેટા છે. અમારી છોકરીઓનાં જ્યાં લગ્ન થાય છે એમાં મોટા ભાગના પરિવાર ગુજરાતી હોય છે. હું છોકરીઓનાં લગ્ન પછી તેમને સાસરે મળવા પણ જાઉં છું. મારી છોકરીઓ સુખી છે એ જોઈને મને ખૂબ જ સંતોષ થાય છે. તેઓ પણ મને નિયમિત મળવા આવે છે.’

તેઓ વધુ માહિતી આપે છે: ‘રીહૅબિલિટેશન સેન્ટરમાં છોકરી આવે એટલે ત્રણ વર્ષ તો અમારી પાસે રહે જ. એ લોકોને અમે એસ.એસ.સી. સુધી ભણાવી દઈએ. એટલે છોકરીઓ એસ.એસ.સી. સુધી તો ભણે જ. પછી તેમને નર્સિંગનો કોર્સ, ફૅશન ડિઝાઇનિંગ, હૉસ્પિટાલિટી, ક્લીનિંગ વગેરેમાંથી જેમાં ઇચ્છા હોય એ કરાવીએ. એટલે તે કમાતી થઈ જાય. મારી અમુક છોકરીઓ ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ તથા બીજી કેટલીક હૉસ્પિટલમાં ક્લીનિંગમાં સ્ટાફ તરીકે જોડાયેલી છે. કેટલીક હોટેલોમાં કામ કરે છે તો કેટલીક ઍરપોર્ટ પર કામ કરે છે.’

‘તો શું એક વાર છોકરી કામે લાગી જાય એટલે તમે તમારી જવાબદારીમાંથી છુટા?’ અમે પૂછીએ છીએ.

ત્રિવેણીબહેન તરત જ જવાબ આપે છે, ‘ના, ના, પછી તો અમારે તો તેમનું ફૉલોઅપ કરવાનું હોય. તેમને રહેવા માટે ઘર લઈ આપવાનાં હોય. ગોરેગામ (ઇસ્ટ)માં દિન્ડોશી વિસ્તારમાં નાગ્રીપાડામાં તથા ચારકોપમાં બંગલામાં તેમની રહેવાની સગવડ કરી આપી છું. જોકે ચારકોપનો બંગલો મારો જ છે, પણ મને તે છોકરીઓ પાસેથી ભાડું લેવાનું ગમતું નથી એટલે હવે મેં તેમના રહેવાની બીજી જગ્યાની પણ વ્યવસ્થા કરી છે.’

અમુક નાની છોકરીઓ દત્તક લેવાય છે તો અમુક અહીં અમારી સંસ્થામાં જ રહે છે. આ નાની છોકરીઓ સ્કૂલમાં જાય છે. તેઓ દરરોજ સ્કૂલમાં જાય ત્યારે મને મળીને જાય અને પાછી આવે ત્યારે પણ મને મળીને જાય. પરણેલી છોકરીઓ જે તેમના બાળકને અહીં છોડી જાય છે તેમની સાથે અમને બહુ માયા બંધાઈ જાય છે. આવી છોકરીઓને તેઓ સંસ્થામાં જ રાખી લે છે. એમાંની અમુક છોકરીઓ હૉસ્ટેલમાં ભણે છે.

ત્રિવેણીબહેનને તેમનાં સંતાનો વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, ‘મારું પોતાનું સંતાન નથી. આવી રીતે રેસ્ક્યુ કરાયેલી છોકરીના જ એક દીકરાને મેં દત્તક લીધો છે. તેનું નામ લવ છે. ઘણી વાર મને મોતની ધમકીઓ મળે ત્યારે તે અકળાઈને કહે છે, ‘મમ્મી, આવું કામ શું કામ કરો છો? છોડી દોને!’ ત્યારે હું તેને સમજાવું છું. લવને એ ખબર છે કે મેં તેને જન્મ નથી આપ્યો, પણ એ ખબર નથી કે તેની મા આવી રીતે રેસ્ક્યુ કરાયેલી જ કોઈ છોકરી છે. કદાચ જ્યારે તેને આ વાતની જાણ થશે ત્યારે તેના વિચાર અલગ હશે.’

‘તો શું ભવિષ્યમાં તે પણ તમારી જેમ રેસ્ક્યુ ઑપરેશનમાં લાગી જશે?’

ત્રિવેણીબહેન કહે છે, ‘હજી તો તે 16 વર્ષનો જ છે. પણ હા, ભવિષ્યમાં તે મારી સાથે કામ પણ કરે. કદાચ તેને તેની સાચી માની હકીકત જાણ થશે તો તે પોતે જ આ કામમાં આવી જશે.’

‘રેડ લાઇટ એરિયામાંથી છોકરીઓને છોડાવવાની જોખમી પ્રવૃત્તિ વચ્ચે માનસિક તનાવથી મુક્ત રહેવા માટે શું કરો છો?’

ત્રિવેણીબહેન કહે છે, ‘હું મેડિટેશન કરું છું. હું વિપશ્યનાની ભક્ત છું. એ કરવાથી મને આંતરિક શક્તિ મળે છે. હું વધુ માનસિક રીતે મજબૂત બનું છું.’

આવાં સરાહનીય કાર્યો કરવા બદલ ત્રિવેણીબહેન દેશવિદેશના અનેક પુરસ્કારોથી સન્માનિત થયાં છે. તેમને અમેરિકાના વિમેન્સ પીસ પાવર ફાઉન્ડેશનના શાંતિ પુરસ્કાર ‘વુમન ઑફ પીસ ઍવૉર્ડ’થી નવાજિત કરવામાં આવ્યાં હતાં. આ માટે વિશ્વની માત્ર ત્રણ મહિલાઓની પસંદગી થઈ હતી. એમાંનાં એક ત્રિવેણીબહેન હતાં. તેમને ભારત સરકારે પણ અનેક ઍવોર્ડ્સ આપ્યા છે.

સતત બાળકોઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારતાં ત્રિવેણીબહેન કહે છે: ‘જો ડિમાન્ડ બંધ થશે તો સપ્લાય ઑટોમૅટિકલી બંધ થઈ જ જશે. પુરુષે પોતાની સોચ બદલવાની જરૂર છે. મારી સમાજને ખાસ વિનંતી છે કે રેસ્ક્યુમાં છૂટેલી છોકરીને ‘સૂગ’થી ન જુઓ. તે પોતાની મરજીથી નહીં, મજબૂરીથી આ લાઇનમાં આવી છે. તેને નૉર્મલ લાઇફ જીવવાનો હક છે, જે આપણે બધાએ તેને આપવો જોઈએ.’

(તસવીરોઃ રાકેશ દવે)

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

1 Comment

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.