અમુક દૃશ્યો…

અમુક દૃશ્યો ઓચિંતા જ જોવાય, પણ દિલને જે બળતરા થાય એ વર્ણવી ન શકાય. આમેય આપણા સૌના ભાગે બળવા સિવાય બીજું કશું નથી આવ્યું. આવડા મોટા દેશ કે દુનિયામાં એક અદના આપણે ધારીને પણ કશું કરી શકતા નથી. વાત એમ હતી કે મુંબઈથી અમદાવાદ જઈ રહેલી ૨૨૯૫૩ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરત પ્લેટફોર્મ પર પ્રવેશવાની તૈયારીમાં હતી.

સહારા દરવાજાનું ગરનાળું પાછળ ગયું અને રેગ્યુલર રેલવે ટ્રેકની સમાંતરે રેલવે યાર્ડ ચાલી રહ્યો હતો. ભૂખરા મેદાનમાં વચ્ચે વચ્ચે પીળા પટ્ટા દેખાતા હતા. દૂરથી જ ખબર પડી જાય કે યાર્ડમાં ગુડ્સ ટ્રેન ખાલી કરતી વખતે રેલવેવાળાની બેદરકારીથી અથવા અન્ય કોઈ પણ કારણે ઘણો માલ ઢોળાયો હતો.

સહેજ ઝીણી નજર કરીને જોયું તો એ પીળા પટ્ટા ઘઉંના હતા, જે યાર્ડની ધૂળ, સિમેન્ટ અને પાણીના ખાબોચિયા વચ્ચે પોતાની જુદી ભાત ઉપસાવી રહ્યા હતા. એટલે કે એકાદ ઘર એકાદ વર્ષ સુધી ખાઈ શકે એટલા ઘઉં એ યાર્ડના મેદાનમાં છૂટક છૂટક વેરાયેલા હતા.

ટ્રેન હજુ થોડી જ આગળ વધી હશે ત્યાં નજર પડી કે એક કૃશકાય સ્ત્રી, વૃદ્ધા જ વળી, નીચે બેસીને એક કોથળીમાં જમીન પર ધૂળ-સિમેન્ટમાં પડેલા ઘઉંને એકત્રિત કરી રહી હતી. બસ આ જ દૃશ્યની વાત કરું છું, જે મેં એકાદ ક્ષણ પૂરતું જ જોયું હશે, પણ તેની અસર ઘણી લાંબી રહી…

મનમાં થયું એક તરફ રેલવેના ટ્રેક પર અઢળક પ્રમાણમાં ત્યજાયેલો ખોરાક જોવા મળે છે. લગ્નોમાંય લોકો અધધધ કહી શકાય એટલો ખોરાક ફેંકી દે છે. તો આપણે જ્યારે આપાણી થાળીમાં અડધી રોટલી કે ઘણું બધું શાક કે કચુંબર બગાડીએ ત્યારે એવો વિચાર કરીએ છીએ ખરા કે આપણે જે ખોરાકને બગાડી રહ્યા છીએ એ ખોરાક  માટે આપણી સાથે જ આ ગ્રહ પર જીવતો મોટો વર્ગ વલખાં મારી રહ્યો છે?

આપણામાંનું જ કોઈક જમીન પર પડેલા, ધૂળમાં રગદોળાયેલા, વરસાદમાં ભીંજાયેલા, જીવાતોનો ભોગ બનેલા ઘઉં થેલીમાં ભરવા મજબૂર થાય ત્યારે એક ક્ષણ માટેય આપણને એમ ન થાય કે ખોરાક બાબતે સમાનતા હોવી જોઈએ? કે બધાને પૂરતો-સ્વચ્છ ખોરાક તો મળી જ રહેવો જોઈએ?

સાથે જ એમ પણ વિચાર ન આવે કે આપણે હવે ક્યારેય ખોરાક બગાડવો નથી…?

અંકિત દેસાઈ
અંકિત દેસાઈ

માણસ તરીકે જન્મ્યો છું, પણ માણસ થઈ શક્યો નથી. માણસ બનવાનો પ્રયત્ન ચાલુ છે, તોય ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક લાલચ થઈ આવે ને ક્યારેક કોઈને પછાડી દેવાની પૈશાચી ઈચ્છા થઈ આવે છે. જાતમાંથી આ બધુ બાદ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. આશા રાખીએ કે એમાં સફળતા મળે! લેખક છું એનો પુરાવો આપવા માટે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, બીજું પાઈપલાઈનમાં છે અને ત્રીજું લખવાની ઈચ્છા થયા કરે છે. પણ આળસ સાથેનો નાતો સાત જન્મ જૂનો છે એટલે કરવા જેવું ઘણું કરી શકતો નથી....

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.